કવિની જેમ કીડીએ બહાર પાડયો ઓન-લાઈન સંગ્રહ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
કવિની જેમ કીડીએ બહાર પાડયો ઓન-લાઈન સંગ્રહ 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

આ તે વળી કેવો

અજાયબ દેશ,

જ્યાં કોઈક ભણેલા માગે ભીખ

અને અભણ કરે એશ.

મહાદેવના મંદિરે હું અને કાકા સવારમાં દર્શને ગયા. બાપદાદાના ઘરનો સોદો પતી જાય એવી પ્રાર્થના કરી ભોલેનાથના આશીર્વાદ માગ્યા. મંદિરની બહાર આવ્યા ત્યારે નાના રસ્તાની બન્ને તરફ મા-ગણતંત્રના પ્રતિનિધિઓની લાંબી લાઈન લાગી હતી. 

ભોલેનાથના આશીર્વાદ માગી બહાર આવેલા આપણા 'બોલે-નાથ' કાકા તરત બોલી ઉઠ્યા, 'માગણોની લાઈન જોઈને? લાઈનમાં બેસતા આ માગણોની ઓન-લાઈન માગવાની વૃત્તિ જોઈને થાય છે કોઈ કામધંધો કરવાને બદલે આ બધા લાઈનમાં બેસી કેમ માગતા હશે?' એક સ્માર્ટ ભીખારી આ સાંભળી ગયો. એણે તરત કાકાને બરાબરની ચોપડાવી, 'કાકા, અમને શું કામ વગોવો છો? તમે મંદિરની અંદર જઈ માગો છો અને અમે મંદિરની બહાર માગીએ છીએ. બસ, એટલો જ ફરક છે, સમજ્યા?'

કાકા તો સાંભળીને સડક થઈ ગયા. મેં પણ આ અક્કલવાળા માગણની કદર કરી અને ધ્યાનથી જોયું તો નાનકડી તક્તિ પર અંગ્રેજીમાં લખેલું - 'ગ્રેજયુએટ બેગર'.

મેં પૂછ્યું, 'ગ્રેજયુએટ થયા પછી કેમ ભીખ માગે છે? નોકરી કરને!' પેલો બોલ્યો, 'નોકરીની શોધમાં સુરતથી આવ્યો છું, પણ ક્યાંય રોજગારી ન મળતા છેવટે ભીખ માગવાનો વારો આવ્યો છે.'

કાકા બોલ્યા, 'સુરતમાં તને નોકરી કેમ ન મળી? આ નેતાઓ તો ચૂંટણી  આવે ત્યારે વચનોની લાપસી પીરસે છે કે બેકારોને રોજગાર આપીશું, રોજગાર આપીશું... તો તારા ઉપર કોઈ નેતાશ્રીએ મહેરબાની ન કરી?'

ગ્રેજયુએટ બેગરે કહ્યું, 'જુઓ, 'કમર' પાર્ટીવાળા એક નેતાએ ચૂંટણી વખતે મને કોણીએ ગોળ ચોંટાડેલો કે ચૂંટણી પ્રચારમાં મદદ કર તો તને રોજગાર આપીશ. એકવાર ચૂંટણી જીતી જાઉં પછી તું જોજે, તને રોજગાર આપીશ.'

કાકાએ પૂછ્યું,'પછી શું થયું?' ગ્રેજયુએટ બેગરે જવાબ આપ્યો, 'નેતાજી જીતી ગયા અને વિજય સરઘસ નીકળ્યું, સન્માનો થયાં. પછી હું એમની ઓફિસે રોજગારનું વચન યાદ અપાવવા ગયો. નેતાજીએ મને કટકે કટકે સુરતી ગાળો સોફાવીને કાઢી મૂક્યો. બીજે દિવસે ગયો ત્યારે સાંભળીને કાનમાં મીઠી નહીં, તીખ્ખી ધારી જેવી ગાળો ભાંડી. ત્રીજે દિવસે ગયો ત્યારે પણ એવી જ રીતે ગાળ આપીને મને કાઢી મૂક્યો. મેં વિચાર્યું છે કે નેતાજીએ આપેલા વચનમાં નક્કી સુરતી 'લોચો' લાગે છે. એટલે મેં પાછા વળી હાથ જોડી કરગરતા કહ્યું કે નેતાજી, તમે જ વચન આપેલું કે ચૂંટણીમાં જીતીશ તો રોજગાર આપીશ, આટલા વખતમાં વચન ભૂલી ગયા? 

હુરટી નેટા બોલ્યા, વચન ટો 'પારૂં' છું ટને, હમ જાય કી નઈ? મેં કહેલું કે જીટીશ તો રોજગારઆપીશ. એ જ તો કરૂં છું ને? તું રોજ આવે છે ત્યારે તને ગાર (ગાળ) આપું છું એ રોજ-ગાર જ કહેવાય કે નાં?'

અમે હસી પડયા. એને ભીખ આપવા માટે મેં ખિસ્સામાં હાથ નાખ્યો પણ પાકીટ ઘરે ભૂલાઈ ગયેલું. મારી મૂંઝવણ સમજી ગયેલા બેગરે તરત ચોરસ કાર્ડ આગળ ધરી કહ્યું, 'ડોન્ટ વરી અંકલ, મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ કરી દો.'

પહેલાં લાઈનમેન રેલવેમાં જ જોવા મળતા, હવે તો બધા જ લાઈનમેન બની ગયા છે. જીવનની ગાડીનો આ ખેલ છે. કોઈ લાઈન મારે છે અને કોઈ લાઈન માં-રે  છે. મેટરનિટી હોમમાં જાવ તો કયારેક જોજો, તાજા જન્મેલા શિશુઓને એક લાઈનમાં ગોઠવેલા હોય છે. બાળક ધીમે ધીમે મોટું થાય એટલે સ્કૂલમાં એડમિશન માટે લાઈન, ભણીગણી મોટા થાય એટલે જોબની અરજી કરવા માટે લાઈન, રજિસ્ટર્ડ મેરેજ કરે તો પરણવા માટે લાઈન, આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે અનાજ માટે લગાડવી પડે   રેશનિંગની લાઈન, મોટી ઉંમરે માંદગી આવે ત્યારે સલાઈનના બાટલાની લાઈન અને કોરોનાકાળમાં જોયેલુંને કે મૃત્યુ પછી અંતિમ-સંસ્કાર માટે પણ લાઈન. આ લાઈનની લાઈનાયણ જોઈને કહેવું પડે કે-

જનમથી પરણ સુધી

ને પરણથી મરણ સુધી,

લાઈન-ઓનલાઈનની 

રામાયણ છે

જીવનની અંતિમ ક્ષણ સુધી.

પથુકાકા અચાનક બોલી ઉઠયા, 'ક્યાંક શૌચાલયમાં લાઈન દેખાય  તો ક્યાંક રૂગ્ણાલયમાં લાઈન દેખાય, ક્યાંક ટેક્સી માટે તો ક્યાંક રિક્ષા માટે લાઈન હોય, ક્યાંક ટ્રેન માટે કે કયાંક બસ માટે લાઈન હોય, બરાબરને? પણ નાતાલમાં વડોદરા ગયો ત્યારે મને ભારે નવાઈ લાગી. એક મેદાન પાસેથી પસાર થતી વખતે લાં...બી લાઈન લાગેલી જોઈ. તડકામાં બધા લાઈન લગાડીને હાથમાં એક એક થેલી લઈને શિસ્તબદ્ધ રીતે ઊભા હતા. પણ આવા ખુલ્લા મેદાનમાં શેને માટે લાઈન લાગી છે એ દૂરથી ખબર જ ન પડે.'

મેં અધીરાઈથી સવાલ કર્યો, 'શેની લાઈન?' કાકા બોલ્યા, 'એક મિડિયમ સિટીઝનને મેં સવાલ કર્યો તો એ કહે  કે ફલાણાની પાવ-ભાજી માટે લાઈન લાગી છે. મેં નવાઈ પામી પૂછ્યું કે પણ પાવ-ભાજીનો સ્ટોલ કે લારી તો દેખાતા નથી! મિડિયમ સિટીઝને જવાબ આપ્યો કે ફલાણાભાઈની પાવ-ભાજી એવી  વખણાય છે કે વાત ન પૂછો. એટલે એ ભાઈ લારી લઈને પાંચ વાગે મેદાનમાં પહોંચે તેની એક કલાક પહેલાં જ લાંબી લાઈન લાગી જાય છે. એનો મદદનીશ કેટલી લાંબી લાઈન છે તેનો મોબાઈલમાં વીડિયો ઉતારી માલિકને મોકલે એટલેે લાઈનમાં કેટલા માણસો છે તેનો અંદાજ બાંધીને માલિક પાવ-ભાજી બનાવવાની કાચી સામગ્રી લઈ આવે છે. બોલો, આ લાઈનની કેવી કમાલ કહેવાય!'

મેં તરત જ કાકાને કહ્યું , 'મોડર્ન જમાનાના ફૂડ-રસિયાઓ જાતજાતના ફાસ્ટ-ફૂડનો ભલે ઓન-લાઈન ઓર્ડર આપીને ખાય, પણ ટેસ્ટી દેશી ખાણાં માટે તો જાતે લાઈન લગાડયા વિના કોઈ આરો જ નથી.'

પથુકાકા લાઈન અને ઓન-લાઈન મુદ્દે નવી જ વાત કરી. એમણે પૂછ્યું, 'આજના કવિઓ જેમ પોતાના સંગ્રહ ઓનલાઈન બહાર પાડે છે એમ મોટા મનની કીડીઓ બીજાના ઓન-લાઈન સંગ્રહ બહાર પાડે છે એની તને ખબર છે?'

મેં કહ્યું, 'એટલે?' ખોંખારો ખાઈ કાકા બોલ્યા, 'થોડાં વર્ષે પહેલાં માપબંધીવાળા સાકર અને અનાજની સંગ્રહખોરી કરતા સંગ્રહખોરોને સાણસામાં લેવા નીકળી પડયા હતા. મુંબઈ નજીક પાવરલૂમ સિટી ભિવંડીની ભાગોળે આવેલા ગોદામોમાં સાકરનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવે છે  એવી બાતમી મળી એટલે ટીમ પહોંચી ગઈ અને માંડી ગોદામો તપાસવા, પણ સવારથી બપોર સુધી કેટલાય ગોદામો તપાસ્યા છતાં સાકરનો જથ્થો  ન મળ્યો. છેવટે એક યંગ ઓફિસરે ભેજું અજમાવ્યું.વાંકા વળી વળી જમીન તપાસવા માંડયો. ત્યાં એની નજર ચોક્કસ દિશામાં હારબંધ જતી કીડીઓની એક નહીં અનેક લાઈન જોવા મળી. એ ઓફિસર કીડીની કેડીએ કેડીઓ ચોક્કસ ગોદામ નજીક  પહોંચ્યો. બંધ ગોદામના તાળા તોડયા અને દરવાજા ખોલ્યા તો સંગ્રહખોર વેપારીઓએ સંતાડેલી સેંકડો ગુણો પકડાઈ. બોલો, હવે લાઈનમાં જતી કીડીઓએ જ ઓન-લાઈન બીજાનો 'સંગ્રહ' બહાર પાડયો કહેવાયને?'

અંત-વાણી

લાગણી ભીની કવિતા લખે

એ સુ-કવિ,

તો કોઈ લાગણી વિનાની

શુષ્ક કવિતા લખી, 

નાખે સૂ-કવી.


Google NewsGoogle News