કટેંગે તો બટેંગે... કટેંગ તો આગે બઢેંગે
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- હું તો રાજકારણની આગગાડીને આગગાડી નહીં પણ લાગગાડી કહું છું. કપાયા પછી લાગ જોઈને બીજી પાર્ટીના એન્જિન પાછળ જોડાઈ જવાનું અને પછી મનોમન સૂત્ર મમળાવવાનું કે કટેંગે ફિર ભી આગે બઢેંગે...
દિવાળી વખતે સખાવતી સંસ્થા તરફથી સાવ નજીવી કિંમતે મોહનથાળનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. મોંઘી નહીં સોંઘી મીઠાઈ લેવા માટે જબરજસ્ત ઘસારો થતો હતો. લોકો ધીરજ ગુમાવી પડાપડી કરતા હતા. એ વખતે સંસ્થાના કર્તાહર્તા ક્રાઉડને કન્ટ્રોલ કરવા માટે માઈકમાં એક જ સૂત્ર પોકારતા હતા કટેંગે તો બટેંગે... કટેગે તો બટેંગે ... કટેંગે તો બટેંગે...
હું અને કાકા પણ મફતિયા ભાવમાં મળતો મોહનથાળ લેવા સવારના ઊભા હતા. કટેંગે તો બટેંગે... સૂત્ર સાંભળી કાકાના કાન ચમક્યા એટલે મોટે અવાજે બોલી ઉઠયા કે યોગીજીએ સૂત્ર આપ્યું છે બટેંગે તો કટેંગે... જ્યારે આ સંસ્થાવાળા એનાંથી સાવ ઊંઘુ સૂત્ર કેમ બોલે છે કે કટેંગેૈ તો બટેંગે?
કાકાનો સવાલ સાંભળી સંસ્થાનો એક સ્વયંસેવક નજીક આવ્યો અને હસીને કાકાનું ધ્યાન કાઉન્ટર તરફ દોરીને બોલ્યો કે 'કાકા જુઓ તમે, રસોડામાંથી ગરમાગરમ મોહનથાળની ચોકીઓ બહાર લાવીએ છીએ ત્યાં જ અધીરા લોકો પડાપડી કરવા માંડે છે, ચોકીમાં પાથરેલી મીઠાઈના કાપીને ચોસલા કરવાનો પણ ટાઈમ નથી આપતા. એટલે જ સંસ્થાના પ્રમુખ સતત માઈકમાં જાહેરાત કરતા રહે છે કે કટેંગે તો બટેંગે એટલે મોહનથાળના ચોસલા કાપશું તો તમને આપશુંને?'
પથુકાકા તો આ વાત સાંભળી દાદ આપતાં બોલી ઉઠયા કે 'વાહ ભાઈ વાહ... કટેંગે તો બટેંગે સૂત્ર બહુ ગમ્યું આપણને, દિલ્હીના રાજકારણમાં જ્યારે મોહનથાળ નહીં પણ ''મનમોહન-થાળ''ના દર્શન થતા ત્યારથી દેશની જૂનામાં જૂની પાર્ટીમાંથી ચોસલા કપાતા ગયા છે અને જુદી જુદી પાર્ટીઓમાં વહેંચાતા ગયા છે. ચૂંટણીમાં જેની ઉમેદવારી કપાય એ છેડો ફાડીને બીજી પાર્ટીના કાઉન્ટર ઉપર જઈને ગોઠવાઈ જાય છે.
એટલે મ ૂળ પાર્ટીમાંથી કપાય એને નવી પાર્ટીમાં ઉમેદવારી અપાય આ શિરસ્તો પહેલેથી જ જળવાયો છે, એટલે કટેંગે તો બટેંગે સૂત્ર બહુ જ બંધબેસતું છે, અને આ સૂત્ર અપનાવી જુદા જુદા પક્ષોના રાજકારણની ગાડી છૂક... છૂક... છૂક... કરતી આગળ વધે છે. કોઈ પાર્ટીના મોટા માથાને પોતાની પાર્ટીમાં ખેંચી લાવવા માટે ગાદીની લાલચ દેખાડવામાં આવે છે. એટલે ગાડી બુલા રહી હૈ... એ ગીત ફેરવીને ગાવામાં આવે છે કે ઃ 'ગાદી' બુલા રહી હૈ સીટી બજા રહી હૈ... અને એમ કહી શકાય કે જો કટેંગે વો આગે બઢેંગે.
મેં કાકાની ગાડી અને ગાદીની વાત સાંભળી જૂની રેલયાત્રાની યાદ અપાવતા કહ્યું કે 'યાદ છે કાકા? આપણે મુંબઈથી સૌરાષ્ટ્ર બાજુ ટ્રેનમાં જતા ત્યારે રાજકોટ આવતાની સાથે જ ગુજરાતીમાં એનાઉન્સમેન્ટ થતું કે 'છેલ્લા બે ડબ્બા ફલાણા ગામના છે, એ ડબ્બા કપાશે અને પછી ટ્રેન ગંતવ્ય સ્થાન તરફ આગળ વધશે... એટલે જુદા જુદા પક્ષોની ગાડીમાંથી ડબ્બા ભલે કપાતા જાય પણ ટ્રેન કાંઈ અટકતી નથી, એ ટ્રેનનું એન્જિન તો જેટલા ડબ્બા બાકી રહ્યા હોય તેને ખેંચીને ધસમસતું આગળ વધતું જ રહે છેને?'
કાકા બોલ્યા 'સાવ સાચી વાત, અને કપાયેલા ''ડબ્બા'' બીજી પાર્ટીના એન્જિન સાથે જોડાઈને જુદી દિશામાં આગળ વધે છે.
એટલે જ હું તો રાજકારણની આગગાડીને આગગાડી નહીં પણ લાગગાડી કહું છું. કપાયા પછી લાગ જોઈને બીજી પાર્ટીના એન્જિન પાછળ જોડાઈ જવાનું અને પછી મનોમન સૂત્ર મમળાવવાનું કે કટેંગે ફિર ભી આગે બઢેંગે...'
મેં કહ્યું 'કાકા લખનઉમાં નવાબી કાળમાં પહેલે આપ પહેલે આપ... એવું કહેવાતું જ્યારે હવે સત્તાધારી પાર્ટીવાળા બીજા પક્ષના સભ્યોને પોતાના ડબ્બામાં લેવા હોય તો કહેશે કે પહેલાં તું મૂળ પાર્ટી સાથે સંબંધ કાપ, ત્યાંથી રાજીનામું આપ. એટલે અત્યારે જોડતોડના રાજકારણમાં પહેલે આપ... પહેલે આપ... કહેવાને બદલે પહેલે કાપ... પહેલે કાપ... એમ કહેવાનો રિવાજ છે. કાપે એને ગાડીની નહીં પણ ગાદીની ટિકિટ આપે... પછી ભેગા થઈ નોટું છાપે...
મેં કહ્યું કે 'મહારાષ્ટ્રમાં આઘાડી (ગઠબંધન)ની આ-ગાડી કેવી ખડી પડી જોયુંને? યોગીના બટેંગે તો કટેંગે સૂત્રનો ગળા ફાડી ફાડીને વિરોધ કર્યા છતાં જનતાએ કેવાં બધાના નાક કાપીને હાથમાં આપી દીધા?
કાકા મારી વાતને ઝીલીને બોલી ઉઠયા કે 'હવે ઈ બધા હારોહાર હારેલાને જોઈ સૂત્રમાં થોડો ઉમેરો કરીને કહેવું પડે કેઃ
બટેંગે વો કટેંગે
લોગ પ્રચાર સે નહીં પટેંગે
સબ કી નજર સે હટેંગે
ઉનકે નાક કટેંગે
ઔર પેડે બટેંગે.
અંત-વાણી
એક હૈ તો સેફ હૈ
'ફેક' હૈ વો અન-સેફ હૈ.
** ** **
સઃ કોણ તારે પણ અને ડુબાડે પણ?
જઃ નાવ અને ચુ-નાવ.
** ** **
સઃ એમ શાંતિ ઓમના જાપની જેમ કોમી તંગદિલી વખતે કયા જાપ કરવા જોઈએ?
જઃ કોમ શાંતિ કોમ....
** ** **
સઃ સરહદે લડી વરીગતિ પામે એ રણવીરોને મરણોત્તર એવોર્ડ અપાય છે તો પરણીને સંસારના મોરચે લડતા પરણવીરોનર્કયો એવોર્ડ અપાય?
જઃ એને પરણેત્તર એવોર્ડ અપાય.
** ** **
મુંબઈકરની કવિતા
મુંબઈવાસીને મરાઠીમાં મુંબઈકર કહે છે. કર ભર-ભર કરતા મુંબઈકરનું આ નગરગીતઃ
મીં મુંબઈકર મીં મુંબઈકર
ક્યાંક ઘરના ઘર
ક્યાંક ઘરમાં ઘર
મીં મુંબઈકર મીં મુંબઈકર
જ્યાં ઘડીને કાંટે હરફર
જ્યાં ઘડી-ઘડી કર-ભર
મીં મુંબઈકર મીં મુંબઈકર
કરના ચક્કરમાં મુંબઈકર
ઘરના ચક્કરમાં મુંબઈકર
મીં મુંબઈકર મીં મુંબઈકર