For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘઉંના લોટની રોટલી અને રાજકારણના રસોડે બને વોટલી

Updated: Apr 16th, 2024

ઘઉંના લોટની રોટલી અને રાજકારણના રસોડે બને વોટલી

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ભરબપોરે કોઈએ દરવાજે બળદ (ડોર-બેલ) મારીને મને જગાડયો. બારણું ઉઘાડતાં ચાર-પાંચ ભગવાધારી  યુવાનો મંજીરા અને કરતાલ વગાડી ગાવા માંડયાઃ ચંદા કો ઢૂંઢને સભી તારે  નીકલ પડે, ગલીયોં મેં વો નસીબ કે મારે નીકલ પડે...

મેં ગાતા અટકાવી પૂછ્યું 'કૌન હો... ક્યા ચાહિયે?' સવાલ સાંભળી એક જણ બોલ્યો, 'ચંદા ચાહિયે... આશ્રમ કે લિયે, ઈસી લિયે ગાતે હૈ- 'ચંદા' કો ઢૂંઢને સભી તારે નીકલ પડે...'

મેં પાકીટમાંથી એકાવન રૂપિયા કાઢીને આપ્યા એટલે રાજી થઈને ચેલકો બોલ્યો,  'આપને ચંદા દિયા ઈસી લિયે હમારે બગડમ બાબા ખુશ હુએ... આપકો આશીર્વાદ દે રહે હૈ... સુનો.' આટલું બોલી એમણે મોબાઈલમાં બગડમબાબાનો રેકોર્ડેડ આશીર્વાદ સંદેશ સંભળાવ્યોઃ 'આપને ચંદા દિયા ઈસ લિયે બાબા ખુશ હુએ. ચુનાવ મેં જો ખડે હૈ ઉનકો ચંદા મત દેના. વો ચંદા કા ફંદા ઠીક નહીં, હમ ધર્મ કી રક્ષા કે લિયે ખડે હૈ. હમે ચંદા દેના... આશીર્વાદ, આશીર્વાદ.'

ચાર ચેલકાઓએ પાડોશમાં રહેતા જમાનાના ખાધેલ પથુકાકાનો દરવાજો ખખડાવ્યો. કાકાએ દરવાજો ખોલતાં ચેલકાઓ ગાવા માંડયા ઃ ચંદા કો ઢૂંઢને સભી તારે નીકલ પડે... આ સાંભળી કાકા તાડૂક્યા 'ચંદા-ચંદા ક્યા કરતે હો? યહા ધંધા મંદા હૈ ઔર તુમકો ચંદા ચાહિયે? ચંદા-બંદા કુછ નહીં મિલેગા... મફત કા ખાકે તગડા હો ગયે હો... હાથ-પગ હલા કે કામ ધંધા કરો. જાવ ફાર્મર (ફાર-મર એટલે આઘો-મર)!'

ચેલકા એવા બગડયા કે કાકાને સામી ચોપડાવી, 'તુમ ધરમ કા અપમાન કરતે હો. હમારે બગડમ બાબા કો નારાજ કિયા હૈ. અબ સુનો બગડમ બાબા કી ક્રોધ-વાણી.' આટલું બોલી મોબાઈલ ઓન કરી રેકોર્ડેડ મેસેજ ચારેય ચેલકાઓએ એક સાથે સંભળાવ્યો કે જેથી આખા ફલોર પર ખબર પડે. બગડમ બાબાનો અવાજ ગાજ્યોઃ 'તુમને ચંદા નહીં દે કે પાપ કા ફંદા ગલે મેં ડાલા હૈ... તુમ્હારા ધનોતપનોત નીકલેગા, મૃત્યુ કે બાદ તુમ પાકિસ્તાન મેં નહીં  પાપીસ્તાન મેં જાઓગે પાપીસ્તાન મેં...'

અવાજ સાંભળતાં રસોડામાંથી વેલણ લઈ ધસી આવેલાં કાકીએ ચાલબાજ ચેલકાઓને ઉંબરેથી કાઢતાં રાષ્ટ્રભાષાની સાથે સૌરાષ્ટ્ર ભાષા મિલાવી રાડ પાડી, 'અબે ઓ પાપીસ્તાન કે સગલે... ભાગો યહાં સે... નહિંતર વેલણ સે ટાંટિયા તોડ દૂંગી... યહાં પાપીસ્તાન નહીં, કાકીસ્તાન કી આણ વર્તાતી હૈ, સમજે?'

કાકીનું રૌદ્ર સ્વરૂપ જોઈ ચંદા-માગણ ચેલકા દોડીને દાદરો ઊતરી ગયા. ચંદાવાળા ચેલકા ગયા એટલે પથુકાકાએ નવી વાત છેડી કે છંછેડી. કાકા બોલ્યા, 'ચંદા શબ્દ ગજબનો છે હો! હિન્દીમાં ચંદાનો એક અર્થ થાય ચાંદામામા અને ચંદાનો બીજો અર્થ થાય ફાળો... પણ મને તો બન્ને અર્થ સાથે જોડી શકાય એવી એક ફિલ્મનું ટાઈટલ યાદ આવે છે -  'ચંદા ઔર બીજલી.' મેં તરત પૂછ્યું, 'ચંદા ઔર બીજલી'નો તમે શું અર્થ કાઢ્યો એ કહો તો ખરા?'

ખોંખારો કાઈને કાકા બોલ્યા, 'સરકાર બોન્ડ બહાર પાડીને ચૂંટણીનું ફંડ મેળવવા ગઈ એમાં સર્વોચ્ચ અદાલતે કેવી ફટકાર લગાવી! ટૂંકમાં, ચંદા ભેગા કરવા બોન્ડ બહાર પાડયા એમાં માથે વીજળી પડી, એટલે ફિલ્મનું ટાઈટલ 'ચંદા ઔર બીજલી' બરાબર ફિટમફીટ બેસે છેને?'

મેં કાકાને જૂની વાત યાદ કરાવીને કહ્યું,'ગુજરાતમાં જ્યારેે તોફાનો ફાટી નીકળ્યાં ત્યારે શૂટ-એટ-સાઈટનો ઓર્ડર અપાયેલો. એ વખતે સૌરાષ્ટ્રના એક છાપાએ શૂટ-એટ-સાઈટ ઓર્ડરનું  ગુજરાતી કરી મજેદાર મથાળું બાંધ્યું હતું ઃ ભાળો ત્યાં ટાળો. પણ ચૂંટણી નજીક આવે ત્યારે જુદી જુદી પાર્ટીવાળા માલદારોને અને ઉદ્યોગપતિઓને જોતાંની સાથે ફાળો માગ્યા વગર ન રહે. આને કહેવાય ભાળો ત્યાં ફાળો.'

ફાળો માગવા માટે પણ હિંમત જોઈએ અને ઠંડે કલેજે કામ કરવું જોઈએ. મ્હેણા-ટોણા સહન કરવાની શક્તિ જોઈએ. થોડા વખત પહેલાં ગામમાં બંધાતી સ્કૂલ માટે કાર્યકારો ફાળો ભેગો કરવા ફરતા હતા. રસ્તામાં ચાર છોકરાની 'ગર્ભ-શ્રીમંત' માતાના ઘરે ફાળો લેવા ગયા. કાર્યકરે મહિલાને  ચોપડો દેખાડી કહ્યું કે કાંઈક નોંધાવો. મહિલાએ તત્કાળ પોતાના ચારેય છોકરાના નામ નોંધાવી  દીધા.

પથુકાકા કહે, 'મારા સસરા પાક્કા  અમદાવાદી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એકવાર ગામના સેવાભાવીઓ ફાળો ઉઘરાવવા નીકળ્યા. સસરાના ઘરે જઈ કહ્યું કે ગામનું સ્મશાન સાવ ઊઘાડું છે, એની ફરતે દીવાલ બાંધવાની યોજના છે, એના માટે ફાળો ઊઘરાવવા નીકળ્યા છીએ.'

સસરાએ બેઘડી વિચારીને જવાબ આપ્યો કે ઉઘાડા સ્મશાન ફરતે દીવાલ બાંધવાનો ખર્ચ કરવાની શું જરૂર છે? એક વાત સમજો કે બહારવાળા કાંઈ એમને એમ સામેથી સ્મશાનમાં જવાના નથી અને જે કાયમ માટે સ્મશાનમાં ગયા એ કાંઈ પાછા આવવાના નથી, પછી દીવાલની શું જરૂર છે? ફાળો-બાળો નહીં મળે. જ્યાં બાળો એ જગ્યાના રક્ષણ માટે શેનો ફાળો!'

મેં કહ્યું, 'કાકા, જે ફાળો ભેગો ન કરી શકે અને જેની પાસે પૈસા ન હોય એવા સાચા અને સારા નેતાઓ તો ચૂંટણી લડી જ ન શકેને?'

માથું ધુણાવી કાકા બોલ્યા,  'આજકાલની ચૂંટણી એટલે વોટનો ખેલ છે અને નોટનો ખેલ છે. એટલે જ તો આખા દેશનું અર્થતંત્ર સંભાળતા નિર્મલા સીતારામન કહ્યું ને કે મારી પાસે પૈસા નથી એટલે આ વખતે ચૂંટણી નહીં લડું, તે છાપામાં વાંચ્યુંને? આ લોકશાહીમાં વીઆઈપી શાહી-લોકને ગાદીએ બેસાડવા માટે કરદાતાના પૈસાની જ ઘાણી કાઢવામાં આવે છે. એટલે જ હું કાયમ કહું છું કે ચૂંટણી એટલે જનતાના પૈસાની ચટણી.'

મેં કહ્યું, 'ચૂંટણી આવે ત્યારે પહેલાં ફાળો ભેગો કરાય અને પછી મત ભેગા કરાય. ગઠબંધનના વાતા વાયરામાં અડધાપડધા ભાંગેલા પક્ષો વચ્ચે થાય સાંધણ અને ચૂંટણીમાં થાય અબજો રૂપિયાનું આંધણ.'

કાકા બોલ્યા, 'સાચી વાત છે તારી. વોટ માગવા નેતાઓની મંડળી નીકળી પડશે ત્યારે ગરીબના ઝૂંપડે જઈ રોટલા પણ ખાશે અને ફોટા પણ પડાવશે. આપણે ત્યાં એવા કેટલાય લીડરો છે, જેના બહુ ફોટા પડે પછી એ જ લીડર ખોટા પડે છે.'

કાકાની વાતમાં સૂર પૂરાવતા મેં કહ્યું, 'આપણા ઘરમાં  ઘઉંના લોટમાંથી બને રોટલી અને રાજકારણના રસોડેે  વોટમાંથી બને વોટલી. ગરીબોને રોટલી મળશે એવાં વચનોની ખુલ્લી મૂકાય પોટલી અને આમ જ નેતાઓના હાથમાં આવી જાય જનતાની ચોટલી. એટલે પછી રાજકારણના રસોડાની રોટલીને વોટલી જ કહેવાયને? લોટમાંથી બને રોટલી અને વોટ ખાતર વણાય વોટલી.'

પથુકાકા બોલ્યા, 'જો ભાઈ, નસીબ પાઘરા હોય તો જ રોટલા અને ચોટલા સારા મળે. બાકી તો તારી કાકીના હાથના રોટલા ખાઈને પેટમાં ગોટલા ચડે છે, બોલ. એટલે જ મારે દાંતની કસરત એવી થાય છે કે મેં મશહૂર ગીતકાર હસરત જયપુરી જેવું નામ કસરત થઈ-પૂરી રાખ્યું છે અને આ એક સવા શેર લખ્યો છે-

'તાણી તૂટે નહીં એવી

રબ્બર સમ છે રોટલી

શું થાય? રોટલી વણનારીના જ

હાથમાં છે કાકાની ચોટલી.

શેરીના શ્વાન પણ 

થોડું હસીને થોડું ભસીને

સાભાર પરત કરે છે

કાકીની રોટલી.'

મેં કહ્યું, 'કાકા, વોટશાહીમાં જેમ તમારી ચોટલી કાકીના હાથમાં છે, એમ જનતાની ચોટલી નેતાઓના હાથમાં છે. આમાં બીજું શું થાય? ગરીબોના ઘરેે ખાશે રોટલા અને પછી કહેશે કી વોટ-લા...'

અંત-વાણી

રાજનીતિ મેં અકસર

રોના-ધોના પડતા હૈ,

સત્તાપક્ષ મેં નહીં જૂડે

ઉસે રોના પડતા હૈ.

ઔર જો દાગી જૂડ જાતે હૈ

ઉસે ધોના પડતા હૈ.

Gujarat