દૂધ ઉત્પાદકના ટેકામાં બનાસકાંઠાનુ પાંથાવાડા સજ્જડ બંધ
બનાસકાંઠા, તા. 21 સપ્ટેમ્બર 2022 બુધવાર
ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની સાથે અન્ય માગ સાથે ગુજરાતી માલધારી મહાપંચાયતે આજે દૂધ વેચાણ બંધનું એલાન આપ્યું છે. જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
દાંતીવાડા તાલુકાનું મુખ્ય વેપારી મથક પાંથાવાડામાં તમામ દુકાનો, લારી ગલ્લા, હોટલ, મેડીકલ, શાકભાજીની દુકાન તમામ બંધ કરવામાં આવી છે. પાંથાવાડા પોલીસે બે લોકોની અટકાયત પણ કરી છે. દૂધ ઉત્પાદકના ટેકામાં પાંથાવાડા સજ્જડ બંધ છે.
ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી માલધારી સમાજ વિવિધ મુદ્દાને લઈને સરકારની સામે લડત આપી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં માલધારી સમાજ ડેરીમાં દૂધ ન ભરવા અને બુધવારે દૂધનું વેચાણ નહીં કરવા મક્કમ થયો હતો.
આ દરમિયાન આજે સુરતમાં પણ માલધારીઓએ દૂધ વિતરણને લઈને વિરોધ કર્યો છે. માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવીને વિરોધ કર્યો છે. વડોદરા જિલ્લામાં પણ ડભોઇ ખાતે બરોડા ડેરીનો ટેમ્પો પરત કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં દૂધના ટેમ્પા રોકી દેવાતા રકઝક થઈ હતી.
ગુજરાતના માલધારીઓ આજે તા. 21 બુધવારના રોજ અણુંજા પાડશે. એટલે કે આ દિવસે ડેરીઓમાં, મંડળીઓમાં, વાડામાં ક્યાંય દૂધ ભરાવવાનું કે વેચવાનું નહી એવું માલધારી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલુ છે.