પાકનો વિકાસઃ માગણો, ગધેડા અને આતંકવાદીની નિકાસ
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
નાપાક પાકને ધાકમાં જ રાખવાની જરૂર છે. પાકિસ્તાનને કાયમ હરડે અને ત્રિફલાની ફાકીનો રેચ આપતા રહીને એનું પેટ નહીં, આખું પાક સાફ કરવામાં આવે અને પાકિસ્તાન પર ફાકીસ્તાનની બરાબરની ધાક જમાવવામાં આવે તો જ પાંસરૂ ચાલે એમ છે. ભારત વિકાસની દિશામાં અને પાકિસ્તાન રકાસની દિશામાં આગળ વધે છે. પાકનો વિકાસ એટલે માગણો, ગધેડા, આતંકવાદીની નિકાસ. આવા પાકને 'પોક' મૂકી રોવડાવ્યા વિના છૂટકો જ નથી.
હસે એનું ઘર વસે અને રડે એનું ઘર પડે. હસે એનું ઘર ના-ખસે અને રડે એનું ઘર ના-કશે. કાયમ હસતાને આવકારો અને કાયમ રોતાને જાકારો. હસમુખા હસતા-જોગી અને રડમસમુખા રડતા-રોગી. જો હસતા હૈ વહી દિલોં મેં બસતા હૈ ઔર જો રોતાહૈ વહ ખોતા હૈ. હાસ્યથી અને રમૂજથી જીવનના બોજને હટાવી મોજ કરવામાં માનતા પથુકાકા કાયમ એક જ ગીત ગણગણતા હોયઃ રોતે હુએ આતે હૈ સબ, હસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિકંદર જાનેમન કહેલાયેગા... કાકા કાયમ કહે કે જે અંદરખાને માંદા હોય એને ગુજરેજીમાં કહેવાય સીક-અંદર, એ સીક-અંદર મોકળા મને હસી ન શકે. અરે, દુનિયાના જીતવાની ક્યાં વાત કરવી, એવાં રડ-મસ સીક-અંદર કોઈના દિલ પણ જીતી ન શકે.
કાયમ હસતા રહેતા પથુકાકા અચાનક આવી ચડયા અને બોલી ઊઠયા, 'મને કોઈ રડતા શીખવાડે તો સારું. બોલ છે તારા ધ્યાનમાં કોઈ એવું જે મને રડતા શીખવાડે?' કાકાનો આ સવાલ સાંભળીને મને ખરેખર આશ્ચર્યનો ૩૪૦ વોલ્ટનો આંચકો લાગ્યો. આંચકો ખમીને મેં પૂછ્યું, 'કાકા, તમારું મગજ તો ઠેકાણે છે કે નહીં? તમને હસતા રહેવાની કુદરતી બક્ષિસ મળી છે. બીજાએ તો હસવા માટે પૈસા ખર્ચવા પડે છે. કોમેડી શો કે હાસ્યના હાસ્યાસ્પદ શો જોવા પડે છે. હાસ્ય કવિ સંમેલનોમાં જવું પડે છે કે પછી કોમેડી ફિલ્મોની સીડી મંગાવીને જોવી પડે છે, જ્યારે કાકા તમે તો આપમેળે હસતા જ રહો છે. તો પછી રોતા શીખવાની શુ જરૂર છે?'
પથુકાકા જરાક અટકીને બોલ્યા, 'તે મારી અંદરના દુઃખના દસ્તાવેજ જોયા જ નથી. ઉપર ઉપરથી હાસ્યના હસ્તાવેજ જ જોયા છે. એક વાત યાદ રાખ કે આંસુની સો મૂર્તિ ભાંગોને તો એમાંથી હાસ્યની એક મૂર્તિ ઘડાય છે.'
મેં કાકાને અધવચ્ચે ફરી સવાલ કર્યો , 'મને એક વાતનો જવાબ તો આપો કે તમને રડતા શીખવાનું કેમ મન થયું?'
પથુકાકાએ જવાબ આપ્યો,'હમણાં જ એક મનોચિકિત્સકે વાત કરી કે મનનો ભાર હળવો કરવા માટે જેમ મોકળા મને હસવું જરૂરી છે એમ મોકળા મને રડવું પણ જરૂરી છે. આપણે નથી જોતા? કોઈ વ્યક્તિ સ્વજનના મરણ પ્રસંગે આઘાતમાં સાવ સૂનમૂન થઈ જાય ત્યારે વડીલોની જૂની વાતો યાદ કરાવીને તેને રડાવે છે. રાજસ્થાન બાજુ તો મરણ પ્રસંગે છાતી કૂટીને રોવાવાળી રૂદાલીઓને તેડાવાનો રિવાજ છે. હવે તુ જ મને રસ્તો દેખાડ કે મને સરખી રીતે રડતા આવડે એની ટ્રેનિંગ મારે ક્યાં જઈને લેવી?'
મેં પથુકાકાને સજેસ્ટ કર્યું, 'ગુજરાતમાં કયાંક ક્રાઈંગ કલબ શરૂ થઈ છે જ્યાં ભેગા મળીને રોવાનું હોય છે અને માનસિક રીતે હળવા થવાનું હોય છે.'
પથુકાકા બોલ્યા, 'એમ નહીં. લાફટર કલબોમાં જઈને જેમ બધા ખોટા ખોટા ખડખડાટ હસતા રહેતા હોય છે એમ ક્રાઈંગ કલબમાં જઈને આપણને ખોટેખોટું રોવાનું ન ફાવે, હો! આપણે ત્યાં મગરનાં આંસુ સારવાવાળા ક્યા ઓછાં છે?'
મેં કંટાળીને પૂછ્યું, 'કાકા, તમને કેવી રીતે રોતા શીખવું છે એ જરા ફોડ પાડીને કહો તો ખરા?' કાકા કહે, 'પોક મૂકીને રોતા શીખવું છે. હસવા માટે જોક અને રડવા માટે પોક, સમજાયું?'
મેં વળી પૂછ્યું, 'પોક મૂકીને રડતાં શીખવાનું શું કારણ?' પથુકાકા કાશ્મીરી કિમામવાળું પાન ચાવતાં બોલ્યા, 'તને ખબર છે પોક એટલે શું? પી.ઓ.કે. એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આપણા આ વસમા પાડોશી પાકિસ્તાનવાળા પોક ઉપર કબજો જમાવીને ધણી થઈને જ બેસી ગયા છેને? એટલે આપણે તો કાશ્મીરનો ભાગ ગુમાવી 'પોક' મૂકીને રોવાનો જ વારો આવ્યો છેને? એટલે હું કહું છું ંમને કોઈ 'પોક' મૂકીને રોતા શીખવો...'
મેં કહ્યુ, 'કાકા, તમે પોક મૂકવાનું કહો છો, પણ પાકિસ્તાનને પોક (પાક આકયુપાઈડ કાશ્મીર) મૂકવાનું કોણ કહેશે? આપણામાં કોઈના મૃત્યુ પછી જેમ શોક મૂકાવવાનો રિવાજ છે એમ આ સરકાર 'પોક' મૂકાવવાની ફરજ કયારે પાડશે?'
પાપીસ્તાનીઓને 'પોક' મૂકી રોવાનો વારો આવે એ માટે ચંદ-લાઈના સંભળાવવી પડે છેઃ
આતંકીઓને આવવામાં ક્યાં કોઈ
રોક-ટોક છે,
શહીદ થતા જવાનોના ઘરે માતમ
અને શોક છે,
મન કી બાત મૂકી હવે તો કરો
ગન કી બાત?
ઝૂંટવી લ્યો 'પોક'ને કાંઈ પાકના
બાપનું પોક છે?
મુંબઈ આવ્યા પછી જે સોસાયટીમાં રહેતાં ત્યાં મેં પોક મૂકી રોવાનો નવતર પ્રયોગ જોયો. અમારા પાડોશમાં પત્નીથી પીડિત નવીનભાઈ રહે. પત્ની કામિની બહેનથી દબાયેલા રહે. એકલા મળે ત્યારે કામિની બહેનને નકામીની કહીને ઊભરો ઠાલવે, પણ ઘરમાં પત્ની સામે મોઢું ન ખોલી શકે. કામિની બહેનને કોઈ પૂછે કે શું નવીન છે? ત્યારે છણકો કરી જવાબ આપે કે નવીનમાં તો કંઈ નથી.
એકવાર એવું થયું કે મોડી રાત્રે નવીનભાઈના ઘરમાં ધમાલ શરૂ થઈ. લાકડીના સટાક... સટાક... અવાજ સાથે નવીનભાઈની રાડારાડ સંભળાવા માંડી, લે... લેતી જા... મારું બહુ માથું ખાય છે ને? બીજી તરફ કામિનીભાભીની રડારોળ સંભળાઈ, એ માડી મરીગઈ રે... રોઈરોઈ કોને સંભળાવું મારા દુઃખડા... મરી ગઈ રે...
રડારોળ સાંભળી અમે બે-ચારજણ છોડાવવા માટે દોડયા. અંદર જતા પહેલાં અમને થયું કે જોઈએ તો ખરા, શું તમાશો ચાલે છે? એટલે બારીમાંથી પાડોશીના ઘરમાં ડોકિયું કરીને જાયું, તો જે લાઈવ સીન ચાલતો'તો એ જોઈને અમારી આંખો ફાટી ગઈ. કામિનીભાભી વરને લાઠીથી ફટકારતા હતા અને નવીનભાઈ જેવો ફટકો પડે એટલે જોરથી ચિલ્લાતા હતા, લે લેતી જા... તું એ જ લાગની છે... લેતી જા... સટાક... સટાક... સટાક... અને સામે કામિનીભાભી પતિને લાઠી ફટકારતા જાય ઇને પોક મૂકી રડતા જાય, ઓય માડી રે... મરી ગઈ રે... કોઈ મને બચાવો.
આ નાટક જોઈ બિલ્ડિંગના બે-ત્રણ વડીલો બારણાને ધક્કો મારીને અંદર ઘૂસ્યા અને વર-વહુને તતડાવતા બોલ્યા આ શું નાટક કરો છો? ગામ ગજાવતા ંશરમાતાં નથી?
આમ અચાનક ઘસી આવેલા સોસાયટીવાળાને જોઈ હેબતાઈ ગયેલા નવીન ભાઈએ ખુુલાસો કર્યો કે, 'અમારી વચ્ચે અંડરસ્ટેન્ડિંગ છે. છાશવારે મારી બાયડી મને ફટકારે અને રાડારાડ થાય એમાં મારી ઈજ્જત શું રહે? એટલે અમે નક્કી કર્યું છે કે કામિનીને જ્યારે જ્યારે મારી ઉપર લાઠી વરસાવવાનું જોર ચડે ત્યારે ભલે ફટકારે, પણ એક શરત કે લાઠીના પ્રહારે તેણે પોક મૂકી મૂકીને રડારોળ કરવાની, જેથી પાડોશીઓને એમ થાય કે વરજી પોતાની વહુને ફટકારે છે. એટલે પતિ સાવ નમાલો છે એવાં કોઈ મહેણાં મારે નહીં.' આમ માર ખાઈને પતિ પડે અને મારનાર પત્ની ખોટેખોટી રડે એ જોઈને મનમાં થયું કે બીજાને મારનારના ભાગ્યમાં વહેલાં-મોડું રોવાનું જ લખ્યું હોય છેને?'
પથુકાકાને આ જૂનો કિસ્સો યાદ કરાવતા એ તરત બોલી ઊઠયા કે 'આબધા અને ખૂંટલ પાકિસ્તાનીઓ મારકણી બૈરી જેવું જ કરે છેને? ભારત પર પ્રહાર કરતું રહે છે અને સાથે સાથે એવી રડારોળ કરે છે જાણે આપણે એને મારતા ન હોઈએ?'
અંત-વાણી
પહેલા વસમા પાડોશીને
લાડ લડાવે,
પછી જવાનો મોકલી યુદ્ધ લડાવે
ભલે પોક મૂકી રડે પાક
કોઈ તો પાક પાસેથી 'પોક' પડાવે!