પ્રભુ બચાવે પ્રજાને ટ્રેનની ટક્કરથી અને ચુનાવી ચક્કરથી
- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી
રેલગાડી... રેલગાડી... બીચવાલે સ્ટેશન બોલે રૂક... રૂક... રૂક પાટા ઉપર ઘસમસતી દોડતી રેલગાડી અને વિફ-રેલ લાડીથી કાયમ ચેતવું. પાટા ઉપર દોડે રેલગાડી અને કૈેકને ઊંધે પાટે ચડાવે રાજકારણની ખેલ-ગાડી. રેલગાડીને અગાઉના જમાનામાં આગગાડી કહેતા, અત્યારે રાજકારણને પાટે દોડતી ગાડીને લાગ-ગાડી કહી શકાય.
હું અને કાકા જાત્રાએ જઈને પાછા ફરતી વખતે એક નાના ગામના સ્ટેશને આવીને ઊભા રહ્યા. દૂરથી વ્હીસલ વગાડતી ધમસમતી આવતી વંદે-ભારત ટ્રેન જોઈ. ટ્રેન પસાર થઈ ત્યારે બે-ત્રણ ઘરડા લોકો ઊભા થઈ માથું નમાવી પગે લાગ્યા. આ જોઈને કાકાએએકનું પૂછ્યું કે 'તમે પગે કેમ લાગ્યા ટ્રેનને?' ત્યારે એણે જવાબ આપ્યો કે 'આ વંદે-ભારતને દૂરથી જ વંદન કરવાનું લખ્યું છેને અમારા ભાગ્યમાં. માઈલીકોર બેહવા મળે એવાં અમારા ક્યાં નસીબ છે? વંદે-માતરમ વંદે માતરમ...'
કાકા મારી તરફ ફરીને બોલ્યા 'પૈસા ન હોય તો બેસો લાકડાંના પાટિયે અને પૈસા ખર્ચો તો બેસો પોંચી પોંચી ગાદીએ... આને મન કી બાત નહીં મની કી બાત કહેવાય.'
થોડીવારમાં સ્ટેશન પર એનાઉન્સમેન્ટ થયું કે દિલ્હી તરફ જતી પેસેન્જર ગાડી બે નંબરના પ્લેટફોર્મ પર આવશે. ગાડી આવી અને બે મિનિટનો હોલ્ટ કરી સીટી વગાડતી ઉપડી. એક ગામડિયો મોડો પહોંચ્યો હશે તે એ દોડીને ગાડીમાં ચડવા ગયો પણ હેન્ડલ હાથમા ન આવતા પ્લેટફોર્મ પર ઊૅંઘે માથે પડયો, નસીબ સારા કે પોલીસે હાથેથી ખેંચી લીધો.આ સીન જોઈને પથુકાકાએ તરત ટકોર કરી કે ચૂંટણી આવે ત્યારે દિલ્હી તરફની ગાડીમાં ચાલુ ગાડીએ ચડવાવાળા કૈંક નીકળી પડે છે, આમાંથી કોઈ ચડે છે, કોઈ પડે છે, કોઈ ખડે છે અને મતદારોનો મૂંઢમાર ખમીને કૈંક રડે છે... ગાડી અને ગાદી મળે તો સુખ અને ગાડી અને ગાદી છૂટે તો દુઃખ પછી ગાવાનો વારો આવે કે ગાડી બુલા રહી હૈ... ગાદી રૂલા રહી હૈ...
રાત પડી ગઈ હતી. ટ્રેન આવવાનો ટાઈમ થયો એટલે રેલવેના કામદારે ડંકો વાગ્યો. કાકા તરત બોલ્યા કે આ માણસ જન્મ્યો હશે ત્યારે કોઈ ટીડા જોષીએ કુંડળી જોઈને મા-બાપને કહ્યું જ હશે કે તમારો દીકરો મોટો થઈને ડંકો વગાડશે ડંકો...
હજી તો વાક્ય પૂરૃં કર્યું ત્યાં દૂરથી ટ્રેેનની લાઈટ દેખાતા મેં કહ્યું 'કાકા તૈયાર થઈ જાવ... સૌરાષ્ટ્ર મેલ આવે છે.' આ સાંભળતાની સાથે જ પથુકાકા અસલી રંગીલા મિજાજનો પરચો દેખાડતા બોલ્યા 'હા ભાઈ હા... આ ઉંમરે રાતવરત સૌરાષ્ટ્ર મેલ જ આવેને? સૌરાષ્ટ્ર ફિમેલ થોડી જ આવે?'
ગાડી આવીને ઊભી રહી એટલે હું અને કાકા થ્રી-ટાયર એ.સી.ના ડબ્બામાં ચડી ગયા. અમે બેઉ સિનિયર સિટીઝન એટલે લોઅર બર્થ મળી હતી. ૪૯ અને પર નંબરની બર્થ ઉપર માંડ બેઠા અને ટ્રેન ઉપડી ત્યાં તો સામેવાળા એક ભાઈએ કાકાને હળવેકથી પૂછયું કે 'કાકા તમને વાંધો ન હોય તો ઉપર જશો?' સવાલ સાંભળી ઘૂંઘવાયેલા કાકાએ રાડ પાડી કે ઊપર જવાની હજી વાર છે. બેસ છાનોમાનો.' ઝંખવાણા પડેલા ભાઈ બોલ્યા કે 'મારો કહેવાનો મતલબ એ કે મારી વાઈફને ઉપરની સીટ મળી છે, તમે ઊપર જાવ તો એ તમારી જગ્યાએ નીચે ગોઠવાઈ જાય.' પથુકાકા ખરેખર ગરમ થઈ તાડૂક્યા કે ત્રણ-ત્રણ મહિના પહેલાં રિઝર્વેશન કરાવીને આ નીચે બર્થ મેળવી છે ખબર છે? એટલે નીચેની બર્થમાં સૂવાનો મારો બર્થ-રાઈટ છે સમજ્યા? જાવ બીજા કોઈને પૂછી જુઓ.' કાકાનો ગુસ્સો જોઈને પેલા ભાઈ આઘા જ ખસી ગયા અને બાજુના કમ્પાર્ટમેન્ટમાં જઈને ગમે એમ કરી સાટા દોેઢા કરી આવ્યા અને વાઈફને નીચેની બર્થ પર સૂવાડી કોઈ જુવાનિયાને ઉપલી બર્થમાં શરમાવીને સૂવાડી દીધો.
આ ખેલ જોઈને પથુકાકા બધા સાંભળે એમ બોલ્યા કે રેલગાડી હોય કે રાજકારણ હોય સીટ-એડજેસ્ટમેન્ટ કર્યા વિના છુટકો જ નથી. રેલગાડીમાં અને રાજકારણમાં કોની ટિકિટ કપાય અને કોને ટિકિટ અપાય એ કહેવાય નહીં. રેલવેમાં રિઝર્વેશન હોય તો બર્થ મળે અને રાજકારણમાં 'રિઝર્વેશન' (આરક્ષણનો) મુદ્દો આગળ કરી વોટ મેળવાય છે, રાજકારણનો અને રેલનો કેવો અજબ ખેલ છે?'
હું અને કાકા પડયા પડયા વાતો કરતા હતા. સામેની સિંગલ બર્થમાં નવા પરણેલા હસબન્ડ-વાઈફને આરએસી (રિઝર્વેશન અગેઈન્સ્ટ કેન્સેલેશન) મળ્યું હતું. એટલે એક બર્થ પર બેઠાં બેઠાં પ્રેમાલાપ કરતા હતા. વાઈફ બોલી કે ટ્રેનમાં ચડતા હાથમાં હેન્ડલ વાગી ગયું દુઃખે છે. હસબન્ડે વ્હાલથી હાથ પર ચુમ્મી કરી કહ્યું હમણાં મટી જશે. થોડી વાર પછી વાઈફ કહે ગઈ રાતનો ઉજાગરો છે એટલે માથું દુઃખે છે, હસબન્ડે ધીરેકથી કપાળે ચુમ્મી કરી કહ્યું વ્હાલી હમણાં મટી જશે. એક સ્ટેશન વટાવ્યું ત્યાં લાડ કરતા વહુ બોલી કે ઉપરની બર્થમાં ચડવા જતા ગોઠણ ભટકાયો એમાં પીડા થાય છે. વેવલા વરજીએ ગોઠણ ઉપર કિસ કરી કહ્યું ડાર્લિંગ હમણાં મટી જશે હો? ઝીણા આંખે આ ખેલ જોતા કાકાએ જુવાનિયાને હળવેકથી પૂછ્યું કે 'પાઈલ્સની પીડાનો આવો કોઈ ઈલાજ છે તારી પાસે?'
રાજકારણ હોય કે રેલગાડી હોય એમાં સૌથી વધુ મહત્ત્વ 'વોટર'નું હોય છે. પથુકાકા ચાલુ ટ્રેને ઊભા થયા અને શંકા-નિવારણ માટે ચાદર ઓઢી ટોઈલેટની દિશામાં જવા લાગ્યા. એટલે મેં ધીરેકથી ભજનની કડી લલકારી ચાદર ઓઢ 'શંકા' મત કરિયો... ચદરિયા જીની રે જીની...
થોડીક વરામાં કાકા વીલે મોઢે પાછા આવ્યા અને છણકો કરીને બધા સાંભળે એમ બોલ્યા કે આ સરકાર નવી નવી ટ્રેનો પાણીની જેમ દોડાવે છે, પણ ટ્રેનની અંદર પાણી ખૂટી જાય છે એનું શું? એટલે જ મેં કહ્યું ને કે રાજકારણમાં 'વોટર' (મતદાર) વિના આરો નહીં એમ રેલગાડીમાં વોટર વિના ચાલ નહીં, આને જ વોટર-પ્રૂફ ટોઈલેટ કહેવાય?'
મનની અને તનની 'શંકા'નો ભાર ઝીરવી દબાણવશ બેઠેલા કાકા ધૂંધવાતા હતા, ત્યાં સારા નસીબે સ્ટેશન આવ્યું અને પેસેન્જરોની ફરિયાદો સાંભળી રેલવેવાળાએ પાણી ભરવાની કામગીરી શરૂ કરી. આમને આમ ૩૦-૪૦ મિનિટ વિતી ગઈ એટલે અકળાયેલા કાકાએ પોલીસવાળાને પૂછ્યું કે 'ભાઈ મેલ ક્યારે છૂટશે?' પોલીસવાળો બોલ્યો 'કાકા જરાક ધીરજ તો રાખો? પાણી વિના મેલનહીં નીકળે.' આ સાંભળી કાકા બડબડયા કે મનના મેલ કે ધનના મેલ પાણીથી પણ ક્યાં નીકળે છે? સ્ત્રી-પુરૂષ માટે અંગ્રેજી શબ્દ વપરાય છે એમાં પણ મેલ જ હોય છેને? મેલ અને ફિ-મેલ... ઈ-ેમેલ જે કાઢી શકે ઈ કરે ગેલ...'
અમારી ટ્રેન મુંબઈની દિશામાં આગળ વધતી હતી, અચાનક ટ્રેને બ્રેક મારી. અમે સહુ મુસાફરો ઝબકીને જાગી ગયા. ટીસીને પૂછ્યું શું થયું? ત્યારે તેણે કહ્યું કે આગળ એક માલગાડીનું એન્જિન ખડી પડયું છે. એટલે કલાકેક પહેલાં ટ્રેન આગળ નહીં વધે.
આ સાંભળતાની સાથે જ પથુકાકા વાતને રાજકીય રંગ આપતા બોલ્યાકે 'ગઠબંધન કે ગઠિયાબંધન સરકારોમાં ડબલ એન્જિન સરકારો કે ટ્રીપલ એન્જિન સરકારો કરદાતાઓ પાસેથી 'માલ' પડાવીને અને ભ્રષ્ટાચારનો ભાર ભરીને 'માલ-ગાડી' કે 'ભાર-ખાના' જ દોડાવે છે ને? જેવી ચૂંટણી આવે ત્યારે આવા કેટલાય એન્જિન કેવાં ખડી પડે છે? લોકોનું ભલું કરવાનો મોટીવ (આશય) ન હોય ત્યારે 'લોકો-મોટીવ' પાટા પરથી ખડી ન પડે તો બીજું શું થાય?'
અમારી ટ્રેન અત્યારે મોડી મોડી મુંબઈમાં દાખલ થઈ. ત્યાં જ ઘરેથી (હો) બાળાકાકીનો કાકા ઉપર ફોન આવ્યો કે 'ક્યારે ઘરે આવો છો?' બાંદરા ટર્મિનસ નજીક આવતું જોઈને પથુકાકાએ કાકીને જવાબ આપ્યો કે 'રાહ જોજે... થોડીવારમાં અમે 'વાંદરા' થઇને આવીએ છીએ...
અંત-વાણી
ટી.સી : સાધુ બાબા કહાં જા રહે હો ટ્રેન મેં?
સાધુબાબાઃ જહાં રામ કા જન્મ હુઆ થા.
ટીસીઃ ટિકિટ દીખાવ.
સાધુ બાબાઃ ટિકિટ નહીં હૈ
ટીસીઃ ફિર ચલો
સાધુબાબાઃ કહાં?
ટીસીઃ જહા કૃષ્ણ કા જન્મ હુઆ થા
** ** **
પ્રજાને અને પ્રવાસીઓને ભગવાન
બેથી બચાવેઃ
ટ્રેનની ટક્કરથી
ચુનાવી ચક્કરથી.