For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વીઆઈપી હાંકે વડાઈ, લાભ ખાટવા કરે લડાઈ

Updated: Apr 9th, 2024

વીઆઈપી હાંકે  વડાઈ, લાભ ખાટવા કરે લડાઈ

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

અમારી શેરીમાં અત્યાર સુધીમાં કેટલાયને  સજોડે કરડી ચૂકેલા લાલીયો કૂતરો અને કાળુડી કૂતરીની એવી ધાક છે કે ચોર તો શું, સજ્જનો સુદ્ધાં શેરીમાં પગ મૂકતા ગભરાય. લાલીયો કૂતરો તો અમારી શેરીના ડોન એટલે શેરી-ડોન તરીકે ઓળખાય. કાળુડી સાથે લિવ-ઈનમાં રહેવાની શરૂઆત કરી એ પહેલાંથી એની કરડવાની કાબેલિયતની તોલે કોઈ ન આવે. એને જોઈને જ ગભરાયેલા લોકો કહેતા કે હવે આના કારનામા જોઈને કોઈએ ટીવીમાં સિરીયલ બનાવવી જોઇએ 'કૌન બનેગા કરડ-પતિ?'

ગઈ કાલે અમારી સોસાયટીના જીવદયાપ્રેમીઓને ટબૂડીમાં, વાટકામાં અને તપેલીમાં દૂધ ભરીને જતાં જોઈને મેંઅને કાકાએ એક જ સવાલ કર્યો કે મંદિરે દૂધ ચડાવવા જાવ છો? એક જીવદયાપ્રેમીએ કહ્યું, 'મંદિરે નહીં, આ તો કાળુડી કૂતરીને ડિલીવરી આવી છે એને પીવડાવવા જઈએ છીએ.' આ સાંભળી કાકા બોલ્યા, 'હમણાં કરડવા દોડશે એવી કાળુડીની 'ડેઈલી-વરી' રહે છે એની ડિલીવરી આવી એટલે દૂધ પાવા નીકળ્યા છો? સારૃં  સારૃં. આને જ અપકાર ઉપર ઉપકાર કહેવાય. દૂધ પાઈને સાપ ઉછેરવાની કહેવત સાંભળી હતી, પણ દૂધ પાઈ કૂતરી ઉછેરવાની નવી કહેવતનો આજે જન્મ થયો હો!  કૂતરી વિયાણી એટલે દૂધ પીવા મળ્યું અને રાતોરાત કેવી 'વિયાઈ-પી' બની ગઈ.'

હું અને કાકા ચક્કર મારીને પાછા આવ્યા ત્યારે પથુકાકાના દરવાજે નામની નવી તકતી લગાડેલી જોઇ. ઉપર લખ્યું હતું- બાળાકાકી અને નીચે લખ્યું હતું - વીઆઈપી.

આ વાંચીને મને ભારે નવાઈ લાગી. (હો)બાળાકાકી અચાનક વીઆઈપી એટલે કે વેરી ઈમ્પોર્ટન્ટ પર્સન કેવી રીતે બની ગયાં? મેં કાકાને આ સવાલ કરતાં પથુકાકાએ વગર મૂછે મૂછમાં હસીને કહ્યું, 'તારી કાકી માત્ર ૨૦૦ રૂપિયામાં વી.આઈ.પી. બની ગઈ, જોયુંને?'

મેં પૂછ્યું, 'ફક્ત બસો રૂપિયામાં  કેવી રીતે વીઆઈપી બન્યાં? આટલા સસ્તામાં તો એ નામનાં અંડરવેર પણ નથી મળતાં.' હસીને કાકાએ રહસ્યસ્ફોટ કરતા કહ્યું, 'તારી કાકી શિવરાત્રીમાં જ્યોતિર્લિંગના દર્શને ગઈ હતી, પણ એટલી લાંબી લાઈન કે જોઈને જ તારી કાકીના મોતિયા મરી ગયા. ત્યારે એક ફૂલ-હાર વેચવાવાળાએ કહ્યું કે ૨૦૦ રૂપિયામાં ઓનલાઈન વીઆઈપી પાસ કઢાવી દઉં છું, ફટાફટ દર્શન થઈ જશે, ઈચ્છા થાય તો થોડી બક્ષિસ આપી દેજો. આમ કાકીએ વીઆઈપી પાસ ખરીદી લીધો અને ફટાફટ દર્શન કરી બહાર આવી ગયાં. બહાર આવીને કાકીએ એ વીઆઈપી પાસ લેમિનેટ કરીને પર્સમાં રાખી દીધો. હવે પોતાને વીઆઈપી તરીકે જ ઓળખાવે છે, બોલો.'

કાકાની વાત સાંભળી મેં મંદિરોએ શરૂ કરેલી આ ઓનલાઈન કમાણી ઉપર ચાર-લાઈન ફફડાવી-

ભગવાનની નજરે સહુ સરખા

છતાં મંદિરોમાં ભેદ-ભાવની લાઈન.

ભાવથી ભજનારા ભક્તોની

લાગે લાંબી લાઈન,

જ્યારે ભાવ ચૂકવી શકે

એને માટે વીઆઈપી લાઈન.

પથુકાકા બોલ્યા 'વી.આઈ.પી. પાસ સસ્તા છે એવું નથી, આજકાલ વી.આઈ.પી. જ સસ્તા થઈ ગયા છે, અસલી વી.આઈ.પી.ઓ હોય  છે એની ના નહીં, પરંતુ અસલીની સરખામણીએ નક્લી વી.આઈ.પી. વધતા જાય છે, સાચું કે નહીં?'

મેં કાકાની વાતમાં સૂર પૂરાવતા કહ્યું કે 'થોડા વખત પહેલાં મુંબઈમાં કારના કાચ ઉપર વીઆઈપી લખેલાં સ્ટિકર ચોંટાડી રૂઆબથી ફરતા કેટલાક નકલી વીઆઈપીને ટ્રાફિક પોલીસે પકડેલા, યાદ છેને?'

પથુકાકા બોલ્યા, 'તું કારના કાચ ઉપર વીઆઈપી સ્ટિકરની વાત કરે છે, પણ મારા બાપા તો લીંબડી સ્પિનિંગ મિલમાં નોકરીએ જતા ત્યારે સાયકલ ઉપર વીઆઈપી લખાવ્યું  હતું, બોલ.'

મેં સવાલ કર્યો કે તમારા બાપા લીંબડીમાં મહત્ત્વની વ્યક્તિ તરીકે આગળ પડતા હતા? કાકાએ માથું ધુણાવી ના પાડી, 'મારા બાપા કાંઈ આગળ પડતા નહોતા, આ નેતાઓની જેમ માથે પડતા હતા તોય પેઈન્ટર પાસે વીઆઈપી લખાવેલું.'

મેં વળી પૂછ્યું, 'કાકા, વીઆઈપી લખવા પાછળનું કારણ શું એ તો કહો?' કાકા બોલ્યા, 'બાપાનું આખું નામ હતું વજુભાઈ ઈશ્વરલાલ પટેલ એટલે પછી ટૂંકમાં વીઆઈપી જ લખેને? સાયકલ ચોરાઈ ન જાય માટે અને સ્ટેન્ડમાં મૂકી હોય તો ઝટ ઓળખી શકાય માટે બાપાએ કેવો નુસ્ખો અજમાવ્યો!'

મેં કાકાને કહ્યું, 'તમારા બાપાનો  ઈરાદો વીઆઈપી તરીકે ખોટો લાભ ખાટવાનો નહોતો, બાકી તો આજકાલના એવાં કેટલાય સ્ટિકરીયા નકલી વીઆઈપી તરીકે માનપાન અને લાભ મેળવવા ઊંચા નીચા થતા રહે છે. આવા નકલી નમૂનાને જોઈને  'એલબેલા'નું હલકદાર ગીત યાદ આવે છે-

ભોલી સૂરત દિલ કે ખોટે

નામ બડે ઔર દરશન છોટે.

ભાંગ તો નાખે ભાંગી

આ વખતે તો હોળી-ધૂળેટીની રંગે-ચંગે અને અંગે-અંગે ઉજવણી કરવાનો  જલસો આવી ગયો. કાકા તો પાક્કા રંગે રંગાઈને ઓટલે ચડી ભાંગ ગટગટાવ્યા પછી જરા નશો ચડતા બોલ્યા કે જનતા વરસમાં એક વાર ધૂળેટીના રંગમાં રંગદોળાય પણ ઘણા નેતાઓ તો બારે માસ ખરડાય.

ઈસ્ટમેન કલરમાં ફેરવાઈ ગયેલા કાકાએ એક તો ભાંગ પીધી અને ઉપરથી ભાંગના ભજીયા ખાધાં. પછી એવા તોરમાં આવી ગયા કે વોશિંગ મશીન તરફ દોડયા અને રાડો પાડવા માંડયા, 'હે મને કોઈ ધોઈ નાખો... હે મને કોઈ ધોઈ નાખો.' (હો)બાળાકાકી બરાડયાં, 'છાનામાના બેસો. ગાંડા ન  કાઢો. નહીંતર હું જ ધોઈ નાખીશ, સમજ્યા?'

કાકા થોડી વાર શાંત બેઠા પછી ફરીથી ઉપાડો લીધો અને બરાડવા માંડયા, ' આ મારા વેશ તો જુઓ? ઝટ મને વોશિંગ માટે લોન્ડ્રીમાં લઈ જાવ, ઝટ મને લોન્ડ્રીમાં લઈ જાવ.'

કાકાની વાત સાંભળી અમારી સોસાયટીમાં જ રહેતા લોકલ લીડર લખુભા બોલ્યા, 'ડાઘાડૂધીવાળા હતા એ બધા સત્તાધારી પાર્ટીની લોન્ડ્રીમાં જઈને ચોખ્ખા થઈ ગયા. તમે રાજકારણમાં નથી નહીંતર તમનેય ઈ લોન્ડ્રીમાં ધકેલી દેત.'

લખુભાના ભેજામાં નવો ફણગો ફૂટયો એટલે પૂછ્યું,'વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ જાય છે તો જરા મોટા મશીન બનાવી એમાં પહેરેલે કપડે માણસ આખો ધોવાઈ જાય એવી કેમ કોઈ શોધ નથી કરતું?'

મેં કહ્યું એવું એકમાત્ર મશીન દિલ્હીમાં છે, જ્યાં પહેરેલે કપડે માણસને નહીં નેતાને ધોવાની સુવિધા છે. વિપક્ષી પાર્ટીના ખરડાયેલા જે જે નેતાએ પહેલાં પોતાના નામ બોળ્યાં એને પછી પહેરેલે કપડે મશીનમાં ઝબોળ્યા. એ લોન્ડ્રી ઉપર બોર્ડ નથી માર્યું છતાં લોકો સમજી જાય છે કે આ લોન્ડ્રીમાં નીતિ-મૂલ્યોનું   ધોવાણ થાય છે.

અંત-વાણી

જેણે છોડી લાજ

એનું નાનું સરખું રાજ,

ચકલીઓ બિચ્ચારી ચૂંથાઈ મરે

ને બડાઈ હાંકે બાજ.

Gujarat