શિક્ષકમાંથી આઈએએસ બનેલા તુષાર સુમેરા ભરૂચના નવા કલેક્ટર
નવા કલેક્ટરને ફોટોગ્રાફી અને સાહિત્ય વાંચનનો ઉંડો શોખ
ભરૂચ: ગુજરાત સરકારએ IAS ઓફિસર્સની બદલી અને બઢતી કરી છે. ભરૂચ જિલ્લાના કલેક્ટર તરીકે બોટાદના કલેક્ટર તુષાર સુમેરેની બદલી કરાઈ છે. સુમેરેનું જીવન અને આઈએએસ બનવાની સફર ખુબ જ પ્રેરણાદાયી છે. તેઓ શિક્ષકમાંથી અથાગ મહેનત કરીને આઈએએસ બન્યા હતાં.
એક મીડિયા સાથેની વાતચીતમાં તુષાર સુમેરાએ તેમના જીવનના ઉતાર-ચઢાવ અને આઈએએસ બનવાની સફર વિશે વાત કરતાં કહ્યું હતું કે, " મેં બીએડ કર્યા પછી ટીચર તરીકે નોકરી કરી પરંતુ મેં વિચાર્યુ કે ટીચર માત્ર કોઈ ગામમાં રહીને એક-બે પેઢીને સુધારી શકે, સમગ્ર સમાજનું ભલું કરવા માટે કંઈક વિશેષ કરવું જરૂરી છે. જેથી મેં વહીવટી પરીક્ષા માટે તૈયારી કરવાનું નક્કી કર્યું. 2007માં મારું સ્પીપામાં સિકેલ્શન થયું. સમાજશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી મિડિયમમાં પરીક્ષાઓ આપી, પાંચ-પાંચ ટ્રાયલ પછી મને છેવટે સફળતા મળી. પૈસા કમાવાના અનેક રસ્તા હોય છે પરંતુ જો બીજાની સેવા કરીને સારું સ્ટેટસ, પૈસા, માનપાન બધુ જ મળતું હોય તો પછી આ પ્રકારે હજારો લોકોની સેવામાં કેમ ન જોડાવું જોઈએ, એવું હું વિચારતો હતો અને તેથી જ મેં તેમાં સતત મહેનત ચાલું રાખી અને હું સફળ થયો."
સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ, રાજકોટમાં એમએ અને જૂનાગઢની કોલેજમાંથી બીએડ પૂરું કરીને ટિચરમાંથી આઈએએસ ઓફિસરોમાં સિલેક્ટ થયેલા તુષાર ટ્વીટર પર એકટીવ રહે છે. તેમને ફોટોગ્રાફી અને સાહિત્ય વાંચનનો ઉંડો શોખ છે. તેઓ હવે ભરૂચ જિલ્લાના કલેક્ટર તરીકે પદભાર સંભાળશે. ત્યારે તે ભરૂચને વિકાસની રાહ પર આગળ લઈ તેવી આશા જિલ્લાવાસીઓ રાખી રહ્યા છે.