વેડિંગ કાર્ડ અને વેલ્ડિંગ કાર્ડઃ કંકોતરી અને છૂટોતરી
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
લગ્નો સ્વર્ગમાં જ નિર્માયાં હોય છે પછી માથાકૂટ ધરતી પર થાય છે. સંસાર ત્રિઅંકી નાટક છે. યુવક-યુવતી પ્રેમમાં પડે ત્યારે શરૂ થાય છેડછાડ, પ્રેમલગ્ન કરે ત્યારે બંધાય છેડાછેડી અને સંસાર ગાડી ચાલે આડી ત્યારે લેવાય છુટાછેડા. એટલે જ ત્રિઅંકી નાટક કહેવાયને! છેડછાડ-છેડાછેડી-છૂટાછેડા.
મારી વાત સાંભળી પથુકાકા બોલી ઉઠયા, 'હવે ક્યાં પહેલાં જેવાં અતૂટ અને મજબૂત લગ્નસંબંધ રહ્યા છે? અત્યારે તો તકલાદી અને તકવાદી લગ્નો તૂટી પડતા વાર નથી લાગતી. તું માનીશ, ફુલકા રોટલીને મામલે પણ લગ્ન ફોક કરવામાં આવે છે?'
મેં કહ્યું, 'જે વણે રોટલી એના હાથમાં પતિની ચોટલી એવી કહેવત મેં સાંભળેલી, પણ ફુલકા રોટલી ખાતર લગ્ન ફોક કરે એવો વળી કોણ 'ફોક-સેન' નીકળ્યો, કહો તો ખરા!'
પથુકાકા બોલ્યા, 'ઉત્તર ભારતના એક શહેરમાં વરરાજા વાજતેગાજતે બારાત લઈને પરણવા આવ્યા. કન્યા પક્ષવાળાએ સહુનું દિલથી સ્વાગત કર્યું. ઠાઠમાઠથી લગ્ન લેવાયાં અને પછી જમણવાર યોજાયો. વરરાજા જમવા બેઠા. થાળીમાં દાળ, શાક, કચુંબર, મીઠાઈ, ફરસાણ વગેરે બધું જ પીરસાયું હતું, પણ ગરમાગરમ ફુલકા રોટલી આવતાં વાર લાગી કે દુલ્હારાજા ધૂંઘવાઈને ઊભા થઈ ગયા અને લગ્ન ફોક કરી વગર પરણ્યે પાછા વળી ગયા! લોકગીતને અંગ્રેજીમાં ફોકસોંગ કહે છેને? એટલે લગ્ન ફોક કરીને હાલતા થયેલા ફાંકા ફોજદાર જેવા વરરાજા નહીં, પણ પાછા ફરેલા ફર-રાજાને જોઈને કોઈએ ફોક-ગીત ગાવાની જરૂર હતીઃ એકલો જાને રે... તારી હાક સૂણી કોઈ રોટી ન આવે રે તો... એકલો જાને રે... એકલો જાને રે...'
મેં કહ્યું, 'કાકા, એક જમાનામાં કહેવાતું કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે પણ હવે બદલાયેલી પરિસ્થિતિમાં એવું છે કે રોટલો મળે, ઓટલો મળે પણ નસીબ વાંકા હોય તો ચોટલો ન મળે. કેટલાય લગ્ન-પરિચય સમારંભોમાં અને જ્ઞાાતિના સ્વયંવરોમાં ગયા પછી માંડ કન્યા મળે ત્યારે માંડ વાંઢાજનક સ્થિતિમાંથી બહાર આવી શકાય, પણ કહે છે ને કે મેરેજ અને મોટરનું બરાબર મેન્ટેનન્સ ન થાય તો મુશ્કેલી ઊભી થાય. એટલે જ ટીવીમાં જેમ બ્રેકિંગ ન્યુઝ આવે છેને, એમ મેરેજના બ્રેકિંગ ન્યુઝનું પ્રમાણ સતત વધતું જાય છે. આને લીધે જ કંકોતરી છાપવાવાળા પ્રિન્ટરો હવે સરસ મજાની ભગ્નપત્રિકાઓ પણ છાપવા માંડયા છે! ટૂંકમાં, વેડિંગનું વેલ્ડિંગ ક્યારે તૂટે એ કહેવાય નહીં. નળ સાથેનું જોડાણ તૂટે ત્યારે દમયંતી દૂર થઈ જાય, બરાબરને?'
મારી વાત સાંભળતાની સાથે જ કાકાને કંઈક યાદ આવતાં ગાદી નીચેથી કવર કાઢીને દેખાડતા બોલ્યા, 'આ જો લગ્નપત્રિકા નહીં, ભગ્નપત્રિકા આવી છે. લગ્નપ્રસંગે કંકોતરી અને છૂટાછેડા વખત છૂટોતરી, શું જમાનો આવ્યો છે!'
મેં કહ્યું 'કાકા, જરા વાંચો તો ખરા? શું લખ્યું છે છૂટોતરીમાં?'
ખોંખારો ખાઈને કાકા છૂટોતરીનું લખાણ વાંચવા માંડયાઃ 'ઉપરવાળાની (ઉપર રહેતા વકીલની) કૃપાથી, બન્ને વિપક્ષી પાર્ટીની સંમતિથી અને આડોશીપાડોશીની શાંતિ અકબંધ રાખવાના શુભ આશયથી અમારો પનોતો પુત્ર છત્તીસકુમાર છેડા અને 'પનોતી' પુત્રવધૂ છમ્મુદેવી છૂટાછેડા લે છે. તો આ ભગ્ન સમારંભ પ્રસંગે યોજાયેલી પાર્ટીમાં હાજર રહેવાનું ભાવભીનું આમંત્રણ છે.'
આ લખાણ કાકાએ વાંચી સંભળાવતા હું તો તાજ્જુબ થઈ ગયો. છૂટોતરી હાથમાં લઈને જોયું તો એમાં જે ચિત્રો છાપ્યાં હતાં એમાં પણ છૂટાછેડાની ઝાંખી થતી હતી. વર-કન્યા એકબીજાના ગળામાંથી હાર પાછા કાઢતાં હોય, કન્યાવિદાયને બદલે વરરાજા એકલા વિદાય લેતા હોય અને લગ્ન મંડપમાં સીધા ફેરા ફરવાને બદલાં ઊંઘા ફેરા (એન્ટીકલોકવાઈઝ) ફેરવવામાં આવતા હોય એવાં ચિત્રો આપી છૂટોતરીમાં પ્રિન્ટ કરેલાં હતાં. મેં કાકાને કહ્યું, 'આ છૂટોતરી જોઇને યાદ આવ્યું કે લગ્ન વખતે જેમ કન્યા મેંદી મૂકાવે છે,એમ હમણાં જ એક છૂટાછેડા લેતી કન્યાએ હાથમાં છૂટાછેડાની ડિઝાઈનની મેંદી મૂકી વચ્ચોવચ્ચ ઈંગ્લિશમાં લખ્યું હતું- 'ડાઈવોર્સ'. આ મેંદીની ડિઝાઈન સોશિયલ મીડિયામાં કેવી વાઈરલ થઈ હતી, તમને ખબર છેને?'
પથુકાકા બોલ્યા, 'મને તો લાગે છે કે મુદતિયા તાવની જેમ મુદતિયા લગ્નની પ્રથા શરૂ કરવી જોઈએ. બે વર્ષ, ચાર વર્ષ, છ વર્ષ કે આઠ વર્ષ... પછી જો સંસારની ગાડી સરખી ચાલે તો કોન્ટ્રેકટ લંબાવવાનો અને નહીંતર કરાર ફોક...'
મેં કાકાને કહ્યું, 'તમને ખબર છે? જે છૂટાછેડા લેવા માગતા હોય એ ફેમિલી કોર્ટમાં જાય ત્યાં પહેલાં કાઉન્સિલિંગની વ્યવસ્થા હોય છે. વર-વહુને સમજાવવામાં આવે છે. છૂટા પડવાથી છોકરવાનું શું થશે, પરિવારનું શું થશે એવા સવાલો કરી મનાવવામાં આવે છે. આમાં કયારેક બન્ને પાર્ટી સમજી જાય છે અને ભેગી પણ થઈ જાય છે . આમ તૂટેલા વેડિંગનું વેલ્ડિંગ પણ થઈ જાય છે, હો!'
મારી વાત સાંભળતાની સાથે જ પથુકાકા આખી વાતને રાજકીય રંગ આપતાં બોલ્યા,'આ જોડતોડ અને ગઠબંધન કે 'ગઠિયાબંધન'ના રાજકારણમાં આવું જ થાય છેને! જે નેતા એક પાર્ટી સાથે છેડો ફાડી છૂટાછેડા લઈ બીજી પાર્ટીમાં જોડાઈ જાય. પછી નવી પાર્ટીમાં કોઈ ભાવ ન પૂછે કે લાભ નહીં મળે એવું લાગે ત્યારે મૂળ પાર્ટીમાં ઘર-વાપસી કરીપાછા ફરે. એટલે ટૂંકમાં ભૂલી મતભેદ આપસી, જે કરે ઘરવાપસી એને પીરસાય લાપસી.'
'કચ્છીમાં છેડા અટક હોય છે, ખબર છે?' મેં કાકાને આ સવાલ કરતાંની સાથે માથું ધુણાવી હા પાડીને બોલ્યા, 'દાયકાઓ પહેંલાં કચ્છ-ભુજની નિશાળમાં ભણતો ત્યારે મારા એક સહપાઠીની અટક જ છેડા હતી. સ્કૂલ શરૂ થાય એટલે વર્ગ શિક્ષક હાજરી લે. એક પછી એક વિદ્યાર્થીના નામ બોલતા જાય અને હાજરી પૂરતા જાય. છેડાનો વારો આવે એટલે વાયડા માસ્ટર જોરથી બોલે છૂટાછેડા હાજર છે? આ સાંભળી આખો કલાસ હસી પડે.
મેં એક વાર છેડાને પૂછ્યું કે તને આ માસ્તર છૂટાછેડા નામે કેમ બોલાવે છે? ત્યારે એકદમ નિખાલસ છેડાએ જવાબ આપ્યો કે એમાં એવું છે કે મારૂ નામ છેલ, પિતાનું નામ નામ છે ટાપજી ભાઈ, અને સરનેમ છેડા બરાબર? એટલે હાજરી લેતી વખતે પહેલાં એ મારા નામનો અને બાપાના નામનો પહેલો અક્ષર અને અટક જોડીને બોલતા - છે.ટા. છેડા! પણ એકવાર માસ્તરના ફળદ્રુપ ભેજામાં નવો ફણગો ફૂટયો અને એ દિવસથી છે.ટા. છેડાને બદલે મને છૂટા-છેડા જ કહેવા માંડયા, બોલો.
વર્ષો પછી ગાંધીધામથી ભુજ જતી એસ.ટી. બસમાં છેડાનો ઓચિંતો ભેટો થઈ ગયો. આઘેડવયના અને માંદગીને કારણે નબળા પડી ગયેલા છેડાને મેં પૂછ્યું કે આવી તબિયતમાં એકલો શું કામ નીકળે છે? ઘરવાળીને લઈને નીકળતો હોય તો? સવાલ સાંભળીને રમૂજી છેડા બોલ્યો કે ભુજની નિશાળના માસ્તર મને છૂટા-છેડા કહીને બોલાવતા, યાદ છેને? એ સંબોધન સાચું પડયું. મેં છૂટાછેડા લઈ લીધા.
મેં પૂછ્યું કે ઘરવાળીને છોડી દેવાનું કારણ શું? છેડા બોલ્યો કે ઘરવાળી છે ને ઈ ઘરઘરાટીવાળી ભટકાણી. એક તો મીઠાઈની નાનકડી હાટડી ચલાવતો એની પાંખી આવકમાં બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બનતું. એમાં ઘરવાળી રોજ નવી નવી ચીજની માગણી કરી ખર્ચો કરાવે. એટલે મેં વિચાર્યું કે બે છેડા ભેગા કરવાની આકરી સ્થિતિ વચ્ચે ઘરવાળી કાયમ હેરાન કરે એના કરતાં છેડા છૂટા કરવામાં જ મજા છે, એટલે આપી દીધા છૂટા-છેડા. આમ આ છેડા છૂટા થઈ ગયા. લે, આ વાત પર તું પણ મીઠું મોઢું કરવા માટે ચાખ છેડાના પેડા.'
થોડા સમય પહેલાં એક વાઈરલ થયેલા વીડિયોમાં પતિના ત્રાસમાંથી છૂટાછેડા મેળવી છૂટી થયેલી કન્યાને તેના પરિવારજનો બેન્ડવાજા સાથે વાજતેગાજતે ઘરે લાવ્યા હતા.'
અંત- વાણી
સવાલઃ પત્ની પર પાશવી ત્રાસ ગુજારવામાં આવે તેને ઈંગ્લિશમાં શું કહેવાય?
જઃ એનિમલ-હસબન્ડરી.