Shani Dev: શનિદેવને સૌથી પહેલા સરસવનું તેલ કોણે ચઢાવ્યુ હતુ? જાણો પૌરાણિક કથા

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
Shani Dev: શનિદેવને સૌથી પહેલા સરસવનું તેલ કોણે ચઢાવ્યુ હતુ? જાણો પૌરાણિક કથા 1 - image


                                                                Image Source: Twitter

અમદાવાદ, તા. 14 ઓક્ટોબર 2023 શનિવાર

શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી અને પૂજામાં તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે. 

પરંતુ શનિવારના દિવસે શનિ દેવની સાથે ભગવાન હનુમાનની પણ પૂજા કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે શનિ દેવને હનુમાનજીએ વચન આપ્યુ હતુ કે શનિવારના દિવસે જે ભક્ત હનુમાનજીની પૂજા કરશે તેની પર ક્યારેય શનિદેવની ખરાબ દ્રષ્ટિ પડશે નહીં. આ કારણ છે કે શનિવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. 

શનિદેવને સરસવનું તેલ ખૂબ પસંદ છે. તેથી શનિવારના દિવસે ભક્ત સરસવના તેલ સાથે જોડાયેલા ઉપાય કરે છે અને શનિદેવને પણ સરસવનું તેલ ચઢાવે છે પરંતુ શનિદેવને સરસવનું તેલ ચઢાવવા પાછળનું રહસ્ય શું છે અને સૌથી પહેલા શનિ મહારાજને કોણે સરસવનું તેલ ચઢાવ્યુ હતુ. 

શનિદેવને સરસવનું તેલ ચઢાવવાનું રહસ્ય

જ્યારે શનિદેવને પોતાની શક્તિનો ઘમંડ થયો

એક વખત શનિ દેવને પોતાની શક્તિ પર ખૂબ ઘમંડ થઈ ગયો હતો. તેમને એવુ લાગવા લાગ્યુ કે તેમના કરતા શક્તિશાળી આ સંસારમાં બીજુ કોઈ નથી કેમ કે શનિદેવની વક્રી દ્રષ્ટિ પડવા માત્રથી જ જીવનમાં ઉથલ-પાથલ મચી જાય છે. આ ઘમંડમાં ચૂર થઈને શનિદેવ એક વનમાં પહોંચી ગયા. ત્યાં પહેલેથી જ ભગવાન હનુમાન પ્રભુ શ્રીરામની સાધનામાં લીન હતા. હનુમાનજીને જોતા જ શનિદેવે પોતાની વક્રી દ્રષ્ટિ તેમની પર નાખી પરંતુ સાધનામાં લીન હોવાના કારણે તેની અસર હનુમાનજી પર ન પડી. તેનાથી શનિ મહારાજને ખૂબ ક્રોધ આવી ગયો તેમણે હનુમાનજીને કહ્યુ, હે વાનર! જો તારી સામે કોણ ઊભુ છે?

હનુમાનજી ફરીથી શનિદેવ પર કોઈ ધ્યાન ન આપીને પોતાની સાધનામાં લીન રહ્યા. જે બાદ શનિદેવે ઘણા પ્રયત્ન કર્યા પરંતુ હનુમાનજી સાધનામાં એવા લીન હતા કે બિલકુલ પણ વિચલિત ન થયા. આટલુ બધુ થયા બાદ તો શનિદેવનો ક્રોધ સાતમાં આસમાને પહોંચી ગયો અને તેમણે ગુસ્સામાં આવીને ફરીથી હનુમાનજીને કહ્યુ, હે વાનર!. આંખો ખોલ, હુ શનિદેવ છુ તમારી સુખ-શાંતિ નષ્ટ કરવા આવ્યો છુ. આ સંસારમાં કોઈ એવુ પ્રાણી નથી જે મારો સામનો કરી શકે. 

આ વખતે શનિદેવને વિશ્વાસ હતો કે આવી વાત સાંભળીને હનુમાન જરૂર ભયભીય થઈ જશે અને તેમની માફી માંગશે પરંતુ આવુ કંઈ પણ થયુ નહીં. ખૂબ પ્રયત્ન બાદ હનુમાનજી ઉઠ્યા અને શનિદેવને સહજભાવથી કહ્યુ, હે મહારાજ તમે કોણ છો? આ સાંભળીને તો શનિદેવનો ક્રોધ વધી ગયો. તેમણે કહ્યુ, તમારી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છુ. જે બાદ તમને ખબર પડી જશે કે હુ કોણ છુ. 

હનુમાનજીને પણ શનિદેવ પર ક્રોધ આવી ગયો

હનુમાનજીએ કહ્યુ, હે મહારાજ તમે ક્યાંક બીજે જાવ, મારા પ્રભુના સ્મરણમાં અવરોધ ઊભો ન કરો. શનિદેવને હનુમાનજીની આ વાત પસંદ આવી નહી અને તેમણે હનુમાનજીનો હાથ પકડીને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે હનુમાનજીને હાથ લગાવો તો એવુ લાગ્યુ કે જાણે તેમણે કોઈક અંગારા પર પોતાનો હાથ મૂકી દીધો હોય. એક ઝટકામાં જ શનિદેવે હાથ હટાવી દીધો પરંતુ તે બાદ પણ શનિદેવનો ક્રોધ ઓછો થયો નહીં. તેમણે હનુમાનજીને કહ્યુ કે તમે શું તમારા પ્રભુ શ્રીરામ પણ મારુ કંઈ બગાડી નહીં શકે. 

શનિદેવે હનુમાનજીની માગી માફી

જે બાદ હનુમાનજીને પણ ક્રોધ આવી ગયો અને તેમણે પોતાની પૂંછથી શનિદેવને લપેટી લીધા અને તેમને પહાડો અને વૃક્ષો પર જોર-જોરથી પટકીને રગડવા લાગ્યા. આ રીતે શનિદેવની હાલત ખરાબ થઈ ગઈ અને તેમના શરીર પર ઘણી ઈજા પહોંચી. આખરે શનિદેવે હનુમાન પાસે પોતાની ભૂલ માટે માફી માગી.

તેમણે હનુમાનજીને કહ્યુ કે મારા અહંકાર અને ગેરવર્તન માટે મને માફ કરી દો. હુ ભવિષ્યમાં તમારા પડછાયાથી પણ દૂર રહીશ. ત્યારે હનુમાનજીએ કહ્યુ કે તમે માત્ર મારી નહીં પરંતુ મારા ભક્તોના પડછાયાથી પણ દૂર રહેશો. શનિદેવે હનુમાનજીને વચન આપ્યુ કે તેઓ ક્યારેય હનુમાનજીના ભક્તો પર ખરાબ દ્રષ્ટિ નાખશે નહીં. જે બાદ હનુમાનજીએ શનિદેવના ઘા પર સરસવનું તેલ લગાવ્યુ, જેનાથી તેમની પીડાનું સમાપન થઈ ગયુ. 

આ કારણે શનિદેવ પર સરસવનું તેલ ચઢાવવામાં આવે છે

સરસવના તેલથી જ્યારે શનિદેવની પીડા દૂર થઈ ગઈ તો તેમણે કહ્યુ કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શનિવારના દિવસે મને સરસવનું તેલ ચઢાવશે તેને શનિ સંબંધિત કષ્ટોથી મુક્તિ મળશે. જે બાદથી જ શનિદેવ પર સરસવનું તેલ ચઢાવવાની પરંપરા શરૂ થઈ ગઈ.


Google NewsGoogle News