બનાસબેંકની ચૂંટણીમાં ભાજપના 6 અને 3 બળવાખોર ઉમેદવારોની જીત

- પૂર્વ મંત્રી શંકર ચૌધરી ડેમેજ કંટ્રોલ ના કરી શક્યા

- વડગામમાં ટાઈ પડતા ચિઠ્ઠીથી ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર વિજેતા, ઇતર વિભાગમાં ભાજપના મહામંત્રીની જીત થઇ

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
બનાસબેંકની ચૂંટણીમાં ભાજપના 6 અને 3 બળવાખોર ઉમેદવારોની જીત 1 - image

પાલનપુર તા.15

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. જેમાં નવ બેઠક માંથી ભાજપના ફાળે ૬ બેઠક આવી છે. જ્યારે ૩ બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારોની જીત થઈ છે જોકે વડગામ બેઠક પર બન્ને ઉમેદવારને સરખા વોટ મળતા આખરે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી જેમાં ભાજપના સસ્પેન્ડ ઉમેદવારની જીત થઈ હતી.

બનાસકાંઠાની બનાસબેંકના આગામી નવા ૧૯ સભ્યોના નિયામક મંડળ માટે ચૂંટણી જાહેર કરાઇ હતી જેમાં ચૂંટણી પૂર્વે દશ બેઠકો બિન હરીફ થઈ હતી અને બાકીની નવ બેઠક પર બેથી વધુ ઉમેદવારો ચૂંટણી લડતા હોઈ નવ બેઠકો પર ૨૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેની સોમવારે પાલનપુર પ્રાંત કચેરી ખાતે મતગણતરી યોજાઈ હતી. જેમાં બનાસબેંકમાં ભાજપના મેન્ડેડ વાળા ઉમેદવારો સામે ચૂંટણી લડતા વડગામ,પાલનપુર અને દિયોદર બેઠક પર ભાજપના સસ્પેન્ડ ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે દાંતીવાડા, ભાભર,સુઇગામ, લાખણી,ડીસા અને ઇતર બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં વડગામ બેઠક પર ભાજપના ઉમેદવાર કેશરભાઈ જાલમભાઈ વાયડા અને ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર કેશરભાઈ પરથીભાઈ ચૌધરીને સરખા ભાગે ૩૫-૩૫ મત મળતા અહીં ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી જેમાં ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર કેશરભાઈ ચૌધરીનું નામ નીકળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. જયારે ઇતર વિભાગમાં ચાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતરનો ૬૨૨ મતની લીડ થી વિજય થયો હતો.નોંધપાત્ર છે કે બનાસ બેંકની પાંચ બેઠકો ઉપર ભાજપનાજ બળવાખોર ઉમેદવારોએ ઝુકાવ્યુ હતું તે પૈકી ત્રણની જીત થઈ હતી.જેમાં રાજયના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ભાજપમાં ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.

શંકર ચૌધરીનું રાજકીય કદ ઘટવાની શક્યતા

બનાસ બેંકમાં ભાજપના પાંચ જેટલા આગેવાનોએ બળવો કરી ભાજપના જ ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ બનાસકાંઠામાં સહકારીક્ષેત્રમાં વર્ચસ્વ ધરાવતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી આ બળવાખોરોને મનાવવામાં નિષ્ફળ નિવડયા હતા. જેની અસર આગામી સમયમાં તેમની રાજકીય કારકિર્દી ઉપર પડી શકે તેને નકારી શકાય તેમ નથી.


Google NewsGoogle News