હે કન્હૈયા, મારી નાવ તારજે...: ચાલુ ભાષણમાં કેમ રડી પડ્યા ગેનીબેન ઠાકોર? લોકો પણ થયા ભાવુક
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રેલી અને જાહેર સભાને સંબોધી હતી. આ જાહેર સભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ પર રડી પડ્યા હતા. તેમણે મતદારોને કહ્યું હતું કે, 'હું જ્યારે જ્યારે ગામડે ગામડે ફરું છું, ત્યારે લોકો મને હાર પહેરાવે છે, તેમનું ઋણ મારા પર છે. લોકોની પેઢીઓ જતી રહે પણ લોકસભાની ટિકિટ નથી મળતી, મને મળી છે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હે કૃષ્ણ-કન્હૈયા મારી નાવ તારજે...'
આ ચૂંટણી મારે બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે:ગેનીબેન ઠાકોર
ગેનીબેન ઠાકોરે સભાને સંબોધતા કહ્યું હતું કે, 'હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ હું જનતાને ભરોસો આપું છું કે, હું ભૂતકાળમાં કોઈ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવીશ નહીં. એકબાજુ જનશક્તિ છે તો બીજું બાજુ ધનશક્તિ છે. હું બનાસની બેન છું, તો સામે બનાસ બેંક છે. લોકશાહી પૈસાથી ન ખરીદાય તે 2017ની મારી વાવની ચૂંટણી લોકોએ બતાવ્યું છે. મારા લોકોને કોઈ વહીવટી તંત્ર હેરાન કરવા માગતું હોય તો હું ઝાંસીની રાણીની જેમ ચાલીશ. હું તમને ગીતાની અને સંવીધાનની સાક્ષીએ ખાતરી આપું છું. હજુ સાતમી મે સુધી ઘણાં બધા રંગો આવવાના છે. હજુ તેવો રેલમછેલ કરશે પણ મારા બનાસકાંઠાના લોકો પર આંચ નહીં આવે. આ ચૂંટણી મારે બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે.'
ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જો કે, એ પહેલાં સુરેન્દ્રનગરમાં તેમનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં જનમેદની જોઈને ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા. આ ઉપરાંત જામનગર બેઠકથી કોંગ્રેસના જે.પી. મારવિયા, બારડોલી બેઠકથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું
મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ અને પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા, પંચમહાલ બેઠકથી ભાજપના રાજપાલસિંહ જાદવ, દમણ બેઠકથી ભાજપના લાલુભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.