Get The App

સમય સાથે દિવાળી પર્વની પૌરાંણિક પરંપરા ધીમે-ધીમે વિસરાઈ રહી છે, જાણો શું છે આવી પ્રથા પાછળનું કારણ

અત્યારે બેસતાં વર્ષની સવારે મીઠું આપવા માટે આવે છે પરંતુ પહેલાના સમયમાં મીઠાની સાથે દહીં અને કંકુ પણ આપવા માટે આવતાં હતા

થાળી અને વેલણ વગાડતાં વગાડતાં ઘરની સાફ-સફાઈ કરીને કચરો નીકળવામાં આવતો હતો

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
સમય સાથે દિવાળી પર્વની પૌરાંણિક પરંપરા ધીમે-ધીમે વિસરાઈ રહી છે, જાણો શું છે આવી પ્રથા પાછળનું કારણ 1 - image
Image Social Media

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2023, મંગળવાર 

આજે ટેકનોલોજીના યુગમાં લોકો ભૂતકાળની ઘણી બધી પરંપરાઓ ભૂલી રહ્યા છે. જો કે, પરિવર્તનએ સંસારનો નિયમ છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ મહત્વની બાબત એ છે આ પરંપરા ભૂલાતા સાથે સાથે હવે ક્યાંક ભુસાઈ ન જાય તે માટે પૌરાંણિક પરંપરાઓ જાણવી જરૂરી છે. આજે ઘણી બધી બાબતો આપણે ભૂલી રહ્યા છીએ, તહેવારોમાં પણ સમયની સાથે ઘણા બધાં ફેરફાર આવ્યા છે. દિવાળીમાં પણ પહેલાના સમયમાં ઘણી બધી એવી પરંપરાઓ હતી જે આજે વિસરાઈ ગઈ છે. ત્યારે ચાલો ત્યારે આજે તહેવારોના દિવસોમાં એવી કેટલીક પરંપરાઓને ફરી તાજી કરીએ....

સબરસની સાથે દહીં અને કંકુ પણ આપવામાં આવતું 

અત્યારે બેસતાં વર્ષની સવારે મીઠું આપવા માટે આવે છે પરંતુ પહેલાના સમયમાં મીઠાની સાથે દહીં અને કંકુ પણ આપવા માટે આવતાં હતા, અત્યારે કંકુ અને દહીં ભૂલાઈ ગયા છે. આ મીઠાને સબરસ તરીકે આપવામાં આવે છે, તેનો એક અર્થ એવો પણ છે કે, આવનારા વર્ષમાં તમારા જીવનમાં બધાં રસ રહે.

અળસ જાયને લક્ષ્મી આવે

કાળીચૌદશની રાત્રે આપણે બાજરીના વડા બનાવીને ચાર દિશામાં અલગ અલગ જગ્યાએ ફેંકીએ છીએ એ તો જાણીતી વાત છે, પરંતુ પહેલાંના સમયમાં આ સિવાય થાળી અને વેલણ વગાડતાં વગાડતાં ઘરની સાફ-સફાઈ કરીને કચરો નીકળવામાં આવતો હતો અને તેને દૂર એક જગ્યાએ ફેંકવામાં આવતો હતો. આ સાથે જ્યારે કચરો ફેકવા જતા હોઈએ ત્યારે અને પાછાં ફરતી વખતે પાછળ વળીને જોવામાં આવતું નહીં. આ સમયે ‘અળસ જાયને લક્ષ્મી આવે' એવું બોલવામાં આવતું.

આગડી માગડી ઘી પૂરાવો, ઘીના હોય તો તેલ પૂરાવો

દિવાળીના દિવસે સાંજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેરાયાની પ્રથા પ્રચલિત હતી, જેને લોકો કાગ માગડી કે ગાગ માગડી પણ કહેતા હતા.. ખીજડાના વૃક્ષની લાકડીના એક છેડે કપડું મૂકી એને માટીથી લીંપવામાં આવે છે. જ્યારે સાંજ પડે અને અંધારું થાય ત્યારે તેમાં તેલ પૂરી વાટ સળગાવી લોકોના ઘરે ઘરે ફરીને, સાથે મેર મેરૈયા તેલ પુરાવો, આજ દિવાળી કાલ દિવાળી, તેલ પૂરાવે તેને તેર દીકરા વગેરેનો સાદ પાડવામાં આવતો હતો. આમ લોકો તેલ પુરાવી દીવાને અજવાળે અજવાળે રાતના અંધારામાં ગામમાં ફરતા. છેલ્લે ગામના પાદરે જઈ રેતમાં લાકડી રોપ્યા બાદ બાળકો આનંદ સાથે ફટાકડા ફોડતા.

બેસતા વર્ષે મહાલક્ષ્મી કે કુળદેવીના મંદિરે દર્શન કરીને જ દિવસ શરૂ થતો 

પહેલા લોકો બેસતા વર્ષના દિવસે સૌથી પહેલાં સવારે વહેલા 4 વાગે ઉઠી તૈયાર થઈ મહાલક્ષ્મી કે કુળદેવીના મંદિરે દર્શન કરીને જ દિવસની શરૂઆત કરતા હતા, અને ત્યારબાદ જ વડીલોને પગે લાગતા અને આશિર્વાદ લેતા હતા. મહાલક્ષ્મી કે કુળદેવીના દર્શન કરવા પહેલાના સમયમાં ફરજિયાત હતા પરંતુ હવે આ પ્રથા ધીમે ધીમે વિસરાઈ રહી છે.

વર્ષનો વરતારો નક્કી કરવામાં આવતો

પોળોમાં રહેતા લોકો નવા વર્ષના દિવસે બ્રાહ્મણને બોલાવતા હતા અને તેમની પાસે આવનારા વર્ષ વિશેની માહિતી જાણતા, જેમાં નવા વર્ષમાં વેપાર ધંધા કેવા રહેશે, ખેતી અને વરસાદ કેવો રહેશે વગેરે જાણતા હતા. આ પ્રથાને વર્ષનો વરતારો કહેવામાં આવતો હતો. પરંતુ આ પ્રથા પણ હવે વિસરાઈ રહી છે.



Google NewsGoogle News