જેના હાથમાં પતિની ચોટલી, એ શેકે એનાં ટાલકામાં રોટલી
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
વર્ષો પહેલાં ટીવીમાં એક સિરિયલ આવતી - 'ભારત એક ખોજ'. એ સિરિયલ યાદ આવી એની સાથે સૌરાષ્ટ્રના એક તીર્થસ્થાનની ભારત (નામની) એક લોજ યાદ આવી. નામ ભલે ભારત લોજ હતું, પણ લોજના મોજ કરાવતા મોજીલા માલિક શંકરબાપાને કારણે લોકો મોજની લોજ નામે ઓળખે.
એ જમાનો રેડિયોનહોતો. લોજમાં મોટા અવાજે રેડિયો વાગતો હોય અને ખરેખર કાનમાં વાગતો હોય. મોજીલા શંકરબાપા થડા ઉપર બેસી ઊંચા અવાજે અને રમૂજની છાંટ સાથે ઓર્ડર અપાતા હોય. બધા ખુરશી-ટેબલ પર ડ્રોન-કેમેરાની જેમ નજર ફરતી જાય અને વેઈટરોને સૂચના આપતા જાયઃ એય પોલીસને આપજે પાણી... રવજીભાઈને આપો રસો, ઝટ રસોડા તરફ ખસો... દામુકાકાનેદેજો દાળ, નહીં તો દેશે ગાળ...જો ઓલા બેઠા છેટા, ઈ સવજીના બેટા... સેવ-ટમેટા થાળીમાં આપો, હાથ ધોશો તો ફટકારશે આ ડોસો...
મોજની લોજમાં ખાવાવાળા ભોજનની સાથે મોજીલા કાકાની વાણીનું પાણીમોજથી પીધા કરે. હું અને કાકા તીર્થસ્થાને દર્શને ગયા હતા ત્યારે અઠવાડિયું આ જ લોજમાં જમતા. એકવાર જમવા ગયા ત્યારે મોઢેથી સીટી વગાડી સૂચના આપી કે 'આવી ગયા છે સિટી-વાળા (શહેરીઓ), એની કરજો સરભરા... સ્વાર્થી નેતાની જેમ બનશો નહીં ઘરભરા...'
હું અને કાકા ટેબલ-ખુરશી પર ગોઠવાયા ત્યારે આકાશવાણી રાજકોટના કેન્દ્ર પરથી રેડિયોમાં લોકગીત વાગતું હતુંઃ આવ્યા છો તમે ઉતારા કરતા જાવ... આવ્યા છો તમે ભોજન કરતા જાવ... આ ગીતની સાથે સાથે જ સૂર પૂરાવતા મોજીલા લોજવાળા કાકા બોલી ઉઠયા, 'સાંભળ્યું ને? જૂના લોકગીતોમાં પણ લોજિંગ-બોર્ડિંગની વાતું કેવી વણાઈ ગઈ છે? આવ્યા છો તમે ઉતારા કરતા જાવ... આવ્યા છો તો ભોજન કરતા જાવ...'
મેે અને કાકાએ ખડખડાટ હસીને દાદ દેતાં મોજીલા લોજવાળા બાપાને કહ્યું, 'હવે ઝટ ખવડાવો અમને ગરમાગરમ ફુલકા રોટલી... ખાલી થઈ ગઈ છે પેટડાની પોટલી...'
મોજીલા બાપા ઓર્ડર કાને ધરી રસોડાની દિશા તરફ જોઈ રાડ પાડતા બોલ્યા, 'મહેમાનોની ભરી નાખો પેટની પોટલી.... ખવડાવો ફૂલેલી રોટલી... લજવશો નહીં આ મારી ચોટલી...'
ચાર ચાર દાયકા વીત્યા છતાં મોજની લોજ ભૂલાતી નથી. હમણાં ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે મેં પથુકાકાને એ લોજના માલિકની યાદ અપાવી ત્યારે કાકાના પંડમાં એ લોજવાળા આવ્યા હોય એમ લોજની ફુલકા રોટલી યાદ કરી જોડકણું ફફડાવ્યું ઃ
'વોટ માટે ખોલે
પૈસાની પોટલી,
રાજકારણમાં સહુ શેકે
પોતાની રોટલી,
પણ જીતે પછી એના હાથમાં
આવે વોટરોની ચોટલી.'
મેં કહ્યું, 'કાકા, ઓકટોબર હીટને લીધે પરસેવે રેબઝેબ થઈ જવાય છે. મેં એક જોયું છે જ્યારે ગરમી વધે ત્યારે પતિ-પત્ની વચ્ચે ગરમાગરમી વધી જતી હોય છે, સાચું કે નહીં?' કાકા હકારમાં માથું હલાવતા બોલ્યા, 'તારી વાત સાવ સાચી હો! ગરમીમાં ઘરેલું ઝઘડા વધવાનું કારણ શું, ખબર છે? કારણ કે પતિના માથા તપી ગયેલા હોય છે અને એવી જ રીતે વહુ ગરમીમાં અકળાય બહુ એટલે થાય ગરમાગરમી. પતિ બધા તપેલા અને પત્ની બધી તપેલી, એમાં ગરમાગરમી વધેલી.'
મેં તરત જ કાકાને ખૂબ વાઈરલ થયેલો પતિ-પત્નીનો વીડિયો દેખાડયો. એમાં એક ભેજાબાજ પત્ની રોટલી વણી વણીને ટાલિયા પતિના ટાલકા ઉપર શેકતી જાય છે. આ જોઈને પથુકાકા ખડખડાટ હસી પડયા અને બોલી ઉઠયા, 'ધણીનું માથું ગેસની જેમ ગરમ રહેતું હશે એટલે વહુએ ગેસના ચૂલાને બદલે પતિના ટાલકા પર રોટલી શેકવા માંડી હશે. આપણા કેટલાંય નઠારા નેતાઓ આવું જ કરે છે ને મોકો મળે ત્યારે ગમે ત્યાં પોતપોતાની રોટલી શેકવાનું ચૂકતા નથી. બાકી આ વીડિયો જોઈ આ નવતર જોડાનું જોડકણું કહેવાનું મન થાય કે-
જેના હાથમાં પતિની ચોટલી
એ શેકે એનાં માથે રોટલી.
મેં કાકાને કહ્યું , 'વહુએ ગરમ મિજાજના ધણીને માથે રોટલી શેકી અને મહારાષ્ટ્રમાં ચૂંટણી માથે છે ત્યારે સહુ રોટલી શેકવા માંડયા છે.'પથુકાકા બોલ્યા, 'ધ્યાનથી સાંભળ, તે ઘઉંંના લોટમાંથી બને એને કહેવાય રોટલી અને સહુના વોટમાંથી બને એને કહેવાય વોટલી. એટલે રાજનેતાઓ શેકે છે એને રોટલી નહીં, પણ વોટલી જ કહેવાય પડી સમજ?'
મેં કાકાને કહ્યું,'માના હાથની રોટલીના સ્વાદ સામે છપ્પનભોગની પણ કંઈ વિસાત નહીં હો! એટલે જ કચ્છી ભાષામાં રોટલી માટે કેવો બંધબેસતો શબ્દ છે, માની.' મારી વાત ધ્યાનથી સાંભળતા પથુકાકાના ભેજામાં નવો ઉણગો ફૂટતા બોલી ઊઠયા, 'માના હાથની રોટલીને માની કહેવાય તો વહુના હાથની રોટલીને શું કહેવાય, ખબર છે? મન-માની.' મેં પૂછ્યું વહુના હાથની રોટલીને કેમ મનમાની કહેવાય?' ખડખડાટ હસીને કાકાએ કહ્યું, 'મા છે એ ગમે ઈ ટાઈમે ગગાને રોટલી શેકી દે એટલે કહેવાય માની, પણ ઘરવાળીનો નેઠો નહીં, બનાવવી હોય તો બનાવે નહીંતર ન બનાવે, એટલે એને કહેવાય મન-માની.'
માની અને મન-માનીની વાત સાંભળી મેં કાકાને પૂછ્યું, 'કોણ જાણે તમે કંઈ ચક્કીના આટાની રોટલી ખાવ છો! આવાં તુક્કાં ક્યાંથી તમારા ભેજામાં આવે છે?' પથુકાકા બોલ્યા , 'આપણામાં એક ચવાયેલી અને સ-ચવાયેલી કહેવત છે કે અન્ન એવો ઓડકાર. કાકીના હાથની રોટલી અને પછી ખોલું અવનવા તુક્કાની પોટલી.'
કાકાએ ગુજરેજીમાં કહીએ તો અન્ન-નેસેસરી (અન્ન ખાવું જરૂરી) ઓડકાર ખાઈને વાત આગળ ચલાવી,'જો સાંભળ, લંડનથી મહેમાન બનીને આવેલા અમારા ગામના પરભાબેન જમવા બેઠાં. તારી કાકીએ ફુલીને દડો થયેલી રોટલી પીરસતાં પૂછ્યું કે પરભાબેન ફૂલકા લેશોને? ત્યારે પરભાબેન આડો હાથ કરી બોલ્યા કે નો... નો ફૂલકા, ઓન્લી હાફકા...'
આ સાંભળી મનમાં થયું કે ફૂલકાને હાફકા કહેવાને બદલે અડધી રોટલી જોઈએ છે એમ કહ્યું હોત તો રાણી એલિઝાબેથના અદાનું શું જતું હતું? પણ આટલા વર્ષો ઈંગ્લેન્ડમાં અંગ્રેજોનું અન્ન ખાધુ એટલે ઓડકાર પણ અંગ્રેજીમાં આવેને?
સ્વાસ્થ્ય સભાન (હેલ્થ કોન્શિયસ) પરભાબેને કહ્યું, 'પહેલાં હું ખાવા બાબત સાવ અનકોન્શિયસ (બેભાન) થઈ ગઈ હતી, પણ પછી ડોકટરે વોર્નિંગ આપી એટલે હું કોન્શિયસ બની ગઈ છું. મારા વરજીનું હેડ પણ ખાતી નથી હો?...
બીજે દિવસે પરભાબેન જમવા બેઠા ત્યારે અમારા કૂકે પૂછયું, 'બહેનબા, કેવી રોટલી ચાલશે?' પરભાબેને અંગ્રેજીનો રૂઆબ દેખાડવા ઓર્ડર છોડયો, 'બ્લેન્ક ચપાતી વિધાઉટ બુક, અંડરસ્ટેન્ડ?' કૂક સમજ્યો નહીં. પછી મેં ભેજું દોડાવ્યું કે બ્લેન્ક ચપાતી વિધાઉટ બુક એટલે ચોપડી (બુક)ન હોય એવી બ્લેન્ક (કોરી) ચપાતી.મેં અર્થ કાઢ્યો ત્યારે ખડખડાટ હસીને પરભાગૌરી બોલી ઉઠયાં, 'મારૃં ઈંગ્લિશ સાંભળીને આ કૂકર (રસોઈયો) પ્રેશરમાં આવી ગયોને?' આ સાંભળી મેં કહ્યું, 'અમારે ત્યાં કૂકરના પ્રેશરમાં જ બધું રંધાય છે એટલે જ એને પ્રેશર કૂકર કહે છે, પડી સમજ?'
મેં હસીને કહ્યું કે-
'ગોરાને વાદે કરે
વાતું મોટી મોટી
ભાષાની ભેળસેળ કરે
ખોટી ખોટી
ખાવાથી બસ રાખો નિસ્બત
અડધી કે આખી રોટી રોટી...'
અંત-વાણી
લોટથી બને રોટલી
વોટથી બને વોટલી
** ** **
સઃ ચા સાથે રોટલી ખવાય એ મુંબઈ નજીક આવેલા કયા ગામના નામ પરથી યાદ આવે?
જઃચા-રોટી