વચ્ચે પડે ઈ માર ખાય અને વચેટિયા માલ ખાય

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
વચ્ચે પડે ઈ માર ખાય અને વચેટિયા માલ ખાય 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'આપણા જેવા કર ભરે અને મલાઈખાઉ મિડલ-મેન ઘર ભરે એમાં મિડલ-કલાસનું ક્યાંથી કામ સરે? મને તો કરદાતાની આ જે કઠણાઈ  છે એનો પડઘો પાડતી એક મરાઠી અટક યાદ આવે છે : કર-મર-કર, મધ્યમ વર્ગ મરી મરી કર ભરે એને કર-મર-કર જ કહેવાયને?'

'બનવારી રે જીને કા સહારા તેરા નામ રે...' એ ગીત મોંઘવારીમાં ભીંસાતા, પીસાતા અને રીસાતા  મિડલ-કલાસવાળા ફેરવીને ગાય છે: 'મોંઘવારી રે ... મરને કા સહારા તેરા નામ રે... મુઝે પૈસેવાલોં સે કયા કામ રે...'

અમારી મિડલ-કલાસ સોસાયટીના રહેવાસીઓના ઘરમાં આખર તારીખ  નજીક આવે એટલે ધણી-ધણિયાણી વચ્ચે ઘરખર્ચના મામલે ચણભણાટ, જીભાજોડી અને ઝઘડા શરૂ થઈ જાય. કેલેન્ડર જોયા વિના ખબર પડી જાય કે આખરી તારીખ આવી લાગે છે. એમાં આપણાં પેન્શન લેતાં અને ટેન્શન આપતા પથુકાકા અને (હો)બાળાકાકી પણ બાકાત નહીં હો! કાકા કહે પણ ખરા કે ધણી બિચ્ચારો આખો મહિનો કમાવા માટે ગધ્ધામજૂરી કરે. ગધેડાને ખર પણ કહે છેને? એટલે જ આ-ખર  (ધણી) ગધ્ધામજૂરી કરે તોય આખર તારીખે મેણા-ટોણા સાંભળવા પડે. 

મેં કાકાને કહ્યું, 'ઓલું ભજન છેને કે મને ચાકર રાખોજી... એ ભજન ફેરવીને તમારી જેવા મિડલ-કલાસના ખર-વર ગાઈ શકે, વહુ સામે જોઈને કે- મને આ-ખર રાખો જી...'

હજી તો મારૃં વાક્ય પૂરૃં થયું ત્યાં તો પાડોશમાં રહેતા ગંગાબેન અને તેના ધણી ગંગુભાઇ વચ્ચે આખર તારીખની અથડામણ શરૂ થઈ ગઈ. પહેલાં બોલાચાલી થઈ, પછી ગાળાગાળી શરૂ થઈ અને પછી તો રીતસર એવી મારામારી જામી કે વાસણો મિસાઈલની જેમ છૂટવા માંડયા.

પાડોશી ધર્મ બચાવવા માટે પથુકાકા દોડી ગયા અને ધણી-ધણિયાણીને છોડાવવા માટે વચ્ચે કૂદી પડયા, પણ જેમ છોડાવવાનો પ્રયાસ કરે એમ દંગલ વધુ ભડકતું જતું હતું. કાકા રાડો પાડતા જાય: 'એ બહેન... તમારૃં નામ દંગાબેન નહીં, ગંગાબેન છે એટલું તો સમજો...' 

થોડી સેકન્ડમાં નવો સીન જોવા મળ્યો. ગંગાબેન અને ગંગુભાઈ બન્ને પથુકાકા ઉપર તૂટી પડયાં. ઢીંકા મારવા માંડયાં અને બે ચાર તમાચા ચોડી દીધાં. 'દંગાબેન' તાડૂક્યાં, 'કોણ જાણે કેવાં પાડોશી ભટકાયા છે... નિરાંતે બાજવાય નથી દેતા! 

કાકા, તમે ને કાકી હાથોહાથ  આવી જાવ છો ત્યારે અમે છોડાવવા વચ્ચે પડીએ છીએ? તો પછી અમારા  ઘરના મામલામાં કેમ વચ્ચે પડો છો?' એમ કહી કાકાને એવો જોરદાર ધક્કો માર્યો કે કાકા સીધા ઊંબરાની બહાર ફેંકાયા.

ફાટેલા કપડે અને પરસેવે રેબઝેબ થઈ ગયેલા કાકા હાંફતા હાંફતા ઘરમાં આવ્યા અને બોલ્યા, 'મધ્યમ વર્ગની જ આ મોકાણ છેને? વચેટ વર્ગના આ  વાવાઝોડામાં વચ્ચે પડે એને જ માર ખાવો પડે. એટલે જ હું કાયમ કહું છું કે આ દેશમાં વચ્ચે પડે ઈ માર ખાય અને વચેટિયા માલ ખાય...'

પાડોશીના ઝઘડામાં વચ્ચે પડવા જતા મેથીપાક ખાઈ ચૂકેલા પથુકાકાને સાંજે જરા કળ વળી એટલે ચક્કર મારવા નીકળ્યા. અડધો કલાકનું ચક્કર મારીને પાછા ફર્યા ત્યારે ગરમાગરમ વડા બંધાવીને લઈ આવ્યા. હું બેઠો' તો એટલે મને એક વડું આપ્યું અને એક વડું પોતે ખાવા બેઠા. એમની ખાવાની રીત જોઈ નવાઈ લાગી. વડામાં  ચણાના લોટનું બહારનું પડ હતું એ કાઢી નાખ્યું અને અંદરનો બટેટાનો ગરમાગરમ મસાલેદાર માવો ચમચીથી ખાવા માંડયા અને સિસકારા બોલાવવા માંડયા.

મેં પૂછ્યું, 'કાકા, આ શું કરો છો?  બટેટાનું બહારનું પડ કેમ કાઢી નાંખ્યું?' કાકાએ ખાતાં ખાતાં જવાબ આપ્યો, 'ડોકટરે બહારનું ખાવાની મનાઈ કરી છે, એટલે બહારનું પડ કાઢી નાખ્યું અને અંદરનું ખાઉં છું. તને હવે સમજાયું?  મેં કહ્યું ,'પથુકાકા, હું પણ તમારો નુસ્ખો  અજમાવીશ અને વચ્ચેનો ભાગ ખાઈશ, બરાબરને?' કાકા આખી વાતને પોલિટિકલ ટ્વિસ્ટ આપતાં બોલ્યા, 'અગાઉની સરકારમાં વચ્ચેથી ખાવાવાળા વચેટિયાઓ જ માલામાલ થઈ ગયા હતા, ખબર છેને?'

માથું ધુણાવીને કાકાની વાતને ટેકો આપતા મેં કહ્યું, 'અગાઉની સરકારના રાજમાં તો વચેટિયા એટલે કે મિડલ-મેનના ગુ્રપે રીતસર મિડલ ઈન્કમ ગુ્રપ જ ઊભું કર્યું હતું.  ત્યારે તો જનતાને લાગતું હતું કે દિલ્હીમાં લાલ કિલ્લાની બાજુમાં વચેટિયાઓ ભેગા થઈન દ-લાલકિલ્લા બાંધશે કે શું?'

મારી વાત સાંભળતાની સાથે જ કાકા બોલી ઉઠયા, 'સરકાર ગમે તે હોય, મિડલ-મેનને મજા અને મિડલ-કલાસને સજા જ હોય છે. મિડલ-મેન ભાગ્યશાળી હોય છે, જયારે મિડલ-કલાસવાળાના ભાગ્યમાં બહુ બહુ તો સાળી હોય છે. મિડલ-મેનને મલાઈ  મળે છે અને મિડલ-કલાસના હૈયામાં લાઈ બળે છે.'

મેં કહ્યું, 'કાકા, કરચોરી કરતા કાળાબજારીયાઓને જલસા છે અને ગરીબી રેખા નીચે જીવનારા જાતજાતની સરકારી મદદ મેળવે છે એટલે એમને પણ વાંધો નથી. પણ સૌથી બુરી દશા આ બેની વચમાં પીસાતા મધ્યમ વર્ગના લોકોની છે. આ નોકરિયાતો કર ભરી ભરી તૂટી મરે તોય કોઈ સરકાર એની દર-કાર ન કરે. મધ્યમ વર્ગના લોકો કાયમ રહે તાણમાં અને માલેતુજારો કાયમ રહે તાનમાં... તોય સત્તાધારીઓ ક્યાં સમજે છે સાનમાં?' 

કરદાતા કાકા બોલ્યા, 'આપણા જેવા કર ભરે અને મલાઈખાઉ મિડલ-મેન ઘર ભરે એમાં મિડલ-કલાસનું ક્યાંથી કામ સરે? મને તો કરદાતાની આ જે કઠણાઈ  છે એનો પડઘો પાડતી એક મરાઠી અટક યાદ આવે છે : કર-મર-કર, મધ્યમ વર્ગ મરી મરી કર ભરે એને કર-મર-કર જ કહેવાયને?'

મેં કહ્યું ,'કાકા, સમાજમાં અને સરકારમાં જેમ વચેટિયા જ લાભ લઈ જાય છે એવી જ સ્થિતિ સંસારમાં પણ છે હો!'

કાકાએ સવાલ કર્યો, ' સંસારમાં વળી ક્યા વચેટિયાની તું વાત કરે છે?'

મેં ટૂંકમાં કહ્યું , 'લગન વખતે છેડાછેડી બંધાવવા વચ્ચે આવે ગોરમા'રાજ અને પછી સંસારની ગાડી પાટા પરથી ખડી પડે ત્યારે છુટાછેડા માટે વચ્ચે આવે વકીલ. કોઈનું ઘર બંધાય કે કોઈનું ઘર ભંગાય ત્યારે આ વચેટિયા જ લાભ ખાટે છેને?

અંત-વાણી

માલેતુજારો પડે

પ્રેમ-બેમના ચક્કરમાં,

મિડલ-કલાસવાળા સીધા પરણીને પડે સંસારના ચક્કરમાં.

**  **  **

સ: જે બાઈ એક વાર ઘરમાં ગરી જાય પછી નીકળે નહીં એને એક શબ્દમાં શું કહેવાય?

જ: ગરી-બાઈ.


Google NewsGoogle News