રાતે કનડે ભૂત ને દિવસે નડે ભૂવા...
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ચલતે ચલતે યૂં હી કોઈ 'ગિર' ગયા થા 'સડેડાટ' ચલતે ચલતે... 'પાકીઝા'ના ગીતને ટ્વિસ્ટ કરીને ગાઈ રહેલા અને લાકડીને ટેકે ચાલીને આવતા પથુકાકાને મેં પૂછ્યું કે આજે કેમ ખરેખર વાંકા ચાલો છો? ત્યારે સંસારના રસ્તે કાયમ વાંકા ચાલતા કાકાએ જવાબ આપ્યો, 'આ ખાડાને લીધે ખડી પડયો, રસ્તા પર દડી પડયો અને પછી પીડાને લીધે રડી પડયો. આને લીધે જ 'પાકીઝા'નું ગીત ફેરવીને ગાવાની નોબત આવીને!
મેં કહ્યું કાકા ચોમાસામાં 'મહા અણઘડ પાલિકા'ની મહેરબાનીથી ઠેર ઠેર પડતા ખાડાની વચ્ચેથી રસ્તો ગોતી આગળ વધતી વખતે 'પાકીઝા' (કે થાકી-જા)નું બીજું ગીત થાડે રહ્યો ફેરવીને ગાવું પડે એમ છે - ખાડે રહિયો ઓ બાંકે (એટલે વાંકાચાલતા) યાર રે ખાડે રહિયો...'
પથુકાકા વિસામો ખાવા માટે એક દુકાનના ઓટલા પર બેસીને બોલ્યા, 'આ ખાડામય હાલત જોઈને આજની સ્થિતિને જરા પોલિટિકલ કલર આપીને કહેવું હોય તો કહી શકાય પક્ષપલ્ટુ, ભ્રષ્ટાચારી, પાટલીબદલુ નેતાઓ જયારે જાય અખાડે ત્યારે દેશ જાય ખાડે.'
મેં કાકાને પૂછ્યું, 'કહો તો ખરા, કે આવા ખાડાવાળા રસ્તે ચાલતા ચાલતા ક્યાં ગયા હતા?'
પથુકાકા બોલ્યા,'આપણાં એરિયામાં ઠેર ઠેર પડેલા ખાડાની ફરિયાદ કરવા મ્યુનિસિપાલિટીની વોર્ડ ઓફિસે ગયો હતો, પણ ખાડા પૂરવાના અને રસ્તાના સમારકામ ઉપર નજર રાખતા સાહેબ જ ખાડે ગયા એટલે ધક્કો માથે પડયો.'
મેં સવાલ કર્યો, 'સાહેબ ખાડે ગયા એટલે?'
કાકા હસીને કહે, 'સાહેબની અટક જ ખાડે છે. હું થોડો મોડો પહોંચ્યો ત્યારે સાહેબની કેબિનની બહાર બેસતા ચપરાશીએ કહ્યું કે હમણાં જ ખાડે ગયા...'
કાકાની વાત સાંભળી મનમાં વિચાર આવ્યો કે ભ્રષ્ટ પાલિકાતંત્રના કેટલાંક લાંચિયા સાહેબો અને ખાઈબદેલા કોન્ટ્રેકટરો કે ઠેકેદારોને લીધે શહેરના રસ્તા ખાડે ગયા છેને!
મારા મનની વાત પારખી ગયા હોય એમ પથુકાકા બોલી ઉઠયા, 'ટાંટિયા ભાંગે એવા ખાડા ઠેકી ઠેકી અને ઠેકીને આ શહેરનો લોકો જ 'ઠેકે-દાર' બની ગયા છે. એટલે જ હું કાયમ કહેતો રહું છું કે મુંબઈમાં સલામત રીતે જીવવું હોય તો ત્રણથી બચવું- એક તો સતત વધતા ભાડાથી, યમરાજાના અનબ્રેકેબલ (બ્રેક વગરના)પાડાથી અને રસ્તા પરના ખાડાથી.'
કાકાનું જોડકણું નહીં, પણ ટાંટિયાતોડ તોડકણું સાંભળીને દાદ દેતા મેં કહ્યું, 'આપણા પાડોશી અમુભાઈનો પંદરેક વર્ષનો દીકરો ખરાબ સંગતને લીધે વંઠી ગયો હતો. એક દિવસ રસ્તા વચ્ચે તેનો કાન આમળીને તમાચો ચોડતા અમુભાઈ તાડૂક્યા કે આડે રસ્તે ચડી જતા શરમાતો નથી? ત્યારે રડમસ સાદે છોકરો બોલ્યો કે પપ્પા, ચોમાસામાં તમેય ક્યાં સીધે રસ્તો ચાલો છો? પગ ભાંગે નહીં માટે આડે રસ્તે જ ચડી જાવ છોને?'
પથુકાકાએ હસીને કહ્યું, 'ગામડાના ગાડાં-રસ્તા અને શહેરના ગાડી-રસ્તા સરખા જ થઈ ગયા છે, કોને કહીએ?'
ખાડાની મજેદાર વાત યાદ આવતાં મેં કહ્યું, 'મુંબઈ-અમદાવાદ હાઈવે પર એટલા મોટા ખાડા પડયા છે કે વાત ન પૂછો. એમાં વળી વરસાદનું પાણી ભરાતાં ખાબોચિયાં જ રચાઈ જાય છે. છતાં કોઈ ફેર ન પડતા મહિલાઓએ મોરચો સંભાળ્યો. રોજ સવારે ખાડાઓની આસપાસ સુંદર રંગોળીઓ કરી તેના ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાઈરલ કરવા માંડી. ત્યાર પછી બહેનો વરસતા વરસાદમાં એકદમ બનીઠનીને તૈયાર થઈ હાથમાં દાંડિયા લઈ પહોંચી 'પોટ-હોલ'ના પ્રાંગણમાં અને માંડી દાંડિયા-રાસ રમવા. એવી જમાવટ કરી કે થોડી વાર માટે બન્ને બાજુનો ટ્રાફિક અટકી ગયો. આ રેઈન-દાંડિયા રાસનો વીડિયો એવો તો વાઈરલ થયો કે હાઈવે ઓથોરિટીવાળા સફાળા જાગ્યા. કોન્ટ્રાકટરો પણ સમસમી ગયા અને કામે લાગી ગયા, અને ખાડા પૂરવા માંડયા. આને લીધે મુંબઈ-અમદાવાદ રોડ નજીકના વિરાર વિસ્તારમાં એક સૂત્ર લોકજીભે ચડી ગયું કે-
ખાડાનો જો હોય ત્રાસ
તો રમવા માંડો દાંડિયા-રાસ.'
ખાડારાસની વાત સાંભળી કાકાએ ટકોર કરી, 'આપણે બધાએ પેટનો ખાડો પૂરવા માટે કમાવું પડે છે, જ્યારે બીજી બાજુ કોન્ટ્રાકટરો રોડના ખાડા પૂરીને કમાય છે.'
મેં કહ્યું, 'કાકા, પેટના ખાડા અને રસ્તાના ખાડા બન્નેનો ઉલ્લેખ આવી જાય એવો ઈંગ્લિશમાં ક્યો શબ્દ છે, ખબર છે? પોટ-હોલ. રસ્તાના ખાડાને પોટ-હોલ કહેવાય અને મરાઠીમાં પેટને પોટ કહેવાય, એટલે 'પોટ-હોલ'માં બન્ને ખાડાનો ઉલ્લેખ આવી જાયને!'
ચોમાસામાં મારે અને કાકાએ અમદાવાદ વ્યાવહારિક કામે જવાનું થયું. હું અમદાવાદથી અજાણ્યો, અમદાવાદીઓને બરાબર ઓળખું પણ અમદાવાદમાં કયું સ્થળ ક્યાં આવ્યું એની ખબર ન પડે. ગુજરાત મેલમાં અમદાવાદ સ્ટેશને ઉતરી રિક્ષા કરી. રિક્ષાવાળાએ પૂછ્યુંઃ ક્યાં જવાના? કાકા કહેઃ ખાડિયાની પોળ લઈ લે તું તારે. પોળનું નામ સાંભળી મેં કહ્યું, 'કાકા, મુંબઈમાં તો મ્યુનિસિપાલિટી અને કોન્ટ્રાકટરોની પોલ ખોલતા ખાડા ઠેર ઠેર જોવા મળે છે, જ્યારે અમદાવાદમાં આખી ખાડિયાની પોળ છે?'
પથુકાકા અમદાવાદમાં જ નાનેથી મોટા થયેલા, એટલે શહેરના ભોમિયા જ સમજો. રિક્ષા આગળ વધતી હતી ત્યાં કાકા અચાનક રાડારાડ કરવા માંડયા, 'એ ભૂવા...ભૂવા... ભૂવા... રાડ સાંભળીને રિક્ષાવાળાએ જોરદાર બ્રેક મારી.'
મેં કહ્યું, 'કાકા, તમે ભૂત ભગાડવાવાળા કોઈ ઓળખીતા ભૂવાને રસ્તે જતા જોય કે શું? ગાંડાની જેમ ભૂવા... ભૂવા... ભૂવાની કેમ બૂમરાણ મચાવી?'
સવાલ સાંભળી કાકાએ મને ધબ્બો મારીને કહ્યું , 'અરે ઓ અક્કલના ઓથમીર, રસ્તે ચાલતા ભૂવાને જોઈને નહીં પણ રસ્તે ચાલતા નડે એવા ભૂવા જોઈને મેં ભૂવા... ભૂવા... બૂમ પાડીને રિક્ષા-ડ્રાઈવરને ચેતવ્યો.'
અમદાવાદમાં બે-ત્રણ દિવસ રોકાવાનું થયું એ દરમિયાન મેં એક વાર કાકાને પૂછ્યું,'અમદાવાદમાં ભૂતની આબાદી વધવા માંડી છે કે શું?' કાકા બોલ્યા, 'તારા ફળદ્રુપ ભેજામાંથી આવો સવાલ કેમ ફૂટી નીકળ્યો?'
મેં કહ્યું, 'અમદાવાદીઓ એક જ વાત કરતા હોય છે કે ભૂવા વધતા જાય છે... ભૂવા વધતા જાય છે... એટલે મને વિચાર આવ્યો કે જો ભૂત વધી ગયા હોય તો જ એ ભૂતને પકડવાવાળા ભૂવા વધવા માંડેને?'
ખડખડાટ હસીને પથુકાકાએ બીજો ધબ્બો મારતાં કહ્યું , 'ફરીથી તે બાફયું? તને કેટલી વાર કહેવું કે ચોમાસામાં રસ્તા પર ખાડા પડે કે રસ્તાનો ભાગ ધસી પડે એને ભૂવા કહેવાય ભૂવાય ભેજામાં ઉતર્યું કે નહીં?'
અમદાવાદમાં એકદમ ભૂવામય બની ગયેલા કાકાના ભૂવા જેવા ઊંડા ભૂવા જ્ઞાાનની તારીફ કરતા મેં કહ્યું , 'ભૂવા ભૂતને ભગાડે અને રસ્તાના ભૂવા માણસને પછાડે. ભૂતને પણ નડે ભૂવા અને માસને પણ નડે ભૂવા. રાતે નડે ભૂત અને દિવસે નડે ભૂવા. ભૂતનો ત્રાસ દૂર કરવા ભૂવા અજમાવે મંત્ર અને ભૂવાનો ત્રાસ દૂર કરવા જગાડવું પડે તંત્ર.'
અંત-વાણી
રાતે કનડે ભૂત
ને દિવસે નડે ભૂવા,
સહુ માગે દુવા
કે ઓછા થાય ભૂવા.