મુડેઠાના ક્ષત્રિયોએ ધર્મની બહેનને આપેલો કોલ મુજબ ચુંદડી ઓઢાડી
- મુડેઠામાં ૭૫૮ વર્ષથી યોજાતી અશ્વદોડ યોજાઇ
- લાખણીના પેપળુ ગામે ભાઇબીજના દિવસે અશ્વો પર સવાર થઈને ગ્રામજનોએ પરંપરા નીભાવી
ભીલડી,તા.8
ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને ભાઇબીજના દિવસે ચુંદડી આપવાનો કોલ ૭૫૮ વર્ષથી નિભાવી રહ્યા છે. જેમાં ભલાણીપાટી, ખેતાણીપાટી, દુદાણીપાટી, રાજાણીપાટી ચાર પાટીઓ દર વર્ષે અલગ અલગ વારા મુજબ સવા બે મણનુ લોખંડનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાનું વચન પુરું કરવા અશ્વો ઉપર સવાર થઈ ભાઇબીજના દિવસે લાખણી તાલુકાના પેપળુ મુકામે જાય છે અને પેપળુ ગામમાં માન-સન્માન સાથે ઉતારો આપવામાં આવે છે.
એક દંતકથા અનુસાર આજથી ૭૫૮ વર્ષ પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોર ના રાજા વિરમસિંહ ચૌહાણના રાજવીના રજવાડા ઉપર દિલ્લીના બાદશાહે ઈ.સ ૧૩૦૦ની સાલમાં અલાઉદ્દીન ખીલજી ના લશ્કરે જાલોરના રાજવી વિરમસિંહ ના રજવાડા ઉપર હુમલો કર્યો હતો તેમની વિરમસિંહની પોતાની કુંવરી ચોથબાને સુરક્ષિત માટે એક સાધુ મહાત્મા અંચળનાથ સાથે જવાનો આદેશ કર્યો હતો અને સાધુ મહાત્મા કુંવરી ચોથબાને લઈને બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતા ફરતા આવ્યા હતા. તે સમયે લાખણી તાલુકાના પેપળુ ગામમાં રાજવી દેવુસિંહ વાધેલા રાજા રાજ કરતા હતા. એથી મહાત્મા અંચળનાથે કુંવરી ચોથબાના લગ્ન દેવુસિંહ વાધેલા સામે પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં ચોથબાને ભાઇ ન હતા જેથી મુડેઠાના રાઠોડ પરિવારના ભાઇઓને ધર્મના ભાઈ બનાવ્યા હતા. ભાઇબીજ ના દિવસે લોખંડનું સવા બે મણનુ બખ્તર પહેરીને ચુંદડી લઇને આવવાનું વચન માગ્યું હતું. દર વર્ષની જેમ ભાઇબીજના દિવસે બખ્તર પહેરીને ચુંદડી લઇને લાખણી તાલુકાના પેપળુ ગામે જાય છે અને આ વર્ષોની પરંપરા આજેય નિભાવી રહ્યા છે. જેમાં આ સાલ ખેતાણીપાટીના રાઠોડ ભુપતસિંહ અનુપસિંહે બખ્તર ધારણ કરીને લાખણી તાલુકાના પેપળુ ગામે ભાઇબીજના દિવસે જઇને ચુંદડી અર્પણ કરીને બહેનનો ૭૫૮ વર્ષ જુનો આપેલો કોલ આજે નિભાવ્યો હતો. ત્યારબાદ વહેલી સવારે બહેનને ચુંદડી આપી પરત આવીને ડિસા તાલુકાના મુડેઠા ગામે અશ્વ દોડ યોજી હતી. જેમાં ૩૦૦થી વધુ અશ્વોએ અને ૧૦૦થી વધુ ઊંટો ભાગ લીધો હતો.
પૌરાણીક બખ્તર આકર્ષણનું કેન્દ્વ બન્યું છે
હજારોવર્ષનું જૂનું આ બખ્તર છે જે તે વખતે સાડા બારમણ નું બખ્તર હતું અત્યારે સવા બે મણનું બખ્તર હાલમાં છેઅને બખ્તર ધારણ કરનાર વ્યક્તિ ના ઘરે આવનાર ભાઈ બીજ સુધી સાચવીને બખ્તર ને સાચવીને પોતે એક વર્ષ પુજા અર્ચના કરવા માં આવે છે .અને સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવામાં આવે છે.