દાંતાના મહોબતગઢ ગામે ખેતરમાં રમી રહેલ બાળકી પર કુતરાનો હુમલો
- બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી
- લોહીલુહાણ હાલતમાં બાળકીને દાંતા બાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ
પાલનપુર,તા.30
બનાસકાંઠાના મહોબતગઢ ગામે ખેતરમાં રમી રહેલી બાળકી પર કૂતરાએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં માથાના ભાગે બચકા ભરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દાંતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોહબત ગઢ ગામે શનિવારે ચાર વર્ષની એકતાબા ગોહિલ નામની બાળકી ખેતરમાં રમી રહી હતી તે દરમિયાન અચાનક એક કૂતરાએ બાળકી પર હુમલો કરતા બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીએ બુમાબૂમ કરતા આજુબાજુના લોકો તેમજ પરિવારજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને કૂતરાથી બાળકીને છોડાવી લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે દાંતાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે બાળકીની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર બાદ બાળકીની તબિયત સુધરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.