વડોદરા: સહકારનગરનું ભૂત ફરી ધૂણ્યું: આવાસ યોજનામાં ભાડાની બાકી રકમનો વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપીપી ધોરણે તાંદળજા, ટીપી-22, રે. સર્વે નંબર 444, ફાઇનલ પ્લોટ નંબર 234 ખાતે સહકારનગરમાં આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ 44,304.76 ચોરસ મીટર જમીન પર 1428 ઝૂંપડાવાસીઓ માટે પાકાં મકાનો અને 78 દુકાનો બનાવવાનું આયોજન છે. પ્રોજેક્ટના 1428 લાભાર્થીઓને દર મહિને રૂ.2,000 ભાડું ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ડેવલોપર ટ્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયર લિમિટેડના ભાવપત્રકને વર્ષ 2016માં સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી. તે મુજબ રિહેબિલિટેશનના રૂ.81.41 કરોડ અને નેટ પ્રીમિયમના રૂ.15.61 કરોડ મળી કુલ રૂ.97.2 કરોડના મંજૂર ભાવપત્રક મુજબ ડેવલોપરને 24 ઓક્ટોબર, 2016ના રોજ 18 મહિનાની મુદત એટલે કે 23 એપ્રિલ, 2018 સુધીનો લેટર ઑફ એક્સટેન્શન આપવામાં આવ્યો હતો.
ડેવલોપર દ્વારા 1428 લાભાર્થીઓને અત્યાર સુધી ચૂકવાયેલા અને ભવિષ્યમાં ચૂકવવાના બાકી રહેતા ભાડા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભા સમક્ષ રજૂ કરીને જરૂરી નિર્ણય લેવા માટે રજૂ કરવામાં આવી છે.
30 મહિનાનું રૂ.8.56 કરોડ ભાડું કોર્પોરેશને ચૂકવ્યું
ડેવલોપર દ્વારા 1428 લાભાર્થીઓને વર્ષ 2017થી 2018 દરમિયાન 18 મહિના સુધી દર મહિને રૂ.2,000 લેખે ભાડું ચૂકવવામાં આવ્યું હતું. જોકે, જૂન 2019થી ભાડાની ચુકવણી બંધ કરી દેવામાં આવી હતી. જૂન 2019થી દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યાં સુધીનું બાકી ભાડું તેમજ મકાનોનો કબજો સોંપવામાં ન આવે ત્યાં સુધીના સમયગાળાનું ભાડું ચૂકવવા અંગે સ્થાયી સમિતિએ વર્ષ 2019માં મંજૂરી આપી હતી. આ મંજૂરીના આધારે નવેમ્બર 2021 સુધીના કુલ 30 મહિનાનું રૂ.8.56 કરોડ ભાડું કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવ્યું હતું.
તળાવ માટે 7,104.96 ચોરસ મીટર જગ્યા ખુલ્લી છોડતાં જમીન ફાળવણીનો પ્રશ્ન ઊભો થયો
પ્રોજેક્ટ સ્થળે 4200 ચોરસ મીટર જમીન પર જળાશયનું નવીનીકરણ અને સૌંદર્યીકરણ કરવાની જવાબદારી સાથે આ જગ્યા વડોદરા કોર્પોરેશનને ફાળવવામાં આવી હતી. પર્યાવરણ મિત્ર દ્વારા વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી હતી. આ મામલે કોર્પોરેશન દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. સોગંદનામામાં તળાવ માટેની 4200 ચોરસ મીટર જગ્યા ઉપરાંત તેની ફરતે જીડીસીઆર મુજબ નવ મીટરની જગ્યા છોડવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ મુજબ સ્થળ પર તળાવ માટે કુલ 7,104.96 ચોરસ મીટર જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે. આથી ટેન્ડરની શરતો મુજબ ડેવલોપરને જરૂરી પડતી જમીન પૂરી પાડવા માટે અન્ય પ્લોટ નંબર 235, 236 અને 157 પૈકીની જમીન ફાળવવા વર્ષ 2022માં સામાન્ય સભાની મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2022માં ડેવલોપરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
સરકારની મંજૂરી જાન્યુઆરી 2025માં મળી, 40 ટકાથી વધુ કામગીરી પૂર્ણ
વર્ષ 2022માં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયા બાદ ડેવલોપર દ્વારા ભાડું ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ઠરાવમાં અન્ય ત્રણ પ્લોટની જમીન ફાળવવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવાનો ઉલ્લેખ હોવાથી જમીન ફાળવણીની પ્રક્રિયા અટકી હતી. આખરે સરકાર તરફથી 10 જાન્યુઆરી, 2025ના રોજ મંજૂરી મળી હતી. ડેવલોપર દ્વારા પ્રોજેક્ટની 40 ટકાથી વધુ ભૌતિક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નિયમ મુજબ 25 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ બાકી રહેતી જમીનનો દસ્તાવેજ કરીને સોંપવાની કાર્યવાહી કરવાની થાય છે.
71 મહિનામાં 58 મહિનાનું રૂ.16.56 કરોડ ભાડું ચૂકવાયું, 13 મહિનાના રૂ.3.71 કરોડ બાકી
ડેવલોપર દ્વારા 71 મહિનાના સમયગાળામાંથી 58 મહિનાનું કુલ રૂ.16.56 કરોડ ભાડું ચૂકવવામાં આવ્યું છે, જ્યારે બાકીના 13 મહિનાનું રૂ.3.71 કરોડ ભાડું ચૂકવવાનું બાકી છે. કાનૂની વિવાદના કારણે ડેવલોપરને જમીન અને જરૂરી પરવાનગીઓ આપવામાં વિલંબ થયો હતો. તેના કારણે ડેવલોપર પર ભાડાનો આર્થિક બોજ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેવલોપર દ્વારા ભાડા અંગેનું નિરાકરણ લાવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. હવે લાભાર્થીઓને ચૂકવાયેલા તેમજ ભવિષ્યમાં ચૂકવવાના ભાડા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભા સમક્ષ રજૂ કરવામાં આવી છે, જ્યાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.




