શુક્રવાર અને 13 તારીખનો સંયોગ પશ્ચિમી દેશોમાં અપશુકનિયાળ, પરંતુ સનાતન ધર્મમાં મહત્ત્વનો
Image Twitter |
Combination of the 13th and Friday: આજે શુક્રવાર અને 13 તારીખ છે, જેને દુનિયાના અનેક દેશોમાં અપશુકનિયાળ માનવામાં આવે છે, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં. લોકો આજના દિવસે મહત્ત્વના કામ કરતા નથી, બિનજરૂરી ઘરની બહાર નીકળતા નથી, મુસાફરી કરતા નથી, કેમ કે શુક્રવાર અને 13 ના આંકડાનો સંયોગ અશુભ હોવાથી કામ બગાડશે, જોખમ નોંતરી લાવશે, એવી એક માન્યતા જનસમૂહના મનમાં ઘર કરી ગઈ છે. સદીઓથી ચાલી આવતી આ માન્યતાને કોઈ આધાર છે ખરો કે પછી દંતકથાઓ અને અંધશ્રદ્ધાઓને લીધે જ એનું ચલણ છે? ચાલો, જાણીએ.
13ના આંકડા પ્રતિ પશ્ચિમની પ્રજાનો અણગમો
યુરોપ અને અમેરિકાના મોટાભાગના લોકો 13 નંબરથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ આંકડાને એટલી હદે અપશુકનિયાળ માનવામાં આવે છે કે લોકો ઘરના સરનામા અને વાહનના નંબરોમાં 13 નંબર ભૂલેચૂકેય ન આવી જાય એનું ધ્યાન રાખે છે. હોટલોમાં 13 નંબરના રૂમમાં કોઈ રોકાતું નથી એટલે અનેક હોટલોમાં 13 નંબરનો રૂમ હોતો જ નથી. ઘણી ઈમારતોમાં તો 13મો માળ પણ રાખવામાં આવતો નથી. ડાઈનિંગ ટેબલ પર 13 ખુરશીઓ રાખવામાં આવતી નથી. 13 તારીખે લોકો કોએ કોઈ મહત્ત્વનું કામ નથી કરતા, અને બિનજરૂરી મુસાફરી પણ નથી કરતા. ખાસ કરીને અકસ્માતના ડરથી લોકો હવાઈ મુસાફરી કરવાનું ટાળે છે. તેથી અમુક એરલાઈન્સ તો 13 તારીખે ટિકિટના ભાવમાં સારુંએવું ડિસ્કાઉન્ટ પણ આપે છે.
આ પણ વાંચો : આજે શુક્ર પ્રદોષ વ્રત, એક ઉપાય કરવાથી ઘરમાં અન્ન-ધાનનો ભંડાર લાગી જશે
શુક્રવાર પણ નથી ગમતો
ઘણા લોકો, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકો, શુક્રવારને પણ અશુભ ગણીને એ દિવસ સાથે 13ના આંકડા સાથે કરાય છે એવું જ ઓરમાયું વર્તન કરે છે. લોકો કોઈ નવું કામ હાથ પર નથી લેતા, મોટી નાણાંકીય લેવડદેવડ નથી કરતા, શુભપ્રસંગો પણ નથી ઉજવતા. એમાંય 13 તારીખે શુક્રવાર આવતો હોય તો તો પત્યું! લોકો એ દિવસે રીતસરના ડરીને રહે છે. અશુભ તારીખ અને વારનો 'ફ્રાઈડે ધ થર્ટિન્થ’ કહેવાતો સંયોગ એમને જરાય નથી ગમતો.
માન્યનાના મૂળમાં છે સદીઓ પુરાણી ઘટનાઓ
'ફ્રાઈડે ધ થર્ટિન્થ’ની અંધશ્રદ્ધાના મૂળ છેક ઈસુ ખ્રિસ્તના કાળખંડ સુધી જાય છે. અમુક કારણો જોઈએ તો…
- જુડાસ નામના જુવાનિયાએ ઈસુને દગો દીધો હતો. જુડાસ ઈસુનો 13મો શિષ્ય હતો. બધા ‘ધ લાસ્ટ સપર’ (છેલ્લા ભોજન) માટે ભેગા થયા ત્યારે જુડાસ સૌથી છેલ્લે પહોંચ્યો હતો, કેમ કે ઈસુ વિરુદ્ધ કરાયેલા કાવતરાંમાં તે સંડોવાયેલો હતો. આ માન્યતાને કોઈ આધાર નથી, પણ 19મી સદીમાં આવી દંતકથા ફેલાઈ હતી અને આજ સુધી ચાલતી રહી છે.
- ઈસુ ખ્રિસ્તને જે દિવસે વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા, એ દિવસે શુક્રવાર હતો. આ બંને કારણોસર 13ના આંકડા અને શુક્રવારને અશુભ માનવામાં આવે છે, અને બંનેનો સંયોગ તો સૌથી ખરાબ ગણાય છે.
- અમેરિકામાં 19મી સદીમાં ગુનેગારોને મોટા પ્રમાણમાં ફાંસીની સજા થતી. લગભગ તમામ ફાંસીની ઘટનાઓ શુક્રવારે જ બનતી હતી. તેથી, પરંપરાગત રીતે શુક્રવારને ફાંસીનો દિવસ માનવામાં આવતો.
- શુક્રવાર 13 ઓક્ટોબર, 1307ના રોજ ફ્રાન્સમાં સેંકડો નાઈટ્સ ટેમ્પ્લર (ધાર્મિક સિપાહીઓ) માર્યા ગયા હતા. વર્ષ 2003ના પ્રગટ થયેલી બેસ્ટસેલર નવલકથા 'ધ દા વિન્સી કોડ'ને લીધે આ માન્યતા વ્યાપક બની.
અંધશ્રદ્ધા ફેલાવવામાં કારણભૂત બની એક ફિલ્મ!
1980માં 'ફ્રાઈડે ધ થર્ટીન્થ' નામની સ્લેશર-હોરર ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શુક્રવાર અને 13 તારીખનો સંયોગ ખતરનાક છે, એવું બતાવાયું હતું. આ ફિલ્મ એટલી જબરદસ્ત હિટ થઈ હતી કે તેની 2-4 નહીં પૂરી 12 સિક્વલ બની. એ પછી તેની સીરિઝો અને નાટકો પણ બન્યા. ફિલ્મની અધધધ સફળતાને કારણે પણ 13મી તારીખ અને શુક્રવારનો સંયોગ અપશુકનિયાળ હોવાની માન્યતા વધુ પ્રચલિત થઈ.
આગમાં ઘી નાંખવામાં સાહિત્યનો પણ ફાળો
14મી સદીમાં પ્રખ્યાત અંગ્રેજી લેખક જ્યોફ્રી ચોસરે 'ધ કેન્ટરબરી ટેલ્સ' નામે વાર્તાસંગ્રહ તૈયાર કર્યો હતો, જેમાં તેમણે શુક્રવાર અશુભ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પછી તો એ જમાનામાં ઘણી સાહિત્યિક કૃતિઓમાં આ માન્યતા ઘોળવામાં આવી હતી. એટલી હદે કે મોટાભાગના લેખકોએ શુક્રવારે કોઈ નવી વાર્તા કે નવલકથા લખવાનું શરૂ નહોતા કરતા કે એના માટેના કોન્ટ્રાક્ટ પર સહી પણ નહોતા કરતા.
સનાતન ધર્મ આ બાબતે શું કહે છે?
પશ્ચિમી દેશો ભલે ગમે તે અંધશ્રદ્ધા ધરાવતા હોય, પણ સનાતન ધર્મમાં 13 તારીખને ખરાબ માનવામાં આવતી નથી. બલ્કે, શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈપણ મહિનાની 13 તારીખ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે 13મો દિવસ ત્રયોદશી ગણાય છે, જે ભગવાન શિવની પૂજાનો વિશેષ દિવસ છે. શિવને પ્રસન્ન કરવા માટે એ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. મહાશિવરાત્રી પણ મહા મહિનાની 13મી તારીખે ઉજવવામાં આવે છે.
અન્ય દેશોમાં આવી માન્યતાઓ છે
થાઈલેન્ડમાં 13નો આંકડો શુભ મનાય છે. 13 એપ્રિલે ત્યાં નવું વર્ષ ઉજવવામાં આવે છે. ગ્રીસમાં પણ એવું જ છે. પ્રાચીન ગ્રીક પુરાણ કથાઓમાં જીસસ નામના એક શક્તિશાળી દેવ હતા, જે 13મા ક્રમના દેવતા ગણાતા. ગ્રીસમાં આજે પણ 13 નંબરને પ્રમાણિકતા, પૂર્ણતા, શક્તિ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે.
ગણિત શું કહે છે?
ગણિતના નિયમો અનુસાર નંબર 12 પૂર્ણાંક છે. વર્ષમાં 12 મહિના, ઘડિયાળમાં 12 કલાક અને રાશિઓ પણ 12 હોય છે. 12 પછી આવતા 13 નંબરમાં ‘સંતુલનનો અભાવ’ માનવામાં આવે છે. જોકે, 13 અવિભાજ્ય સંખ્યા છે, જેને ફક્ત પોતાના દ્વારા જ ભાગી શકાય છે. તેથી તે પોતે એક સંપૂર્ણ સંખ્યા છે.
આ પણ વાંચો : 2025 મંગળ વર્ષ, 4 શુભ યોગ બની રહ્યા છે, જાણો કોને મળશે ભાગ્યનો સાથ
‘ફ્રાઈડે ધ થર્ટીન્થ’ના દિવસે બહુ અકસ્માતો થાય છે! ખરેખર?
13 તારીખ અને શુક્રવારના અશુભ સંયોગનો ડર લોકોના મનમાં એવો બેસી ગયો છે કે એ દિવસે બહુ અકસ્માત થતા હોવાની માન્યતા પણ ફેલાઈ છે. તેથી ડરના માર્યા લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળતા નથી. જોકે, એક ડચ વીમા કંપનીના આંકડા કહે છે કે અન્ય દિવસોની સરખામણીએ ‘ફ્રાઈડે ધ થર્ટીન્થ’ના દિવસે અકસ્માત, ચોરી અને આગ લાગવાની ઘટનાઓ ઓછી બને છે. કારણ એટલું જ કે, એ દિવસને અપશુકનિયાળ ગણીને મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે, અને બહાર નીકળેલા લોકો પણ અકસ્માત બાબતે વધુ સજાગ રહે છે, જેને લીધે અકસ્માતો ઓછા પ્રમાણમાં બને છે. આ પણ રસપ્રદ એન્ગલ થયો- ને?
‘ફ્રાઈડે ધ થર્ટીન્થ’ બાબતે તમારું શું માનવું છે. આ સંયોગે તમને કોઈ નકારાત્મક પરચો દેખાડ્યો છે ખરો?