Get The App

દિલથી હસો અને ડાયાબિટીઝના જોખમથી દૂર ખસો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
દિલથી હસો અને ડાયાબિટીઝના જોખમથી દૂર ખસો 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

જલ્સાથી ખાવ જલેબી ને ફાફડા, પછી દવા-દારૂ છે આપડા... સવારના પહોરમાં ઊંચા અવાજે આ સૂત્રનું રટણ કરતા પથુકાકા ઘરે આવ્યા અને મને બાવડાથી ઝાલીને નજીકમાં આવેલી કાઠિયાવાડી કંદોઈની દુકાને જલેબી-ગાંઠિયા ખાવા લઈ ગયા.

મેં રસ્તામાં કાકાને પૂછ્યું, 'કાકા, તમને તો હેવી ડાયાબિટીજ છે છતાં કેમ જલેબી ઝાપટો છો? સુગર વધી જવાની બીક નથી લાગતી?' 

કાકા બોલ્યા, 'તું તારે ચિંતા ન કર. મેં સુગર કન્ટ્રોલમાં રાખવાનો ઈલાજ શોધી કાઢ્યો છે એટલે ડાયાબિટીઝ કે દોઢ-ડાહ્યાબિટિઝ કે પછી ગાંડાબિટીઝની ચિંતા નથી રહી.' 

હું અને કાકા કંદોઈની દુકાને પહોંચ્યા, ત્યાં ગરમાગરમ ફાફડા તળાતા હતા અને જલેબી તૈયાર થતી હતી. મધમધાટથી  હજી મોંઢામાં પાણી આવવાની શરૂઆત થઈ ત્યાં તો કોણ જાણે શું થયું કે કાકા ખડખડાટ હસવા  માંડયા. જાણે દશાનન રાવણનાં દસદસ મોઢાં દાંત કાઢતા હોય એવાં મોટા અવાજે પથુકાકા અટ્ટહાસ્ય કરવા માંડયા, એટલું જ નહીં, હસી હસી જાણે પેટમાં આંકડી આવી હોય એમ વાંકા વળી વળી ચોકઠું સંભાળતા હસતા હતા... હું તો એવો ગભરાયો કે પરસેવો વળી ગયો. ઓળખીતા કંદોઈ પણ દોડીને બહાર આવ્યા અને જલેબી તળતો માણસ પણ ઊભો થઈને પાણીની લોટી લઈ આવ્યો અને પાણી કાકાના મોંઢા પર છાંટયું ત્યારે હસી હસી થાકેલા કાકા દુકાનના ઓટલે બેસી ગયા.

અમે બધાએ ગભરાઈને પૂછ્યું, 'કાકા, શું થયું? આફટર અટેકને બદલે તમને લાફટર અટેક કેમ આવ્યો?' 

પથુકાકાએ ઝબ્બાના ખિસ્સામાંથી છાપાના સમાચારની કાપલી કાઢીને મોટેથી વાંચી સંભળાવતા કહ્યું, 'દિલથી હસો અને ડાયાબિટીઝના ડરથી દૂર ખસો...  છાપામાં સમાચાર વાંચ્યા કે નહીં? અમેરિકામાં સંશોધકોએ એવું તારણ કાઢ્યું છે કે ખડખડાટ હસવાથી ટાઈપ-ટુ ડાયાબિટીઝના દરદીઓને હાર્ટ-એટેકનું જોખમ ઘટી જાય છે, કારણ કે ખૂબ ખડખડાટ દાંત કાઢવાથી કોલેસ્ટરોલ લેવલ ઘટે છે એટલે હાર્ટએટેકનું જોખમ પણ ઘટે છે. આની સાથે જ શરીર માટે ફાયદાકારક ગુડ કોલેસ્ટરોલનું પ્રમાણ લગભગ ૨૬ ટકા વધી જાય છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે રોજ જલેબી-ફાફડા ખાવા માટે આવું ત્યારે ખડખડાટ હસી લેવું અને પછી ટેસથી જલેબી ઝાપટવાની... હસો ભાઈ હસો અને માંદગીથી આઘા ખસો...'

'હસતા જોગી' કાકાને જોવા માટે નાનું સરખું ટોળું જામી ગયું હતું. એમાંથી બે-ત્રણ સિનિયર સિટીઝનોએ તો કાકા પાસેથી છાપાની કાપલીનો મોબાઈલથી ફોટો પાડી લીધો અને કહ્યું કે અમારી લાફટર-કલબમાં આ વાતનો પ્રચાર કરીશું.

ખરેખર બીજે દિવસે અમારા એરિયાની એકમાત્ર લાફટર-કલબની બહાર પોસ્ટરો વાંચવા મળ્યાંઃ 'હસતે રહો મીઠા ખાતે રહો... દિલથી હસો દિલની બીમારીથી દૂર ખસો... મીઠું ખાશો તો માંદગીની સામા થશો...' 

અમે મોર્નિંગ-વોક માટે નીકળ્યા ત્યારે પથુકાકાને મેં આ પોસ્ટરો વંચાવીને કહ્યું, 'કાકા ગઈ કાલે તમે કંદોઈની દુકાને જે લાફટર થેરાપી અજમાવી તેની અસર  જોઈને? હવે ડાયાબિટીઝવાળા બિન્ધાસ્ત હસતા જશે અને બે હાથે મીઠાઈ ખાતા જશે...'

મારી વાત સાંભળીને કાકાએ જે મેદાનમાં લાફટર કલબ ચાલે છે તેના પ્રવેશ દ્વાર નજીકના સ્ટોલ તરફ આંગળી ચિંધીને મારૃં ધ્યાન ખેંચતા કહ્યું, 'પોસ્ટર લાગ્યાં એ તો જાણે સમજ્યા, પણ મેદાનના ગેટ પાસેના સ્ટોલમાં દૂધીનો રસ, ગાજરનો રસ, બીટનો રસ વેંચતા ગજબની વેપારી બુદ્ધિ ધરાવતા રંગીલા રાજસ્થાનીએ શું વેચવાનું શરૂ કરી દીધું, જરા જો તો ખરો?'

મેં નવા સ્ટોલમાં સજાવેલી જાત જાતની મીઠાઈઓ જોઈ અને દરેક થાળની ઉપર લગાડેલાં  ટેગ વાંચીને  તો હું તાજ્જુબ થઈ ગયો. લાફટર-કલબવાળાને આકર્ષવા માટે બોર્ડ ઉપર મીઠાઈના મજેદાર નામો લખેલા હતાઃ લાફટર-લાડુ, સ્માઈલી સૂતરફેણી, મુસ્કાન-મોહનથાળ, રસગુલ્લા-હસગુલ્લા, હાસ્ય-હલવો, રસ-મલાઈ હસ-મલાઈ, માવાની મોજ અને રમૂજી-રબડી... વાંચીને હું તો આફરીન પોકારી ઊઠયો અને મેં પથુકાકાને કહ્યું, 'કાકા જોડકણું સાંભળોઃ 

કાકા તમારી વાત

સહુના મનમાં કેવી વસી?

સવારે હસી હસીને પછી

જલેબી ઝાપટવા જાય છે ધસી...'

મીઠ્ઠી આઈ હે આઈ હે....

બંધબેસતા ગાણાં ગોઠવવામાં કાકાને કોઈ ન પહોંચે. ચીઠ્ઠી આઈ હે આઈ હૈ... એ રાગમાં મીઠ્ઠી 'આઈ હૈ આઈ હૈ મીઠ્ઠી આઈ હૈ... બડે દિનો કે બાદ યે-તન કી મીઠ્ઠી આઈ હૈ...' લલકારતા લલકારતા પથુકાકા મીઠાઈનું બોક્સ લઈને આવ્યા અને ઘરમાં બધાને રાજકોટના પેડાં ખવડાવી મીઠું  મોઢું કરાવ્યું.

મેં પૂછયું, 'કાકા આજે તમારી મેરેજ એનિવર્સરી છે કે બર્થ-ડે છે? કંઈ ખુશાલીમાં તમે મીઠું મોઢું કરાવ્યું?'

સવાલ સાંભળી હસીને કાકાએ જવાબ આપ્યો, 'નથી મેરેજ એનિવર્સરી કે નથી જન્મદિન, આ તો યુરિન ટેસ્ટ કરાવ્યો એમાં મીઠી પેશાબ (ડાયાબિટીઝ)નું નિદાન થયું. ડાયાબિટીઝને લીધે સાકર ખાવાની ડોકટરે મનાઈ કરી એટલે ઊંચા ભાવે સાકર ખરીદવાની ઝંઝટ ન રહી. એટલે જ રંગમાં આવી ગાઉં છું ઃ મીઠ્ઠી આઈ હૈ આઈ હૈ મીઠ્ઠી આઈ હૈ...'

કાકાની વાત સંગીતમય પેરોડી સાંભળી મને તરત જ જેમના જીવનમાં રાગ અને રમૂજનું મિશ્રણ થયું હતું એવા મોટા ગજાના સંગીતકાર કલ્યાણજીભાઈ યાદ આવી ગયા. ઓશો રજનીશ પણ કલ્યાણજીભાઈની રમૂજ અને ટુચકાનો ઉલ્લેખ કરતા. એમની ખાસિયત એ હતી કે ખુદ પર પણ રમૂજ કરી શકતા. એકવાર એક સંગીતપ્રેમી ડોકટરે સલાહ આપી,  'તંદુરસ્તી ટકાવવી હોય તો સાકરથી દૂર રહો, સાકર નુકસાનકારક છે.' સલાહ સાંભળી કલ્યાણજીભાઈએ હસીને કહ્યું કે સાકરથી તો હું ટકી રહ્યો છું... ડોકટરે નવાઈ પામી પૂછ્યું કે 'સાકરથી તમે કેવી રીતે ટકી રહ્યા છો?' ત્યારે કલ્યાણજીએ ફોડ પાડયો રે મારી જીવનસંગીનીનું નામ જ સાકર છે, સમજ્યા? જીવનમાં સાકરને લીધે જ ટકી રહ્યો છું. ડાયાબિટીઝવાળાએ સાકર પર કન્ટ્રોલ રાખવો જોઈએ પણ રમૂજના રાજા કહેતા કે મારા કેસમાં સાકર મને કન્ટ્રોલમાં રાખે છે.

અંત-વાણી

સઃ તમારા ઘરમાં પતિ-પત્ની વચ્ચે મીઠો ઝઘડો કેમ નથી થતો?

જઃ અમને બંનેને ડાયાબિટીઝ છે.

**  **  **

પ્રેમીઃ ઓકે ગુડ નાઈટ ડાર્લિંગ... સ્વીટ ડ્રીમ્સ!

પ્રેમિકાઃ ડોન્ટ સે સ્વીટ ડ્રીમ્સ... મુઝે સુગર પ્રોબ્લેમ હૈ...

**  **  **

સઃ તમારા હસબન્ડને ડાયાબિટીઝ છે?

જઃ ના... એમને દોઢ-ડાહ્યાબિટીઝ છે.

**  **  **

સઃ ડાયાબિટીઝની મહિલા દરદીને આખી રાત ઊંઘ ન આવે ત્યારે જૂની રંગભૂમિનું કયું ગીત ગાય?

જઃ મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા...

**  **  **

બહારથી ત્રાટકે ચીન

અંદરથી ત્રાટકે ચીની.

**  **  **

જે મળ્યું ગળ્યું

અને અમે ટેસથી ગળ્યું,

બદલામાં અમને ડાયાબિટીઝનું

દરદ મળ્યું.


Google NewsGoogle News