બનાસકાંઠાના ડેમમાં નહિવત જળ સંગ્રહથી ઉનાળો કપરો સાબિત થશે
- દાંતીવાડા ડેમમાં માત્ર 33 ટકા જળનો સંગ્રહ
- ડેમમાંથી હાલ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના ૧૧૦ ગામોમાં ૭૫૨ ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે
પાલનપુર તા.27 જાન્યુઆરી 2021, બુધવાર
બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લા માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ગત વર્ષે નબળા ચોમાસાને લઈ નવીવત પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી .જેને લઈ શિયાળા તેમજ ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણી માટે કસકસર કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી .જોકે હાલ આ ડેમ માંથી બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના ૧૧૦ જેટલા ગામોને સિંચાઈ માટે ૭૫૨ ક્યુસેક પાણી અપાઈ રહ્યું હોય ડેમ માં માત્ર ૩૩ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ બચ્યો હોઈ સિંચાઈને લઈ ઉનાળો આકરો સાબિત થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
સિંચાઈ માટે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લા માટે આશિર્વાદ સમાન દાંતીવાડા ડેમમાંથી હાલ શિયાળુ વાવેતર માટે પાલનપુર, ડીસા,પાટણ ,વાઘડોદ તાલુકાના ૧૧૦ જેટલા ગામોને નહેર મારફતે ૭૫૨ ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે .તેમજ જૂથયોજના અંતર્ગત પાલનપુર તેમજ દાંતીવાડા તાલુકાના ૮૭ થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પડાઈ રહ્યું છે. જોકે હાલ દાંતીવાડા ડેમની જળસપાટીની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં હાલમાં કુલ ૩૩ ટકા જેટલા પાણીનો જથ્થો છે ડેમની કુલ જળસપાટી ૫૭૪.૫ છે .
જેની સામે ભયજનક સપાટી ૬૦૪ ફૂટ છે જોકે સિંચાઈના પાણીમાં છેવાડાના ગામોમાં નહેરો ઓવરફ્લો થતી હોય પાણી નો બગાડ થઈ રહ્યો હોય તેમજ હાલ શિયાળાની સિઝનમાં દાંતીવાડા ડેમમાં માત્ર ૩૩ ટકા પાણીનો જળ સંગ્રહ હોઈ આ નહિવત પાણીના સંગ્રહને લઈ અગામી ઉનાળા માં સિંચાઈ તેમજ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે .તેમજ ઉનાળામાં સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવા ને લઈ ખેડૂતો માટે કાળ ઝાળ ગરમી ઓકતો ઉનાળો કપરો સાબિત થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય ખેડૂતો મુંજવણમાં મુકાયા છે .જોકે ડેમ માંથી સિંચાઈ તેમજ પીવાનું પાણી આપવાની સાથે ડેમમાં અમુક ટકા જળ સંગ્રહ રાખવો પડતો હોય છે .પરંતુ ગત વર્ષે ઉપરવાસ માં નહિવત પ્રમાણમાં વરસાદ થવા થી ડેમમાં પૂરતા પાણીનો સંગ્રહ ન થવા ને લઈ હાલ શિયાળુ વાવેતર માટે પાણી આપવામાં આવતા ડેમ ની જળ સપાટીમાં ઘટાડો થયો છે.