તેઓ બહારનો કચરો નાખે છે પેટીમાં અને પેટમાં...
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
માણસ ગંધાય માણસ ખાઉં... માણસ ગંધાય માણસ ખાઉં... બાળવાર્તાના મેન-ઈટર રાક્ષસ વિશે નાનપણમાં વાંચતા ત્યારે ખરેખર શરીરમાંથી ધુ્રજારી છૂટી જતી. મેં પથુકાકાને પૂછ્યું , 'તમેય નાનપણમાં માણસ ખાવ... રાક્ષસની વાર્તા વાંચીને બીતા કે નહીં?'
પથુકાકા બોલ્યા, 'બીતાં બીતાં પણ વાંચવાની મજા આવતી હો! જંગલમાંથી ત્રાડ પાડતો રાક્ષસ આવેઃ માણસ ગંધાય માણસ ખાઉં... ત્યારે મનમાં વિચાર આવ્યો કે માણસ ગંધાતો કેમ હશે? નાહતો નહીં હોય? એ જમાનામાં પણ સુધરાઈ પાણી-કાપ મૂકતી હશે? ગંધ કેમ બંધ નથી થાતી ... એવું કેમ હશે?'
મેં કહ્યું ,'કાકા, પુરૂષને ઈંગ્લિશમાં શું કહે છે? મેલ બરાબરને? અને મેલનો ગુજરાતીમાં અર્થ શું થાય? ગંદકી... એટલે મનના મેલા હોય એવાં 'મેલ' અંદરના જામી ગયેલા મેલને લીધે ગંધાય છે. આવા મનના મેલા અને ગંધાતા હોય એનાથી આકર્ષાઈને (બરબાદીનો) રાક્ષસ માણસ ગંધાય માણસ ખાઉં...એવી ત્રાડ પાડતો ધસી આવે છે, એટલે મનના મેલા હોય એને જોઈ સહુ કોઈ બોલી ઊઠે કે શું ગંધાય છે... જયારે સ્વચ્છ અને મોટા મનના હોય અને સહુની સાથે જેને મન-મેલ નહીં મન-મેળ હોય એ દૂરથી જ સુ-ગંધાય છે.'
પથુકાકા બોલ્યા, 'તને માણસ ગંધાવાનું બીજું કારણ ખબર છે? માણસ ઘરનું ખાવાનું છોડીને બહારનો ગંધાતો કચરો અકરાંતિયાની જેમ ખાઈને પેટમાં પધરાવે પછી માણસ ગંધાય જ ને? કચરાપેટીમાં જેમ કચરો નખાય એમ કચરાને પેટમાં નાખે એને પછી ગંધ પારખી માંદગીનો રાક્ષસ ખાવા માટે ધસી જ જાયને? કચરો પેટમાં નાખો કે પેટીમાં, ઈ ગંધાયા વિના રહે જ નહીં. કચરો ભેગો થાય ત્યારે ગામ ગંધવે અને કચરો માણસ ખાય પછી ઈ પણ ગંધવે. એણે પછી ગાવાનો વારો આવે કે-
કચરા ફૂટપાથોંવાલા
પેટોં મેં ઐસા ડાલા
કચરેને લે લી મેરી જાન
હાય રે યે કૈસા ખાનપાન...'
'કજરા મહોબ્તવાલા...' એ ગીત પરથી કાકાએ બનાવેલા ખાણાંના ગાણાં માટે દાદ આપી મેં કહ્યું , 'કાકા, ઘણા ગવૈયા નહીં પણ ખવૈયાઓ એવા હોય છે કે પાણાં પણ પચાવી જાય. એ બહારનું પણ બે હાથે ઝાપટે છતાં ક્યારેય માંદા ન પડે. એમનું પેટ કેવું હશે?'
કાકા બોલ્યા, 'થોડા દિવસ પહેલાં આપણે ગુજરાતના એક ગામે કોઈની કાણે ગયા હતા, યાદ છેન ે? ઈ ગામની સુધરાઈએ જાહેર રસ્તા પર મૂકેલી મોટી કચરાપેટી ઉપર લખ્યું હતું કેઃ કચરો મને આપો. કચરા પેટીનું લખાણ આ બહારનો કચરો ખાનારાના પેટ ઉપર લખવું જોઈએઃ કચરો મને આપો. કેટકેટલી સત્ત્વવાળી ચીજો, ફળફળાદિ, સુકોમેવો અને લીલાં શાકભાજી ખાવાનું છોડીને સામેથી જે પેટમાં કચરો પધરાવે એના પર ઉપર 'કચરો મને આપો...' એવું જ લખાણ શોભેને?'
મેં કહ્યું, 'કાકા, આપણા ખાઈકીબાજ જૂના પાડોશી બાપા એંસીને આરે પહોંચ્યા છતાં બહારનું જ ખાય છેને? બહારનું આટલું ખાધા છતાં કેવાં ખડેધડે છે? કેવા ઝપાટાબંધ ચાલે છે! એનું શું કારણ?' પથુકાકા બોલ્યા, 'એ બાપાને જોઈને જ મ્યુનિસિપાલિટીને કચરામાંથી ઊર્જા પેદા કરવાનો પ્લાન્ટ નાખવાની પ્રેરણા મળી હોય તો કહેવાય નહીં, કારણ એ બાપા પણ પેટમાં કચરો પધરાવીને અને કચરો પચાવીને ઉર્જા મેળવી કેવા જોશભેર ચાલે છે!'
કાકાની વાતને દાદ આપતાં મેં કહ્યું, 'કેવી કમાલ કહેવાય! એક તરફ કચરામાંથી પાવર પેદા થાય તો બીજી બાજુ ક્યારેક પાવરમાં થોડો કચરો આવી જાય.' કાકા બોલ્યા, 'જે પાવરફુલ હોય એને ક્યાં કંઈ કહેવાય છે? બધાને 'ફૂલ' બનાવી જે પાવર મેળવે એ 'પાવર-ફુલ.''
મેં કાકાને ખાવાની વાત ઉપરથી વાઈરલ થયેલો એક વીડિયો બતાવ્યો. ગુજરાતના એક શહેરમાં એક મેદાનમાં રોજ સાંજે તીખ્ખી તમતમતી અને મસાલેદાર પાવ-ભાજી માટે રીતસર લાઈન લાગે છે. પાવ-ભાજીવાળો લારી કે રેંકડી લઈને આવે એ પહેલાં પાવ-ભાજીપ્રેમીઓ લાઈનમાં ઊભા રહી જાય છે. બધાએ મોબાઈલ ફોનમાં એડવાન્સમાં ઓર્ડર નોંધાવી દીધા હોય છે, એ પ્રમાણે પાવભાજીવાળો આપતો જાય અને 'ઓનલાઈન' ઊભેલા લોકો તીખ્ખી અને મસાલેદાર પાવ-ભાજી ખાતા જાય અને સિસકારા બોલાવતા જાય. જીભ ભલે જાય દાઝી, પણ ખાવાનું ચૂકે નહીં ગરમાગરમ ભાજી.'
પથુકાકા બોલ્યા, 'મુંબઈની ખાઉગલીઓમાં પણ ખાનપાનના શોખી ખાન-દાની અને પાન-દાનીની આવી જ લાઈન લાગે છે. મહાપાલિકાવાળા ચોાસામાં બહારનું ન ખાવાની રીતસર ભૂંગળામાં બરાડીને ચેતવણી આપતા હોવા છતાં બહારનું ખાનારા આઉટ-ઈટરો અને ફૂડ ફિટરો ગણકારતા નથી. એમાંપણ સ્લમ એરિયામાં તો રાત્રે ફૂડ-કાર્ટ પર ખાનારાની લાઈન લાગે અને બીજે દિવસે સવારે સાર્વજનિક શૌચાલયમાં લાઈન લાગે. રાત્રે ખાવાની લાઈન અને સવારે જાવાની લાઈન. એટલે હવે તો મુંબઈમાં તો ગાના, ખાના, જાના બધું જ ઓન-લાઈન થઈ ગયું છે. પછી સદે નહીં અને માંદા પડે ત્યારે હોસ્પિટલવાળા ચડાવે સ-લાઈન અને બીજી બાજુ કચરામાંથી પાવરની વાત કરીને એમ કોઈનો પાવર વધવા માંડે ત્યારે તેને કરી નખાય સાઈડ-લાઈન. આમ આખી જિંદગી લાઈનમાં જાય એ કેવી લાઈફ-લાઈન!'
મેં કહ્યું,'કાકા, તમે ખાવાની અને જાવાની વાત કરીને એ ઉપરથી યાદ આવ્યું કે ચીનના એક શહેરમાં એવી હોટલ જોઈ જેમાં ટોઈલેટના કમોડના કારની જ ખુરશી ઉપર બેસવાનું અને ફ્લશની ટાંકીના આકારના જગમાંથી પાણી પીવાનું. હોટેલનું ઈન્ટીરિયર પણ મોટા ટોયલેટ જેવું જ છે. હોટલના ચાઈનીઝ વેઈટર-વેઈટ્રેસ પણ ટોઈલેટ કિલનિંગ સ્ટાફના યુનિફોર્મમાં ઓર્ડર લેતા જોવા મળે. ઉંદર, છછુંદર, છીપકલી, સાપ અને માંસ-માછલી ખાતા ખાઉધરા ચીનાઓને આ ટોઈલેટ હોટેલમાં બેસી બે હાથે ખાતી વખતે મનમાં એટલી ધરપત રહે કે બહુ ખવાશે તો ઝટ અહીં જ જવાશે. પહલે ખાના ફિર ખરાબી, ઈસે કહતે હૈ ખાના-ખરાબી.'
પથુકાકા બોલ્યા, 'આપણા દેશવાળા ખંધા, ખૂંટલ, ખટપટિયા ચીનાઓને ધિક્કારે છે, પણ ચીની ખાણું હોંશે હોંશે ખાય છે. ચાઈનીઝ ફૂટ સ્ટોલ ઉપર જ્યાં જુઓ ત્યાં ભારે ભીડ જોવા મળે છે. આ જોઈને એક નવું સ્લાગન બનાવવું જોઈએ-
હિન્દી-ચીની ભાઈ ભાઈ
હિન્દી-ચીની (ખાણું) બહુ ખાય.'
અંત-વાણી
જેને હોય જંક ફૂડની ઝંખના
એ આઉટ-ઈટરને કહેવાય -
'જંકના.'
** ** **
સઃ અકરાંતિયાની જેમ બે હાથે લાંચ ખાય એને શું કહેવાય?
જઃ અકલાંચિયા.