જુવાનિયો 'કૂકર'ને પરણી કેવો પસ્તાયો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
જુવાનિયો 'કૂકર'ને પરણી કેવો પસ્તાયો 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

છોરો કે દા'ડાનો પૈણું પૈણું કરતો'તો... ઝટ ઝટ પરણવાનો જેને પરણ-વા લાગુ પડયો હોય એ પછી ઉતાવળમાં ગમે તેની સાથે પરણે છે. પણ કહે છે ને કે ઉતાવળ ક્યારેક સોનેરી સંસારના મનસૂબા ઊંઘા વાળી નાખે છે. વાની તકલીફમાં શરીરનું કોઈ અંગ જલાઈ જાય છે, પણ પરણ-વામાં આખેઆખો માણસ ઝલાઈ જાય છે. પછી આખો ઝલાઈ ગયેલો જણ છૂટો પડે ત્યારે જ એને રાહત થાય છે અને પછી છુટકારાનો શ્વાસ લઈને બોલી ઉઠે છે કે જો છૂટા વો સિકંદર...

છેડછાડ, છેડાછેડી અને છૂટાછેડાના કિસ્સા હું કાકાને સંભળાવતો હતો ત્યાં અચાનક મોબાઈલમાં જોયેલી અજબ  ક્લિપ યાદ આવી અને કાકાને કહ્યું ,'તમને ખબર છે, એક જુવાને હમણાં કૂકર સાથે લગ્ન કર્યા કૂકર સાથે? કેવી નવાઈ લાગે!'

પથુકાકા બોલ્યા, 'એમાં વળી નવાઈ શેની? મારા સહિત મોટાભાગના પુરૂષો કૂકર સાથે જ પરણે છેને?'  

આ સાંભળી મને વધુ નવાઈ લાગી એટલે સવાલ કર્યો, 'મોટાભાગના પુરૂષો કૂકર સાથે લગ્ન કરે છે એનો મતલબ શું?'

કાકાએ જવાબ આપ્યો, 'મોટા ભાગના પુરૂષો સારૃં સારૃં રાંધીને ખવડાવે એવી મહિલા સાથે જ લગ્ન કરે છે, એટલે જીવનસાથી બનીને આવતી સ્ત્રી કૂકર જ કહેવાય કે નહીં? કૂકિંગ કરે એ કૂકર... સમજાયું?'

કાકાને દાદ દેતાં મેં સ્પષ્ટતા કરી,'હું જે જુવાનની વાત કરૃં છું ને એણે તો ખરેખર ભાત બનાવવામાં વપરાતા રાઈસ કૂકર સાથે લગ્ન કર્યાં હતાં. રાઈસ કૂકર સાથે લગ્ન કર્યાં, દુલ્હન જેવી સરસ ઓઢણી કૂકરને ઓઢાડી અને પ્રેમથી કૂકરને કિસ પણ કરી. આ કૂકર મેરેજમાં હાજર કેટલાક લોકોએ જુવાનને શુભેચ્છા આપી અને પછી દુલ્હારાજાએ લગ્નના રજીસ્ટરમાં સહી પણ કરી, બોલો!

 આ આખી અનોખી વિધિનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો. આમ રાઈસ કૂકર સાથે પરણે એ જોઈને નવાઈ ન લાગે?'

આ કૂકર-મેરેજ વાત સાંભળી થોડીવાર માટે અવાક્ થઈ ગયેલા પથુકાકાએ થોડી વાર પછી સવાલ કર્યો, 'રાઈસ કૂકર સાથે પરણનારા જુવાનનો સંસાર કેમ ચાલે છે?' મેં કાકાને બીજો આંચકો આપતાં કહ્યું,  'કાકા, જુવાને ચાર જ દિવસમાં રાઈસ કૂકરને છૂટાછેડા આપી દીધા!'

કાકા બોલ્યા, 'એ જુવાને નિષ્પક્ષ, આજ્ઞાાંકિત, પ્રેમાળ અને ખાવાનું બનાવતી કૂકર-કામિની સાથે વિધિવત્ લગ્ન કર્યાં  પછી કેમ છૂટાછેડા આપ્યા?'

મેં કહ્યું, 'જુવાને રાઈસ-કૂકરને છૂટાછેડા આપતી વખતે પોસ્ટમાં લખ્યું કે 'અમે હવે છૂટા પડી રહ્યાં છીએ કારણ કે તેને (કૂકર-કામિનીને) ભાત સિવાય બીજું કંઈ રાંધતા આવડતું નથી!'

ખડખડાટ હસીને પથુકાકા બોલ્યા,  'એ જુવાને નિર્જીવ કૂકરને ભાત સિવાય કાંઈ રાંધતા નહોતું આવડતું એટલે છૂટાછેડા આપ્યા પણ ઘણા પુરૂષો તો પોતાના સજીવ કૂકર સમી પત્નીને સરખું રાંધતા ન આવડતું હોય ત્યારે પણ છૂટાછેડાઆપી દેતા હોય છેને! પત્નીના હાથનું ભાવે એ સંસાર નિ-ભાવે, નહીંતર સાથ છોડીને સુખ પાવે... બરાબરને?'

મેં પૂછયું, 'કાકા, કાલે સવારે તમારી   બાજુના ફલેટમાં શેનો ધડાકો થયો હતો?' પથુકાકા બોલ્યા, 'અરે , એ ધડાકાની વાત તો તને કહેવાની ભૂલાઈ ગઈ. પાડોશી પરભાગૌરીએ ગેસ ઉપર કૂકર મૂક્યું હતું, પણ સીટી વાગી નહીં અને વરાળ બહાર નીકળી નહીં એટલે જોરદાર ધડાકા સાથે કૂકર ફાટયું અને અંદર મૂકેલા દાળ-ભાત અને દૂધીના મુઠિયા ઉડીને છત પર ચોંટી ગયા. બે સેકન્ડમાં જ જાણે ફોલ્સ સિલીંગ બની ગઈ, બોલ! કૂકર ફાટયું એનો વિસ્ફોટ થયો, પડી સમજ?'

મેં કહ્યું, 'તમારા જેવા પુરૂષોના નસીબમાં કાકી જેવાં લાઈવ-કૂકર ભટકાયા હોય એ 'કૂકર' કે 'કૂકરી' પણ પ્રેશર વધી જાય ત્યારે આમ જ ધડાકાભેર ફાટે છેને? આમાં જો વિવાહ-વિસ્ફોટ બહુ જોરદાર હોય તો પછી ઘટસ્ફોટ થાય છેને? મરાઠીમાં ઘટસ્ફોટ એટલે છૂટાછેડા ખબર છે!' 

કાકા બોલ્યા 'મને ખબર છે, ધણી-ધણિયાણી વચ્ચેના પ્રેમમાં ઘટ થાય ત્યારે વિસ્ફોટ થાય એને જ કહેવાય ઘટ-સ્ફોટ.'

અમારી સોસાયટીમાં ઉત્તર ગુજરાતના વતની એવાં વજીબેન રહે. ઉત્તર ગુજરાતની ભાષામાં વાતચીત કરે ત્યારે ઘણીવાર અર્થનો અનર્થ થઈ જાય છે. કોઈને પૂછે, શું કોમ છે? તો સામેવાળો એમ સમજી બેસે કે આ બહેન કોમવાદી સવાલ કેમ કરે છે? વર્ષો પહેલાં શહેરમાં કૂકર-બોમ્બ  ફાટવાની ઘટનાઓ બન્યા પછી પોલીસે જાપ્તો વધારી દીધો હતો. એક વાર વજીબેન બગડેલા કૂકરની સીટી બદલાવી અને દવાની દુકાનેથી થોડી શરદીની દવા લઈને પાછા ફરતા હતા ત્યાં શેરીના નાકે ઊભેલા મહિલા પોલીસે એમને અટકાવ્યાં અને કરડાકીથી પૂછ્યું કે 'થેલીમાં શું છે?' 

વજીબેન બિચ્ચારા જરાક હબકી ગયાં અને પછી જવાબ આપ્યો, 'થેલીમાં કૂકર છે અને 'બોમ' છે, બીજું શું હોય?' આટલું સાંભળતાની સાથે કૂકરની સીટીથી બમણાં જોરથી સીટી વગાડી લેડી કોન્સ્ટેબલે બીજા પોલીસોને નજીક બોલાવ્યા અને કહ્યું કે 'આ મહિલાની થેલીમાં કૂકર-બોમ્બ છે એમ એમણે પોતે જ કહ્યું.' 

બધા પોલીસો સલામત અંતરે ઊભા રહી ગયા થોડીવારમાં બોમ્બ-સ્કવૉડ આવી. સ્નિફર ડોગ થેલી પાસે ગયો અને ગોળ ગોળ ફરી સૂંઘ્યા બાદ સબ સલામતનો સિગ્નલ આપ્યો. એટલે હેન્ડલરે નજીક જઈ થેેલી ખાલી કરી તો અંદરથી રિપેર કરાયેલું કૂકર અને બામની ત્રણ શીશી નીકળી. તરત જ વજીબેન બોલી ઉઠયાં કે 'હું નહોતી  કહેતી કે થેલીમાં કૂકર અને બોમ (બામ) છે?' વજીબેનની વાત સાંભળીને જાણે પ્રેશર સાથે હવા નીકળી ગઈ હોય એમ હળવા થઈ પોલીસો ખડખડાટ હસી પડયા. જે મહિલા પોલીસે વ્હીસલ વગાડી પોલીસને ભેગા કરેલા એણે ટકોર કરી, 'માજી, તમે તો કૂકર-બોમની વાત કરી એવું તો પ્રેશર લાવી દીધું કે કૂકરને બદલે મારી સીટી વાગી ગઈ.'

ઘરે આવીને વજીબેને (હો)બાળાકાકીને કહ્યું, 'હાંભળો, 'કુકરમો' (કુકરમાં) એવું તે શું હશે કે મહિલા પોલીસે ગામ ગજાવ્યું?' કાકીએ 'કુકરમો' શબ્દબરાબર પકડીને જવાબ આપ્યો, 'નેતાઓના કુકરમો (કુકર્મો)જોઈને જ સીટી વગાડી સહુનું ધ્યાન ખેંચે એને જ કહેવાય વ્હીસલ-બ્લોઅર!'

અંત-વાણી

સઃ કૂકિંગ કરતા મેલ માટે અને રસોઈ કરતી ફિમેલ માટે કયા શબ્દ વાપરી શકાય?

જઃ મેલ માટે કૂકર અને ફિમેલ માટે કૂકરી.


Google NewsGoogle News