તંત્રના પાપે રવિ સિઝનમાં સિંચાઇ માટે પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ

- નર્મદા કેનાલ માટે કરોડો રૃપિયાનો ખર્ચ કરવા છતાં

- બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સફાઇના અભાવે છાશવારે તુટતી કેનાલોથી ખેડૂતો પરેશાન

Updated: Nov 16th, 2021


Google NewsGoogle News
તંત્રના પાપે રવિ સિઝનમાં સિંચાઇ માટે પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ 1 - image

વાવ તા.16

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોના સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બ્રાન્ચ કેનાલો માઇનોર કેનાલો બનાવવામાં આવી છે પરંતુ ખેડૂતોની કઠણાઈ ગણો કે તંત્રની બેદરકારી ગણો જે તે સમયે કોન્ટ્રાકરો અને અધિકારીઓની મિલીભગતના પાપે આજે પણ કેટલીક કેનાલોમાં ખેડૂતોના ખેતરો સુધી પાણી નથી મળતું અને ખેડૂતો દર વર્ષે રવી સીઝનનો ૫ાક લેવા માટે લાખો રૃપિયાનો ખર્ચ કરી રહ્યા છે છતાં પણ ખેડૂતોને આજે પણ પાણીનું બુંદ પણ નશીબ નથી.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ સુઇગામ પંથકમાં રવી સીઝન નો એક માસ વિતવા છતાં આજે પણ ખેડૂતોના ખેતરો સુધી પાણી ના મળતા ખેડૂતો કચેરી આગળ ધરમ ધક્કા અને પાણી ની રાહ જોઈને રાત દિન ઉજાગરા કરી રહ્યા છે.સરકારે ખેડૂતોના સુખાકારી માટે કેનાલ તો બનાવી પરંતુ  કેનાલો બનાવતી વખતે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના  કારણે આજે પણ ખેડૂતો કમાન્ડ એરિયામાં આવતા હોવા છતાં પણ ખેડૂતોના ખેતરો સુધી પાણી નથી મળતું ત્યારે ખેડૂતોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે.મોઘા ભાવે બિયારણો, ખાતરો લાવીને ખેતી કરતા ખેડૂતોને સિંચાઇ માટે સમયસર પાણી નહીં મળતા પાક બચાવવા માટે જગતનો તાત મથામણ કરી રહ્યો છે. તેમ છતાં સરકારી બાબુઓ હાથ પર હાથ ધરીને બેઠા છે. ખેડૂતોની આ સમસ્યાનો ક્યારેે નિરાકરણ આવશે તેની રાહ ખેડૂતો જોઇને બેઠા છે.

ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી મળતું નથી

રામપુરા ,સુઇગામ, માધપુરા મસાલી, રાધાનેસડા, રાછેણા ,ખોડા, દેથળી ,નાળોદરઅસારા, ખોડા કુંડાળીયા સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ સિંચાઇ માટે પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી.

હલકી કક્ષાની બનાવેલી કેનાલોથી ખેતરો સુધી પાણી પહોંચતુ નથી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં હલકી ગુણવતા વાળી બનાવેલી કેનાલો અને કેનાલોમાં સાફસફાઇના અભાવે અવાર નવાર કેનાલોમાં ભંગાણ સર્જાય છે. જેના કારણે ખેતરો સુધી પાણી પહોંચતુ નથી. તો બિજી બાજુ છાશવારે થતા ભંગાણથી પાણીનો વેડફાટ પણ થાય છે.

ખેડૂતોની વેદના સરકારી બાબુઓ સમજવા તૈયાર નથી

બનાસકાંઠાના સરહદી વિસ્તારના શિયાળાની સિઝન ટાણે ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહીં મળતા પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો કચેરીઓના પગથીયા ઘસી રહ્યા છે. તેમ છતાં ખેડૂતોની વેદના સરકારી બાબુઓ સમજવા તૈયાર નથી.

ચતરપુરામાં ૧૦ ફૂટ અને બરડવી કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું

ખેડૂતોને સિંચાઇ માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૃપિયા ખર્ચીને કેનાલો બનાવવામાં આવે છે. પરંતુ કેનાલોમાં નબળી કામગીરીના કારણે કેનાલોમાં અવાર નવાર ગાબડા પડે છે. ગત રોજ ચતરપુરા માઇનોર કેનાલમાં અસારા ગામની સીમમાં વહેલી સવારે સફાઈ વગર કેનાલમાં પાણી  છોડી દેતા કુવા ચોક અપ થતાં ૧૦ ફૂટનું ભંગાણ પડયું હતું.જ્યારે રાઘાનેસડા ડિસ્ટ્રીબ્યુટર નર્મદા કેનાલમાં બરડવી ગામની સીમમાં  ગાબડું સર્જાતા પાંચ કલાક જેટલો પાણીનો સતત પ્રવાહ ચાલુ રહ્યો હતો અને ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા હતા.ખેડૂતોએ વાવણી કરેલ પાક ઉગે  તેના પહેલા ઘૂંટણ સમાં પાણી ભરાતાં ખેડૂતોને અત્યારથીજ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.


Google NewsGoogle News