Get The App

કુંભ (ગ.શ.સ.ષ) : આવક-જાવકની ચિંતા ના કરતા, ઉતાર-ચઢાવ થયા કરશે, ધીમે ધીમે તકલીફો થશે દૂર!

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
કુંભ (ગ.શ.સ.ષ) : આવક-જાવકની ચિંતા ના કરતા, ઉતાર-ચઢાવ થયા કરશે, ધીમે ધીમે તકલીફો થશે દૂર! 1 - image


- સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને ધંધાકીય પ્રશ્ને આપે વાદ-વિવાદ-ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે

- તેમ છતાં ગુરૂ- શનિ- રાહનું પરિભ્રમણ સારું હોવાને લીધે શૂળીનો ઘા સોયથી ટળી જાય

સંવત ૨૦૮૧ નું વર્ષ આપના માટે સાનુકૂળતાવાળું બની રહે. વર્ષારંભે ગુરૂની પ્રતિકૂળતા આપને ચિંતા-ઉચાટ-પરેશાની રખાવડાવે પરંતુ શનિનું ભ્રમણ આપના માટે લાભદાયી બની રહે. ૨૯ માર્ચથી શનિની સાડા સાત વર્ષની પનોતીનો છેલ્લો અઢી વર્ષનો તબક્કો ચાંદીના પાયે શરૂ થઈ રહ્યો છે જે આપના માટે લાભદાયી રહેશે. વૈશાખ વદ- બીજથી ગુરૂ સાનુકૂળ થતા વધુ રાહત થતી જાય.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષારંભથી લઈને વૈશાખ વદ- બીજ તા. ૧૪-૫ સુધી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળું છે તેથી આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ આપે ધ્યાન રાખવું પડે. જૂની બીમારીમાં-વારસાગત બીમારીમાં આપે સંભાળવું વડે. આપની બેદરકારીના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. આંખોમાં, મોં-ગળામાં, છાતીમાં દર્દ-પીડાનો અનુભવ થાય.

જોકે શનિનું પરિભ્રમણ આપને રાહત અપાવડાવે. વર્ષના પ્રારંભે સાડાસાતી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છે. તેમજ ફાગણ વદ અમાસની ત્રીજો અઢી વર્ષનો તબક્કો ચાંદીના પાયે શરૂ થશે. બન્ને તબક્કા આપના માટે સાનુકૂળ રહે. તબીયતમાં આપને સુધારો અપાવે. તેમાં પણ તા. ૧૪ મેથી ગુરૂનું પરિભ્રમણ સારું થતાં આપના સ્વાસ્થ્યમાં ધીરે ધીરે વધુ સુધારો થતો જાય. જૂની વારસાગત બીમારીમાં રાહત રહે. વજનમાં વધારો જણાય. પરંતુ ૧૮ મેથી રાહુના પરિભ્રમણને લીધે આપને માનસિક-પરિતાપ-વ્યગ્રતા રહે.

તા. ૨૮-૭ થી ૧૩-૯ દરમયાન વાહન ધીરે ચલાવવું. પડવા-વાગવાથી-અકસ્માતથી- મચકોડ- ફ્રેકચરથી સંભાળવું પડે. તે સિવાય દાંતમાં, પેઢામાં, જડબામાં, પીઠમાં દર્દ-પીડા અનુભવાય, ગળાની કાકડાની તકલીફ જણાય. તેમ છતાં ગુરૂ- શનિ- રાહનું પરિભ્રમણ સારું હોવાને લીધે શૂળીનો ઘા સોયથી ટળી જાય.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભથી લઈને મધ્ય સુધીનો ભાગ આપના માટે નબળો રહે. આ સમય દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ રહે છે તેથી આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ સંભાળવું પડે. આવકમાં ઘટાડો થાય, પરંતુ જાવક વધતી જાય તેથી આપને નાંણાકીય મુશ્કેલી, આર્થિક સંકડામણનો અનુભવ થાય. વિશ્વાસે ઉધારમાં આપેલા નાંણા ન આવવાથી મુશ્કેલી વધે. આકસ્મિક ખર્ચાઓ- મોટા ખર્ચાઓ આવ્યા કરે. ધનભુવનમાંથી પસાર થઈ રહેલો રાહુ પણ નાંણાકીય બાબતોમાં ચિંતા રખાવે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આવે સાવધાની રાખવી પડે. માતૃ-પિતૃ પક્ષે બીમારી આવી જતા ખર્ચ જણાય. પરંતુ શનિનું પરિભ્રમણ સાનુકૂળ છે તેથી આપને રાહત જણાય. આપના વ્યવહારિક કામ સચવાઈ જાય. નાંણાકીય બાબતોને લીધે આપના કામ અટકી પડે નહીં. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. તા. ૧૪ મેથી થઈ રહેલું ગુરૂનું રાશિ પરિવર્તન આપના માટે સાનુકૂળ રહેશે. તેથી ધીમે ધીમે આવકમાં વધારો જણાય. જૂની ઉઘરાણીના ફસાઈ ગયેલા નાંણા આકસ્મિક જ પાછા આવતા આપને આનંદ થાય. જાવકનું પ્રમાણ ઘટે. ખર્ચ ઘટે. બચત કરી શકો. શેરોમાં લાભ થાય. જૂની પોલીસી પાકતા આપને લાભ જણાય.

તા.૨ ડિસમ્બરથી ૨૫ ડિસેમ્બર દરમ્યાન પરદેશના કામમાં, યાત્રા-પ્રવાસમાં ખર્ચ-ખરીદી જણાય. કૌટુંબિક-પારિવારીક ખર્ચ-ખરીદી રહે. પરંતુ આ સમય દરમ્યાન બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સંભાળવું પડે. ૧૪-૧-૨૦૨૫ થી ૧૨-૨-૨૦૨૫ દરમ્યાન પત્ની માટે ખર્ચ-ખરીદી જણાય. આકસ્મિક ખર્ચના લીધે નાંણાભીડનો અનુભવ થાય. સરકારી-ખાતાકીય કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ, સાંસારિક જીવનની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ નબળો રહે. કુટુંબ-પરિવારની ચિંતા રહ્યા કરે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવો. આકસ્મિક ખર્ચ જણાય. સંયુક્ત માલ-મિલ્કતના પ્રશ્ને ધંધાકીય પ્રશ્ને આપે વાદ-વિવાદ-ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. સંબંધો બગડે નહીં, સંબંધોમાં તિરાડ ન આવી જાય તેની તકેદારી રાખવી પડે. તેમ છતાં શનિ આપના માટે રાહતરૂપ બનીને આવશે. વર્ષની મધ્યથી ગુરૂ સારો થતા પારિવારીક કૌટુંબિક ચિંતા ઓછા થતા જાય. પત્ની સંતાનનો સાથ સહકાર મળી રહે. પુખ્ત ઉંમરના સંતાન આપને, આપના વિચારોને, સંઘર્ષને સમજતાં થાય. તેમનો સાથ-સહકાર મળી રહેતા આપને આનંદમિશ્રિત રાહતની લાગણી અનુભવાય. સંતાનના મહત્વના કામ ઉકેલાતા આપને રાહત થાય. જોકે વર્ષની મધ્યથી રાહુના પરિભ્રમણના લીધે પત્ની સાથે સંઘર્ષ-વિચારોમાં મતભેદ ઉભા થાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?

વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષનો પ્રારંભ મધ્યમ રહે. ગુરૂની પ્રતિકૂળતા ચિંતા પરેસાની રખાવે તો રાહુ-શનિનું પરિભ્રમણ આપને રાહત આપે. નોકરી પર જાય તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરીની ચિંતા આપને સતાવ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેના કામ ન થવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં આપે દગા-વિશ્વાસઘાતથી સંભાળવું પડે. આપની સાથે કામ કરનારા માણસો જ આપની મુશ્કેલી વધારે. કૌટુંબિક-પારિવારીક-સામાજિક વ્યવહારિક કામના લીધે નોકરીમાં મુશ્કેલી પડે. કામમાં વિલંબ જણાય. બેંકમાં નોકરી કરનારે, સરકારી નોકરીમાં હોય તેમણે અથવા નાંણાકીય જવાબદારીનું કામ સંભાળતા હોય તેમણે ખૂબ જ સાવધાની રાખવી પડે. અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. નાંણા ભરવા ન પડે તેની તકેદારી રાખવી.

પરંતુ વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહેતાં આપને રાહત રહે. એક-બે મહત્વના કામનો ઉકેલ આવતા આનંદ થાય.

તા. ૧૪-૫-૨૦૨૫ થી ગુરૂનું પરિવર્તન આપના માટે સાનુકૂળ થતા ધીમે ધીમે આપને રાહત થતી જાય. આપના કામનો ઉકેલ આવતો જાય. રૂકાવટ-વિલંબના લીધે અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામ થઈ શકે. પરદેશની કંપનીમાં કામ કરવાનો મોકો મળે. નોકરીના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આપની બુદ્ધિ-અનુભવ- આવડત- મહેનતથી આપને લાભ-ફાયદો મળી રહે. મહત્વના નિર્ણય લઈ શકો. વાણીની મીઠાશથી કામના ઉકેલમાં કામના ઉકેલમાં સરળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. આવકમાં વધારો થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. તા. ૧૪-૧ થી તા. ૧૨-૨ દરમિયાન સરકારી-ખાતાકીય કામમાં સંભાળવું પડે. અંદરના રાજકારણમાં આપની મુશ્કેલી વધે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય?

વિક્રમ સંવત ૨૦૮૧ ના વર્ષનો પ્રારંભ ઉતાર-ચઢાવવાળો રહે. ગુરૂની પ્રતિકૂળતા મુશ્કેલી અપાવે તો શનિ-રાહુનું પરિભ્રમણ આપને રાહત આપતું જાય. કેટલાક મહત્વના ઓર્ડર પુરા થવાથી આપને રાહત જણાય તો કેટલાક કામમાં આપે રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. જમીન-મકાનના લે-વેચના કામમાં, કન્સ્ટ્રકશનના કામમાં, કન્સ્ટ્રકશનને લગતા માલસામાનના ધંધામાં આપને મુશ્કેલી રહે. જોકે લોખંડ-કેમીકલના ધંધામાં આપને સાનુકૂળતા મળી રહે. તા. ૨-૧૨ થી ૨૮-૧૨ દરમ્યાન ખાણીપીણીના ધંધામાં, રેડીમેડ ગાર્મેન્ટના ધંધામાં, લીડીઝવેર- કોસ્મેટીક્સ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં આપને મુશ્કેલી રહે. માલનો ભરાવો થતાં, બગડી જતાં આપે નુકસાનીનો સામનો કરવો પડે.

વર્ષ પસાર થતું જાય તેમ ગુરૂનું પરિભ્રમણ સારું થતા આપને રાહત થતી જાય. ચાંદીના પાયે શરૂ થઈ રહેલો શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો અઢી વર્ષનો તબક્કો આપના માટે લાભદાયી રહે. જૂની ઉઘરાણીના નાંણા છૂટા થતાં જાય. જૂના ઘરાકો પુનઃ આપની પાસે પાછા આવતા આનંદ થાય. ઘરાકીમાં વધારો થાય. આવક વધે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહેતા કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. ઉંમરલાયક સંતાન ધંધામાં આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. જોકે ૧૮-૫ થી શરૂ થઈ રહેલું રાહુનું પરિભ્રમણ આપને માનસિક-પરિતાપ-વ્યગ્રતા રખાવડાવે. મહત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં વિચારોની દ્વિધા-અસમંજસતા અનુભવે.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગના માટે સંવત ૨૦૮૧ નું વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભે કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે. તેના લીધે નોકરી-વ્યવસાય પર ધ્યાન આપી શકો નહીં. બન્નેની જવાબદારી એકસાથે ઉપાડવામાં, નિભાવવામાં તકલીફ જણાય. જોકે શનિની સાનુકૂળતા આપને પતિનો સહકાર રખાવડાવે.વર્ષ પસાર થાય તેમ ધીમે ધીમે આપને રાહત થતી જાય. ગુરૂ-રાહુ-શનિનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહે. પતિ-સંતાન આપના કાર્યમાં મદદરૂપ થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થવાથી આનંદ-ઉત્સાહ રહે. પરંતુ ૧૬-૯ થી ૧૭-૧૦ દરમ્યાન પતિના આરોગ્ય અંગે આપને ચિંતા-ઉચાટ-ખર્ચ રખાવે. તા. ૧૪-૧ થી ૧૨-૨ દરમ્યાન પતિ સાથે વાદ-વિવાદ ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે. પતિ સાથે કેસ ચાલતો હોય તો આ સમય દરમ્યાન તેમાં આપને મુશ્કેલી રહે.

ઉપસંહાર

વિક્રમ સંવત ૨૦૮૧ નો પ્રારંભ આપના માટે મધ્યમ રહેતો વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે સાનુકૂળ રહેશે. વર્ષના પ્રારંભથી મધ્ય સુધી નોકરી ધંધામાં, સામાજિક-વ્યવહારિક કામમાં કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. નાણાંભીડનો અનુભવ થાય. આપના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. માતૃ-પિતૃ પક્ષના આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે. પરંતુ વર્ષ પસાર થતું થાય તેમ આપને રાહત શાંતિ થતા જાય. રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. આવકમાં વધારો જણાય. જાવકમાં ઘટાડો થાય. બચત થઈ શકે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતા જાય.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે સંવત ૨૦૮૧ નો પ્રારંભ નબળો રહે. તબીયતની અસ્વસ્થતાના લીધે અભ્યાસમાં ધ્યાન આપી શકો નહી. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજ-મસ્તીમાં અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. વ્યસની, ખરાબ સંગતના મિત્રોથી દૂર રહેવું. જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપને અભ્યાસમાં સાનુકૂળતા થતી જાય. કારકિર્દીનું વર્ષ હોય તેમણે કોઈના ભરોસે કે છેલ્લી ઘડીની મહેનત પર નિર્ભર રહેવું નહીં. વર્ષના પ્રારંભથી જ અભ્યાસ અંગેનું આયોજન કરીને તૈયારીઓ શરૂ કરી દેવી. કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. પરંતુ લાગણી-મિત્રતાના ચક્કરમાં અટવાઈ ન જાવ તેની તકેદારી રાખવી. અભ્યાસાર્થે પરદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પ્રગતિ જણાય.


Google NewsGoogle News