For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુંબઈમાં કલ, આજ ઔર લો-કલ .

Updated: Feb 6th, 2024

મુંબઈમાં કલ, આજ ઔર લો-કલ                       .

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ગાંધીજીએ જીવનની સફર પૂરી કરી ત્યારે છેલ્લા શબ્દો હતાઃ  હે ... રામ. જ્યારે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનની ભીડમાં ભીંસાઈને જે સફર પૂરી કરે એના છેલ્લા શબ્દો હોય છે હે... રાન.

પથુકાકાએ પચાસ વર્ષ મુંબઈના ઉપનગર ઘાટકોપર અને મુંબઈ વચ્ચે કાયમ હેરાનગતી વેઠી મુસાફરી કરી એનો વસમો અનુભવ યાદ કરતા કહે,  'આ લોકલને લાઈફ લાઈન કહેવી જોઈએ, કાયમની હેરાનગતી, સખ લેવા જ ન દે.'

પથુકાકા રિટાયર થયા પછી લોકલ ટ્રેનમાં જવાનું નામ નથી લેતા, પણ પેન્શનના કાગળો પર સહી કરવા ગયા વિના છૂટકો નહોતો એટલે મને પરાણે ભેગો લીધો અને ખરેખરા ઘસારાના સમયે સેકન્ડ કલાસની ભીડમાં ટ્રેનમાં  ચડાવ્યો. કાકાએ તો ભીડમાં ભીંંસાતાની સાથે જ આખો ડબ્બો સાંભળે એવી હાંક મારીઃ હે ભીડભંજન રક્ષા કરજે...

માણસ પણ જ્યાં મચ્છરની જેમ ચીમળાઈ જાય એવી દશામાં કોણ જાણે સીટ નીચેથી નીકળેલા મચ્છરે કાકાને  ટચકો ભર્યૅો. એટલે કાકા તાડૂક્યા, 'આ સાલા મચ્છરો ટ્રેનમાંય લોહી પી જાય છે.' એમ કહી પગે જોર જોરથી ખરજ કરવા માંડયા. એ જ વખતે કાકાની સાથે ચોંટીને ઊભેલા કચ્છી વેપારીએ રાડ પાડી 'કાકા... હી કુરો કરેતા... મચ્છરે તમને ચટકો ભર્યો એમાં પાવડા જેવા નખથી મારા પગે ખણી ખણી લોહી કાઢ્યું, જોતાં નથી?' પથુકાકાએ છોભીલા પડી સોરી... સોરી કહી માફી માગતા કહ્યું, 'લોકલની ભીડનો  જ આ પ્રતાપ છે, પોતાના અને પારકાના ભેદ જ ભૂલાઈ જાય છે... મને એમ કે મારા પગે ખરજ કરૃં છું, પણ તમારો પગ ખણી નાખ્યો એ ખબર જ ન પડી હો!'

રશ અવર નહીં પણ ક્રશ અવરમાં અમારી સફર આગળ વધી. ત્યાં કોઈક લોનવાળી કન્યાનો મોબાઈલમાં ફોન આવ્યો. કાકાએ ભાંગીતૂટી અંગ્રેજીમાં  કહ્યું, 'આઈ એમ 'સફરિંગ' ઈન ટ્રેન કોલ મી લેટર...'

કાકાનું આ વાક્ય સાંભળીને મેં હસીને કહ્યું, 'કાકા, તમે ખોટા ઈંગ્લિશમાં  સાચું જ કહી દીધું, લોકલ ટ્રેનની સફર એટલે સફરિંગ જ છે.' કાકા કહે, 'સફરિંગ છતાં લોકલમાં 'સફર-જન' વધતા જ જાય છે એટલે જ સફર કરતી વખતે 'ગાડી બુલા રહી હૈ'... ગીત ફેરવીને ગાવું પડે છે કે 'ગાડી રૂલા રહી હૈ...''

લાઈફ-લાઈન અને વાઈફ-લાઈનનો કાકાએ પ્રાસ બેસાડયો હતો એનો તંતુ પકડીને મેં કહ્યું, 'કાકા, લગ્ન વખતે રિંગ સેરીમની યોજાય છે, બરાબર? પણ પરણ્યા પછી વહુ વટકે ત્યારે સફરિંગ સેરીમની શરૂ થઈ જાય છે ,ખરૃંને?' કાકા બોલ્યા, 'ગાડી અને લાડીમાં આ સામ્ય છે એટલે જ લાઈફ-લાઈનને વાઈફ-લાઈન કહેવી જોઈએ.  લાડી અને ગાડી ચાલે આડી તો ભલભલાને દે પાડી... ત્યારે મોંઢામાંથી ચીસ નીકળી જાય અરરર માડી...'

મેં કહ્યું ,'કાકા, નોકરીમાંથી રિટાયર થયા પછી રોજ લોકલ ટ્રેનની ભીડમાં  ભીંસાવામાંથી છુટકારો થયોને?' 

મારી વાત સાંભળીને રસોડામાંથી (હો)બાળાકાકી  બોલ્યાં, 'તારા  કાકા રિટાયર થયા પછી ટાયર થઈ ગયા ટાયર, તને ખબર છે કે નહીં?'

મેં કહ્યું, 'કાકા, રિટાયર થયા પછી ટાયર થઈ ગયા છે એનો મતલબ શું?'

પથુકાકાએ બાજુના ઘરમાં સંભળાય એટલાં મોટેથી ઓડકાર ખાતા કહ્યું, 'તારી કાકીની વાત સાવ સાચી છે. રિટાયર થયા પછી પેટ હવા ભરેલા ટાયર જેવું થઈ જાય છે, આ મોટો પ્રોબ્લેમ છે.' મેં સવાલ કર્યો કે ગેસ ટ્રબલ થાય ત્યારે પછી શું ઈલાજ કરો  છો?' કાકા હસીને બોલ્યા કે 'જેવો પેટમાં ગેસ ભરાય ત્યારે પરાંની ગાડીની  ભારે ભીડમાં ભીંસાઈને  બે વાર આંટાફેરા કરૃં છું. ભીડમાં પેટ એવું દબાય એવું દબાય કે બાબા આરામદેવની મદદ વિના આપોઆપ પવન-મુક્તા સન થઈ જાય. બોલ, કેવી કમાલ કહેવાય! લોકો ગેસથી (સીએનજી) ગાડી દોડાવે અને દોડતી ગાડી ગેસ છોડાવે.'

મેં કહ્યું, 'કાકા, એટલે જ લોકલ ટ્રેનની ભજન-મંડળી અને કિર્તન-મંડળીવાળા સત્સંગ કરતી વખતે એક વાક્ય હંમેશા કહેતા હોય છે કે જો સુખી થવું હોય તો બસ, છોડતા આવડવું જોઈએ, જે મોહ, માયા, ધન-સંપત્તિ છોડતાં શીખે એ થાય સુખી અને 'છોેડવાનો' જીવ ન ચાલે એ થાય દુઃખી... બધા કાંઈ છોડી ન જ શકે, એટલે જ પેલું ભજન ગવાય છે કેઃ જો તુમ છોડો પીયા... મેં નાહીં છોડું રે...'

આ સંવાદ સાંભળી કાકીએ ફરી ડબકું મુકતાં કહ્યું, 'હું તારા કાકાને કાયમ ટોકું છું કે જાતી જિંદગીએ ભોજનમાં અને ભજનમાં ધ્યાન રાખો, પણ ક્યાં માને છે? ઓલી કહેવત છે ને  કે જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે...' 

પથુકાકા ભેગા હોય અને લોકલ ટ્રેનમાં ક્યાંક જવાનું હોય ત્યારે વાતે વાતે અવનવા તુક્કા લડાવવામાંથી અને હળવી રમૂજ કર્યા વિના ન રહે. ઉપનગરથી મુંબઈ તરફ જવાની ટ્રેન પકડવા અમે બન્ને ઊભા હતા. ટ્રેન લેટ હતી, એટલે બાજુમાં ઊભેલા એક કચ્છી કાકાએ કંટાળીને પૂછયું કે ટ્રેન-બેન કોણ જાણે ક્યારે આવશે? કાકાએ તરત જ કહ્યું, ટ્રેન તો વ્હેલી-મોડી આવશે, પણ બેન તો હવે ઠેઠ રક્ષાબંધન વખતે આવશે. 

પ્લેટફોર્મ પર અમે ઊભા હતા ત્યાં બાજુના પ્લેટફોર્મ પર આવીને ઊભી રહેલી એક ટ્રેને વ્હીસલ મારી, અને ધીમે ધીમે ઉપડી. એ વખતે એક મોટી ઉંમરના કાકા દોડીને ટ્રેન પકડવા ગયા, પણ ટ્રેનનો દાંડો હાથમાંથી છટકી જતા પ્લેટફોર્મ પર પટકાયા. એ વખતે સતર્ક પોલીસ દોડી ગયો અને ધીમે ધીમે કાકાને ઉપાડીને બેન્ચ પર બેસાડયા. કાકાએ આશીર્વાદ આપતા કહ્યું કે ભાઈ, તે મને જેમ ઉપાડયો એમ ભગવાન વખત આવ્યે તને પણ ઉપાડે. 

પથુકાકાએ પટકાયેલા કાકા પાસે જઈ સલાહ આપી,'આ ઉંમરે આવી દોડધામ શું કામ કરો છો?' પેલા જમાનાના ખાધેલ કાકા બોલ્યો, 'આપણા દેશમાં ગાડી પાછળ કે ગાદી પાછળ દોટ મૂકવામાં ક્યાં ઉંમરનો બાધ નડે છે?' આ સાંભળી કાકા બોલ્યા, 'તમારી વાત સાવ સાચી છે. એટલે  જ જ્યારે ગાડી છૂટી જાય ત્યારે જનતા અને ગાદી છૂટી જાય ત્યારે નેતા હાંફળાફાંફળા થઈ જાય છે, આમાં બીજું શું થાય?'

અડધો કલાક લેટ અમારી ટ્રેન આવી એટલે કાકાએ મને ભજનના ડબામાં ધક્કો મારીને ચડાવી દીધો. મંજીરા, ખંજરી અને ઢોલક વગાડીને ભજન મંડળવાળા કોરસમાં ગાતા હતાઃ આપણે રામભજનમાં રહીયે, રાજારામ સીતારામ...

ટ્રેનમાં ભજન ગાતા આ 'ટ્રેનરો'ના મંડળના એક ઓળખીતાને કાકાએ પૂછ્યું,'વીસ વર્ષથી તમે બધા આવી ભીડમાં ભીંસાઈને ભજન કરો છો છતાં તમારી ભીડ ભાંગવા અને ભીંસમાંથી છોડાવવા ભગવાન કેમ મદદે નથી આવતા?' પેલા ભાઈએ ભોળાભાવે જવાબ આપ્યો, 'અમે બધા ભજન મંડળવાળા નિયમિત ટ્રાવેલ કરીએ ફાસ્ટ ટ્રેનમાં, બરાબરને? એટલે અમારો અંદરનો સાદ સાંભળી ઉપરવાળો ઉપરથી આશીર્વાદ વરસાવે ત્યાં ટ્રેન બે સ્ટેશન વટાવી ગઈ હોય. એમાં અમે ભીડમાંથી છૂટી નથી શકતા. હવે તો બે-ત્રણ દાયકાથી ભીડમાં ભીંસાઈને અમારી દશા જ ભીંસમાં-પિતામહ જેવી થઈ ગઈ છે.'

મેં કાકાને જૂના દિવસો યાદ કરાવતા કહ્યું , 'જૂના વખતમાં મુંબઈમાં પાંખી વસતી હતી ત્યારે ટ્રામ દોડતી, બરાબરને? એ વખતે એકાના-બેઆનામાં ભીડ વગરની ટ્રામમાં મુસાફરીની કેવી મજા આવતી?' કાકા બોલ્યા, 'ટ્રામની મુસાફરીના એ સુખના દિવસો અત્યારે ક્યાં યાદ કરાવે છે? એટલે જ શરૂઆતમાં કહ્યું એમ ગાંધીજીની જીવન સફર પૂરી થઈ ત્યારે એમના છેલ્લા શબ્દો હતા, હે-રામ... જ્યારે આપણે લોકલની મુસાફરી પૂરી કરીને પ્લેટફોર્મ ઉપર જેવા ધકેલાઈએ ત્યારે ટ્રામના એ ભૂતકાળના દિવસો યાદ કરીને બોલાઈ જાય છેઃ હે...ટ્રામ.'

અંત-વાણી

સઃ મુંબઈની લોકલ ટ્રેનોના પ્રવાસ વખતે સર્વધર્મ સમભાવના દર્શન થાય છે એ સાચી વાત?

જઃ સાવ સાચી વાત. હિન્દુભાઈ મસ્જિદ (મસ્જિદ બંદર) જાય છે, મુસ્લિમ બાંધવ મંદિર (રામ-મંદિર સ્ટેશન) જાય છે અને કોઈ સનાતની ચર્ચ (ચર્ચગેટ) તરફ જાય છે.

Gujarat