લાખો અબોલ પશુઓને આરબ દેશ મોકલાતાં ભગવાનને ડીસામાં આવેદન
ગૌશાળાના સંચાલકોએ પશુધન સાથે રેલી યોજી
નાગપુર-નાસિક-જોધપુર બાદ હવે ગુજરાતમાંથી પણ આરબ દેશોના કતલખાનાઓમાં અબોલ જીવ મોકલવાનો નિર્ણયનો અનોખો વિરોધ
ડીસા,
તા. ૮ ડિસેમ્બર, ૨૦૧૮,શનિવાર
ડીસામાં આજે સરકારની આરબ દેશોના કતલખાનાઓમાં જીવિત પશુઓને નિકાસ
કરવાની નીતિનો વિરોધ જોવા મળ્યો હતો. આ વિરોધમાં રાજપુર પાંજરાપોળ ટ્રસ્ટી ે સહિત અનેક
પશુપ્રેમીઓ જોડાયા હતા. જેમણે સરકારની નીતિ સામે મંદિરમાં જઈ ભગવાનને સંબોધી પશુઓને
બચાવવા આવેદનપત્ર મંદિરમાં પહોંચાડી અનોખો વિરોધ કર્યો હતો.
સરકારે અરબના દેશોમાં પશુધન મોકલ્યા હતા. ત્યારબાદ હવે જહાજ
મારફતે ફરીથી ૫૦ હજારથી વધુ ઘેટા,
બકરા અખાતી દેશોમાં મોકલવામાં આવતા જીવદયા પ્રેમીઓ લાલઘુમ થયા છે અને હિન્દુવાદી
સરકારે દગો કર્યો હોવાનું માની રહ્યા છે.
ડીસા ખાતે રેલી યોજી પશુઓને આરબ દેશોમાં કતલખાને મોકલવાની નીતિઓ સામે જંગે ચડેલા ધર્મશાસ્ત્રી કિશોર દવેએ સરકારની ટીકા કરતા જાહેર કર્યું હતું કે ભારત અહીંસાની ભૂમિ છે.
જોકે હાલની કેન્દ્ર સરકારની નજર સામે નિત્ય ૬૦,૦૦૦ ગાયો કતલખાને મોકલાય છે. સરકાર પહેલાં પશુમાંસ નિકાસ કરતી હતી. જોકે હવે જીવિત અબોલ પશુઓને આરબ દેશોમાં નિકાસ કરી રહી છે. સરકાર હાઈકોર્ટના ગાઈડલાઈનનું ખોટું અર્થઘટન કરી રહી છે.
થોડા સમય પહેલા નાગપુરથી સ્પેશિયલ હવાઈ જહાજ મારફતે ગૌવંશ અને ઘેટા બકરા સહિતના જીવતા પશુધનને અખાતી દેશોમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે દેશભરના ગૌશાળા સંચાલકોએ વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત વારંવાર આ બાબતે સરકારને રજુઆત કરી છે તેમ છતાં સરકારે કોઈનું પણ સાંભળ્યા
વગર પશુઓને બહારના દેશોમાં કતલખાને મોકલી રહ્યા છે તે જોતા હવે સરકાર પાસે કોઈ અપેક્ષા
ન હોવાથી ભગવાનને આવેદનપત્ર આપી ભગવાન સમક્ષ અબોલ પશુઓને બચાવવા આજીજી કરી રહ્યા છે
તેવું જણાવ્યું હતું.