Pitru Paksha: શા માટે પિતૃ પક્ષમાં કાગડાને જ અર્પણ કરવામાં આવે છે ભોજન? જાણો તેના પાછળની પૌરાણિક કથા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
Pitru Paksha: શા માટે પિતૃ પક્ષમાં કાગડાને જ અર્પણ કરવામાં આવે છે ભોજન? જાણો તેના પાછળની પૌરાણિક કથા 1 - image


                                                            Image Source: Twitter

અમદાવાદ, તા. 29 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2022 એટલે કે આજથી શરૂ થઈ ચૂક્યા છે અને તેનું સમાપન 14 ઓક્ટોબરે થશે. પિતૃ પક્ષમાં પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન પિતૃઓની તિથિ અનુસાર તેમનું તર્પણ કરવામાં આવે છે અને તેમનું મનપસંદ ભોજન પણ બનાવવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે અને દાન કરવામાં આવે છે. આ દરમિયાન લોકો પિતૃઓના નામે કાગડાઓને ભોજન કરાવે છે. હિંદુ ધર્મમાં કાગડાઓને પિતૃઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. પિતૃ પક્ષ હોય ત્યારે લોકો કાગડાઓને ભોજન કરાવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે પિતૃ પક્ષમાં કાગડાઓને જ ભોજન કેમ કરાવવામાં આવે છે અને તેનું શું મહત્વ હોય છે.

શા માટે કાગડાઓને પિતૃ માનવામાં આવે છે

ધાર્મિક માન્યતા અનુસાર પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ કાગડા સ્વરૂપે પૃથ્વી પર આવે છે. શાસ્ત્રોમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યુ છે કે દેવતાઓની સાથે કાગડાએ પણ અમૃતને ચાખ્યુ હતુ. જે બાદથી એ માનવામાં આવે છે કે કાગડાના મોત ક્યારેય પણ પ્રાકૃતિક રીતે થતા નથી. કાગડા થાક્યા વિના લાંબી મુસાફરી કરી શકે છે. દરમિયાન કોઈ પણ પ્રકારની આત્મા કાગડાના શરીરમાં વાસ કરી શકે છે અને એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે. આ જ કારણોસર પિતૃ પક્ષમાં કાગડાઓને ભોજન કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મોત નીપજે છે તો તેમનો જન્મ કાગડાની યોનિમાં થાય છે. આ કારણે કાગડાઓ દ્વારા પિતૃઓને ભોજન કરાવવામાં આવે છે. 

પિતૃ પક્ષમાં કાગડા સિવાય આમને પણ ભોજન કરાવવામાં આવે છે

પિતૃ પક્ષ દરમિયાન કાગડાઓ સિવાય ગાય, કૂતરા અને પક્ષીઓને પણ ભોજન કરાવવામાં આવે છે. માન્યતા છે કે જો તેમની તરફથી ભોજનનો અસ્વીકાર થયો તો તેને પિતૃઓની નારાજગીનો સંકેત માનવામાં આવે છે. 

પિતૃ પક્ષમાં કાગડાઓને ભોજન કરાવવાની પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર ઈન્દ્ર દેવના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યુ હતુ. તે કાગડાએ એક દિવસ સીતા માતાના પગમાં ચાંચ મારી દીધી. આ સમગ્ર ઘટનાને રામજી જોઈ રહ્યા હતા. તેમણે એક દિવાસળી ફેંકી તો તે કાગડાની એક આંખમાં વાગી. તેનાથી કાગડાની એક આંખ ખરાબ થઈ ગઈ. તે કાગડાએ શ્રીરામ પાસે પોતાની ભૂલની માફી માંગી. કાગડાની માફીથી ભગવાન રામ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા કે પિતૃ પક્ષમાં કાગડાને આપવામાં આવેલા ભોજન પિતૃ લોકમાં નિવાસ કરતા પિતૃ દેવોને પ્રાપ્ત થશે. 


Google NewsGoogle News