શાકના ભાવમાં ભડકા, કિંમત નીચે કચડાય કડકા
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ભાષાને વળગે શું ભૂર, ભાવવધારો ખમે ઈ શૂર... શાકભાજીના ભાવ આસમાને ગયા છતાં શાક લીધા વિના કાંઈ છૂટકો છે? અંગ્રેજી અને ગુજરાતીની ભેળસેળવાળી ગુજરેજી ભાષાને રવાડે ચડેલા પથુકાકા મને હાથ ઝાલી ઊભો કરતા બોલ્યા, 'હાલ, ઝટ તૈયાર થા... બિલાડી મારવા જવું છે.' હું તો ચોંકી ગયો. મેં કહ્યું, 'કાકા, બિલાડી મારવાની વાત કરો છો? જૂના જમાનામાં લોકો કહેતા કે એક બિલાડી મારોને તો સોનાની સાત ટચુકડી બિલાડી ઘડાવીને પ્રાયશ્ચિત કરવું પડે, સમજ્યા?' આ સાંભળતાની સાથે જ ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'અરે ભાઈ હું તો 'મારકેટ' જવાનું કહું છું. અંગ્રેજીમાં કેટ યાને બિલાડી અને માર એટલે મારવા. માર-કેટ જવું છે... ગુજરેજી ભાષા સમજાઈ કે નહીં?'
હું અને કાકા સવારમાં શાક-'મારકેટ'માં પહોંચ્યા. માર્કેટના ફૂટપાથ પર સન-બાથ લેતા ચાર-પાંચ કૂતરા અમને જોઈ હાઉ... હાઉ... ભાવ... ભાવ... કરતા ભસવા માંડયા. ભસણબાજીથી ડરીને બે ડગલાં પાછા હટી ગયેલા કાકા જરા સ્વસ્થ થઈ બોલ્યા, 'જોયુંને? આ રખડતા કૂતરા પણ અંગ્રેજી અને ગુજરાતીની સેળભેળ કરી ભસતાં ભસતાં શાકના વધેલા ભાવ વિશે પૂછે છે કે હાઉ... હાઉ આટલા કેવી રીતે વધ્યા ભાવ... ભાવ...'
પથુકાકા ભાષાવાદનું વધુ ભાષણ ફફડાવે એ પહેલાં હું એમને માર્કેટની અંદર લઇ ગયો. કાકીને સરગવાની શિંગનું લોટવાળું શાક ખાવું હતું, એટલે શિંગવાળા પાસે ગયા. સામાન્ય રીતે દસ-વીસ રૂપિયાની ચાર-પાંચ શિંગ લેતા, પણ આજે ભાવ પૂછતા શાકવાળો બોલ્યો, 'ત્રીસ રૂપિયાની એક શિંગ, સાઠની બે. બોલો, કાકા કેટલી આપું?' ભાવ સાંભળી હેબતાઈ ગયેલા પથુકાકા બોલ્યા, 'આ સરગવાની શિંગ સોનાનો વરખ લગાડેલી છે કે શું?' સવાલ સાંભળી શાકવાળાની પાછળ શિંગ ધોતી એની વહુએ 'પ્લેબેક શિંગર'ના અવાજમાં જવાબ આપ્યો, 'કાકા, શિંગ ઉપર કાંઈ સોનાનો વરખ નથી ચડાવ્યો, પણ જો જો તો ખરા! નવી સરકારના રાજમાં સોનું ગીરવે મૂકીને શાક લેવાનો વખત ન આવે તો કહેજો. ' પથુકાકાએ ભાવમાં ભારે રકઝક કરી ૫૦ રૂપિયામાં બે શિંગ ખરીદી. પછી બોલ્યા, 'જો શિંગ ન લીધી હોત ને તો તારી (હો)બાળા કાકી મને શિંગડાં ભરાવત શિંગડાં. હવે ઘરે જઈને આ બે શિંગ (શિંગડાં) હું એના માથામાં ભરાવીશ અને કહીશ કે જંગલમાં બારાસિંગા હોય છે એમ તુંમારી બાળા-શિંગા...'
અમે આગળ વધ્યા અને મસાલો લેવા ઊભા રહ્યા. કોથમીર, મરચાં, આદુ, કડીપત્તા. બસ, આટલા મસાલાનોં શું ભાવ ખબર છે? પૂરા પચાસ રૂપિયા. કાકા દાંત ભીંસીને બોલ્યા, 'સાલા મ-સાલા પણ કેવા મોંઘા છે... આ મારી નાખે એવી મોંઘવારીથી જે મરે એના બોડીને મોંઘો મસાલો ભરી સાચવી રાખજો, બીજું શું? જીવતા તો મસાલો ન પામ્યા પણ મર્યા પછી તો મસાલો નસીબ થાય!'
શાકાહારી કાકાની આ કાકાહારી વાણીનો આનંદ ઉઠાવતો હતો ત્યાં બાજુમાં જ ટમેટાવાળાના સ્ટોલ પર એક પડછંદ અને મરદ મૂછાળો (લીંબુ મોંઘા હોવાથી મૂછે નહોતા લટકાવ્યાં) આવ્યો. પહેલાં ધીરેકથી ટમેટાનો ભાવ પૂછ્યો. ટમેટાવાળાએ કહ્યું, ' ટમેટા સો રૂપિયે કિલો.' ભાવ સાંભળતાની સાથે જ પડછંદ ગ્રાહકે ત્રણ ભુવનમાં ગાજે એવી ત્રાડ પાડી, 'ના હોય, ના હોય, ના હોય... હે ટમેટાશ્રી, તું શું અમને લૂંટવા બેઠો છે? ઘોર કળિયુગ છે. રાજકારણીઓનો એકબીજાને સળી કરવાનો સળી યુગ છે અને બળીને બેઠા થતા વિરોધીઓનો બળી યુગ છે. જા નથી જોતાં તારાં ટમેટાં... રાખ તારી પાસે! ના વેંચાય તો છૂંદીને બનાવજે સોસ અને બેઠા બેઠા કરજે અફ-સોસ! હાહા હા હા...'
હૈયું હચમચાવી નાખે એવું અટ્ટહાસ્ય કરતો અને કાનના પડદા ફાડી નાખે એવા અવાજે ડાયલોગ ફફડાવતો એ પડછંદ જણ ગયો એટલે મેં ટમેટાં વેંચતા દુકાનદારને પૂછયું, 'કોણ હતો આ માણસ? અને આમ કેમ ત્રાડ પાડીને બોલતો હતો?' દુકાનદારે કહ્યું, 'આમ તો એ અમારો જૂનો ગ્રાહક છે, રામલીલામાં વર્ષોથી રાવણનું પાત્ર ભજવે છે, એટલે પછી મંચ પરથી ડાયલોગ ફફડાવે એ જ રીતે બોલવાની ટેવ પડી ગઈ છે. માર્કેટનું ચક્કર મારીને હમણાં પાછો આવશે અને આ રાવણ ચૂપચાપ ઢગલામાંથી બે-ચાર ટમેટાં ઉપાડીને બિન્ધાસ્ત 'ટમેટાં-હરણ' કરીને ચાલ્યો જશે.'
આ સાંભળી કાકાએ જોડકણું ફફડાવ્યું કે-
'મોંઘવારીમાં ભલભલાની
ત્રેવડના ફૂટી જાય છે ટેટા,
સોનાની લંકાવાળા રાવણનેય
પોસાતા નથી ટમેટાં.'
મેં કાકાને કહ્યું , 'તમારા અને કાકી જેવાં પાક્કાં શાકાહારીને શાકભાજીના ભાવ ઊંચા ચડે ત્યારે મુશ્કેલી પડે, સાચી વાત કે નહીં?' પથુકાકા કહ,ે 'તારી કાકી માત્ર શાકાહારી નહીં શકાહારી પણ છે. એટલે મને વધુ મુશ્કેલી પડે.' મેં પૂછ્યું, 'શકાહારી એટલે?' કાકાએ જવાબ આપ્યો, 'મારી ઉપર નાની નાની વાતેે શક કર્યા કરે, શાક માર્કેટમાં જાઉં અને આવતાં મોડું થાય તો તરત શંકાશીલ નજરે સવાલ કરે કે રસ્તામાં કઈ સગલી હારે વાતે વળગ્યા હતા? આવતા કેમ મોડું થયું? શાકભાજી મોંઘા છે એ જાણતી હોવા છતાં પૂછે કે શાકના પૈસા આપ્યા હતા એ ક્યાં વાપરી આવ્યા? દોસ્તો સાથે ચા-પાણી પાછળ ઉડાડી આવ્યા કે શું? આમ શક કર્યા જ કરે એટલે એક તો શાકના ભાવની પીડા અને બીજી તારી કાકીના શકના તાવની પીડા. એણે તો મારી પર શક કરી કરી મને શક્કરિયામાં ફેરવી નાખ્યો છે. એટલે હવે તો હું કાકીને ટેવને હળવાશથી લઈને જોડકણું સંભળાવી દઉં છું -
'હું તારો શાકાહારી શક્કરિયો
અને તું મારી શકાહારી શકીલા,
હાલ હવે મોંઘારતને ભૂલી
ભેળા થઈ ડાન્સ કરીએ ટકીલા.'
પથુકાકા સાક્ષરની જેમ નહીં પણ શાક-સરની જેમ શાકાયણ અને કાકીની શકાયણ સંભળાવતા સંભળાવતા બોલ્યા, ' આપણા જેવા મિડલ-કલાસવાળા તો 'ભાવની ભવાઈ'માં ભીંસાઈને ભૂક્કો થઈ જાય છે. ગમે તેટલા બજેટ આવે પણ મધ્યમ વર્ગના માટે મોંઘવારીનો માર સહન કર્યા વિના છૂટકો જ નથીને?'
મેં કહ્યું, 'હેટ્રીક કરીને ત્રીજી વાર સત્તા પર આવેલી સરકાર બજેટની તૈયારી કરી રહી છે. જોઈએ, એમાં કોઈ રાહત મળે છે કે નહીં? બાકી તો જ્યાંથી વોટનો ઊભો પાક લણવો હોય એની ઉપર જાણે નોટનો વરસાદ વરસાવવામાં આવે છે અને એમાં મિડલ-કલાસવાળા રહી જાય છે કોરા...'
પથુકાકા બોલ્યા, 'તેં હેટ્રીકની વાત કરીને? એટલે કહું છું હેટ્રીક ભલે કરી અને ટેકે ટેકે ગાદી ટકાવી, પણ હવે વધુ સમજદાર બની ગયેલા મતદારોએ દોથા ભરી ભરી વોટ ન આપી હેટ કરવાની ટ્રીક એટલે હેટ-ટ્રીકનો પરચો તો દેખાડી દીધોને?'
મેં કહ્યું, 'સાવ સાચી વાત છે. ટૂંકમાં, આપણા જેવા મિડલ-કલાસવાળાનું કિચન બજેટ શાક-દાળના ભાવ વધતા હચમચી જતું હોય ત્યાં કેન્દ્રના બજેટની શું કામ અમથી ચિંતા કરીએ? હું તો કાયમ કહું છું ને કે પેસેન્જરનો ઉડાડે જેટ અને પબ્લિકને ઊડાડે બ-જેટ.'
અંત-વાણી
ધણીને રાખે ધાકમાં
પાણી ધબેડે શાકમાં
કાઢી નાખે છે ધૂળ
વર જો આવે વાંકમાં.