ગરમાગરમ તળાય ગાંઠિયા, રાજકારણમાં કળાય બાંઠિયા
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ઊંચા હોય કે બાંઠિયા સહુ ટેસથી ખાય ગાંઠિયા... ગાંઠિયાના ખરા શોખીન પથુકાકા કાઠિયાવાડમાં પગ મુકતાની સાથે જ ગાંઠિયા પર તૂટી પડે અને મરચાં સાથે કે ઘાટ્ટી કઢી સાથે ગાંઠિયા ખાતા કહે પણ ખરા કે, 'કાંઠિયાવાડમાં ગાંઠિયાવાડની ખરી મજા છે હો!'
મુંબઈથી લકઝરી બસમાં હું અને કાકા રાજકોટ જતા હતા. ચોટીલા આવ્યું એટલે કાકા તરત બોલ્યા, 'આ રાષ્ટ્રીય શાયર મેઘાણીનું ગામ...' ત્યાં દૂર તળાતા ગાંઠિયાની સુગંધ મને રીતસર ઘસડીને ગાંઠિયાના સ્ટોલ પર લઈ ગઇ અને અડધો પોણો કિલો ગાંઠિયા પર સર્જિકલ સ્ટ્રાઈક કસરી અને લુચ્ચું હસીને કાકા બોલ્યા, 'ચોટીલામાં યાદ આવે મેઘાણી અને ગાંઠિયાની કાઢી મેં-ઘાણી... ઘણી ખમ્મા ઘાણી ખમ્મા...'
ગાંઠિયા ખાઈને અમે બિલ ચૂકવવા થડા પર ગયા ત્યાં મોટી બરણીમાં સરસ રીતે ગોઠવેલા ફાફડાનો રંગ જોઈને કાકાએ પૂછ્યું કે આ એક કિલો ગાંઠિયાનું શું છે? ગાંઠિયાવાળા અદા બોલ્યા, 'ભાઈ, આ ગાંઠિયા વેંચવાના નથી, આ તો અમસ્તા શોભાના ગાંઠિયા છે...' આ સાંભળી કાકાએ ધીરેકથી ટકોર કરી, 'આપણા દેશમાં ગવર્નરો પણ શોભાના ગાંઠિયા જેવાં જ હોય છેને? 'ગ' ગવર્નરનો અને 'ગ' ગાંઠિયાનો...'
આપણો દેશ પહેલા કૃષિપ્રધાન હતો અને હવે ધીરે ધીરે વડા-પ્રધાન થવા માંડયો છે. ક્યાંક પક્ષના વડા, તો કયાંક પંથના વડા, ક્યાંક સામાજિક સંસ્થાના વડા તો ક્યાંક સ્વયંસેવી ગંઠનના વડા કે પછી ક્યાંક કંપનીના વડા તો કયાંક કોર્પોરેટ સેક્ટરના વડા બસ વડા વડા ને વડા જ ભટકાય છે.
અમેરિકાથી એર-ફેર (હવાફેર) કરવા આવેલા રિલિજીયનજી ઉર્ફે ધરમજીભાઈને ગુજરાતીનું બેઠું અંગ્રેજીકરણ કરવામાં કોઈ ન પહોંચે. મહેમાનને ક્યાં ફરવા લઈ જવા એ વિચારીને બે-ચાર વાર પૂછ્યું, 'ક્યાં જશું? ક્યાં જશું?' ધરમજીભાઈ હજી જેટ-પગ (જેટ-લેગ)માંથી બહાર નહોતા આવ્યા. એટલે જરા અકળાઈને બોલ્યા, 'ડોન્ટ ઈટ માય હેડ, યાર (મારું માથું ખા મા)... જરા રિવોલ્વિંગ હેડ (માથું ફરતું) ઓછું થાયપછી જઇશું.' મેં કહ્યું આ વખતે તો મુંબઈમાં તમને એવ ી-એવી જગ્યા દેખાડીશ કે દંગ રહી જશો.' આ સાંભળીને એમનું અમેરિકી લોહી ઉકળી ઉઠયું અને બોલ્યા, 'હું દંગ રહી જાઉં એ વાતમાં અસ્થમા (દમ) નથી... યુએસમાં એવું એવું જોયું છે કે દેશમાં આવ્યા પછી કંઈ નવું જોવાની ડેથ-લાઈફ (મરજી) નથી થતી, યુ નો?'
ધરમજીભાઈની ઈચ્છા નહોતી છતાં આંટો મારવા નીકળ્યા. ધરમજીભાઈ બોલ્યા, 'નીકળ્યા છીએ તો જૂના ક્વાર્ટરઓલ્ડીને પણ મળી લઈએ.' મેં નવાઈ પામીને પૂછ્યું, 'કવાર્ટર ઓલ્ડી એટલે?' ધરમજચીભાઈ મને ધબ્બો મારીને બોલ્યા, 'એટલુંય નથી સમજતા? ક્વાર્ટર ઓલ્ડી એટલે પા-ડોશી, અન્ડરસ્ટેન્ડ?' જૂના પાડોશીને મળી બજારમાં પહોંચ્યા. ફરતાં ફરતાં ભૂખ લાગી. ધરમજીભાઈ બોલ્યા, 'દોસ્ત પેટમાં પપ્પી (ગલુડિયાં) બોલે છે, શું કરીશું?' મેં પૂછ્યું, 'બોલો, શું ખાઈશું?' જરાક વિચારીને રસ્તાની રેંકડીઓ પર નજર ફેરવીને ધરમજીભાઈ બોલ્યા, 'મને તો ચીફ વિથ ચટની પણ ચાલશે.' હું મૂંઝાયો કે આ વળી કઈ ઈટાલિયન, ફ્રેન્ચ કે મેક્સિકન વાનગી હશે? મેં પૂછ્યું, 'ચીફ વિથ ચટની એટલે?' ધરમજીભાઈ હસીને બોલ્યા, 'એટલીય ખબર નથી પડતી? ચીફ વિથ ચટની એટલે આ તમારાં વડા અને ચટણી, અંડરસ્ટેન્ડ?'
એક વડાપાંવની રેકડી પર ઊભા રહ્યા. સાંજ પડી ગઈ હતી એટલે વડાં કંઈ તાજાં તો નહોતાં. ધરમજીભાઈએ તો જેવું અડધું વડું ખાધું ત્યાં એમંનું મોઢું બગડી ગયું. મેં પૂછ્યું, 'કેમ, શું થયું? કંઈક ગડબડ છે?' ધરમજીભાઈ બોલ્યા, 'આની અંદર સિસ્ટર-ઈન-લો (સાલી) કંઈક વાસ આવે છે. સૂંઘો તો ખરા!' મેં વડું સૂંધ્યું અને પછી એમને કહ્યું,'અરે ભાઈ, આમાં બીજું કંઈ નથી, વડામાં પ્રાંતવાદની વાસ આવવા માંડી છે. ફેંકી દ્યો, બીજું કંઈક ખાઇશું.'
ધરમજીભાઈ પ્રાંતવાદની વાસમાં કંઈ સમજ્યા નહીં એટલે રેંકડીથી આઘે જઈને મેં એમને સમજાવ્યા, 'સાંભળો, વડાના વેંચાણમાં પણ અહીંના મૂળ રહેવાસીઓની મોનોપોલી થવા માંડી છે. થોડા વખત પહેલાં જ છાપામાં વાંચ્યું કે નહીં? આખી વડાપાંવ વિક્રેતા સેના ઊભી થઈ છે. બીજી તરફ ભેળપુરી, પાણીપુરીના વેચાણમાં ઉત્તર ભારતીયોનો મોનોપોલી તોડવા પોતાના કાર્યકરોને ભેળપુરી-પાણીપુરી બનાવવાની ટ્રેનિંગ આપવા માટે કલાસ શરૂ કરી દીધા છે. રાષ્ટ્રીય સ્તરે ઘણીવાર ભોજનિયું રાજકારણ ખેલાય છે અને રાજ્યના સ્તરે આવું પાંવ વડા-પાણીપુરીનું રાજકારણ ખેલાય છે.'
મારી વાત સાંભળીધરમજીભાઈ જરા વિચારીને બોલ્યા, 'આ બધા કવાર્ટર હસબંડનો ખેલ છે ભારતમાં.' મેં પૂછ્યું 'કવાર્ટ હસબંડ એટલે?' ધરમજીભાઈ હસીને બોલ્યા, 'પા-વરનો જ ખેલ છે ને! પા-વર મેળવવા અથવા તો જેના હાથમાં પા-વર છે એ ટકાવવા જાત જાતનાં ગતકડાં જ થાય છે કે બીજું કંઈ?' હું બોલ્યો, 'ભાઈ, આ તો સત્તાની જ કમાલ છે. પાંવ વડાં... પાંવ વડાંના શોરબકોર વચ્ચે સહુ પોતાપોતાના વડાના જ પાંવ પડે છે ને! ન કરે નારાયણ ને કોઈ મહારાષ્ટ્રિયન પ્રાઈમ મિનિસ્ટર બનશે તો એ પોસ્ટનંબ જ નામ ફેરવીને શું કરશે, ખબર છે? પાંવ-વડા પ્રધાન.'
ધરમજીભાઈ બ્રેઈન રન કરી (ભેજું દોડાવી) બોલ્યા, 'મને લાગે છે કે દરેક સ્ટેટે પોતપોતાની વાનગી પ્રમોટ કરી એક સેના ઊભી કરવી જોઈએ. દાખલા તરીકે, ગરવી ગુજરાત ગાંઠિયા સેના, દિલ્હીની સોહન હલવા સેના (કારણ દિલ્હીવાળા આસન પર હલતા જ હોય છે), લાલુજીના બિહારની રાષ્ટ્રીય રબડી સેના, યુપીની ચાટ સેના (ચમચાઓ નેતાનાં તળિયાં ચાટવામાંથી જ ઊંચા નથી આવતા), કાશ્મીરમાં રાજમા સેના... બોલો કેવો આઈડિયા?'
મેં કહ્યુ,ં 'આટલા બધા સ્ટેટની ટેસ્ટી વાનગીનાં નામ લઈ જુદી જુદી સેનારચવાનું સજેશન કર્યું, પણ સાઉથને કેમ ભૂલી ગયા? સાઉથના ઈડલી, ઢોસા ને ઉત્તપમની તો ચારે તરફ બોલબાલા છે, તમને ખબર નથી?'
ધરમજીભાઈ બોલ્યા, 'તમે જમણે છો (પુ આર રાઈટ). ડોસા તો અમારા યુએસના ઈન્ડિયન રેસ્ટોરાંમાં પણ મળે છે.' હું બોલ્યો, 'તો પછી ડોસાને કેમ યાદ ન કર્યાં? ડોસાને નામ કેમ કોઈ સેના નહીં?' સવાલ સાંભળીને ધરમજીભાઈ બોલ્યા, 'તમારા કન્ટ્રીમાં નેશનલ લેવલ પર નકરા ડોસા જ ડોસા દેખાય છેને? પછી ડોસાને નામે નવી સેના ઊભી કરવાનો શું અર્થ?'
અંત-વાણી
એક જમાનામાં મુઠ્ઠીઊંચેરો નેતા નજરે પડતા, આજે કૈંક વામણા નેતા ભટકાય છે. એ જોઈને કહેવું પડે કેઃ
ગરમાગરમ ગાંઠિયા તળાય
રાજકારણમાં બાંઠિયા કળાય.