પાલનપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે રાયડો વેચવા ખેડૂતોને ધરમધક્કા
- ઓનલાઈન એન્ટ્રીમાં વિસંગતતાને કારણે
- 8 એપ્રિલથી રાયડા ખરીદીનો પ્રારંભઃ તંત્રના અણધડ વહીવટથી ખેડૂતો ભારે પરેશાન થઇ રહ્યા છે
પાલનપુર તા.28 એપ્રિલ 2019, રવિવાર
પાલનપુરના માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલી ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં તંત્રના અણધડ વહીવટને લઇને ખેડૂતોને ધરમ ધક્કા ખાવા પાડી રહ્યા છે.રાયડાની વહેંચણી માટે ઓનલાઇન એન્ટ્રી કરાવવા માટે આપેલા ખેડૂતોના ડોક્યુંમેન્ટની જાળવણીના અભાવને લઇ કેટલાય ખેડૂતોના ડોક્યુમેન્ટ ગેરવલ્લે અને ખોવાઇ જતા ખેડૂતોને રાયડો વેચવા માટે રઝળપાટ કરવાની ફરજ પડી રહી છે.
પાલનપુરમાં ૧ એપ્રિલ થી ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૃ કરવામાં આવી હતી અને તા.૮ એપ્રિલ થી રાયડાની ખરીદી શરૃ કરવામાં આવી છે. જોકે રાયડાની ખરીદી પહેલા ખેડૂતોને મેસેજ કરાય છે.અને દરરોજ ૨૦ થી ૨૫ ખેડૂતોનો માલ ખરીદાય છે પરંતુ જે ખેડૂતોએ અગાઉ નોંધણી માટે પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા. તેમાના કેટલાય ખેડૂતોના ડોક્યુમેન્ટ ની જવાબદાર તંત્ર દ્વારા જાળવણી કરવામાં ન આવતા અને ડોક્યુમેન્ટ રફેદફે કરી દેવાતા ખેડૂતોને નોંધણી કેન્દ્ર પર પોતાના ફોર્મ પોતે જ શોધવાની ફરજ પડી રહી છે જેમાં અગાઉ આપેલ ડોક્યુમેન્ટ વાળા ખેડૂતો રાયડાની વહેંચણીથી બકાત રહી ગયા છે.અને પાછળથી આવેલા ખેડૂતોના રાયડયાની ખરીદી કરી લેવાય છે જેને લઇ ગ્રામીણ ખેડૂતોને કાળઝાળ ગરમીમાં રાયડાની વહેંચણી માટે માર્કેટયાર્ડના ધરમધક્કા ખાવાની સાથે રઝળપાટ કરવી પડી રહી છી.
જોકે આ ખરીદી કેન્દ્રો ઉપર જવાબદાર અધિકારીઓની ગેરહાજરીથી ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવી પડે છે ત્યારે ખેડૂતોની મુશ્કેલીઓ દુર કરવા માટે કિસાન સંઘના સભ્યો પણ ખરીદી કેન્દ્ર પર દોડી આવ્યા હતા. અને જવાબદાર અધિકારીઓને રાયડાની ખરીદીમાં પડતી મુશ્કેલીઓ દુર કરવા રજુઆત કરી હતી પાલનપુરમાં રાયડાની ખરીદીમાં તંત્રના અણધડ વહીવટને લઇ શરૃઆતથી જ અવ્યવસ્થાને લઇ રોજ બેરોજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોબાળો મચ્યો હતો જે બાદ નોંધણી અને ખરીદીમાં તંત્ર ની લાપરવાહી ને લઇ રોજ બેરોજ ખેડૂતો હોબાળો મચાવીને રોષ પ્રગડ કરી રહ્યા છે. તેમ છતાં તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં ન આવતાં ધરતીના તાત કફોડી હાલતમાં મુકાયા છે.
કિશાન સંઘે રાયડામાં કૌંભાડની શંકા વ્યકત કરી
પાલનપુર માર્કેટયાર્ડમાં રાયડાની ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીઓ પડતા બનાસકાંઠા જિલ્લા ભારતીય કિશાન સંઘના મંત્રી મેધરાજ ભાઇ અને પાલનપુર તાલુકા પ્રમુખ માવજીભાઇ લોહે તેમની ટીમા સાથે ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા આ વખતે કોઇ જ જવાબદાર અધિકારી ખરીદી કેન્દ્ર પર હાજર ન હોય તેમજ ખેડૂતોના જમા કરાવેલ ડોક્યુમેન્ટ જાળવણીના અભાવે ખોવાઇ ગયેલ હોવાનું જાણવા મળતા તેમને રાયડાની ખરીદીમાં અધિકારીઓ દ્વારા મગફળી કૌભાંડ જેમા રાયા કૌભાંડ થવાની શંકા વ્યકત કરી હતી.