Get The App

ગામના ગાંડા યાદ રહે અને ડાહ્યા ભૂલાય

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ગામના ગાંડા યાદ રહે અને ડાહ્યા ભૂલાય 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ભાષાંતર એટલે દહીંનું છાશાંતર. જો કે ગુગલિયું ભાષાંતર એટલે ભાષાનું કચુંબર.ો એમાં પણ જ્યારે કોઈ ગુજરાતી  શબ્દ કે વાક્યુનં બેઠું ટ્રાન્સલશન કરી સાહિત્ય-કારનું લિટરેચર -મોટરકાર કરી નાખે ત્યારે ભેજું ભમી જાય.

સોશિયલ મીડિયામાં દિવંગત સર્જકોના સન્માન સમારંભના આમંત્રણપત્રનું અંગ્રેજી ટ્રાન્સલેશન વાંચીને ગુગલ-એ-આઝમને સલામ કરવાનું મન થયું. અમૃત ઘાયલનું નામ લખ્યું હતુ 'નેકટર ઈન્જર્ડ', શૂન્ય પાલનપુરીનું લખ્યું હતું 'ઝીરો ફ્રોમ પાલનપુર', કલા-પી  માટે 'આર્ટ ડ્રિન્કર' વગેરે વગેરે.

આ તો ગુજરાતીના અંગ્રેજી ભાષાંતરમાં ભગો કર્યો, પરંતુ અંગ્રેજીનું ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીને હસી હસીને બેવડ વળી જવાય.  મહારાષ્ટ્રના સિન્નર ગામનું ભાષાંતર 'પાપી' કરી નાખ્યું.  એવી જ રીતે 'મેડ ઈન ઈન્ડિયા'નું ટ્રાન્સલેશન કર્યું 'ભારતમાં ગાંડા'. ભારતમાં ગાંડા વાંચીને ભેજામાં એક નવું ઉખાણું ફૂટી નીકળ્યું. એવો ક્યો ચાર અક્ષરનો ગુજરાતી શબ્દ છે જેના પહેલાં બે ગુજરાતી અક્ષરનું મરાઠી ટ્રાન્સલેશન છેલ્લાં બે અક્ષરમાં મળે? કહી દઉં. 'ગાંડા-વેડા'. શું કામ,ખબર છે? ગાંડાને  મરાઠીમાં 'વેડા' જ કહે છેને?

કહેવત છે ને કે ગાંડાના ગામ ન વસે, પણ ગામમાં ગાંડા તો વસેને? તમે જોજો કે તમારા ગામમાં કે વતનમાં જે ડાહ્યા માણસો હશે એ ભૂલાઈ જશે, પણ ગાંડા નહીં ભૂલાય. રળિયામણા રાજકોટમાં દાયકાઓ પહેલાં વલિયો નામનો એક માણસ હતો. લગ્નની વાડીમાં વાસણ ઉપાડવાનું અને કેટરિંગનો કોન્ટ્રેકટ હોય ત્યાં માથે વાસણ ઉપાડીને પહોંચાડવાનું કામ કરતો.  જુવાનીમાં વલિયો કોઈક વાડીમાં વાસણ ઉટકતી કન્યાના પ્રેમમાં પડયો. પ્રેમની એવી ઘેલછા કે ત્રેવડ ન હોવા છતાં પફ-પાવડર-લિપસ્ટિક અને એવી જાત જાતની ભેટ લાવી દે. થોડા મહિના વલિયા અને એની વેલીબાઈનો પ્રેમ ચાલ્યો. પછી એક દિવસ વેલીને કોણ જાણે શું સૂઝ્યું તે કોઈ પૈસાવાળા પુરૂષ સાથે નાસી ગઈ. વલિયો આઘાત સહન ન કરી શક્યો. વેલીને આવ્યા પ્રેમનાં ફૂલ અને તો જોતજોતામાં કરમાયાં. વલિયો ગાંડો થઈ ગયો. ગાંડો એટલે કેવો, ખબર છે? માથે મોટું તપેલું ઉપાડીને ફર્યા જ કરે ફર્યા જ કરે. તપેલું જબરજસ્તી હેઠું મૂકાવો તો બેસી જાય. માથે તપેલું હોય તો જ ચાલ્યા કરે. આના પરથી એનું નામ જ 'વલિયો તપેલો' પડી ગયું. આજના જમાનામાં ઘણા પુરૂષોના મગજ તપેલાં હોય છે અને સ્ત્રી તપેલી હોય છે એટલે જ સંસારને રસ્તો ગાંડા કાઢે છેને?

અમારા ગામની ગાંડાની હોસ્પિટલ લગભગ છ દાયકાથી પાગલોને સાચવે છે. અનેક દાતાઓએ ડોનેશન આપ્યું છે, પણ કોઈ હોસ્પિટલ સાથે પોતાનું નામ જોડવા ઈચ્છતા નથી, કારણ નામ જોડાય તો કેવું લાગે, ખબર છે? ગંગુભાઈ ગાંડાની હોસ્પિટલ, પથુભાઈ પાગલની હોસ્પિટલ, મનુભાઈ મેન્ટલ હોસ્પિટલ વગેરે.

એક વાર પથુકાકાના જન્મદિને અમે ગાંડાની હોસ્પિટલમાં ફ્રુટ આપવા ગયા. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અમને જુદા જુદા વોર્ડમાં ફેરવતા હતા. એક વોર્ડમાં વધેલી દાઢી અને માથે વાંકડિયા વાળવાળા પાગલશ્રી શાયરીઓ ઉપર શાયરીઓ ફફડાવતા હતા...

યા તો દિવાના હસે

યા તું જીસે તૌફિક દે વો હસે,

વર્ના ઈસ દુનિયા મેં આકે 

હસતા કૌન હૈ?

પથુકાકાએ પાગલ શાયરને જોઈ સુપરિન્ટેન્ડન્ટને પૂછયું કે આ ભાઈએ કેવી રીતે મગજ પરનો કાબૂ ગુમાવ્યો? ત્યારે સુપરિન્ટેન્ડન્ટે જવાબ આપ્યો, 'આ શખ્સ જેને દિલથી પ્રેમ કરતા હતા એ યુવતી દગો દઈને તેના જીગરજાન દોસ્ત સાથે નાસી ગઈ અને પરણી ગઈ. એ આઘાતમાં આ ભાઈસાબ મગજ પરનો કાબૂ ગુમાવી બેઠા.'

આગળ વધ્યા તો બાજુના વોર્ડમાં એક ભાઈ ગાંડા કાઢતા હતા. ભીંત પર 'હાય મહંગાઈ... બઢતે દામ બરબાદી કા નામ... દિલ નહીં બિલ જલતા હૈ  તો જલને દે... એવાં લખાણનું ચિતરામણ વાંચવા મળ્યું. પથુકાકો સુપરિન્ટેન્ડન્ટને  પૂછ્યું, 'આ ભાઈ કેવી રીતે ગાંડા થઈ ગયા?'ે સુપરિન્ટેન્ડન્ટે કહ્યું, 'બાજુના વોર્ડના પાગલ શાયરને છોડી નાસી છૂટેલી દગાબાજ પ્રેમિકા આ ભાઈસા'બને પરણી એ પછી એ ગાંડા થઈ ગયા. સાધારણ આવકવાળા ભાઈને ખર્ચાળ પ્રેમિકાએ ખર્ચના ખાડામાં ઉતારી નાખ્યા.  મોંઘારતમાં દિલથી ચાહવાને બદલે બિલના ડામના ચકામા પડવા માંડયા. ભાઈની બધી બચત સફાચટ થઈ ગઈ. આમ બેન્ક બેલેન્સ  ન ટક્યું ત્યાં મેન્ટલ બેલેન્સ કેવી રીતે જળવાય?'

આ જ  મેન્ટલ હોસ્પિટલના રજત જયંતી સમારોહની ઉજવણીનું આયોજન  થયું હતું. ધીરે ધીરે સાજા થતા જતા ગાંડા કલાકારોનો સાંસ્કૃતિક કાર્ય ક્રમ પણ યોજાયો હતો અને અધ્યક્ષસ્થાને એક નેતા ડાહ્યાભાઈ ડભોઈવાળા ગોઠવાઈ ગયા હતા. રવિવારની સાંજે ઠાઠમાઠથી પ્રોગ્રામ થયો. નેતાશ્રીને વિદાય આપવા પ્રગતિશીલ પાગલજનો હારબંધ ઊભા હતા. એક તો ગામથી દૂર અવાવરૃં જગ્યાએ મેન્ટલ હોસ્પિટલ હતી અને રસ્તો પણ કાચો હતો. નેતાશ્રીની કાર રવાના થઈ ત્યારે રસ્તામાં મોટો ખાડો આવતા મોટરનું એક વ્હીલ આખેઆખું નીકળી પડયું. કારનો ડ્રાઈવર હેઠો ઉતર્યો અને નેતા પણ ઉતર્યા. આવા અંધારામાં કરવું શું? વ્હીલમાંથી નીકળી ગયેલા સ્ક્રુ અંધારામાં અને ઝાડીઝાંખરામાં  મળેય ક્યાંથી? વિમાસણમાં પડી ગયેલા નેતાજી ચિંતાતુર વદને ઊભા હતા ત્યાં મેન્ટલ હોસ્પિટલના ચાર ગાંડા દોડતા દોડતા મદદે આવ્યા અને પૂછ્યું કે શું થયું?  ડ્રાઈવરે કહ્યું કે વ્હીલ છૂટું પડી ગયું અને નટ-બોલ્ટ ખોવાઈ ગયા છે.

આ સાંભળી એક સિનિયર ગાંડો બોલ્યોે, 'ઓહો હો...  આમાં ચિંતા જેવું કંઈ નથી. એક વ્હીલમાં ચાર નટ-બોલ્ટ હોય છે, બરાબર? હવે આ ગાડીમાં બાકીના ત્રણ વ્હીલ છે એમાંથી એક એક નટ-બોલ્ટ કાઢી ચોથા  પૈડામાં ફિટ કરી દો. આમ ચારેય વ્હીલમાં ત્રણ ત્રણ નટ-બોલ્ટ હશે તો ગામ સુધી ધીમે ધીમે પહોંચી શકાશેને?' આ નુસ્ખો સાંભળી નેતાજી આફરીન પોકારી ઉઠયા. ડ્રાઈવરે ગાંડાઓના દિશાસૂચન પ્રમાણે કર્યું. કાર સ્ટાર્ટ કરી ત્યારે નેતાજીએ ચારેય પાગલોને બિરદાવતા  કહ્યું, 'તમારી અક્કલને સલામ કરવી પડે, હો! આવું તમને સૂઝ્યું કેવી રીતે?' ત્યારે સિનિયર ગાંડાલાલે  કહ્યું, 'સાહેબ, અમે ગાંડા ભલે રહ્યા, નેતા થોડા જ છીએ?' 

આ કિસ્સો સાંભળી પથુકાકા બોલ્યા, ' આજકાલના આ નેતાઓ કાર જ નહીં પણ સર-કાર પણ એવી રીતે ચલાવે છે કે ગાંડાય કિંમત કરી જાય બાકી તો, દુનિયાને ઊંધાં ચશ્માં ડાહ્યા દિવાના લાગે... જેવો ઘાટ છે.'

મેં કાકાની આ વાત સાંભળી કહ્યું,  'તમે ડાહ્યા અને દિવાનાની વાત કહી એના પરથી મને યાદ આવ્યું. મેં ભલે કહેવત સંભળાવી કે ગાંડાના ગામ ન વસે, પણ મુંબઈ પાસે એક ગામ એવું છે જ્યાં દિવાના, વસે છે, તમને ખબર છે?' સવાલ સાંભળી ચકરાવે ચડી ગયેલા પથુકાકા બોલ્યા , 'મેં ચાર દાયકા  મુંબઈમા ગુજાર્યા છતાં આખું ગામ દિવાનાનું હોય એવું સાંભળ્યું નથી. પણ હવે તું જ ફોડ પાડીને કહે તો સમજાય.'

મેં કહ્યું, 'કાકા, મુંબઈ નજીક થાણે પછી દિવા ગામ આવે છે, બરાબરને? હવે દિવાના કોઈ પણ મૂળ રહેવાસીને પૂછો કે તમે ક્યાંના? તો તરત જવાબ આપે અમે 'દિવાના'. દિવાના વાસી દિવાના જ કહેવાયને? મેં તો દિવાના... દિવાના... દિવાના...' 

અંત-વાણી

ગામના ગાંડા યાદ રહે

ને ડાહ્યા ભૂલાય છે,

શાણાનો ન પૂછે કોઈ ભાવ

ફેકમબાજો ફોગટ ફૂલાય છે.

**  **  **

પાગલપનનોસંજીવકુમારની જેમ અભિનય કરે તેને એવોર્ડ મળે અને ખરેખર પાગલ હોય તેને (મેન્ટલ હોસ્પિટલમાં) એ-વોર્ડ મળે.


Google NewsGoogle News