Get The App

પુરવઠા વિભાગે દરોડો પાડી અનાજ કૌભાંડનો પદાફાર્શ કરતાં માફિયાઓમાં ફફડાટ

- દિયોદર જીઆઈડીસી ગોડાઉનમાં

- ૩૧૮ કટ્ટા ઘઉંના અને ૩૭૮ કટ્ટા ચોખાના મળી રૃપિયા ૮.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનને સીલ મારી દીધું

Updated: Nov 16th, 2021


Google NewsGoogle News
પુરવઠા વિભાગે દરોડો પાડી અનાજ કૌભાંડનો પદાફાર્શ કરતાં માફિયાઓમાં ફફડાટ 1 - image

દિયોદર તા.16

રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને સસ્તા અનાજની દુકાન પરથી પુરવઠાનો માલ મળી રહે તે માટે સરકાર દ્વારા અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે.પરંતુ અનેક સંચાલકો દ્વારા અનાજ માફિયાઓ સાથે મળી અનાજનો કાળો કારોબાર કરતા હોય છે.જેમાં અનેક વખત જિલ્લામાંથી અનાજ કૌભાંડ બહાર આવે છે જેમાં આજે ફરી એક વખત પુરવઠા વિભાગે દિયોદરમાંથી અનાજ કૌભાંડ ઝડપી પાડતા અનાજ માફિયામાં ફફડાટ ફેલાયો છે.

દિયોદર જીઆઈડીસીમાં આવેલા ખાનગી ગોડાઉનમાં પુરવઠાના અનાજનો કાળો કારોબાર ચાલતો હોવાની ખાનગી બાતમી દિયોદર પુરવઠા વિભાગને મળતા દિયોદર પુરવઠા વિભાગ દ્વારા સોમવારે મોડી રાત્રે વોચ ગોઠવી હતી.જેમાં અનાજ ભરેલ ગાડી ગોડાઉન તરફ આવતા પુરવઠા વિભાગે પોલીસ ને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરી હતી જેમાં મોડી રાત્રે પુરવઠાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જેમાં દિયોદર પુરવઠા વિભાગે ગોડાઉનમાંથી ઘઉં અને ચોખ્ખાના કુલ ૭૦૦ કટ્ટા ઝડપી પાડયા હતા અને મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી ગોડાઉન સિલ મારી દેવામાં આવ્યું હતું.જેમાં દિયોદર પુરવઠા વિભાગે સરકારી અનાજનો મોટો જથ્થો કબ્જે લીધો હતો.જેના કારણે જિલ્લામાં અનાજ માફિયામાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.

જિલ્લા પુરવઠા વિભાગની સુચનાથી સ્થાનિક અધિકારી દોડયા

આ બાબતે દિયોદર પુરવઠા અધિકારી પી આર ઠાકોરે જણાવેલ કે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ટેલિફોન દ્વારા માહિતી આપતા અમો તથા દિયોદર મામલતદાર તેમજ પોલીસને સાથે રાખી જી આઈ ડી સી ગોડાઉનમાં તપાસ કરી હતી.જેમાં બિન અધિકૃત રીતે ઘઉંના ૩૧૮ કટ્ટા અને ચોખાના ૩૭૮ કટ્ટા મળી આવ્યા છે તે કબ્જે લીધા છે.જેમાં ગોડાઉનમાંથી ટ્રક પણ મળી આવી છે જેમાં કુલ ૮,૬૪૦૦૦ લાખનો માલ કબ્જે લીધો છે જેની આગળની કાર્યવાહી જિલ્લા પુરવઠા વિભાગ કરશે.

અનાજનો જથ્થો ક્યાથી આવ્યો હોવાનું રહસ્ય અકબંધ

દિયોદર જીઆઈડીસીમાં આવેલ ખાનગી ગોડાઉનમાંથી ઘઉંના ૩૧૮ કટ્ટા કિંમત રૃપિયા ૩.૧૮ લાખ તેમજ ચોખાના ૩૭૮ કટ્ટા કિંમત રૃપિયા ૩.૯૬ લાખ રૃપિયાનો અનાજનો જથ્થો બીનઅધિકૃત રીતે મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં આટલો બંધો અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો?શુ દિયોદર પુરવઠા વિભાગ આ બાબતે અજાણ છે? શું સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ અનાજ માફિયા સાથે મીલી ભગત રાખી અનાજનો ખુલ્લેઆમ કરે છે કાળો કારોબાર? જિલ્લામાં અનેક વખત અનાજ કૌભાંડ થાય છે શું જવાબદાર તંત્ર યોગ્ય પગલાં ભરશે? તેવી ચર્ચા એ જોર પકડયું છે જો કે આ બાબતે આ પુરવઠાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો ? તે અંગે જવાબદાર તંત્ર મૌન છે.

થરા તેમજ લાખણી વિસ્તારમાંથી જથ્થો આવ્યો હોવાનું અનુમાન

દિયોદર હાઇવે વિસ્તાર ઉપર મોડી સાંજે અથવા રાત્રીના સમય થરા તેમજ લાખણી વિસ્તારમાંથી મોટા પાયે અનાજનો જથ્થો ટ્રક અને પિકપ ડાલા દ્વારા સગેવગે કરવામાં આવે છે.જેમાં મોટા પાયે ખુલ્લેઆમ કાળો કારોબાર કરવામાં આવે છે.જો જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ફરી આ વિસ્તારમાંથી અનાજ કૌભાંડ બહાર આવે તેમ છે.

જિલ્લામાં અનાજ કૌભાડંનો મોટો વેપલો છતાં તત્ર ચૂપ

દિયોદર જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાંથી પકડાયેલા અનાજ કૌભાડંના પગલે બનાસકાંઠા જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો ખુબ મોટા પ્રમાણમાં ગરીબોને ફાળવવામાં આવતા અનાજ કૌભાંડનો પદાફાર્શ થઇ શકે તેમ છે. છતાં પણ સ્થાનિક પુરવઠા તંત્ર દ્વારા અનાજ માફિયાઓ સામે કોઇ જ પગલા ભરવામાં આવત નથી. જેના કારણે સમગ્ર જિલ્લામાં સ્થાનિક પુરવઠા વિભાગની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

દિયોદરમાં અનાજનો કાળોકારોબાર છતાં સ્થાનિક અધિકારી અજાણ

દિયોદર જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં છેલ્લા કેટલાક સમયથી અનાજનો કાળોકારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. અને તેમ છતાં સ્થાનિક પુરવઠા અધિકારી જાણે કંઇ જાણતા જ ના હોય તેમ હાથપર હાથ ધરીને બેઠા હતા. પરંતુ જિલ્લા પુરવઠા વિભાગમાંથી કાળાકારોબારની જાણ કરાતા સ્થાનિક પુરવઠા અધિકારી દોડતા થઇ ગયા અને લાખો રૃપિયાનો અનાજ કૌભાડંનો પદાફાર્શ કર્યો.


Google NewsGoogle News