અંબાજી મંદિર દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિરનો કબ્જો લેવાયો
- સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર
- વર્ષો સુધી ચાલેલી કાનૂની લડત બાદ પોલીસ બંદોબસ્ત હેઠળ ટ્રસ્ટના વહિવટદારે કબ્જો મેળવ્યો
અંબાજી,તા.15
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી ૭ કિમી દૂર આવેલ પવિત્ર
કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કબજા માટે ઘણા
વર્ષોથી કાનૂની જંગ ચાલતો હતો અંતે નામદાર સુપ્રિમકોર્ટમાં આ કેસનો ચુકાદો મંદિર
તરફે આવતા આજરોજ તેનો વિધિવત કબજો લેવામાં આવ્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત
ર્ડા.વિશ્વભરદાસજી મહારાજ અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે મંદિરના કબજા અંગેનો કેસ
નામદાર સુપ્રિમકોર્ટમાં ચાલતો હતો ત્યારે તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં દલીલોના અંતે
તેનો ચુકાદો અંબાજી મંદિરની તરફેણમાં આવ્યો હતો તે વખતે સુપ્રિમકોર્ટે આ મંદિર
સહિત તમામ મિલકતોનો કબજો છ મહિનાની અંદર લઈ લેવો તે અનુસાર સમયની અવધિપૂર્ણ થવા
છતાં મહંત દ્વારા કબજો ન અપાતાં આજરોજ મંદિરના વહિવટદાર એસ.જે.ચાવડાએ પોલીસ
બંદોબસ્ત સાથે સ્થળ ઉપર જઈ કાયદેસર રીતે કાર્યવાહી કરી મહાદેવ મંદિરનો કબજો લીધો
હતો. તથા ઠેર-ઠેર મંદિર ટ્રસ્ટની માલિકીને દર્શાવતા નોટીસ બોર્ડો મુકવામાં આવ્યા
હતા.
અંબાજી મંદિર વહીવટદાર શું કહે છે?
નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર કબજો લેવામાં આવેલ છે.
પૂજાવિધિ મહંત દ્વારા રાબેતા મુજબ કરવામાં આવશે તથા હવે કોટેશ્વરના વિકાસનો નકશો
બનાવી રાજ્ય સરકારને મોકલી અપાશે. જેથી કોટેશ્વરનો વિકાસ થશે.
મંદિર સાથે જોડાયેલ આદિવાસી પરિવારોને અન્યાય નહી થાય
એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષોથી મહાદેવની આવકમાં
હિસ્સો મેળવતાં આદિવાસી સમાજના લોકોને (એકવ્યક્તિ)ને નોકરીએ રાખવામાં આવશે. જેથી
તેઓને અન્યાય નહી થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી.
આદિવાસી સમાજની સંમતિ લેવાશે
ઉચ્ચ અધિકારીઓની આ વાત અંગે આદિવાસી સમાજના આગેવાનો ચર્ચા-વિચારણા કરશે અને યોગ્ય નિર્ણય લેશે. આદિવાસી સમાજમાંથી જુમ્માભાઈ માજી ડે.સરપંચ તથા નાથાભાઈ ઈબદાભાઈ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.