મુદતિયા તાવ... આવ આવ .

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
મુદતિયા તાવ... આવ આવ                            . 1 - image


- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

પથુકાકા બે દિવસથી દેખાતા નહોતા એટલે ખબર કાઢવા પહોંચ્યો. હું ઘરમાં દાખલ થયો અને બે જણ બહાર નીકળ્યા. મને થયું કે એ પણ ખબર કાઢવા આવ્યા હશે. દીવાનખાનામાં પલંગ ઉપર કાકા બ્લેન્કેટ ઓઢીને પડયા હતા. મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું, 'શું થયું કાકા?'

પથુકાકાએ જરાક બ્લેન્કેટ હટાવી ધીમા અવાજે જવાબ આપ્યો, 'મુદતિયો તાવ છે મુદતિયો તાવ...' આ સાંભળી (હો)બાળાકાકી તાડૂક્યાં, 'મુદતિયા તાવનું શું નાટક કરો છો? થાવ ઊભા, ભૂંડા લાગો છો.' 

કાકીની ત્રાડ સાંભળી ફફડી ઉઠેલા કાકા બેઠા થઈ ગયા. મેં નવાઈ પામી પૂછ્યું, 'કાકી, મુદતિયા તાવનું શું નાટકર કરે છે કાકા?'

કાકી બોલ્યાં, 'આ તારા ઉધારચંદ કાકા ગામ આખા પાસેથી ઉધાર પૈસા લઈ આવે અને પછી કોઈને મહિનામાં તો કોઈને બે મહિનામાં પાછા આપી દઈશ એવી મુદત આપે. હવે જ્યારે  આપેલી મુદતે પેલા પૈસા લેવા આવે ત્યારે તાવનું બહાનું કાઢી ધાબળો ઓઢી સૂઈ જાય છે, એટલે આને અમે મુદતિયો તાવ કહીએ છીએ. સમજાયું?'

પથુકાકા તો ખોંખારો ખાઈને ટટ્ટાર બેસી જાણે મોટી બહાદુરી કરી હોય ધોળી મૂછો ઉપર હાથ ફેરવવા માંડયા.  મેં પૂછ્યું, 'કાકા, શું કરો છો?' કાકાએ અંગ્રેજી આવડે છે તેનું પ્રદર્શન કરતા બોલ્યા, 'મૂછોને ફિવર આપું છું જોતો નથી?' મેં પૂછ્યું, 'એટલે?' ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'મૂછોને ફિવર આપું છું  એટલે મૂછોને તાવ આપું છું, એટલું પણ નથી સમજાતું તને?'

મેં મજાકમાં કાકીનેકહ્યું, 'કાકાને આ મુદતિયા તાવમાં ક્યાંક સન્નેપાત નથી ઉપડયોને?' સવાલ સાંભળી કાકીએ સિક્સર મારતાં કહ્યું ,' સન્નેપાત તો ત્રીજી મુદત માટે સત્તા પર આવેલા હોય એ બધાને ઉપડયો હોય એવું લાગે છે. બોલ બોલ કર્યા જ કરે છેને?'

પથુકાકાએ ડિબેટમાં ડબકું મૂકતાં કહ્યું,'સત્તાનો તાવ મગજમાં ચડી જાયત્યારેશું થાય? તાવ માપવા માટે થર્મોમીટર વપરાય, પણ મુદતનો (ટર્મનો) મુદતિયો તાવ માપવા હજી 'ટર્મોમીટર' ક્યાં શોધાયું છે?'

મેં કહ્યું, 'કાકા, ટર્મનું માપ કાઢવા ટર્મોમીટર નથી શોધાયું એમ ધર્મોના  વિખવાદોનું  માપ કાઢવા ધર્મોમીટર પણ ક્યાં શોધાયા છે?'

કાકીએ ડબકું મૂકતાં કહ્યું , 'સત્તાના તાવે જે ધગધગતા હોય એને જોઈ કહેવું પડે કે જેના હાથમાં સત્તા આવે એ બીજાને સ-તાવે અને વિપક્ષને પ-તાવે... આમાં ક્યાંથી આરો આવે?'

મેં કાકીની વાતમાં સૂર પૂરાવતા કહ્યું, 'તાવમાં ફરક પડે, બાકી વર્તવામાં ફરક ન પડે.'

મુદતિયા તાવમાંથી ઓચિંતા બેઠા થયેલા પથુકાકાએ હળવાશથી કહ્યું, 'હે ગોરાણી... તાવમાં મોઢું કડવું થઈ ગયું છે, કંઈક મોઢે લાગે એવાં  ભજિયા-બજિયા બનાવોતો ટેસથી ઝાપટીએ...'

(હો)બાળાકાકી તાડૂક્યાં, 'મુદતિયા તાવની ઢોંગબાજીથી ક્યારે બહાર આવશો? ઉછીઉધારા કરવામાં 'ઉપરવાળા'ની તો જરા શરમ રાખો?' કાકા નકટાઈ દેખાડતા બોલ્યા, 'ઉપરવાળાની શું શરમ રાખું? ઉપરના માળે ઢોંગ-રેસ (ઢોંગ્રેસ)ના નેતા રહે છે. એ બધાએ પૈસા હજમ કરવામાં અત્યાર સુધી ક્યાં કોઈની શરમ  રાખી છે?' 

કપાળ કૂટતાં કાકી બોલ્યાં, 'તાવ મગજમાં ચડી ગયો છે કે શું?  ઉપરવાળાની એટલે ભગવાનની શરમ રાખવાની વાત કરૂં છું અને તમે ઢોંગ્રેસી નેતાની વાત કરો છો? એનેે તો ચૂંટણી આવે ત્યારે ભગવાન યાદ આવે, આવા તકવાદી અને તકલાદી લીડરોને  જોઈ પેલી પંક્તિ યાદ આવે છે- પ્રભુ, તારા બનાવેલા તને બનાવે છે...'

પથુકાકાએ કાકી વધુ પડતું જ્ઞાાન ખંખેરે એ પહેલાં ઈમરજન્સી બ્રેક મારતા કહ્યું,  'તાવમાં ફેર પડે, પણ વર્તાવમાં ફેર ન પડે એવી ડાહીડમરી વાતું થાય છે, પણ આ તારા વર-તાવમાં પડયા છે એની તને ફિકર નથી?'

આ સાંભળી કાકી ઊભા થયાં અને કાકાને કપાળે પ્રેમથી હાથ લગાડી લટકો કરી બાલ્યાં-

'ધણી મારા તાવમાં તપેલા

અને હું એની તપેલી,

કહ્યું ન કરૂં તો શું કરૂં?

ભલે ગાલાવેલીમાં ખપેલી.'

કાકીએ એકદમ યુ-ટર્ન લઈ પ્રેમનો રાગ આલાપ્યો એ જોઈ નવાઈ પામતા હું કાંઈ બોલું એ પહેલાં જ કાકાએ આંખ મારી કેલેન્ડર તરફ ઈશારો કરી કહ્યું, 'પહેલી તારીખ એટલે પગારના દિવસનો પરચો જોયોને?એટલે જ કહું છું કે-

'વેતનને દિવસે ફેર પડી જાય

વહુના વર્તાવમાં

ભલે સાચે કે ખોટે

વર પડયો હોય તાવમાં.'

ખાનાથી દવાખાના સુધી

અગાઉ નાના ગામડામાં ક્યાંક ક્યાંક નાડીવૈદના નામનાં પાટિયાં ઝૂલતાં નજરે પડતાં. હવે તો જાત જાતના અ-નાડીવેદ (ઇલાસ્ટિક વૈદ) ફૂટી નીકળ્યા છે. સ્વમૂત્રનો પ્રયોગ કરાવતા એક વૈદરાજે પોતાના ક્લિનિકની બહાર પાટિયું મૂકીને એમાં લખ્યું હતું - 'રેલોપથી ક્લિનિક'. હોમિયોપથીની મીઠી ગોળીઓ ખવડાવી ઓછામાં ઓછી ત્રણ-ચાર મહિલાદર્દીઓને દિલ દઈ ચૂકેલા એક ડાક્ટરના પાટિયાનું લખાણ જ કોઈ ફેરવી ગયું. હોમિયોપથીની જગ્યાએ ચોકથી કોઈએ લખી નાખ્યું હતું - 'રોમિયોપથી'. હજી ગયા અઠવાડિયે જ અમારી શેરીને નાકે નવું દવાખાનું ખૂલ્યું અને દરવાજે બોર્ડમાં લખાયું - 'પેટ ડોક્ટર'.

લોકો માંદા પડે ત્યારે ખબર કાઢવા જવાય, પણ મારું એવું છે કે હું જે દિવસે સાજો હોઉં એ દિવસે ઘણા ખબર કાઢી જાય છે. બે દિવસ પહેલાં જ હૃદયના ધબકારા સરકારી ઢબે ધીમા ચાલવા લાગ્યા. હું તો સીધો પહોંચ્યો ઓળખીતા હાર્ટ સ્પેશિયલસ્ટ ડો. દિલાવર પાસે. ડોક્ટરે છાતી પર સ્ટેથોસ્કોપનું ચકતું રાખીને તપાસવાની શરૂઆત કરી. પછી આંખ બંધ કરીને માથું ડોલાવવા માંડયા. મને ચિંતા થઈ. અડધા બેઠા થઈ મેં પૂછ્યું, 'ડોક્ટર, તમે હૃદયના ધબકારા સાંભળો છો કે શું કરો છો?' ે ડોક્ટરે આંખ ખોલી જવાબ આપ્યો, 'આ તો કમાલ થઈ ગઈ, તમે પહેલેથી સંગીતશોખીન રહ્યા એટલે તમારા હાર્ટબીટ તપાસવા સ્ટેથોસ્કોપ છાતીએ મૂક્યું તો 'દિલે નાદાં તૂઝે હુઆ ક્યા હૈ... આખિર ઇસ દર્દ કી દવા ક્યા હૈ' એ ગીતની સુરાવલી સંભળાય છે.' 

મને ઝટકો લાગ્યો. મેં ડોક્ટરના બંને કાનમાંથી ભૂંગળી ખેંચી કાઢીને રાડ પાડી કહ્યું, 'સંગીતની સુરાવલીની ક્યાં માંડો છો? સ્ટેથોસ્કોપની ભૂંગળીને બદલે મોબાઈલના ઈયરફોનની ભૂંગળી કાનમાં ભરાવો પછી આ ગીત જ સંભળાયને ?'

આવા ડોક્ટર ભટકાય ત્યારે હાર્ટએટેકને બદલે આર્ટએટેક જ આવેને?

મુંબઈમાં નવોસવો આવ્યો ત્યારે એક નજીકના ડોક્ટરની દવા લેતો. ડોક્ટર એવા ઉતાવળિયા કે હજી તો તપાસવાનું પૂરું કર્યા પહેલાં જ ગરડબડિયા અક્ષરમાં પ્રિસ્ક્રિપ્શન ઘસડી નાખે. ડોક્ટરના અક્ષર કેમિસ્ટ જ ઉકેલી શકે. એમાં એવું થયું કે અમારા લત્તાની જે એક છોકરી સાથે ડોક્ટર પ્રેમમાં પટકાયા. દિવસમાં ચારપાંચ ચિઠ્ઠી-ચબરખી લખીને ગમેતેમ કરી પેલી છોકરીને પહોંચાડે. રાત્રે બધી ચીઠ્ઠી ભેગી થાય એટલે છોકરી છાનીમાની કેમિસ્ટની દુકાને પહોંચી જાય અને વારાફરતી બધી ચિઠ્ઠીઓ વંચાવી નાખે. મને લાગે છે કે લગભગ બે-એક વર્ષ આમ જ ચાલ્યું. પછી શું થયું ખબર છે ? પેલી છોકરી અને કેમિસ્ટ પરણી ગયાં. 

મુંબઈ જેવાં શહેરોમાં તો માંદગીમાંથી માલેતુજાર થવા માટે અવનવા નુસખા અજમાવવામાં આવે છે. હમણાં જ ક્યાંક વાંચ્યું કે નીરોગી શરીરે ઘસઘસાટ ઊંઘ ખેંચવા લાખેક રૂપિયાની કિંમતનાં મેગ્નેટિક ગાદલા  વેચાવા માંડયાં છે. એક ગણતરીબાજ દોસ્તે ટકોર કરી કે ગાદલા પાછળ લાખ રૂપિયા ખર્ચ્યા પછી ઊંઘ કેમ આવે? અરે, ખાતામાં જે દિવસે લાખેક રૂપિયા હોય ત્યારે વગર ગાદલે પણ ઊંઘ આવી જાય. આ તો ભાઈ ભારત છે ભારત. ગાદી અને ગાદલા માટે ઊંચી રકમ ચૂકવ્યા વિના છૂટકો નથી. 

અંત-વાણી

ડોક્ટરની પત્નીએ કહ્યું, 'મને વર-તાવ બહુ ગમે.' વર-તાવ એટલે ફિ-વર. રોજ દરદીઓ પાસેથી લીધેલી ઊંચી ઊંચી ફી ઘરે લાવે એવો ફિ-વર કોને ન ગમે?


Google NewsGoogle News