રાજ-રમતમાં પદ માટે દોડ, રમત-ગમતમાં પદક માટે હોડ
- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી
ખેલ ખેલ મેં..... સબ ગેલ મેં..... પહલે જીતનેવાલા જેલમે..... આવું જોડકણું મેં મોટા અવાજે સંભળાવતા પથુકાકાએ સવાલ કર્યો ' આ શું ખેલ..... ગેલ..... જેલ જેવું એલફેલ બોલે છે ? જરા સમજાય એવું તો બોલ ?'
મેં કહ્યું 'કાકા કિસ્મતનો ખેલ તો જુઓ ? અગાઉ ઓલિમ્પિકમાં પદક (ચંદ્રક) જીતીને જેણે નામ રોશન કરેલું એ સુશીલકુમાર અત્યારે હત્યાના આરોપસર જેલમાં છે જયારે આ વખતે ઓલિમ્પિક ખેલમાં પદક જીતીને આવેલા સહુ ગેલમાં છે અને સ્વદેશ આવ્યા પછી તેમને લાખો અને કરોડોના ઇનામો મળ્યા છે એટલે દેશવાસીઓની છાતી ગજગજ ફૂલે કે નહીં ? ભલેને બહુ થોડા પદક આપણાં ભાગે આવ્યા તોય રંગ રાખ્યો તો કહેવાય કે નહીં ?'
પથુકાકા આદત પ્રમાણે જરા જીભ કચરીને બોલ્યા 'કે આપણાં દેશના રાજકારણીઓ ખરા છે. જયારે ગરીબ ઘરના ખેલાડીઓ તનતોડ મહેનત કરતા હોય, એના મા-બાપ પાઇ-પાઇ જમા કરીને મદદ કરતા હોય ત્યારે આ સરકારોને એમ નહીં થતું હોય કે આ બધાને મદદ કરીએ ? પદક મેળવીને અને જીતીને આવે ત્યારે ઇનામોનો વરસાદ વરસાવવામાં આવે છે. જો જીતા વો સિકંદર અને જો હારા વો 'સીધા-અંદર' એનો કોઇ ભાવ પણ નહીં પૂછે. આ રાજકારણીઓને તું હજી ઓળખતો નથી. જીતે એને કરાવે જલ્સા અને હારેલાને હડસેલા '
મેં કહ્યું 'કાકા ઓલિમ્પિકમાં નારીઓએ પણ રંગ રાખ્યોને ?' કાકા કહે 'નારી રંગ રાખે અને મારી ''ઘર-નારી'' મને તંગ રાખે. બાકી તો રાજરમત અને રમતગમતમાં શું ફેર છે ખબર છે ? રાજરમતમાં પદ માટે દોડ અને રમતગમતમાં પદક માટે હોડ.'
દેશભરમાં ખેલમય માહોલ છવાયો હતો ત્યારે એક દિવસ પથુકાકાને મળવા માટે ગયો.
પથુકાકા આરામ ખુરશીમાં બેસી મોબાઇલ ફોનની ભૂંગળી કાનમાં ખોસી કોઇ ગીત સાંભળતા હતા અને ડોલતા હતા. કાકાની આ 'કાન-સેન' અવસ્થા જોઇ મેં પૂછયું કે 'કયુ ગીત સાંભળો છો ?' મેં જરા ઊચાં અવાજે પૂછયું એટલે ઝબકીને કાનમાંથી ભૂંગળી કાઢી જવાબ આપ્યો કે 'મેરા ગાંવ મેરા દેશ'નું ગીત સાંભળું છું : સોના લઇ જા રે ચાંદી લઇ જા રે..... આ ગીત બહુ ''અર્થિંગવાળુ'' છેને એટલે સાંભળું છું.' મેં કહ્યું 'અર્થિંગવાળુ નહીં અર્થપૂર્ણ કહેવાય. પણ આમાં તમે વળી શું અર્થ કાઢયો છે ?' કાકાએ જવાબ આપ્યો 'વર્ષો અગાઉ ઓલિમ્પિકમાં ખેલાડીઓ જતા ત્યારે આપણાં ખેલાડીઓ મોટું મન રાખીને બીજા દેશના ખેલાડીઓને સોના-ચાંદીના ચંદ્રકો લઇ જતા જોઇ રહેતા હતા. પણ આ વખતે તો ભલે આંગળીને વેઢે ગણાય એટલા પણ સોના, ચાંદી અને કાંસ્યના ચંદ્રક લાવ્યા તો ખરાને ? એટલે આપણા દેશના ખેલાડીઓની કમાલ જોઇ બીજા દેશવાળાએ ગાવાનો વખત આવ્યો છે કે : સોના લઇ જા રે..... ચાંદી લઇ જા રે..... કાંસ્ય લઇ જા રે.....'
મેં કાકાને પૂછયું 'નીરજ ચોપડાએ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો એમાંથી શું સબક લેવો જોઇએ ?' પથુકાકા બોલ્યા 'એક જ સબક લેવાનો કે ખાલી ફેંકાફેક કરીએ તો વિરોધીઓ કરે બોલ્ડ અને ભાલાફેંક કરો તો મળે ગોલ્ડ.'
મેં કહ્યું 'સિંધુએ બેડમિન્ટનમાં કાંસ્ય પદક જીત્યો અને મહિલા હોકીની ટીમે ભલે ચંદ્રક ન જીત્યો પણ પોતાની કાબેલિયત દેખાડી સહુના દિલ તો જીત્યાને ?' પથુકાકા તરત જ મહિલા હોકી ખેલાડીઓની તારીફ કરતા બોલી ઉઠયા કે એ કન્યાઓની સફળતાનું રહસ્ય શું છે તને ખબર છે ? એમણે લીપ-સ્ટિક છોડી ઝાલી (હોકી) સ્ટિક એટલે મેદાનમાં બોલાવી બાકાઝીક.'
મેં કાકાને દાદ આપતા કહ્યું કે તમે તો કમાલ વન-લાઇનર ફટકારી હો ? લીપ-સ્ટિક છોડી પકડી સ્ટિક..... મીરાબાઇ ચાનૂએ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો એ કેમ ભૂલી ગયા ?' વજનની વાત આવતા કાકા જરા ટટ્ટાર થઇ બોલી ઊઠયા કે.....
'વજન તો આ તારી (હો) બાળા કાકી પણ ઉપાડે છે. ફેર એટલો છે કે મીરાબાઇ લોખંડનું વજન ઉપાડીને મેડલ મેળવે છે અને તારી આ આકાર ગુમાવી બેઠેલી 'નિરાકાર' કાકીએ પોતાના શરીરનું વજન ઉપાડીને મેડલ મેળવ્યો છે' મેં ખડખડાટ હસીને પૂછયું કે 'તમારા ભારેખમ સજના નહીં પણ વજનાએ વળી કયો મેડલ મેળવ્યો છે ?' સવાલ સાંભળી કાકા એક આંખ મારી મસ્તીભર્યા અંદાઝમાં હિન્દીમાં બોલ્યા 'તેરી ચાચી કો ''મેં-ડલ'' મિલ ગયા, ઔર કયા ચાહિયે ?'
મેં કહ્યું 'ઓહ હવે સમજાયું, ખુદની ગણના ડલમાં કરવા માટે પણ તમારા જેવી નિખાલસતા જોઇએ.' કાકા બોલ્યા 'તારી આ વેઇટલિફટર કાકી તો એની જેમ બોડી-વેટ ઊઠાવતી અનેક ભારેખમ ભાર્યોઓ માટે પ્રેરણામૂર્તિ બની ગઈ છે ખબર છે ? એટલે એક તરફ વજન ઉપાડે ચાનૂ અને બીજી તરફ આ કાકી વજન વધારે છાનું .....'
મેં કહ્યું 'કાકા તમને ખબર છે ? મણિપૂરની આ મીરાબાઇનો ગરીબ ઘરમાં જન્મ થયો હતો. એ જમાનામાં તો ઘરમાં ચૂલો સળગાવવા માટે જંગલમાં જઇ લાકડા કાપી લાવવા પડતા. પણ આ મીરાબાઇ બાર વર્ષની ઊંમરે મોટા ભાઇ સાથે જંગલમાં લાકડા કાપવા જાય. પછી લાકડાનો ભારો મોટા ભાઇ ન ઉપાડી શકે એટલે ખીલખીલાટ કરતી હસીને મીરાબાઇ વજનદાર ભારો માથે મૂકી ટેસથી ઘરે પહોંચી જતી. બસ ત્યારથી એને કોણ જાણે ભાર ઉપાડવાની એવી લગની લાગી કે ઠેઠ ઓલિમ્પિકમાં જઇ વજન ઉપાડી મેડલ લઇ આવી બોલો !' પછી તો મીરાબાઇની સિધ્ધિ જોઇને અનુપ જલોટાએ પણ ગાવું પડયું :
ઐસી લાગી લગન
મીરા હો ગઇ મગન
વો તો ઓલિમ્પિક સે
મેડલ લાને લગી
વાહ..... વાહ દાદ દેતા કાકા બોલ્યા ભલે આંગળીને વેઢે ગણાય એટલા મેડલ જીત્યા પણ પુરૂષ ખેલાડીઓને પાછળ રાખીને આ બધી કન્યાઓએ કમાલ તો કરી હો ? નારી બની જીત-નારી, નારી કભી ના હારી, નારી સહુને પડે ભારી.....'
મેં કાકાને ટોણો માર્યો કે 'અત્યારે બે મોઢે વખાણ કરો છો, પણ શરૂઆતમાં કેમ મહિલા ખેલાડીની ઠેકડી ઊડાડી?' કાકા લુચ્ચું હસીને બોલ્યા 'અક વાત યાદ રાખ : લાડી હોય કે ખે-લાડી નિવડયે જ વખાણ થાય સમજ્યો?'
મેં કાકાને આ સંસારી માર્ગેથી પાછા વાળવાનો પ્રયાસ કરતા કહ્યું કે 'આપણાં દેશમાં ગજબનો માહોલ છે. રમતગમતમાં રાજકારણ ખેલાય છે અને રાજકારણમાં જાત જાતની રમતો રમાય છે.
મારી વાત સાંભળી પથુકાકા દાદ દઇને બોલ્યા છે:
કયાંક મુક્કાબાજી તો
કયાંક મોકાબાજી
રાજરમતમાં એ જ મારે બાજી
જે જાણે ચાલ - બાજી
અને માલ-બાજી
પંચલાઇનો સંભળાવીને પછી કાકા કહે કે 'અત્યારે આપણાં દેશમાં ચોમાસુ છે ત્યારે જાપાનમાં ઓલિમ્પિક સ્પર્ધા યોજાઇને ? એમ ન કરે નારાયણ અને ભારતને ઓલિમ્પિકના આયોજનની તક મળે તો આપણે પણ ચોમાસામાં જ આયોજન કરવું જોઇએ. ચોમાસામં જો ઓલિમ્પિક યોજાયને તો યજમાન દેશ તરીકે આપણે અવનવી દેશી રમતો સામેલ કરાવવી જોઇએ, અને જો ઓલિમ્પિક સમિતિવાળા ન માને તો એને પડતા મૂકી ઘરઆંગણે જરા હટકે રમતોનો રમતોત્સવ યોજવો જોઇએ. એમાં મોનસૂન સ્પોર્ટસ- ફેસ્ટીવલમાં આવી રમતો સામેલ કરવી જોઇએ. પોલ-જમ્પને બદલે પોટ-હોલ જમ્પ એટલે કે ખાડા-ઠેક સ્પર્ધા, રાઇફલ શૂટિંગને બદલે પાણી ભરાયું હોય ત્યાં મોબાઇલથી વિડીયો શૂટિંગ સ્પર્ધા, ભૂવા પડયા હોય એવાં રસ્તે ભૂતનેય ભાગવામાં મુશ્કેલી પડે એવી વિઘ્ન-દોડ, ગલ્લીથી ઠેકડો મારી દિલ્લી પહોંચેલા 'ખરા' ખેલાડીઓ માટે લોન્ગ-જમ્પ (કે રોંગજમ્પ?) રાજ-રમતના ખેલાડીઓ માટે ખાસ કાદવ-ઊછાળ ગેમ અને જેમ ભારવહન સ્પર્ધા હોય છે એમ કાદવથી ભરેલા નાળામાંથી ગાળ કાઢવા માટે ગાળ-ઉચ્ચાલન સ્પર્ધા અને તૈરાકીમાં જેમ બટરફલાય ઇવેન્ટ હોય છે એમ છલકાતી જંગી ગટરોમાં ગટર-ફલાય ઇવેન્ટ યોજી શકાય. બોલ આપણાં આ ચોમાસુ રમતોત્સવનો આઇડિયા કેવો લાગ્યો ? સાચુ કહેજે હો ?'
મેં કાકાના આઇડિયાને વધાવતા કહ્યુું 'આઇડિયા ખરેખર અફલાતૂન છે. પણ આ રેઇનોત્સવ માટે કોઇ થીમ-સોંગ ગવાય તો સારૂ લાગે. તમે કોઇ થીમ-સોંગ વિચાર્યું છે ?'
જરા માથું ખંજવાળીને પથુકાકા કહે કે ચોમાસામાં મુંબઇમાં ખાડા નડે અને અમદાવાદમાં ભૂવા નડે બરાબરને ? એમાં મુંબઇમાં તો મોટા ખાડામાં વરસાદનું પાણી ભરાય એટલે ખાબોચિયા બની જાય અને એમાં મચ્છર થાય. હવે ખાડા તરત પૂરવાને બદલે પાલિકાવાળા મચ્છર મારવા જંતુનાશક દવા છાંટે. અરે જંતુનાશક દવા છાંટવાને બદલે જનતા-નાશક ખાડાં પૂરતા શું થાય છે ? એટલે વરસાદી રમતોત્સવ માટે મેં એક ખાડાલક્ષી થીમ-સોંગ કાચુ-પાક્કુ તૈયાર કર્યું છે, તું સાંભળ :
ગણગણ બણબણ
જંતુ કરત હૈ
ખાડા વધતા જાતા
અબાલ-વૃધ્ધ સહુ જન ઠેકે
'ભૂવા' ભૂત ભગાડે
ભ્રષ્ટ તંત્રને નામે
ઠેકેદાર કૈંક ઠરતા
ફેંકાફેંક ને ઠેકાઠેક વચ્ચે
કોઇ ર-મ-તા કોઇ મ-ર-તા
મેં કહ્યું 'કાકા ખરેખર થીમ- સોંગ સારૂ છે. હમણાં જ કયાંક સમાચાર વાંચ્યા કે ચોમાસામાં ટાંટિયા તૂટવાના વધુમાં વધુ કેસ નોંધાય છે. મુંબઇની મહાપાલિકાએ છેલ્લા થોડા વર્ષોમાં ખાડા પૂરવા માટે કેટલાં પૈસાનું પાણી કર્યું ખબર છે ? પૂરા ૨૧૦૦૦ કરોડ. તોય એની એ જ દશા છેને ? અરે આટલા પૈસામાં તો નક્કર સોનાથી ખાડા પૂરી શકાય એવું નથી લાગતું ?'
કાકા કહે 'રોડના ખાડા પાછળ ખર્ચાય કરોડ..... કરોડ તોય નીકળે નહી તોડ, આમ જનતાની થાય ટાંટિયા -તોડ.....'
મેં કહ્યું 'કાકા ખાડાને પાયે કેટલાય બીચ્ચારા લંગડા થઇ જાય છે. એટલે દેશી રમતોત્સવમાં 'લંગડી'નો, સમાવેશ કરવો જોઇએ એવું નથી લાગતું ?'
પથુકાકા હસીને કહે 'વાહ તૂટે ટંગડી એ રમે લંગડી..... બરાબરને ? નાનપણમાં ઝાલાવાડના લીંબડી ગામે સહુ બાળગોઠિયાઓ કેવા ટેસથી લંગડી રમતા એ અત્યારે યાદ આવે છે. પછી તો ગામની નિશાળમાં વાર્ષિક રમતોત્સવમાં લંગડીની રેસ પણ યોજાતી હો?'
મેં કહ્યું 'કાકા મનેય યાદ છે. લંગડીની રમત, એક પગે ઠેકતાં-ઠેકતાં દાવ દેવાનો અને બે પગે દોડતા હોય એને પકડવાના. પણ તમને ખબર છે? આજે રાજરમતના મેદાનમાં (કે પછી ખેદાન-મેદાનમાં?) જરા જુદી રીતે આ રમત રમાય છે. આધાર વિનાના સાવ 'નિરાધાર' નેતાએ એકબીજાને માથેથી ઠેકતાં ઠેકતાં કયાંયના કયાંય એવાં તો નીકળી જાય છે કે આપણા જેવા બે પગે દોડીને પણ તેમને નથી પકડી શકતાં.'
અત્યારે તો રાજરમત એટલે મતની ર-મતનો માહોલ જ જુદો છે. ગઠબંધન (કે શઠબંધન)ના ખેલમાં તે કહ્યું એમ કૈંક 'નિરાધાર' નેતા એકબીજાના ટેકે જ ટકે છેને ? આને ટેક્નોલોજી નહીં પણ 'ટેકો-લોજી' ગેમ કહેવાય. વિપક્ષી મોરચાવાળા ટેકો-લોજી ગેમનું એલાન કરે પછી શું થાય છે. એ દેશવાસીઓ જોતા જ હોય છે. આ રાજરમત જોઇને ચારલાઇના કહેવી પડે :
એકમેકના ટેકે ટેકે
ડગુમગુ થતા ટકે છે
પણ કોઇ વટકે કે કોઇનું ફટકે
ત્યારે બધા અધ્ધર લટકે છે.