પ્રેમી લાડ લડાવે, ખુરશી પ્રેમી 'લાડુ' લડાવે .
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આપણા દેશના પોલિટિશિયનો અને પથુકાકાને 'ખાવામાં', ખવડાવવામાં અને થાપ ખવડાવવામાં કોઈ ન પહોંચે. આ બધા ઈટિંગ, મીટિંગ અને ચીટિંગમાંથી જ ઊંચા ન આવે.
પથુકાકાને ઘરે સવારે ગયો ત્યારે હોંશે હોંશે ખસખસ છાંટેલા ચુરમાના લાડુ ડિશમાં લઈ આવ્યા. મારી સામે ડિશ ધરીને બોલ્યા, 'ટેસથી લાડુ ખા, તારી લાઈફ બની જશે. શુદ્ધ ગાયના ઘીમાંથી બનાવ્યા છે, ખબર છે?' મેં તરત જ કાકાને ટપાર્યા, 'કાકા, શુદ્ધ ગાયના નહીં, ગાય તો શુદ્ધ જ હોય છે, એટલે ગાયના શુદ્ધ ઘીના લાડવા છે એમ કહોને!'
ખડખડાટ હસીને પથુકાકા બોલ્યા, 'મારા વતન જામખંભાળીયાથી ઓળખીતા નાગર ગૃહસ્થે બે દિવસ પહેલાં જ ઘીનો ડબ્બો મોકલ્યો એ ઘીમાંથી તારી (હો)બાળાકાકીએ ચુરમાના લાડુ બનાવ્યા. ખાઈશ તો તારૃં આખું મોઢું જામખંભાળીયાના ઘીની સોડમથી મધમધવા માંડશે. ટેસ્ટ તો કર!'
ઘીની વાત સાંભળી મેં હળવેકથી કહ્યું, 'કાકા અસલના વખતમાં ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી એ ક્યાં ગઈ?' કાકા બોલ્યા, 'ઈ બધી ઘી-દૂધની નદીઓ આડે મોટી મોટી ડેરીઓના ડેરી-ડેમ બંધાઈ ગયા એમાં જ વહેણ અટકી ગયાને? બાકી તો અમારા જામખંભાળીયામાં નામ પૂરતી ઘી નદી રહી ગઈ છે.'
મેં લાડવાનો કટકો મોંઢામાં મૂકતાની સાથે જ કાકીના બેમોઢે વખાણ કરતા કહ્યું, 'વાહ વાહ... શું લાડવા બનાવ્યા છે!' વખાણ સાંભળતાની સાથે જ પોરસાઈને પથુકાકા બોલી ઉઠયા, 'લાડવામાં અને લડવામાં તારી કાકીને કોઈ ન પહોંચે...'
કાકાનું આ વાક્ય મેં પકડીને કહ્યું, 'રાજકારણીઓ અને નેતાઓ (પ્રસાદના) લાડવાને મુદ્દે જ લડવા માંડયા છેને? મંદિરના પ્રસાદમાં અપાતા લાડુમાં વપરાતા ઘીમાં પ્રાણીની ચરબીની મિલાવટના આક્ષેપો થયા પછી તો ખરો હોબાળો મચ્યો છે. મિલાવટનો આક્ષેપ કરવાવાળા અને મિલાવટ નથી એવો બચાવ કરવાવાળા લડવા માંડયા એમાં ભોળા ભક્તો ખરેખરા મુંઝવણમાં પડી ગયા કે પ્રસાદના લાડુ ખાવા કે નહીં?'
કાકા કહે , 'લગ્નને લાકડાના લાડુ કહે છેને? ખાય એ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય. છેવટે પસ્તાવાનું જ લખ્યું હોય તો પછી ખાધા વિના ખાલી પેટે પસ્તાવાને બદલે ધરાઈને લાડુ ખાઈ પસ્તાવામાં શું ખોટું છે? એટલે જ હું તો એવું માનું છું કે-
વિવાદનો ભલે થાય વરસાદ,
પણ ટેસથી ખાવ પ્રભુનો પરસાદ,
જે ચગાવે જાત જાતના વાદ,
એને કરો ધરમની બાબતમાંથી બાદ.'
મેં કાકાને દાદ આપતા કહ્યું, 'કાકા, ચેનલિયા કથાકારો કહે છે કે પ્રવાસમાં ધર્મ ભળે તો યાત્રા બની જાય અને ભોજનમાં ધર્મ ભળે તો પ્રસાદ બની જાય. આ બાબત તમારૃં શું માનવું છે?'
પથુકાકા બોલ્યા, 'હું તો અત્યારના આ લાડુ-ઉછાળ રાજરાકણનો ખેલ જોઈને એવું માનવા લાગ્યો છું કે ધર્મમાં રાજકારણ ભળે કે પછી રાજકારણમાં ધર્મ ભળે ત્યારે સૂક્કા ભેગું લીલું પણ બળે અને જ્યારે પ્રસાદમાં રાજકારણ ભળે ત્યારે નવા નવા વિવાદોને બળ મળે.'
મારી વાત ધ્યાનથી સાંભળળ્યા પછી પથુકાકા જરાક હળવાશથી બોલ્યા, 'મેં જ્યારે તારી કાકી સાથે અડધી સદી પહેલાં પ્રેમલગ્ન કર્યાં ત્યારે હું એને પ્રેમી તરીકે ખૂબ લાડ લડાવતો હતો, ખબર છે? ટૂંકમાં, પ્રેમી લાડ લડાવે અને ખુરશી-પ્રેમીને 'લાડુ' લડાવે, બરાબરને?
મેં નવાઈભેર સવાલ કર્યો, 'કાકા, પરસાદમાં વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી વપરાય છે એ સાચી વાત?' મારો સવાલ સાંભળી કાકાએ તરત જવાબ આપ્યો, ' ઘીમાં ચરબી વપરાય છે કે નહીં એ મને ખબર નથી, બાકી તો જેને બહુ ચરબી ચડી હોય એવા નેતાઓની ચરબી આવા વિવાદમાં વપરાતી હોય એવું લાગે છે. એટલે જ તો હું પરસાદિયા વિવાદમાં આવતી આ 'ચરબી'ની ગંધ પારખીને કહું છું કે-
નેતાઓ વિવાદમાં
લાવે છે પરસાદ,
જેથી ચૂંટણી વખતે
થાય મતોનો વરસાદ.'
પ્રસાદપુરાણ ખરેખરૃં ચગ્યું ત્યારે મને મુંબઈના મહાલક્ષ્મી મંદિરે જતા એક ઓળખીતા શેઠિયાનો કિસ્સો યાદ આવ્યો. શેઠ રોજ સવારે મંદિરે દર્શને જાય. મંદિરની બહાર માગણો હારબંધ બેઠા હોય. એક દિવસ મેં જોયું કે શેઠ મંદિરમાંથી બહાર નીકળ્યા અને બહાર બેઠેલા માગણો હાથ લાંબો કરે એટલે કંઈક મૂકતા જાય. માગણો પણ સંતોષનું સ્મિત ફરકાવે. આ જોઈને મેં પૂછ્યું, 'શેઠ, તમે રોજેરોજ આ ભીખારીઓના હાથમાં કેટલાં પૈસા મૂકો છો? કેવા રાજી થઈ જાય છે!' શેઠ બોલ્યા, 'હુ તો એક પૈસો નથી આપતો, હાથ લાંબો કરે એની હથેળીમાં ગલગલિયાં કરૃં છું એટલે હસી પડે છે. આ જમાનામાં વગર પૈસે હસાવે એવાં પણ ક્યાં કોઈ મળે છે?'
મારી વાત સાંભળી પથુકાકા બોલ્યા,'આપણા વચન-પરસ્ત ચાલબાજ નેતાઓ પણ આવી જ ચાલાકી કરે છે ને? ચૂંટણી નજીક આવે ત્યારે મત-માગણિયા બની મતદારો પાસે હાથ લાંબા કરી મત માગે. પછી ચૂંટણી જીતી જાય એટલે મતદારોની દશા માગણ જેવી થઈ જાય. વચનપૂર્તિની માગણી કરે, આર્થિક રાહતની માગણી કરે કે પછી બીજી કોઈ માગણી માટે હાથ લાંબો કરે ત્યારે નેતાજી હાથમાં ગલગલિયા કરી રાજી કરીને રવાના કરી દે છે. ગણ-તંત્રના આ મતમાગણ-તંત્રની ચાલાકી જોઈને?'
મેં કહ્યું ,'કાકા, લાડુના પ્રસાદના વિવાદો શમાવવા હોય તો શેઠ જે રીત અજમાવતા એ રીત અજમાવવાની જોઈએ.' પથુકાકા બોલ્યા, 'શેઠની રીત પ્રસાદમાં કેવી રીતે અજમાવાય એ ફોડ પાડીને કહે તો ખરો?'
મેં કહ્યું, 'શેઠની ચાલાકીમાંથી પ્રેરણા લઈ સિમ્બોલિક પ્રસાદમ એટલે પ્રતીકાત્મક પ્રસાદની સિસ્ટમ શરૂ કરવી જોઈએ. મંદિરના દરવાજે બન્ને તરફ ચોખ્ખા ઘીના લાડુની પોટલીઓ લઈને મંદિરના સેવકોને ઊભા રાખવાના. ભગવાનના દર્શન કરી બહાર નીકળતી વખતે ભક્તો પ્રસાદ માટે હાથ લાંબો કરે ત્યારે સ્વયંસેવકોએ લાડુ આપવાનો નહીં, માત્ર લાડુની પોટલી ભક્તના હાથમાં ઘસવાની. એટલે ભક્તજન ચોખ્ખા ઘીની સોડમ લઈ પ્રસાદ લીધાનો મનોમન સંતોષ મેળવી રવાના થાય. જો પ્રસાદ ખાય તો ભેળસેળના ભવાડા થાયને? પછી ભલેને પ્રસાદના લાડુના મુદ્દે રાજકારણ ખેલવાવાળા નેતાઓ હાથ ઘસતા રહી જાય! ભક્તો પણ હથેળીમાં ઘસાયેલા લાડુની સોડમથી હરખાઈને હસતા ચહેરે ગાતાં ગાતાં ઘરભેગા થશેઃ 'ઘસતા' હુઆ નુરાની ચહેરા... ખાલી બાતેં, પ્રસાદ પે પહેરા... તેરી ચાલાકી તૌબા તૌબા રે...'
અંત-વાણી
વરસાદ એ પ્રભુનો પરસાદ
ઓછો પડે તો પ્રભુને કર-સાદ.
** ** **
જે લાડુના લડવૈયા
એ જ વિવાદના ઘડવૈયા.