Get The App

વૃષભ (બ.વ.ઉ.) :નોકરિયાત વર્ગને ફળશે આગામી વર્ષ, સારા પદ-ઓફર મળવાની શક્યતા, ધંધો શરૂ કરશો તોય લાભ

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
વૃષભ (બ.વ.ઉ.) :નોકરિયાત વર્ગને ફળશે આગામી વર્ષ, સારા પદ-ઓફર મળવાની શક્યતા, ધંધો શરૂ કરશો તોય લાભ 1 - image


- વિક્રમ સંવત 2081ના વર્ષનો પ્રારંભ આપના માટે સાનુકુળતાવાળો રહે. નવી કાર્યરચનાથી આનંદ-ઉત્સાહ

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ આપના માટે સાનુકુળતાવાળું બની રહે. રાહુ તેમજ ગુરૂનું પરિભ્રમણ આપને સહાયરૂપ રહે. શનિની પનોતી નથી પરંતુ શનિનું પરિભ્રમણ વર્ષની મધ્યથી પ્રતિકૂળ થતાં આપને માટે થોડી મુશ્કેલી ઉભી કરશે. પરંતુ ગુરૂના લીધે આપને રાહત રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહે. વજનમાં વધારો જણાય. શારિરીક સુદ્રઢતા વધે. જૂની બીમારીમાં, વારસાગત બીમારમાં આપને રાહત થતી જાય. પરંતુ માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. ચિંતાજનક નથી.પરંતુ ચૈત્ર માસથી શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને થોડી ચિંતા કરાવડાવે. પીઠ-કમર-ખભાના ભાગમાં, દર્દ-પીડા જણાય. વિશેષ કરીને ગરદન-ખભા-બોચીના ભાગમાં મોમાં સંભાળવું પડે.માગશર તથા પોષ માસ દરમ્યાન આપે ચર્મરોગથી સંભાળવું પડે તે સિવાય બહારનું ખાવા-પીવાના લીધે ફુડ પોઇઝન ના થાય તેની તકેદારી રાખવી. ગુપ્તરોગની તકલીફથી સંભાળવું પડે. ચૈત્ર વદ એકમથી આંખોની તકલીફ જણાય.તા. ૬ જૂનથી તા. ૨૮ જુલાઈ સુધીના સમય દરમ્યાન રક્ત સંબંધી બીમારીની તકલીફ રહે. જેમને હાઈબીપીની તકલીફ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી પડે. તે સિવાય છાતીમાં દર્દ-પીડા ગભરામણ ચક્કરની તકલીફ થાય.

ટૂંકમાં વર્ષ દરમ્યાન એકંદરે સ્વાસ્થ્ય સારું રહે. સીઝનલ વાયરલ બીમારી સિવાય મોટી કોઈ તકલીફ જણાય નહીં.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ સારું પસાર થાય. આપની આવકમાં વધારો થાય. જૂની ઉઘરાણીના નાણા છૂટા થવાથી રાહત થતી જાય. શેરોમાં આકસ્મિક લાભ થવાથી આર્થિક વૃધ્ધિ જણાય. વીમાના કે અન્ય પૈસા આવવાથી આનંદ રહે. પુનઃ વ્યવસ્થિત રીતે તેનું રોકાણ કરી દેવું. વર્ષની મધ્યથી કૌટુંબિક પારિવારીક, સામાજિક વ્યવહારિક કામકાજમાં ખર્ચ ખરીદી જણાય. પરંતુ આનંદ અનુભવાય. દિવાળીના સમય દરમ્યાન પરદેશના કામનો ઉકેલ આવતાં આપના નાણા છૂટા થાય અને આપને લાભ ફાયદો જણાય. પત્ની પુખ્ત વયના સંતાનો ઘરની આવકમાં વૃધ્ધિ થાય તેના માટે આપને મદદરૂપ થવાના પ્રયાસો કરે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ આપનું આ વર્ષ આનંદમાં પસાર થાય. અવિવાહીત સંતાનના વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને જેમને સંતાન ન હોય તેમને સંતાનપ્રાપ્તિના યોગ ઉભા થાય કે સંતાન પ્રાપ્તિ થવાથી કુટુંબ પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. જો કે વર્ષ પસાર થતું જાય તેમ આપને કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા રહે. ખર્ચ જણાય. પરંતુ આનંદ થાય. સંયુક્ત માલ-મિલકત ધંધાના પ્રશ્ને સાનુકુળતા થતી જાય. સાંસારિક જીવનમાં પત્ની સાથે વાદ-વિવાદ-મનદુઃખ થયો હોય તો તે દૂર થાય. પુનઃ સાથે રહેવાના યોગ ઉભા થાય. વિધુર કે વિધવા હોય તેમને કુટુંબ પરિવારના આગ્રહવશ બીજા લગ્નના સંજોગો ઉભા થાય. પરંતુ વર્ષની મધ્યથી શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ સંતાનની પિતૃપક્ષની આપને ચિંતા રખાવે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?

વર્ષ દરમ્યાન ગુરૂનું સાનુકુળ થતા મધ્યમ પરિભ્રમણ આપના માટે સારું રહે. રાહુનું પરિભ્રમણ પણ સાનુકુળ રહે. નોકરીમાં આપના માટે નવી તક ઉભી થાય. જ્યાં હોય ત્યાં જ કે અન્ય જગ્યાએથી સારા પદ, પગારની ઓફર આવે. નોકરી છોડી પોતાની રીતે નવી શરૂઆત કરી હોય તો તેમાં પણ આપને માટે સાનુકુળ સંજોગો ઉભા થાય. પરદેશની કંપનીમાં કે નોકરી માટે પરદેશ જવાના પ્રયત્નો કરતાં હોવ તો તેમાં સફળતા મળી રહે. ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. કામ કરવાના ઉત્સાહમાં વધારો જણાય. બહારગામ હોવ તો પુનઃપાછા આવવાના યોગ ઉભા થાય. બઢતી બદલીનો

પ્રશ્ન ઉકેલાય.

પરંતુ વર્ષની મધ્યથી શનિનું પરિભ્રમણ પ્રતિકૂળ થાય છે તેમજ ગુરૂ મધ્યમ થાય છે તેથી આપને નોકરીમાં રૂકાવટ મુશ્કેલીનો સામનો કરવો પડે. રાહુનું પરિભ્રમણ પણ આપના કામમાં વિલંબ રખાવડાવે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ, હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના, આપના કાર્યને બગાડવાના પ્રયાસ કરે. કોઇની ખોટી ચડવણીના લીધે ઉપરીવર્ગથી ઠપકો સાંભળો પડે કે સહકાર્યકરવર્ગ, નોકરી ચાકરવર્ગ સાથે ગેરસમજ ઉભી થાય. તેમ છતાં આપના કાર્યનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી આપને રાહત રહે. કૌટુંબિક-પારિવારીક ધંધામાં, સંયુક્ત ધંધામાં આપને દોડધામ-શ્રમ જણાય. સરળતાથી કામ ઉકેલવામાં તકલીફ જણાય. તા. ૧૩-૪-૨૦૨૫થી ૧૮-૫-૨૦૨૫ના સમય દરમ્યાન સરકારી ખાતાકીય તપાસથી આપે સંભાળવું પડે. કોર્ટ કચેરીના પ્રશ્ને આપે ઉતાવળ કરવી નહીં.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ વિક્રમ સંવત ૨૦૮૧નો પ્રારંભ આપના માટે સારો રહે. મહત્વના કામો ઉકેલાતા જાય. ધંધાકીય નવું કોઈ આયોજન વિચારી રહ્યા હોવ તો તેમાં પ્રગતિ જણાય. ધંધો વધારવાની ઇચ્છા હોય, નવું યુનિટ શરૂ કરવાની ઇચ્છા હોય તો તે થઇ શકે. ધંધામાં નવા ઓર્ડર મળતાં આનંદ રહે. જૂના ગ્રાહક પુનઃ આપનીપાસે આવતાં કામ કરવાનો ઉત્સાહ વધે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા રહે. લાભ-ફાયદો મળ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી રહેતાં આવકમાં વધારો જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. પુખ્તવયના સંતાન આપની સાથે ધીરે ધીરે ધંધાની આવડત કુનેહ શીખતાં જાય અને આપને મદદરૂપ થવાની કોશિષ કરે.

પરંતુ ૨૯ માર્ચથી શનિનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ થાય છે જેથી આપને ધંધામાં તકલીફ જણાય. વૈશાખ વદ છઠથી રાહુનું પરિભ્રમણ કર્મસ્થાનમાં શરૂ થવાથી આપને મુશ્કેલી જણાય. કામ થતાં થતાં અટકી જાય, કામમાં વિલંબ જણાય. કોઇની ભૂલના ભોગ તમારે ના બનવું પડે તેનું ધ્યાન રાખવું પડે. તેમ છતાં ગુરૂ ગ્રહ આપને રાહત આપે.

તા. ૩૧-૫થી તા. ૨૯-૬ સુધી ખાણીપીણીના ધંધામાં, રેડીમેડ ગારમેન્ટસ, લેડીઝ વસ્તુઓ, કોસ્મેટીક્સ, ટ્રાવેલ્સના ધંધામાં આપે નુકસાનીથી સંભાળવું પડે. તા. ૬-૬-૨૫થી ૨૮-૭-૨૫ સુધી આપે જમીન-મકાન, ખેતી, કન્સ્ટ્રકશનના માલસામાનના ધંધામાં, ઇલેક્ટ્રીક, મેડીકલ સર્જીકલ માલ-સામાનના ધંધામાં આપને રૂકાવટ મુશ્કેલીનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરી થયેલી હોય તો આપે ધ્યાન રાખવું. બહારથી ઉધારી વ્યાજે નાણા લીધેલા હોય તો આ સમય દરમ્યાન આપની મુશ્કેલીમાં વધારો થાય.

સ્ત્રી વર્ગ

સ્ત્રીવર્ગને વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ એકંદરે સારું રહે. પતિ-સંતાનના સાથ સહકારથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. પતિ સાથે વાદ-વિવાદ ગેરસમજ, મનદુઃખ થયા હોય, જુદાં રહેતાં હોય તો સમાધાનના યોગ ઉભા થાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. વ્યવસાયી નોકરીયાત મહિલાઓને સ્થળ-સ્થાનની ફેરફારીના યોગ આવે. ધંધામાં ઘરાકી વધતા આનંદ રહે. પરંતુ વર્ષની મધ્યથી કૌટુંબિક પારિવારીક, સામાજિક વ્યવહારિક કામના લીધે દોડધામ વ્યસ્તતામાં વધારો થાય. સંતાનની પિતૃપક્ષની ચિંતા અનુભવાય. વ્યવસાય નોકરીમાં હરિફવર્ગનો ઇર્ષ્યા કરનારવર્ગનો સામનો કરવો પડે. જો કે ગુરૂનું પરિભ્રમણ આપને થોડી રાહત રખાવે.

ખેડૂત વર્ગ

ખેડૂત વર્ગ માટે વર્ષના પ્રારંભ સાનુકુળ રહે. સમયસર બીજ બીયારણ મળી રહેતા, વરસાદ-પાણીની સગવડ થતાં પાક સારો થાય. પાકની કિંમત સારી મળે. નવી જમીન ખેતર લેવાની ઇચ્છા હોય તો તેમાં સાનુકુળતા જણાય. નાણાંની સગવડ થવાથી તે કાર્ય પાર પાડી શકો. ખેતીના સાધનો, ટ્રેકટર કે અન્ય જરૂરિયાતની વસ્તુ વસાવી શકો. પરંતુ વર્ષની મધ્યમથી આપને પ્રતિકૂળતા રહે. વધુ પડતી ગરમી, વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી, વરસાદ-પાણીની ઉણપથી પાક બળી જાય કે પાકમાં જીવાત પડી જતાં આપને મહેનત બરબાદ થાય. ભાગીદારીમાં કે માણસ રાખીને કામ કરાવતા હોય તો આપની મુશ્કેલી વધે. છેલ્લી ઘડીએ ભાગીદાર ફરી જતાં કે માણસ ન મળી રહેતાં કામમાં વિલંબ જણાય. દોડધામ શ્રમમાં વધારો થાય.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષનો પ્રારંભ આપના માટે સાનુકુળતાવાળો રહે. નવી કાર્યરચનાથી આનંદ-ઉત્સાહ રહે. સ્થળ સ્થાનની, પદની ફેરફારી શક્ય બને. અવિવાહિતવર્ગને વિવાહ-લગ્ન થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. પરદેશગમનના યોગ ઉભા થાય. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ મધ્યમ થતું જાય. જેટલી સરળતાથી વર્ષારંભે કાર્યો થતાં હતા તે થાય નહીં. કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીના લીધે કામમાં વિલંબ જણાય. આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ સારું રહે. કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. ચૈત્ર માસથી પિતૃપક્ષ માતૃપક્ષની ચિંતા આપને રહ્યા કરે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે વર્ષનો પ્રારંભ સારો રહે. મહેતનના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત કરી શકો. મનગમતી લાઈનમાં જઇ શકાય વિષય પસંદગી થઇ શકે. પરંતુ લાગણી-મિત્રતાના ચક્કરમાં અભ્યાસને અસર ના થાય તેની કાળજી રાખવી પડે. અભ્યાસાર્થે પરદેશ જવાનું આયોજન થાય. પરંતુ વર્ષની મધ્યથી આપે અભ્યાસમાં વિશેષ કાળજી રાખવી પડે. પરીક્ષા સમયે આપે હતાશા નિરાશાથી સંભાળવું પડે. મહેનતના પ્રમાણમાં પરિણામ મેળવવામાં મુશ્કેલી પડે. ધાર્યું પરિણામ પ્રાપ્ત કરવા માટે આપે મહેનતના પ્રમાણમાં વધારો કરવો પડે. માતૃ-પિતૃપક્ષની ચિંતાના લીધે અભ્યાસમાં રૂકાવટ વિલંબ જણાય. તણાવમાં મન લાગે નહીં. વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓ વિશેષ કાળજી રાખવી. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિષય પસંદગીમાં લાઈન પસંદગીમાં ઉતાવળ કરવી નહીં.


Google NewsGoogle News