પિતૃ પક્ષ 15 દિવસના જ કેમ હોય છે? જાણો તેમાં તર્પણનું મહત્વ અને લાભ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
પિતૃ પક્ષ 15 દિવસના જ કેમ હોય છે? જાણો તેમાં તર્પણનું મહત્વ અને લાભ 1 - image


                                                              Image Source: Twitter

અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર 2023 શનિવાર

પિતૃ પક્ષ પિતૃઓને સમર્પિત છે. આ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પંચાંગ અનુસાર પિતૃપક્ષની શરૂઆત ભાદરવા મહિનાની પૂનમથી થાય છે અને આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ પર તેનું સમાપન થાય છે. 

પિતૃ પક્ષ 2023 ક્યારથી શરૂ થશે?

પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. આ વખતે પિતૃ પક્ષ 15 દિવસ મોડા શરૂ થશે. જાણો પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે, માંગલિક કાર્ય પર ક્યારથી રોક લાગશે અને શ્રાદ્ધની તૈયારીઓ. 

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ રહી છે. તેનું સમાપન આસો કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ થાય છે. અમાસ તિથિ આ વખતે 14 ઓક્ટોબરે છે. 

પિતૃ પક્ષ 15 દિવસ મોડા શરૂ થશે

પિતૃ પક્ષ આસો અમાસે પૂર્ણ થાય છે આને સર્વ પિતૃ અમાસ કહેવાય છે. અધિક માસના કારણે આ વર્ષે શ્રાવણ બે મહિનાનો હતો. તેના કારણે તમામ વ્રત-તહેવાર 12થી 15 દિવસ મોડા શરૂ થશે. સામાન્યરીતે પિતૃ પક્ષ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ જાય છે પરંતુ આ વર્ષે પિતૃ પક્ષ સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે અને ઓક્ટોબરના મધ્ય સુધી ચાલશે. 

પિતૃ પક્ષનું મહત્વ

પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને તેમનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન ન માત્ર પિતૃઓની મુક્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે પરંતુ તેમના પ્રત્યે પોતાનું સન્માન પ્રગટ કરવા માટે પણ કરવામાં આવે છે. પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક પોતાના પૂર્વજોને જળ અર્પણ કરવાનો નિયમ છે. 

યમરાજ 15 દિવસ માટે આત્માને મુક્તિ આપે છે

શ્રાદ્ધનો અર્થ શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો છે. સનાતન માન્યતા અનુસાર જે પરિજન પોતાનો દેહ ત્યાગીને ચાલ્યા ગયા છે, તેમની આત્માની તૃપ્તિ માટે સાચી શ્રદ્ધા સાથે જે તર્પણ કરવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરી દે છે જેથી તેઓ સ્વજનોના ત્યાં જઈને તર્પણ ગ્રહણ કરી શકે. પરિણીત, અપરિણીત, બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ જે કોઈનું મૃત્યુ થઈ ચૂક્યુ હોય તેમને પિતૃ કહેવામાં આવે છે. પિતૃપક્ષમાં મૃત્યુલોકથી પિતૃ પૃથ્વી પર આવે છે અને પોતાના પરિવારના લોકોને આશીર્વાદ આપે છે. પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે તેમને તર્પણ કરવામાં આવે છે. પિતૃઓના પ્રસન્ન થવા પર ઘરે સુખ શાંતિ આવે છે. 

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ ન કરવાથી શું થાય છે

પિતૃપક્ષમાં દર વર્ષે પિતૃઓના નિમિત્ત પિંડદાન, તર્પણ અને હવન વગેરે કરવામાં આવે છે. તમામ લોકો પોત-પોતાના પૂર્વજોની તિથિ અનુસાર તેમનું શ્રાદ્ધ કરે છે. માનવામાં આવે છે કે જે લોકો પિતૃપક્ષમાં પિતૃઓનું તર્પણ કરતા નથી તેમને પિતૃદોષ લાગે છે. શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને તૃપ્તિ અને શાંતિ મળે છે. તેઓ તમારા પર પ્રસન્ન થઈને સમગ્ર પરિવારને આશીર્વાદ આપે છે. દર વર્ષે લોકો પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે ગયા જઈને પિંડદાન કરે છે. 

આપણા શરીરમાં ત્રણ પેઢીઓ વાસ કરે છે

શ્રાદ્ધ કરનારને એ પણ જાણકારી હોવી જોઈએ કે 3 પેઢીઓ આપણા શરીરમાં અપ્રત્યક્ષ રીતે વાસ કરે છે. આપણા માતા-પિતા, દાદા-દાદી, પરદાદા-પરદાદી, વૃદ્ધ પરદાદા-વૃદ્ધ પરદાદી આ 3 સૂક્ષ્મ પ્રાણીઓનું શરીર આપણા શરીરમાં રહે છે અને આપણો અધિકાર 3 પેઢીઓ સુધી રહે છે. શ્રાદ્ધને આપણે તેમના પ્રસ્તુતિ સમયમાં જ કરવુ તે સમય બપોર બાદનો હોય છે. તે સમયે પિતૃઓનો સમય હોય છે. તે સમયાનુસાર ચાલવુ આપણા માટે યોગ્ય રહે છે. 

માંગલિક કાર્ય થતા નથી

પિતૃઓને સમર્પિત આ દિવસોમાં દરેક દિવસ તેમના માટે ભોજન બનાવવામાં આવે છે. આ સાથે જ તેમની તિથિ પર બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. આ 15 દિવસોમાં કોઈ શુભ કાર્ય જેમ કે ગૃહ પ્રવેશ, મુંડન, લગ્ન કરવામાં આવતા નથી. આ સાથે જ આ દિવસોમાં કોઈ નવા કપડા ખરીદી શકાતા નથી અને પહેરવામાં પણ આવતા નથી. પિતૃ પક્ષમાં લોકો પોતાના પિતૃઓના તર્પણ માટે પિંડદાન, હવન પણ કરાવે છે.

શાસ્ત્રોમાં શ્રાદ્ધનું મહત્વ

ગરુડ પુરાણ અનુસાર પિતૃ પૂજનથી સંતુષ્ટ થઈને પિતૃ મનુષ્યો માટે આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે. માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધથી તૃત્પ થઈને પિતૃગણ શ્રાદ્ધકર્તાને લાંબુ આયુષ્ય, સંતતિ, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ આપે છે. બ્રહ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ શાક દ્વારા પણ શ્રદ્ધા-ભક્તિથી શ્રાદ્ધ કરે છે, તેમના કુળમાં કોઈ પણ દુખી થતુ નથી. દેવસ્મૃતિ અનુસાર શ્રાદ્ધની ઈચ્છા કરનાર પ્રાણી નિરોગી, સ્વસ્થ, દીર્ઘાયુ, યોગ્ય સંતતિવાળુ, ધનવાન તથા ધનોપાર્જક થાય છે. શ્રાદ્ધ કરનાર મનુષ્ય વિવિધ શુભ લોકો અને પૂર્ણ લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે. 

શ્રાદ્ધની વિધિ

હિંદુ-શાસ્ત્રો અનુસાર મૃત્યુ થવાથી મનુષ્યનો જીવાત્મા ચંદ્રલોક તરફ જાય છે અને ઊંચે ઉઠીને પિતૃલોકમાં પહોંચે છે. આ મૃતાત્માઓને પોતાના નક્કી સ્થાન સુધી પહોંચવાની શક્તિ પ્રદાન કરવા માટે પિંડદાન અને શ્રાદ્ધની વિધિ હોય છે. 

આ રીતે કરો શ્રાદ્ધ

પિતૃપક્ષમાં દરેક દિવસે તર્પણ કરવુ જોઈએ. પાણીમાં દૂધ, જવ, ચોખા અને ગંગાજળ નાખીને તર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન પિંડ દાન કરવુ જોઈએ. 

શ્રાદ્ધ કર્મમાં રાંધેલા ચોખા, દૂધ અને તલને મેળવીને પિંડ બનાવવામાં આવે છે. પિંડને શરીરનું પ્રતીક માનવામાં આવે છે. 

આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, વિશેષ પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરવા જોઈએ નહીં. જેથી દેવતાઓની નિત્ય પૂજાને બંધ કરવી જોઈએ નહીં. 

શ્રાદ્ધ દરમિયાન પાન ખાવા, તેલ લગાવવાની મનાઈ છે. આ દરમિયાન રંગીન ફૂલોનો ઉપયોગ પણ વર્જિત છે. 

પિતૃ પક્ષમાં ચણા, મસૂર, રીંગણ, હીંગ, લસણ, ડુંગળી અને કાળુ મીઠુ પણ ખાવામાં આવતુ નથી. 

આ દરમિયાન ઘણા લોકો નવા વસ્ત્ર, નવા ભવન, ઘરેણા કે અન્ય કિંમતી સામાન ખરીદતા નથી. 


Google NewsGoogle News