Get The App

અય મેરે પ્યારે 'બટન' તુજ પે 'મત' કુરબાન

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
અય મેરે પ્યારે 'બટન' તુજ પે 'મત' કુરબાન 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

થોડા દિવસો પહેલાંની વાત. ચૂંટણીમાં વોટ આપીને આવેલા પથુકાકા હિંચકા ઉપર બેસીને ટેસથી ગાતા હતાઃ અય મેરે પ્યારે 'બટન'... તુજ પે મત કુરબાન...

મેં કાકાને અધવચ્ચે ગાતા અટકાવી સવાલ કર્યો, 'તમે દાયકાઓ જૂની 'કાબુલીવાલા' ફિલ્મનું આ હિટ ગીત ફેરવીને કેમ ગાવ છો? મૂળ ગીતમાં એવું છે અય મેરે પ્યારે વતન તુજ પે દિલ કુરબાન...'

સવાલ સાંભળ્યા પછી પથુકાકા કાળી શાહીથી નિશાનીવાળી આંગળી દેખાડી બોલ્યા,  'આ જો, લોકશાહી દેશમાં મતદાનની ફરજ  બજાવવાની અને 'શાહી-લોક' ચૂંટવાના એટલે આંગળીએ શાહીની નિશાની કરવામાં આવે, બરાબરને? હવે તો પહેલાની જેમ બેલટ પેપરથી મતદાન નથી કરવામાં આવતું, અત્યારે તો બસ ઈવીએંમ  (ઈલેકટ્રોનિક વોટિંગ મશીન)માં બટન દબાવો એટલે આપણો વોટ પડી જાય. બટનનો જ બધો ખેલ છેને? કોણ ચૂંટાય અને કોણ કૂટાય એનો બધો આધાર બટન પર છે. એટલે જ વતનની જગ્યાએ બટન શબ્દ ટાંકીને મતદાનનું મહત્ત્વ સમજાવ્યું, લોકશાહીમાં વતનપરસ્તી સાથે જાગૃત નાગરિકે બટન પરસ્તી દેખાડી વોટ આપવો જ જોઈએ, બરાબરને?'

કાકાને ચા આપવા રસોડામાંથી આવેલા (હો)બાળાકાકી છણકો કરીને બોલ્યાં, 'બટનની વાત કરો છો તે બે-બે બટન વગરના શર્ટ પહેરીને શું બેઠા છો?' કાકા કહે, 'મારા શર્ટમાં બટન ટાંકી દેને?' આ સાંભળી કાકી કહે, ભલે ત્યારે બપોરે ટાંકી દઈશ, બાકી તો હું તમને પૂછવા માગું છું કે આ ધરતી પર મારા જેવી સ્ત્રીઓ ન હોત તો પુરૂષોને બટન કોણ ટાંકી દેત?' સવાલ સાંભળતાની સાથે જ બમ્પરશોટ મારતા કાકા બોલ્યા, 'ધરતી પર સ્ત્રીઓ ન હોત તો પછી બટનની જરૂર જ ન પડતને?'

પથુકાકાનો ફોરેનમાં વસતો દીકરો ત્યાં લગ્ન કરી પહેલી વાર ભારત આવ્યો હતો. એટલે હું તેને મળવા ગયો. પથુકાકા મને દીકરાના બેડરૂમમાં લઈ ગયા. જોયું તો પથુકાકાનો પનોતો પુત્ર રોનક ઉર્ફે રોકી એની ડોકી નીચી કરીને જીન્સમાં મોટા મોટા બટન ટાંકતો હતો.

કાકાએ રોકીને ટોકીને કહ્યું, 'દીકરા, ફોરેનમાં લગન કર્યા અને ઘરમાં વહુ આવી છતાં તારા જીન્સને હાથે બટન ટાંકવાનો  વારો આવ્યો?' રોકીએ વટથી કહ્યું, 'ડેડી, તમારી કંઈક ભૂલ થાય છે, આ મારૃં નહીં પણ મારી વાઈફનું જ જીન્સ છે...'

દીકરાનો જવાબ સાંભળીને પથુકાકા ખડખડાટ હસી મારી સામે જોઈ બોલ્યા,   'જોઈને દીકરાની દશા? તારી જેવા વાંઢા એક હૈ તો સેફ હૈ...'

બટન વિશે અમારી બયાનબાજી કે બટનબાજી ચાલતી હતી ત્યારે મને અચાનક યાદ આવ્યું કે આજે ૧૬મી નવેમ્બર એટલે નેશનલ બટન દિવસ છે. કાકાને પૂછયું, 'આજે રાષ્ટ્રીય બટન દિવસ છે તમને ખબર છે?'

પથુકાકાએ જવાબ આપ્યો કે બટન-દિન કેમ ઉજવાય છે? મેં કહ્યું, 'કાકા, તમને ખબર નહી હોય, પણ બટનની કહાણી હજારો વર્ષે પુરાણી છે. માનવ સભ્યતાના વિકાસ સાથે જ બટનની કહાણી જોડાયેલી છે. સૌથી જૂના બટન પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ ખીણના  ઉત્ખન્ન વખતે મળ્યાં હતાં. એ બટન છીપલાં, પથ્થર, અને હાડકાંથી બનેલા હતા. ૧૩મી સદીથી યુરોપમાં બટનનો ઉપયોગ શરૂ થયો હતો. પછી તો ૧૮મી- ૧૯મી સદીમાં સોના, ચાંદી, હીરાના બટનો સ્ટેટસ સિમ્બોલ ગણાવા માંડયા હતા. ૧૯મી સદીમાં અમુક દેશોમાં એવો કાયદો હતો કે કપડામાં જેટલાં મોંઘાં બટનો લગાડેલા  હોય એટલો ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો.

બટનની દાસ્તાન સાંભળી આશ્ચર્યચક્તિ  થઈ ગયેલા પથુકાકા બોલી ઉઠયા,  'ઓહોહો... સિંધુ ખીણની સંસ્કૃતિથી  માંડીને ઈવીએમના બટન સુધી બેમિસાલ બટનનો નાતો જળવાયો છે એ તો કમાલ કહેવાય હો! પણ લિફટના બટનમાં અને વોટિંગ મશીનના બટનમાં મોટો તફાવત છે. લિફ્ટમાં ઊંચે જવાનું બટન દાબો તો ઊંચે જવાય છે અને નીચે આવવાનું બટન દાબો તો નીચેે જવાય છે. પણ વોટિંગ મશીનના બટન દાબી જીતાડીને આપણે જેને  ઉપર ચડાવીએ છીએ એમાંથી ઘણાખરા પછી નીચે આવવાનું નામ જ નથી લેતા. આ બટનિયા બેવફાદારો ઊંચે ચડયા પછી નીચેવાળાને ભૂલી જાય ત્યારે મતદારોએ ગાવાનો વારો આવેઃ કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથિયોં અબ તુમ્હારે હવાલે 'બટન' સાથિયોં...

બટન પે જો ફિદા હોગા

લો પાંચ રૂપયે મેં સૂઈ ધાગા, બટન... મુંબઈની લોકલના ખીચોખીચ ભરેલા જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટમાં સોય, દોરો અને બટન વેચવા ઘૂસેલા ફેરિયાને જોઈને પહેલાં નવાઈ લાગી કે તેની થ્રી-ઈન-વન આઈટમ કોણ લેશે? પણ તમે નહીં માનો, ભીડમાં બટન  ગુમાવનાર ટપોટપ પાંચ-છ ઘરાક  ઊભાઊભ મળી ગયા અને લાઈવ  ડેમોસ્ટ્રેશન આપતા હોય એમ કોઈ શર્ટનું તો કોઈ પેન્ટનું બટન ટાંકવા માંડયા.

કાયમ સાથે મુસાફરી કરતા એક ટ્રેનફ્રેન્ડે પણ ઝટપટ પેન્ટનું બટન ટાંકવા માંડયું. મેં તેને કહ્યું 'દોસ્ત જરા સીએસએમટી  (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) આવે એટલી તો ધીરજ રાખ. સ્ટેશને ઊતરીને ટાંકજે.'

ટ્રેનફ્રેન્ડ ધીરેકથી કહ્યું , 'ભાઈ, આ પેન્ટ મનોબળને આધારે જ ટક્યું છે. સ્ટેશને ઊતરવાની રાહ જોવાય? તમે શું ઈચ્છો છો? કોણ પહેલું ઊતરે? હું કે પેન્ટ?'

મને સૌથી વધુ કંટાળો બટન ટાંકવાનો આવે. રવિવારે રજાના દિવસે બટન ટાંકવાના હોય એવાં શર્ટ-પેન્ટનો વાઈફ પાસે ઢગલો કરી દઉં. દરજી ચૂપચાપ ગાજ-બટન કરી દે, પણ વાઈફને બટન ટાંકવાનું કહીએ એટલે ગાજ-વીજ કર્યા વિના રહે? તેને ગાજ-વીજ સાથે ગાજ-બટન કરવાની ટેવ છે. ગાજીને કહે કે, ' બટનને  બદલે કપડામાં ચેન લગાડોને? માથાકૂટ જ નહીં ને?' ત્યારે મારે કહેવું પડે, 'ચેન લગાડું તોય તું ક્યાં 'ચેનથી' જીવવા દે એવી છે? મારે ગાવાનો વારો આવે કે ચેનસે હમકો કભી આપને જીને ના દિયા...'

આપણે તો શર્ટ, પેન્ટ કે ઝભ્ભામાં બટન ટાંકીએ છીએ, પણ આ ફેશન મોડલો તો હદ  કરે છે. તે વગર કપડે ઓન ડૂંટી એટલે ડૂંટીમાં બટન ટાંકીને રેમ્પ પર કેટવોક  કરતી આવે છે. બીડવા માટે કપડાં જ ન હોય તો પછી શું કરે? બેલી બટનની ઉપર બટન લગાડીને ફરે. રાત્રે ફેશન-ટીવીની ઉઘાડી સુંદરીઓનો ઉઘાડ નીકળે એની સામે ઊહાપોહ થાય ત્યારે સરકાર કહે છે કે ટીવીનું બટન બંધ કરી દેતાં શું થાય છે? સરકારને સંભળાવવું જોઈએ કે એ ફેશનની પૂંછડીઓને બટન બંધ કરીને નીકળતાં શું થાય છે?

આજે વતન પ્રેમને બદલે બટન પ્રેમ વધતો જાય છે. પુશ બટન ટેકનોલોજીનો જમાનો છે. લશ્કરી ભાષામાં કહીએ તો જે પહેલું બટન દાબે એનો હાથ ઉપર. બટન દાબી દુનિયાના એક છેડેથી બીજે છેડે વાત કરી શકો. બટન  દાબીને રોકેટ આકાશમાં છોડી શકાય છે. બટન દાબીને અમેરિકાના પ્રમુખ ગમે ત્યાં અણુબોમ્બ ફેંકી શકે છે.

અમેરિકા જઈ આવેલાં એક ગુજરાતી બહેન ત્યાંની વાત કરતાં હતાં, 'અમેરિકા તો ભઈ ગજબનો દેશ છે. બટનથી જ આખા દેશનું તંત્ર ચાલે છે. બટન દાબો એટલે દરવાજો ખૂલે, બટન દાબો એટલે અવનમાં ફટાફટ  ગરમ રસોઈ તૈયાર થઈ જાય, બટન દાબો એટલે કોઈ પણ કામ આસાન થઈ જાય. રસ્તે ચાલતા મશીનમાં બટન દાબો એટલે કોક નીકળે.'

આ સાંભળીને મેં કહ્યું, 'અજાણી જગ્યાએ બટન દાબો તો 'કોક' જ નીકળેને? ઓળખીતું  થોડું નીકળે?'

એનઆરઆઈ વતન પરસ્ત નહીં, બટનપરસ્ત  બની ગયા છે,  ભલે પછી ગમે એવો દેખાડો કરે. તે બધા ક્યારેક ગાતા સંભળાય છેઃ અય મેરે પ્યારે બટન, એય મેરે બિછડે પહેરન, તુઝપે દિલ કુરબાં.

અંત-વાણી

બટન કપડોં કો બંટને નહીં દેતા

બટન કટેંગે તો કપડે બટેંગે.


Google NewsGoogle News