ખેલૈયા રમે દાંડિયા સાથે, પોલીસ ભમે દંડુકા સાથે
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આઝાદ મેદાનમાં હડતાળ પર ઉતરેલા કામદારોનો મોરચો આવ્યો હતો. હમારી માંગે પૂરી કરો... હમારી માંગે પૂરી કરો... એવાં સૂત્રો પોકારતા મોરચાવાળા આક્રમક બની પોલીસ કોર્ડન તોડી આગળ ધસી જવાનો પ્રયાસ કરવા લાગ્યા ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ શરૂ કર્યો. હળવા લાઠીચાર્જ માટે મરાઠીમાં કેવો સરસ શબ્દ છે- 'સૌમ્ય લાઠીચાર્ડ'! પછી ભલેને સૌમ્ય લાઠીચાર્જથી ઢીંઢા ભાંગી જાય!
પોલીસે લાઠીમાર શરૂ કર્યો એ વખતે આગલી હરોળના ચાર પોલીસો એક... બે... ત્રણ... ચાર એમ જોરજોરથી બોલતા જાય અને બરાબર તાલમાં લાઠી મારતા જાય. આ ખેલ જોઈને નવાઈ લાગતા મેં પથુકાકાને પૂછયું, 'પોલીસવાળા આમ કેમ લાઠી મારે છે?' પથુકાકાએ જવાબ આપ્યો, 'તને ખબર નથી? આ પોલીસો નવરાત્રીમાં દાંડિયા-રાસના મેદાનની બહાર ફરજ બજાવતા હતા. એટલે દસ દિવસ એક... બે... ત્રણ...ચાર એમ તાલમાં દાંડિયા ટીચાતા જોઈ જોઈને એમને એવી ટેવ પડી ગઈ કે આજે લાઠીચાર્જ કરતી વખતે પણ તાલમાં લાઠી ફટકારવા માંડયા, બોલ!'
મેં કહ્યું, 'કાકા, આ તો ભારે કહેવાય હો! દાંડિયાની જેમ દંડુકા પણ ફટકારે તાલમાં અને હડ-તાલમાં ખરા છે આ વર્દીધારી વ્હાલમાં...'
લાઠીનો મુદ્દો છેડતા કાકાએ માર્મિક ટકોર કરી, 'લાઠીનો સંબંધ કલા સાથે અને પોલીસની લાઠીનો સંબંધ છમ-કલા સાથે, બરાબરને?'
મેં કહ્યું, 'પથુકાકા, જરા ફોડ પાડો તો સમજાયને?' કાકા બોલ્યા, 'સૌરાષ્ટ્રના લાઠીનો સંબંધ કવિ કલાપી અને કાવ્યકલા સાથે, જ્યારે પોલીસની લાઠીનો સંબંધ છમ-કલા સાથે. હવે સમજાયું?'
મેં કહ્યું , 'હા... બરાબર સમજાયું. કલાપી સુકવિ હતા અને અત્યારે કલા પી ગયા હોય એવો દાવો કરનારા લાંબીલચક કવિતાઓ ફટકારી શ્રોતાને 'સૂકવી' નાખે છે. જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે... આવી સુંદર પંક્તિને ફેરવીને લખતા હોય છે, જ્યારે કળા કળા નહીં ઢો-કળા બની જશે... આવા સૂકવી નાખતા 'સૂકવિ'ઓની લાઈનો લાઠીથી પણ વધુ વાગે છે...
અમારી લાઠીની લાઠીચાર્જની અને દાંડિયારાસની વાતો ચાલતી હતી ત્યાં સિનિયર સિટીઝન મહિલાઓના બેઠા ગરબામાંથી પાછા ફરેલા (હો)બાળાકાકીએ સવાલ કર્યો,'તમે ક્યારના લાઠીચાર્જ... લાઠીચાર્જ કરે એવી વાતું કરો છો તો મને સવાલ થાય છે કે મોબાઈલની જેમ લાઠીને પણ ચાર્જિંગમાં મૂકવી પડતી હશે કે શું?'
પથુકાકા ખડખડાટ હસીને બોલ્યા, 'તું ગરબામાંથી આવીને આવા ગડબા ફેંકવાનું રહેના દેને? લાઠીને ચાર્જર પ્લગમાં લગાડી ચાર્જ ન કરાય. પોલીસ સપાસપ લાઠીમાર કરે એને કહેવાય લાઠીચાર્જ, સમજાયું?'
હજી તો કાકાએ વાક્ય પૂરૃં કર્યું ત્યાં તો કાકીને ઘર સુધી મૂકવા આવેલાં પરભાગૌરીએ અક્કલનું પ્રદર્શન કરતાં સવાલ કર્યો, 'હેં પથુભાઈ, પોલીસે લાઠીચાર્જ કર્યો એમ આપણે છાપામાં ઘણીવાર છાપામાં વાંચીએ છીએ, તો મને કહો તો ખરા કે લાઠી મારવાનો પોલીસવાળા કેટલોે ચાર્જ વસૂલ કરે છે?' પથુકાકા કપાળે હાથ દઈ બોલ્યા, 'પોલીસવાળા ચાર્જ વસૂલ કર્યા વિના સાવ મફતમાં લાઠીઓ સોફાવે છે, ખાવાની વાત આવે અને એ પણ મફતમાં, ત્યારે ગુજરાતીઓ પાછળ રહે ખરા? તમારે પણ જો સાવ જ મફતમાં લાઠીઓ ખાવી હોય તો કાલે પહોંચી જજો. તમે આંગણવાડીની સેવિકાઓના મોરચામાં, સાવ મફતમાં લાઠીનો સ્વાદ ચાખવા મળશે. બોલો, જાવું છે?' પરભાગૌરી ભોંઠા પડતાં બોલ્યાં, 'ના ભાઈ ના, મારે નથી જવું હો! માર ખાધો પણ ફોજદારને તો જોયા! એ કહેવત સાચી નથી પાડવી.'
લાઠી પરથી મને જૂનો કિસ્સો યાદ આવ્યો. હું અને કાકા વર્ષો પહેલાં દક્ષિણ મુંબઈમાં રહેતા ત્યાં નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ મંદિર હતું. પોલીસ લાઈનમાં રહેલા લોકો આરતી કરે અને પ્રસાદ વહેંચે. બહાર બોર્ડમાં લખાતું કે 'પોલીસ મંદિરમાં આરતી અને પ્રસાદનો લાભ લેવા વિનંતી.' રસ્તેથી પસાર થતા લોકો આ વાંચે ત્યારે અંદર આવતા જરા અચકાય. એમને મનમાં થાય કે પોલીસ પ્રસાદમાં 'મેથીપાક' ખવડાવશે તો શું થશે?'
પથુકાકાને આ કિસ્સો યાદ અપાવતા એ તરત બોલી ઉઠયા, 'આ લાડુના પ્રસાદમાં ભેળસેળના વાવડ આવ્યા એવા વિવાદ થયો. એવા વિવાદ નિવારવા માટે પોલીસોને જ હાથમાં લાઠી સાથે પ્રસાદ વહેંચવા બેસાડયા હોય તો?'
મેં કહ્યું, 'કાકા, પરસાદ ખાનારાને નહીં, પણ પરસાદ બનાવનારાને ધાકમાં રાખવાની જરૂર છે. સમજાયું?
પથુકાકા બોલ્યા, 'હું તો અમથો મજાક કરૃં છું. બાકી તો પોઝિટીવ થિંકિંગ કોને કહેવાય, ખબર છે? લાઠી ખાધા પછી પણ એમાં પોતાને લાભ થયો એવો અર્થ કાઢવો!'
મેં કહ્યું ,'કાકા, આ તમે નવી વાત કરી. લાઠી ખાધા પછી પણ લાભ થયો એવું કોઈ માને એમ તમે સેના પરથી કહો છો?'
પથુકાકા બોલ્યા, 'મેં નજરોનજર જોયેલો દાખલો છે. થોડાં વર્ષો પહેલાં થર્ટી-ફર્સ્ટ નાઈટની ઉજવણી કરી ચિક્કાર દારૂ ઢીંચી બે દોસ્તો ડોલતાં ડોલતાં બારમાંથી નીકળ્યા. આધારકાર્ડ વગર એકબીજાનો આધાર લઈને વાંકાચૂંકા ચાલતા હતા. મુશ્કેલીમાં પડેલા પક્ષને જેમ બહારથી ટેકો આપવાવાળા મળી જાય એમ આ બન્ને ડોલતારાજાને અડધી રાતે કોઈ બહારથી ટેકો આપે એમ હતું નહીં.'
મેં પૂછ્યું, 'કાકા, આટલા નશામાં ઘરનો રસ્તો પણ ભૂલી ગયા હશેને આ બારમાંથી નીકળી ડોલી ડોલીને આગળ વધતા બન્ને બાર-ડોલી-વાળા?'
હસીને કાકા કહે ,'એવું જ થયું હતું. બન્ને ઘરનો રસ્તો ભૂસી ગયા હતા. બન્નેના નસીબ સારા તે ફૂટપાથ લોકલ પોસ્ટ અને બહારગામની પોસ્ટ માટેની બે મોટી ટપાલ-પેટીઓ જોઈ. ટપાલ પેટી પર નજર પડતા એક જણે થોથવાતી જીભે કહ્યું ,ચાલ, આપણે આ ટપાલપેટીમાં ઘૂસી જઈએ. રોજ સવારે ટપાલી આપણા ઘરે ટપાલ આપવા આવે છેને? એને તો આપણું સરનામું ખબર જ હોય છે. એટલે સવારે ટપાલપેટી ખોલશે અને ટપાલ કાઢશે ત્યારે ટપાલની ભેગા આપણને બન્નેને પણ આપણાં એડ્રેસ ઉપર મૂકી જશે. બોલ કેવો આઈડિયા? તરત બન્ને જણ જ્યાંથી ટપાલ નાખવામાં આવે છે એમાં પોતપોતાના માથાં નાખીને પેટીની અંદર જવાની કોશિશ કરવા માંડયા. લગભગ અડધી કલાક મહાપ્રયાસ કરતા રહ્યાં. એ વખતે પોલીસની નાઈટ પેટ્રોલિંગની જીપ આવી. રોનમાં નીકળેલા ફોજદારે જીપમાંથી ઉતરી આ બન્ને દારૂડિયાના બેઠકના ભાગ ઉપર ચાર-પાંચ વાર લાઠીઓ મારી. લાઠી ખાધા પછી એક જણે બીજાને કહ્યું કે, જોયું? આપણે પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા, ટપાલી પાછળ સ્ટેમ્પ ઉપર થપ્પા મારે છે! જરાય હલતો નહીં હમણાં ઘરે પહોંચી જઇશું...'
અંત-વાણી
ખેલૈયા રમે દાંડિયા સાથે
પોલીસ ભમે દંડુકા સાથે
ઉપયોગ કેવો છે આ બેનો
દાંડિયા રમાય અને ફટકારાય
દંડુકા સાથે.
** ** **
જે લાડુના લડવૈયા
એ જ વિવાદના ઘડવૈયા.