આમોદના કાંકરિયા ગામમાં પાંચ વર્ષથી ચાલતી હતી ધર્માતરણની પ્રવૃતિ
લંડનથી ફંડિગ કરનાર અબ્દુલા ફેફડાવાલાએ કાંકરિયાની મુલાકાત લીધી હતી
ભરૂચ: આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં 100થી વધુ હિન્દુઓને બળજબરી પૂર્વક ઈસ્લામ ધર્મમાં સમાવેશ થતો હતો. આ સનસનીખેજ ખુલાસાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ થયો છે. આ પ્રકરણ ખુલાસો થતાની સાથે જ તેની સાથે જોડાયેલી અનેક વિગતો સપાટી પર આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના કાંકરિયા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ધર્માતરણની પ્રવૃતિ ચાલતી હતી. ગામના આદિવાસી ગરીબ પરિવારોને અનાજ ભરી આપી, લગ્ન કરાવી આપવા, પાકા મકાન બનાવી આપી તેમજ આર્થિક મદદ કરી ધર્મ પરિવર્તન કરાવાતું હતું. ફરિયાદી પ્રવિણ વસાવા અને આમોદના હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા મુકેશભાઈ જાદવે આ મામલે વધુ ખુલાસા કર્યા હતાં. તેમના જણાવ્યા અનુસાર ધર્માતરણ કરવા માટે વિદેશથી ફડિંગ મોકલનાર અને મુખ્ય ભેજાબાજ હાજી અબ્દુલા ફેફડાવાલાએ ભુતકાળમાં ગામની મુલાકાત લીધી હતી. બે વર્ષ પહેલા આ વીડિયો વાઈરલ પણ થયો હતો. આ વીડિયોમાં દેખાતા કેટલાક લોકોનું હાલની ફરીયાદમાં પણ નામ બહાર આવ્યુ છે. હિન્દુઓને આર્થિક મદદ કરવાની સાથે તેમને મુંબઈ ફરવા લઈ જવાતા હતાં. તેમજ દર શુક્રવારે નમાઝ પઢવા માટે રિક્ષામાં બેસાડીને જંબુસર લઈ જવાતા હતા. આ ઉપરાંત ગામમાં મસ્જીદ બનાવવાની પણ હિલચાલ ચાલી રહી હતી. જે લોકો આ પ્રવૃતિ સાથે સંકળાયેલા હતાં તે હિન્દુમાંથી મુસ્લિમ બનનારને 500 રૂપિયા જેટલી નાની રકમ આપી મોટી રકમ પોતાની પાસે રાખતા હતા. ધર્મપરિવર્તન કરેલા 37 પરિવારોના 100થી વધુ લોકોના બાળકો હાલમાં સુરત દારુલ ઉલુમ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જે લોકોએ ઈસ્લામ અંગીકાર કર્યો હોય તેમને એવુ કહેવામાં આવતુ હતું કે, તમે પાકા મુસ્લીમ બની જાવ પછી તમને જેહાદ કઈ રીતે કરવાનો તે અંગે શીખવાડવમાં આવશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, પાંચ વર્ષથી ચાલતી આ પ્રવૃતિ આટલા લાંબા સમયગાળા સુધી કેમ પોલીસના ધ્યાન પર ન આવી. અન્ય હિન્દુવાદી સંગઠનો પણ આ પ્રવૃતિથી અજાણ હતાં. ફરીયાદી જો પોલીસ સુધી પહોંચ્યો ન હોત તો આ પ્રવૃતિનો વ્યાપ ક્યાં સુધી વિસ્તર્યો હોત. શું આ એક જ ગામની વાત છે કે આવી રીતી ધર્માતરણની પ્રવૃતિ અન્ય ગામોમાં પણ ચાલી રહી હતી તે અંગે આગામી દિવસોમાં વિગતો બહાર આવી શકશે.
ઈસ્લામ ધર્મ અપનાવનારનાં સુરતમાં બનતા હતાં બોગસ આધારકાર્ડ
ભરૂચ: ફરિયાદી પ્રવિણ વસાવાના જણાવ્યા અનુસાર તેનું નામ બદલીને સલમાન કરી દેવાયુ હતું. જે લોકોનું ધર્મપરિવર્તન કરાવવવામાં આવતું હતું તેમને સુરત લઈ જવાતાં હતાં અને ત્યાં એક સંસ્થામાં આધારકાર્ડ બનાવી આપવામાં આવતુ હતું. જો કે આ મામલે હજુ પોલીસ તપાસમાં કોઈ ખુલાસો થયો નથી.
ફરિયાદના 24 કલાક પછી પણ પોલીસ તપાસ ઠેરની ઠેર
ભરૂચ: ધર્માતરણ પ્રકરણની તપાસ કરતાં એસ,ટી એસ સી સેલના ડી.વાય.એસ.પી એમ.પી ભોજાણીનો ટેલીફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમે આમોદ-જંબુસરના ગામોમાં ફરી રહ્યા છે. હજુ સુધી તપાસમાં કંઈ પણ નવુ બહાર આવ્યુ નથી. કાંકરિયા સહિત અન્ય કોઈ ગામમાં આ રીતે બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવાયુ છે કે નથી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
હિન્દુઓએ દફનવિધિની ના પાડતા તાત્કાલીક જમીન ખરીદી આપી
ભરૂચ: આમોદમાં રહેતા અને હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા મુકેશભાઈ જાદવે આપેલી માહિતી પ્રમાણે થોડા સમય અગાઉ કાંકરિયા ગામમાં એક વ્યકિતનું મોત થયુ હતું. તેના પુત્રએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. જેથી તેણે તેના પિતાના મૃતદેહની દફનવિઘિ કરવાની ઈચ્છા દર્શાવી હતી. ગામના હિન્દુઓએ દફનવિઘિ ન કરવા દેતા મુસ્લિમોએ તાત્કાલીક પૈસા એકઠા કરી સમ્શાન માટે જમીન ખરીદી લીધી હતી. અને ત્યાં દફનવિધિ કરવામાં આવી હતી.