ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર 1 - image


Heavy Rain in Valiya : રાજ્યભરમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર પધરામણી કરી દીધી છે. સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 11.69 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 20 તાલુકામાં 3 ઈંચથી વધુ, 39 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર 2 - image

ભરૂચના વાલિયામાં ધોધમાર 12 ઈંચ વરસાદ ખાબક્તાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેના લીધે વાલિયાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દોલતપુર ગામને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોડગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ભારે વરસાદના પગલે વાલિયાના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, જે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થતાં વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. 

તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે બે કલાકમાં જ પાંચ ઈંચ જ્યારે ગત 24 કલાકમાં 7.6 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક જાહેર માર્ગો પર વાહનો તણાયા હતા, અનેક નાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાતા અનેક માગી ઉપર સતત વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા.

ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર 3 - image

ભરૂચ શહેરમાં બપોરના 3 વાગ્યા બાદ આકાશમાં વાદરોની ફોજ ઉતરી આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક વરસાદ વરસતા સમગ્ર ભરૂચ શહેર પાણી પાણી થયું હતું. માત્ર બે જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસી જતા શહેરના અનેક વિસ્તાર જેવા કે જાહેર માર્ગો ઉપરના સેવાશ્રમ રોડ, પાંચ બત્તી, દાંડિયા બજાર, કશક સર્કલ, ગાંધી બજાર, ફાટા તળાવ, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી કેડ સમા અને છાતી સમા ભરાયા હતા. ભરૂચની ઇન્દિરા નગર ઝુપડપટ્ટી તેમજ અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોથી માંડી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. 

ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર 4 - image

ઘણી દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. સમગ્ર જનજીવન અસ્ત વ્યસ્ત થતાં ભરૂચના મુખ્ય હાથ સમા વિસ્તારમાં શક્તિનાથ નજીકનું રેલવે તથા કલેકટર નજીકથી સિવિલ હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપરનું રેલવેનું નાડું વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવતા સતત વાહનોની લાંબી કટારો માર્ગો ઉપર જામી ગઈ હતી. 



Google NewsGoogle News