Get The App

વાયુ પ્રદૂષણ ફેલાવે એવો વર ન જોઈએ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
વાયુ પ્રદૂષણ ફેલાવે એવો વર ન જોઈએ 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

શ્રી-દેવી ભક્ત પથુકાકા હિંચકા પર બેસી મોબાઈલમાં હવાહવાઈ... હવાહવાઈ... ગીત મોટેથી વગાડી ડોલતા ડોલતા સાંભળતા હતા. તાનમાં આવીને કાકા આમથી તેમ ડોલતા હતા એ જોઈને એમ જ લાગે કે દૌલતાબાદનો નહીં પણ 'ડોલતાબાદ'નો કિલ્લો હલે છે.

પથુકાકાને આવા રંગમાં જોઈ હું સમજી ગયોે કે કાકી ઘરમાં નથી લાગતાં. છતાં સવાલ કર્યો, '(હો)બાળાકાકી બહાર ગયા છે? કેમ દેખાતા નથી?'

મારા સવાલથી કાકાનો રસભંગ થતા બોલ્યા, 'તારા કાકી હવાઈ ગયા છે હવાઈ... બેસ છાનો માનો.' મને સાંભળીને આંચકો લાગ્યો એટલે વધુ એક સવાલ પૂછ્યો, 'કાકી કાંઈ પાપડ છે તે હવાઈ જાય?' કાકાએ કહ્યું, 'મારા અમેરિકામાં રહેતા દીકરાને ત્યાં તારી કાકી ગઈ એ પછી બીજે જ દિવસે બધા હવાઈ ટાપુ પર ફરવા ઉપડી ગયા. એટલે મેં કહ્યું કે  કાકી હવાઈ ગઈ.'

મેં કહ્યું, 'હવે બરાબર, બાકી કાકીને કોઈની હવા લાગે અનેે હવાઈ જાય એ વાતમાં શું માલ છે? કાકી હાજર નથી ને એટલે જ તમે આવા ટેસથી હવા... હવાઈ ગીત સાંભળી  શકો છો. બાકી હાજર હોય  તો તમારી હવા બગાડી નાખે.'

આ સાંભળતાંની સાથે જ પથુકાકા બોલી ઉઠ્યા, 'અત્યારે હવા દિલ્હીની બગડી છે. દિલ્હીની હવા શ્વાસમાં લેનારા  ભલભલા હવાઈ જાય છે. દિલ્હીની હવા કોણ બગાડે છે, ખબર છે? પોલ્યુશન અને પોલિટિક્સ. હવા બગાડે એને તો આકરામાં આકરી સજા થવી જોઈએ.'

આ સાંભળતાની સાથે જ મેં કહ્યું ,'હવા બગાડનારને દિલ્હીમાં આકરી સજા થાય કે ન થાય એની મને ખબર નથી, પણ પરદેશમાં એક પત્નીએ તેના પતિને હવા બગાડવા બદલ આકરી સજા કરી એ ખબર છે?'

પથુકાકા નવાઈભેર મારી સામે જોઈને  બોલ્યા, 'મને આ કિસ્સો જરા વિગતવાર કહેને? પત્નીએ કયા કારણસર પતિને સજા કરી?' મેં જવાબ આપ્યો, 'પરદેશમાં તો લગ્નસંબંધ તૂટતા કે છૂટતા વાર નથી લાગતી, તમને ખબર છેને? એક ચાલીસી વટાવી ચૂકેલી લેડીએ બીજીવાર લગ્ન કર્યાં. બહારનો કચરો એટલે કે ફાસ્ટ-ફૂડ ખાવાના શોખીન હસબન્ડને  કાયમ ગેસ ટ્રબલ રહેતી  હતી. એટલે રાત્રે બેડરૂમમાં ધડાધડ હવામાં ફાયરિંગ કરે એટલે એક તો ધ્વનિ-પ્રદૂષણ થાય અને મિસ-ફાયર થાય એ વાયુ પ્રાણઘાતક  વાયુ-પ્રદૂષણ ફેલાવે.  પત્નીએ વારંવાર ધડાકાબાજ ધણીને પેટનો ઈલાજ કરાવવા કહ્યું, પણ પેલો માન્યો નહીં. ધણીના વાયુ-પ્રકોપથી ત્રાસેલી લેડીએ છૂટાછેડા આપી દીધા.'

આ વાત સાંભળી ખડખડાટ હસી પડેલા કાકા બોલ્યા, 'વાયુ-પ્રદૂષણના ત્રાસથી ધણિયાણી પોતાના ધણીને છૂટાછેડા આપે એને શું કહેવાય ખબર  છે? વા-છૂટાછેડા. બીજું, હસબન્ડ જે ફાસ્ટ ફૂડ ખાતો અને પેટમાં ગેસ પેદા થતો એટલે ફાસ્ટ-ફૂડને શું કહી શકાય ખબર છે? ફાર્ટ-ફૂડ.'

મેં કહ્યું, 'કાકા, આર્ટના જાણકાર આર્ટીસ્ટ કહેવાય એમ 'ફાર્ટ'થી પવન-મુક્તાસનની કલા જાણતા હોય એને ફાર્ટીસ્ટ  કહી શકાયને?'

મારી વાત સાંભળીને કાકાએ હિંચકાની  ગાદી નીચે સમાચારનું કટિંગ સાચવી રાખેલું એ કાઢીને મને દેખાડતા કહ્યું, 'આ જો લગ્નસંબંધી જાહેરાત. આપણા જ દેશની દીકરીએ જીવનસાથીની શોધ માટે કેવી વિચિત્ર શરત રાખી છે, જોયું? કન્યાએ જાહેરખબરમાં  લખ્યું છે કે પરણવાલાયક મુરતિયાને વારંવાર મોટેથી ઓડકાર ખાવાની કે પવન-મુક્તાસન  કરવાની આદત ન હોવી જોઈએ. એટલે તે પરદેશનો 'વા-છૂટાછેડા'નો કિસ્સો કહ્યો ત્યારે બીજી બાજુ આપણા દેશની કન્યાએ તો પરણતા પહેલાં જ પાળ બાંધી દીધી. જાહેરખબરમાં છેલ્લી લાઈનમાં શું લખ્યું, ખબર છે? એણે લખ્યું કે - દેશભક્તો અરજી કરે, ગેસભક્તો નહીં.'

કાકીની ગેરહાજરી અને કાકાની 'ઘેરહાજરી' એટલે પથુકાકાને તો મોટા અવાજે ગીતો સાંભળવાની અને જલ્સા કરવાની જાણે આઝાદી જ મળી ગઈ છે.  યુ-ટયુબમાં 'હવા મે ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલકા હોજી...'  સાંભળતા જાય અને ભેગા ભેગા ગાતા જાય. આજે કોણ જાણે હવાનાં ગીતો સાંભળવવાની ચાનક ચડી હતી. બીજું ગીત, 'હવા... હવા... ખુશ્બુ લૂંટા દે...' પછી ત્રીજું ચાલુ કર્યું : 'રૂક જા એ હવા થમ જાયે બહાર...'

મેં પૂછ્યું,'કાકા, તમે જયપુરના  હવા-મહેલમાં બેઠા છો કે શું? આમ 'હવા-હવા...'નાં ગીતો કેમ વગાડવા માંડયા છો? તમને હવાની હવા લાગી ગઈ કે શું?'

પથુકાકા બોલ્યા, 'ઘરવાળીની ગેરહાજરીમાં મારા જેવા હસબન્ડ હવામાં જ ઊડતા હોયને? ઘરવાળી પાછી આવે એટલે બધી હવા કાઢી નાખે. તારી કાકી ભલે હવાઈ ગઈ, પણ મને તો હવામાં મહાલવાની મજા છેને!'

મેં કહ્યું, 'કાકા, શરૂઆતમાં આપણે દિલ્હીની બગડેલી હવાની વાત કરીને? દિલ્હીનું ડર્ટી પોલિટિક્સ અને પોલ્યુશન હવા બગાડે છે. બાકી તો દિલ્હીની તાસીર જ એવી છે કે પોલિટિક્સમાં કોઈ ગમે એટલું  હવામાં ચાલતું હોય, પણ દિલ્હીમાં બેઠેલા દાદાઓ ધારે એની હવા કાઢી નાખે છે, બરાબરને?'

પથુકાકા બોલ્યા, 'હવાની ખરી કમાલ  કહેવાય હો! હવા ઊંચે ચડાવે અને નીચે પણ ઉતારે. હવાના આ સિદ્ધાંત પર જ હવાઈ-જહાજો ઉડાઉડ કરે છે અને ઉતરાણ કરે છેને?  જેટ પ્લેન પણ આપણી જેમ પાછળથી હવા છોડે અને જોરદાર ધક્કાથી આગળને આગળ ઊડે.'

હવાઈ જહાજની  વાત સાંભળીને મને તાજેતરમાં જ એક કિસ્સો છાપામાં આવેલો એ યાદ આવ્યો. અમેરિકાના એરિઝોના એરપોર્ટ પર  એક પ્લેનમાં બધા મુસાફરો બેસી ગયા. દરવાજા બંધ થયા. ટેક-ઓફની તૈયારી હતી. એ જ વખતે એક ગેસભક્ત પેસેન્જરે ઉપરાઉપરી એવો ગેસ છોડવા  માંડયો કે દુર્ગંધને કારણે મુસાફરો બેહાલ થઈ ગયા અને બૂમાબૂમ્ કરી મૂકી.  મજાની વાત એ છે કે ગેસ-ભક્ત નકટાઈથી હસતાં હસતાં પવન-મુકતાસન કરતો જતો હતો.  અન્ય પેસેન્જરોએ એકી અવાજે માગણી કરી કે પ્લેનની હવા બગાડનારાને  નીચે ઉતારો, પછી જ પ્લેન ઉડાડો. એરલાઈન્સના ક્રુ મેમ્બરોએ આ વાછૂટવીરને પ્લેનમાંથી ઉતારી મૂક્યો અને પછી જ પ્લેને ટેક ઓફ કર્યું, બોલો! આને કહેવાય કે હવા ઉડાડે પણ અને નીચે ઉતારે પણ. હવા-હવામાં પણ ફેર છે,  બગાડનારાને હેઠો ઉતારવામાં  ક્યાં દેર છે?'મારી વાત સાંભળીને પથુકાકા બોલ્યા,'દિલ્હીની હવા કાંઈ હમણાંથી બગડવાની શરૂઆત નથી થઈ હો! હિન્દુસ્તાનમાં  મુઘલ આક્રમણખોરો આવી ચડયા અને પછી દિલ્હીના તખ્ત પર અડિંગો જમાવીને  બેસવા માંડયા ત્યારથી દિલ્હીની હવા બગડવા માંડી હતી. એટલે જ તો હવા બગાડનારા મુઘલ શાસકો 'પાદશાહ' કહેવાતા.'

મેં કાકાને કહ્યું, 'અગાઉના જમાનામાં મુઘલ પાદશાહે દિલ્હીની હવા બગાડી જ્યારે અત્યારે લોકશાહીના શાહી-લોકના શાસનમાં પદ માટે પડાપડી કરતા  'પદ-શાહો' હવા બગાડે છે.'

અંત-વાણી

દેશમાં જ્યાં દૂષિત હવા હોય

એને કહેવાય એર-ઈન્ડિયા,

સરકારી ઓફિસોમાં મોડું

કામ થાય એને કહેવાય 

દેર-ઈન્ડિયા,

વેરભાવનાથી રચાયેલા વિપક્ષી

ગઠબંધનને કહેવાય 

વેર-ઈન્ડિયા.


Google NewsGoogle News