ભાત ભાતના ભાર માથે લઈ ફરે કૈંક માથા-ભારે

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ભાત ભાતના ભાર માથે લઈ ફરે કૈંક માથા-ભારે 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

એક જમાનામાં રાજકોટ ગાય, ગાંઠિયા અને ગાંડા માટે જાણીતું હતું. પણ ગાંડા એટલા વળી ડાહ્યા કે પરણ્યા નહોતા, નહીંતર હું કહેત કે આજે એ ગાંડાશ્રીઓની ચોથી પેઢી ચાલે છે.

એ વિવિધરંગી ગાંડાઓમાં એકનું નામ હતું ટાપજી તપેલો. નામ ટાપજી, પણ ઉપનામ તપેલો શું કામ પડયું, ખબર છે? ટાપજી લગ્નની વાડીઓમાં મોટૉ મોટાં તપેલાં સારવાનું કામ કરતો. એમાં કોણ જાણે શું થયું રામ જાણે, ટાપજીની ડાગળી ચસ્કી ગઈ અને ગાંડા કાઢતો શેરીઓમાં ભટકવા માંડયો, પણ તપેલાં સારવાની એવી ટેવી પડી ગઈ હતી કે મગજ પરનો કન્ટ્રોલ ગુમાવી દીધા પછી પણ ઘરમાં બે-ત્રણ ભારે તપેલાં હતાં એ જ માથે લઈને ફર્યા કરતો. જો એને ઊભો રાખવો હોય તો કોઈ બળજબરીથી તપેલાં હેઠે ઉતારી લે એટલે જાણે એનાં પગમાં બ્રેક લાગી જતી. માથે તપેલાંનો ભાર આવે એટલે એની ગુડાગાડી ચાલવા માંડે. બસ એ દિવસથી ટાપજી છેને તે ટાપજી તપેલા તરીકે જાણીતો થઈ ગયો.

પથુકાકાને તપેલાંનો ભાર લઈ ફરતા રાજકોટના આ ગાંડા ટાપજી તપેલાની વાત કરી ત્યારે હસીને તરત જ ટનાટન ટકોર કરી કે ટાપજી તો ગાંડો હતો એટલે માથે તપેલાંનો ભાર લઈ ફરતો એ સમજી શકાય, પણ મને એ નથી સમજાતું કે આજે સમાજમાં કહેવાતા ડાહ્યા લોકો શા માટે કારણ વિના માથે જાતજાતના ભાર લઈ ફરતા હશે?'

મેં કાકાને કહ્યું, 'કાકા, માથે ભાર લઈને ફરતા આ બધા 'હેવી-હેડ'ને જોઈને એક જોડકણું યાદ આવે છે કે-

માથે માથે સહુને ભાર

માથે ચિંતાનો નહીં પાર

કોણ સમજાવે? ભારે જ ડૂબે

હળવા તરીને ઉતરે પાર.'

કાકા જોડકણું સાંભળીને બોલ્યા, 'અગાઉ તો આપણે ગુંડાઓને માથાભારે કહેતા, ખબર છે? પણ આજે તો સારા સારા ભણેલગણેલ અને દોમ દોમ સાહેબીમાં રહેતા હોય એવાય કેટલાય માથા ઉપર ભાર લઈને ફરતા હોય તો એને માથા-ભારે કહેવાય કે નહીં?'

મેં કહ્યું 'કાકા માથા-ભારે તો ઠેઠ રામાયણ કાળથી આવતા રહ્યા છે. પ્રભુ રામજીને પણ એ જમાનાનો સૌથી માથાભારે  દસ-માથાળો રાવણ જ નડયો હતો ને?'

કાકા ભારે માથું ધુણાવીને બોલ્યા, 'તારી વાત સાચી હો! રાવણ તો એ વખતનો મોટામાં મોટો માથાભારે ડોન હતો, એ વખતે કાંઈ આજની જેમ શેરીએ શેરીએ બની બેઠેલા ડોન એટલે શેરી-ડોન નહોતા ભટકાતા.'

મેં પૂછયું ,'કાકા, તમે માથાના દુઃખાવાની ગોળી યાદ અપાવી એટલે પૂછવાનું મન થયું કે ભારે ટેન્શનમાં રાવણનું માંથુ ભારે થઈ જતું હશે  અથવા દસ માથાનો (ટોપ-ટેનનો) દુઃખાવો ઉપડતો હશે ત્યારે એ શું ઈલાજ કરતો હશે?'

પથુકાકાએ માથું ખંજવાળી જવાબ આપ્યો, 'દસ માથા દીઠ એક-એક ગોળી રાવણ રાખતો હશે મને એવું લાગે છે કે એક સ્ટ્રીપમાં દસ ગોળી રાખવાની શરૂઆત રાવણે જ કરી હશેને?'

કાકાના ફળદ્રુપ ભેજાને મેં દાદ આપતાની સાથે જ કાકાએ કહ્યું, 'બાકી તો લંકાના રાજવૈદ દરેક માથે ચોપડવા માટે દેશી બામની દસ શીશી રાવણના એક એક માથાની પાસે રાખી દેતા હશે. એટલે જ હું કહું છું રાવણના માથાં ઉતારે બામ કે રામ... જય શ્રીરામ.'

માથાની આ માથાકૂટ સાંભળી કાકીનું માથું ભમતાં બરાડયાં, 'આખો દિવસ શું માથાભારે માથાભારેની મોકાણ માંડી છે? હવે મૂકોને માથાકૂટ! આટલી નક્કામી પીંજણ કરવી હોય તો જાવ મારા ઉપલા માળના રૂમમાં, ખાલી જ પડયો છે.' 

કાકીને વધુ ભડકાવતા પથુકાકા બોલ્યા, 'તારો ઉપલો માળ ખાલી છે એ અમને ખબર છે. આ સાંભળતાની સાથે જ કાકીએ હાથમાં પકડેલા દાંતિયાનો છૂટ્ટો ઘા કર્યો. કાકીનો ગુસ્સો જોઈ શિયાવિયા  થઈ ગયેલા કાકા મારો હાથ ઝાલીને ઉપલા માળે લઈ ગયા મેં પૂછ્યું, 'કાકા, તમે  કેમ કાકીનો સામનો કરવાને બદલે ચૂપચાપ શરણાગતી સ્વીકારી લીધી?' કાકા ધીમેકથી બોલ્યા,  'માથાને અંગ્રેજીમાં શું કહે છે? હેડ ...અને હલકું હોય એને શું કહે છે? લાઈટ, બરાબરને? એટલે સંસારના હાઈ-વે ઉપર હાયવોયથી બચવું હોય ને તો હાઈવે પરથી પસાર થતા વાહનો હેડ-લાઈટથી  સિગ્નલ આપે છે એ સિગ્નલ સંસારમાં અપનાવવા જોઈએ, તો અથડામણ ટાળી શકાય. હું અને તારી કાકી એવું જ કરીએ છીએ. કાકી ક્રોધે ભરાય અને ફૂલ હેડલાઈટ ફેંકે ત્યારે હું મારી લાઈટ ડીમ કરી નાખું છું. હું જ્યારે ગુસ્સે થાઉં અને ફુલ લાઈટ મારવા માંડુ એટલે તારી કાકી એની લાઈટ ડીમ કરી નાખે. બસ, હેડલાઈટનો આ ડીમ-ફુલ ડીમ-ફુલનો સિગ્નલ  સંસારમાં અપનાવોને તો અકસ્માત ટળે અને શાંતિ મળે.'

મેં કહ્યું, 'કાકા, કોઈ માથે ભાર લઈ ફરે તો કોઈ ભારે શરીર સાથે ફરે, પણ સાચું કહું? ભાર માથે લઈ ફરતા માથાભારે હોય. ટન-બદન તનનો ભાર લઈને ફરતા હોય કે વગર કારણે મોઢું ભારે રાખી ફરતા હોય એના કરતાં તમારી જેવા હળવા મિજાજવાળા હળકાફુલને હળવા-મળવાનું મન થાય. હળવા હોય એને જ મળવા જવાયને?'

કાકા સમજી ગયા કે મારો ઈશારો કોની તરફ હતો. તેઓ બોલ્યા, 'સ્ત્રીને  ભાર્યા પણ કહે છે એટલે મારા ભાગ્યમાં પણ ભારેખમ ભાર્યા જ લખી હશે એટલે આ તારી ક્વિન્ટલ-ક્વીન કાકી સાથે લગ્ન થયાં. તને ખબર છે ,એનું પિયરનું નામ દેવી હતું. પણ પછી દેવીને બદલે બધાં હેવી... હેવી કહીને ખીજવતા એટલે નામ બદલી બાળા કરી નાખ્યું. તો કોઈ બાળામાંથી (હો)બાળા કરી નાખ્યું. અમારા ઘરમાં એનું જ વજન પડે છેને? એની હાજરીમાં મગદૂર છે કોઈની કે ઘરમાં પગ પણ મૂકી શકે? બાળકો પણ કાકીને જોઈ ટિવન્કલ ટિવન્કલ લિટલ સ્ટાર... કવિતા ફેરવીને ગાય છેઃ ક્વિન્ટલ ક્વિન્ટલ લિટલ સ્ટાર.'

મેં તરત પૂછ્યું, 'સારૃં યાદ આવ્યું, ગયા અઠવાડિયે તમારા ઘરમાં રાત્રે ચોર ઘૂસ્યો હતો એનું શું થયું?'

પથુકાકાએ ખડખડાટ હસીને જવાબ આપ્યો, 'એવું થયું કે તારી કાકી મધરાતે શંકા-નિવારણ માટે જાગી અને ટોઈલેટ તરફ જતી હતી ત્યાં વચલા રૂમમાં ચોરને ખાંખાંખોળા કરતો જોયો. પહેલાં તો એક અડબોથ મારી નીચે પાડી નાખ્યો અને પછી એની ઉપર બેસી ગઈ અને બૂમાબૂમ કરી મૂકી.'

મેં કહ્યું, '(હો)બાળાકાકી ભારે હિમ્મતવાળા કહેવાય હો!' પથુકાકા બોલ્યા, 'હજી સાંભળ તો ખરો? તારી કાકીએ મને હાંક મારી કે ઝટ પોલીસ સ્ટેશને જાવ અને પોલીસવાળાને ફરિયાદ કરો કે ચોર પકડાયો છે. મેં કહ્યું ,અરે પણ મારાં ચપ્પલ નથી મળતાં  શું કરૃં? આ સાંભળી તારી કાકીના ભારથી દબાયેલા ચોરે ઊંહકારા કરતાં કહ્યું કે શેઠ, તમારા ચપ્પલ ન મળે તો કાંઈ નહીં, બહાર પડેલાં મારાં ચપ્પલ પહેરીને જાવ, ઝટ પોલીસ બોલાવી લાવો, નહીંતર હું ક્યાંક આમને આમ દબાઈ મરીશ. પ્લીઝ જાવ... ઝટ પોલીસને લાવો...'

મેં હસીને કહ્યું, 'આપણે કેરળ ફરવા ગયા હતા યાદ છે? કેરળવાસીઓ 'ત'નો ઉચ્ચાર 'થ' કરે છે. આપણે વિવિધ ભારતી કહીએ તેને કેરળવાળા વિવિધ ભારથી કહે છે, બરાબર? હવે માથાનો ભાર, શરીરનો ભાર, ચિંતાનો ભાર જેવા જુદા જુદા ભાર સાથે ફરતા હોય એ બધાને ભેગા કરી કાકીએ કયો પક્ષ સ્થાપવો જોઈએ ખબર છે? ભારથીય વ-જનતા પાર્ટી.'

અંત-વાણી

ગામ આખાને નડે

એવા હોય કો'ક માથાભારે,

પણ ખુદને જ નડે

જે માથે ભાર લઈ ફરે

એ માથા-ભારે.


Google NewsGoogle News