રક્તદાન કરો, મતદાન કરો, લેકિન કુ-પાત્ર કો મત દાન કરો

Updated: May 7th, 2024


Google NewsGoogle News
રક્તદાન કરો, મતદાન કરો, લેકિન  કુ-પાત્ર કો મત દાન કરો 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

જાગૃત નાગરિક મંચ તરફથી રક્તદાતાઓનો સન્માન સમારંભ યોજાયો. (હો)બાળાકાકીએ ૧૧ વખત રક્તદાન કરેલું એટલે એમનું પણ સન્માન થવાનું હતું. 

નિર્ધારિત દિવસે હું અને પથુકાકા પણ (હો)બાળાકાકી સાથે સમારંભ સ્થળે પહોંચ્યાં અને આગલી હરોળમાં ગોઠવાઈ ગયાં. એક પછી એક રક્તદાતાના નામ અનાઉન્સ થતા જાય, દાતા સ્ટેજ પર જતા જાય અને પ્રમુખશ્રીને હસ્તે શાલ અને સ્મૃતિ ચિહ્ન મેળવતા જાય. અડધી કલાકે મંચ પરથી (હો)બાળાકાકીનું નામ જાહેર થયું એટલે કાકી પણ વટથી એકલાં સ્ટેજ પર પહોંચ્યાં. 

પ્રમુખશ્રીએ કાકીને શાલ ઓઢાડી અને તાલીઓનો ગડગડાટ થયો, બરાબર એ જ વખતે પથુકાકા ઊભા થયા અને મોટા અવાજે હળવાશથી બોલ્યા, 'મારી પત્નીની સાથે મારૂં પણ સન્માન થવુંજોઈએ.' ચોકી ગયેલા ઉદ્ઘોષકે માઈકમાં પૂછ્યું, 'કાકા, તમારૂં શા માટે સન્માન થવું જોઈએ?' ત્યારે કાકાએ મસ્તીભર્યા અંદાઝમાં જવાબ આપ્યો, 'મારી વહુએ આખી જિંદગી મારૂં લોહી પીધું પછી તમને દીધું, બરાબર? એટલે પત્નીની સાથે પતિનું  પણ સન્માન થવું જોઈએ કે નહીં?' 

આ સાંભળી આખા હોલમા હાસ્યનું મોજું ફરી વળ્યું. આને લીધે અળવિતરા કાકાને વગર બ્લડ ડોનેશને શેર લોહી ચડી ગયું. રાત્રે રક્તદાતા સમારંભ પૂરો થયા પછી બહાર નીકળતી વખતે કેટલાય પીડિત પતિદેવોએ કાકીને બદલે કાકાને અભિનંદન આપતા કહ્યું , 'પથુકાકા, તમે તો અમારા સહુની મન-કી-બાત કહીને કમાલ કરી.'

મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં યોજાયેલો સમારંભ પૂરો થતા અમે રિક્ષામાં પાછા આવતા હતા. આ વિસ્તારના ભોમિયા એવા પથુકાકા એક પછી એક ફિલ્મ સ્ટારોના બંગલા દેખાડતા જતા હતા. જુઓ આ અમિતાભ બચ્ચનનો 'જલસા' બંગલો, આ શત્રુધ્ન સિંહાનો 'રામાયણ' બંગલો... આગળ વધતા એક બંગલા ભણી આંગળી ચીંધી એમણે કહ્યું, 'આ પૂર્વાશ્રમના હી-મેન ધર્મેન્દ્રનો બંગલો.'

હું અને કાકી હા-એ- હા કર્યો જતાં હતાં. ત્યાં કાકા બોલ્યા, 'આખા મુંબઈમાં અને પરાંમાં રઝળતા કૂતરાનો ત્રાસ છે, પણ ધર્મેન્દ્રના બંગલાની આસપાસના એરિયામાં એક પણ રખડતું કૂતરૂં જોવા નથી મળતું એ વાત માર્ક કરી?'

મેં પૂછ્યું, 'ધર્મેન્દ્રના ઘર પાસે કેમ કૂતરાનો ત્રાસ નથી?' ખોંખારો ખાઈને પથુકાકા બોલ્યા, 'ધર્મેન્દ્ર ફિલ્મોમાં એક પેટન્ટ ડાયલોગ મારે છે - કૂત્તે... મૈં તેરા ખૂન પી જાઉંગા... બસ, આ ડાયલોગે એવી તો ધાક જમાવી છે કે રઝળતા કૂતરા બંગલાની આસપાસ ફરકવાનું નામ જ નથી લેતા!'

ઘર પહોંચીને મેં કાકાને પૂછ્યું,  '(હો)બાળાકાકીનું રક્તદાતા તરીકે સન્માન થાય ત્યારે તમારા મનમાં એવી લાગણી ન થાય કે મારે પણ રક્તદાન કરવું જોઈએ?' 

કાકા બોલ્યા, 'મને તો એક જ વાર જીવનમાં બ્લડ-ડોનેશન કરવાની લાગણી થઈ હતી. ક્યારે ખબર છે? ત્રીસેક વર્ષ પહેલાં એક ખૂબ જાણીતી કોન્વેન્ટ સ્કૂલમાં મારા દીકરા કેની ઉર્ફે  કનુને એડમિશન અપાવવા ગયો. કનુ હોશિયાર ખરો અટલે મને એમ કે સારી સ્કૂલમાં એડમિશન મળી જાય તો સારૂં. લેડી પ્રિન્સિપાલે ઈન્ટરવ્યુ લીધો અને કેનીના જવાબથી સંતોષ પણ થયો. પછી મૂળ વાત પર આવતા બોલ્યા કે, બીજું બધું તો ઠીક પણ ડોનેશન કેટલું આપશો? લાખ, બે લાખ, ત્રણ લાખ - કેટલું ડોનેશન આપશો? આ ડિમાન્ડ સાંભળી હેબતાઈને હું માંડ માંડ બોલી શક્યો કે  લાખોનું ડોનેશન આપવાની મારી કેપેસિટી નથી, તમે કહો તો હમણાં ને હમણાં બ્લડ-ડોનેશન આપી શકું, બોલો શું કરૂં?'

મેં પૂછ્યું, 'પ્રિન્સિપાલે શું જવાબ આપ્યો?' કાકા બોલ્યા, 'મારી બ્લડ-ડોનેશનની વાત સાંભળી જાડી ચામડીનાં લેડી પ્રિન્સિપાલે કહ્યું કે લિસન જેન્ટલમેન... અમારી સ્કૂલને બ્લડ ડોનેશનની નહીં, પણ કેશ ડોનેશનની જરૂર છે. આપણા નેશનમાં  રાજ કરતી પાર્ટીઓને પણ કેશ-ડોનેશન  વિના નથી ચાલતું, ત્યારે અમારી સ્કૂલ કેવી રીતે ડોનેશન વિના ચાલે? સોરી... તમારા સનને એડમિશન નહીં મળે.'

મેં કહ્યું ,'સ્કૂલમાંથી નીકળતી વખતે તમે દેશભક્ત નહીં, પણ કેશભક્ત લેડી પ્રિન્સિપાલને બરાબરનું  સંભળાવ્યું હતું કે નહીં?' પથુકાકા બોલ્યા, 'મેં તો બહાર નીકળતી વખતે એટલું જ કહ્યું કે-

જીવતાને મારી નાખશે

માગણી આ ડોનેશનની,

પણ મરતાને જીવાડવા

જરૂર પડશે બ્લડ ડોનેશનની.'

કાકાએ ઉમેર્યું, 'ચૂંટણી આવે ત્યારે નેતાઓ જનતાની વચ્ચે જવાનો એકેય મોકો છોડતા નથી. પાંચ વર્ષ પ્રજાને મોઢું દેખાડવા નવરા ન હોય, પણ ચૂંટણી આવે એટલે  જાતજાતના આયોજનો કરવા માંડે. આવા જ એક  નેતાએ રક્તદાન શિબિર યોજી હતી. ગરીબોની વસતીમાં જઈને અપીલ કરવા માંડયા કે લોહી આપો... લોહી આપો... ત્યારે બે-ચાર જણાએ હિંમત એકઠી કરીને કહી દીધું કે, તમે જ લોહી પી ગયા છો, અમારા શરીરમાં લોહી રહેવા જ ક્યાં દીધું છે તે આપીએ?'

મેં કાકાને કહ્યું, 'તમે સંપૂર્ણ રીતે તંદુરસ્ત છો, તમારે પણ રક્તદાન કરવું જોઈએ. હમણાં જ છાપામાં વાંચ્યુંને કે એક દાંડિયા-રાસની ગાયિકાએ રક્તદાન કર્યું?' પથુકાકાના કાન આ સાંભળીને ચમક્યા અને તરત બોલી ઉઠયા, 'શું વાત કરે છે? દાંડિયા-રાસની ગાયિકાએ બ્લડ-ડોનેશન કર્યું? હવે જોજે એ લોહી જે દરદીને ચડાવશે ને એ ઘૂમરી લઈ લઈને દાંડિયા રાસ રમવા માંડશે અને ગળું છૂટ્ટું મેલીને ગાવા માંડશે- 

હે (રંગલો) રક્ત-લો

જામ્યો કાલિંદીંને ઘાટ

છોગાળા તારા

હો રે છબીલા તારા

''રક્ત-ભેરૂ'' જુએ તારી વાટ

હે ''રક્ત-લો...''

કાકાની વાત સાંભળીને મને જૂનો ટુચકો યાદ આવ્યો. લડાઈ વખતે સામી છાતીએ લડતા જવાને કેટલાય દુશ્મન સૈનિકોને ઢાળી દીધા. ત્યાં અચાનક ગ્રેનેડ ફાટતા એ જખમી થઈ ગયો. શરીરમાંથી લોહી વહેતું હતું છતાં જોશ ઓસરતો નહોતો. માંડ માંડ એને પરાણે સ્ટ્રેચરમાં નાખી હોસ્પિટલમાં દાખલ કર્યો. હોસ્પિટલમાંથી પણ પાછો લડવા જવા થનગનતો હતોઃ  મુઝે જાને દો... મુઝે  લડના હૈ... દુશ્મનોં કો ખતમ કરના હૈ... આ જોશીલા જવાનને જકડી રાખવો મુશ્કેલ બની ગયો એવી ધમાલ મચાવે. ડોકટરોએ ટ્રીટમેન્ટ શરૂ કરી. ઘામાંથી લોહી વહ્યું ગયું હોવાથી બ્લડ ચડાવવું પડયું.

બીજે દિવસે આ જવાન સાવ શાંત થઈ ગયો. એટલે બાજુના બેડમાં સારવાર લેતા દરદીએ પૂછ્યું, 'કાલે તો તે ફરી લડવા જવાનો બહુ ઉપાડો લીધો હતો, હવે લડવા નથી જાવું?' ત્યારે જવાન બોલ્યો,  'લડાઈ-બડાઈ સે ક્યા હોગા? લડાઈ કી બાત છોડો ઔર ધંધા-પાની કી બાત કરો...'  આ જવાબ સાંભળી નવાઈ પામેલા બાજુના બેડના દરદીએ ડોકટરને પૂછ્યું, 'આ શું ચમત્કાર થયો?' ત્યારે ડોકટરે હસીને કહ્યું, 'ગઈ કાલે હોસ્પિટલની બ્લડ બેન્કમાં લોહીનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. એટલે હોસ્પિટલની બહાર દુકાન ચલાવતા એક વેપારીને બોલાવી તરત બ્લડ ડોનેટ કરાવી આ સૈનિકને ચડાવ્યું. બસ, વેપારીનું લોહી ચડાવ્યા પછી એ ધંધા-પાણીની જ વાત કરવા માંડયો છે, બોલો!'

અંત-વાણી

સઃ શરીરમાં લોહી નથી અને નખ એ બંને અર્થ નીકળે એવો હિન્દીનો ક્યો ત્રણ અક્ષરનો શબ્દ છે?

જઃ ના-ખૂન


Google NewsGoogle News