ભીલડી પંથકમાં લોકો ડેન્ગ્યૂ-ચિકન ગૂનિયાના અજગરી ભરડામાં સપડાયા
- તંત્રની નબળી કામગીરીના કારણે
- સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે, આરોગ્યતંત્ર હાથ પર હાથ ધરીને બેઠું
ભીલડી,
તા.10
દિવાળીના તહેવારોમાં જ ડીસા તાલુકાના ભીલડી અને નજીકના
ગામોમાં ડેન્ગ્યૂ અને ચિકનગૂનિયાની બીમારીએ માથું ઉંચકતાં લોકોના જીવ પડીકે બંધાયા
છે. અહીંના સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. ભીલડી પંથકના
લોકોને જીવલેણ બીમારીથી બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યૂ અને
ચિકનગૂનિયાની બીમારીનો સર્વે કરાવવાની માગણી લોકોએ દોહરાવી છે.
ડીસા તાલુકાના ભીલડી સહિતના અનેક ગામોમાં છેલ્લા કેટલાક
અરસાથી ડેન્ગ્યૂ અને ચિકનગૂનિયાની બીમારીમાં લોકો સપડાતાં રહ્યાં છે. જેનાથી લોકો
ભયભીત થયા છે. અહીંની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બીમારીની સારવાર માટે લોકોની
ભીડ વધી છે. ડોક્ટર્સને તડાકો પડયો છે. ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની
સારવાર મોંઘી બની રહી છે. ડેન્ગ્યૂ અને ચિકનગૂનિયાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ
રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા ભીલડી અને આસપાસના ગામોમાં વધતાં જતાં ડેન્ગ્યૂ અને
ચિકનગૂનિયાના કેસોનો સર્વે કરી તેના દર્દીઓને પુરતી સુવિધા પુરી પાડવાની માગણી
ગ્રામજનોએ દોહરાવી છે. એક તરફ શિયાળાની મોસમ ધીરેધીરે ઠંડક પ્રસરાવી રહી છે. તેવા
સંજોગોમાં લોકોમાં શરદી, ઉધરસ
વગેરે બીમારીનું પ્રમાણ વધતું રહ્યું છે. જેથી બીમાર લોકોએ આસપાસના દવાખાનાઓમાં
દોડધામ કરવી પડી રહી છે.