નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરુપોની પૂજા, જાણો કયા રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ
Chaitra Navratri 2024: હિન્દુ ધર્મમાં નવરાત્રિનું અનેરુ મહત્ત્વ રહેલુ છે. તેમા પણ ચૈત્ર નવરાત્રિ જપ, તપ અને સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. આ સમય દરમિયાન માતાજીના પ્રિય રંગના વસ્ત્રો પહેરવા શુભ ગણાય છે. દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થાય છે. જે નવમી તિથિ એટલે કે 17 એપ્રિલના નવરાત્રિ પૂરી થાય છે.
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024થી શરુ થઈ છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે, અને નવરાત્રિના 9 દિવસ વ્રત ઉપવાસ રાખે છે, તેમના પર હંમેશા માતાની કૃપા બની રહે છે. પરંતુ તેમાં દેવી માતાની પૂજા દરમિયાન કેટલાક નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું જરુરી છે. આ સાથે નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગના વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે. આવો જાણીએ નવરાત્રિના 9 દિવસે કયા રંગના કપડાં પહેરવા શુભ છે.
શૈલપુત્રી, ચૈત્ર સુદ એકમ, 9 એપ્રિલ, મંગળવાર
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે. નવરાત્રીના પહેલા દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. જે ચંદ્રનું પ્રતીક છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી તમામ અશુભ પ્રભાવ અને અપશુકન દૂર થાય છે. આ દિવસે ભક્તોએ પીળા રંગના વસ્ત્રો પહેરવા ખૂબ લાભદાયી રહેશે.
બ્રહ્મચારિણી, ચૈત્ર સુદ બીજ, 10મી એપ્રિલ, બુધવાર
બ્રહ્મનો અર્થ તપસ્યા અને ચારિણીનો અર્થ છે, આચરણ કરનારી દેવી. માતાના હાથોમાં અક્ષત માળા અને કમંડળ હોય છે. માતા બ્રહ્મચારિણીની પૂજાથી જ્ઞાન, સદાચાર, લગન, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી. માતા બ્રહ્મચારિણીની ભક્તિથી લાંબી આયુનું વરદાન પ્રાપ્ત થાય છે. મા દુર્ગાનું બીજું સ્વરૂપ મા બ્રહ્મચારિણી છે અને નવરાત્રીના બીજા દિવસે તેમની પૂજા કરવાની પરંપરા રહેલી છે. મા બ્રહ્મચારિણી મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, અને જે ભક્ત સાચા હૃદયથી મા બ્રહ્મચારિણીની પૂજા કરે છે, તેના તમામ દુ:ખ, પીડા અને પરેશાનીઓ દૂર થાય છે. બ્રહ્મચારિણી માતાની પૂજા કરતી વખતે લીલા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ
ચન્દ્રઘંટા, ચૈત્ર સુદ ત્રીજ, 11 એપ્રિલ, ગુરુવાર
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. જે શુક્ર ગ્રહનું નિયંત્રણ કરે છે. તેમની પૂજા કરવાથી શક્તિ આવે છે અને તમામ પ્રકારના ભય દૂર થાય છે. ચંદ્રઘંટા દેવીની પૂજા કરતી વખતે ભૂરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
કૂષ્માંડા, ચૈત્ર સુદ ચોથ, 12 મી એપ્રિલ, શુક્રવાર
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કૂષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે. કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે, જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે. નવરાત્રીના ચોથા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે, ચતુર્થી તિથિ પર નારંગી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભવિષ્યમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
સ્કન્દમાતા,ચૈત્ર સુદ પાંચમ, 13 એપ્રિલ, શનિવાર
સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે . કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપરના બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેયને પકડેલા છે તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવીને કમળ પર બેઠેલાં દર્શાવાય છે એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. પંચમી તિથિ પર સફેદ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
કાત્યાય માતા, ચૈત્ર સુદ છઠ, 14 એપ્રિલ, રવિવાર
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલું છે, અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. અને દિવસે લાલ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે અને તે ગુરુ ગ્રહનું નિયંત્રણ કરે છે. કાત્યાયની માતાની પૂજા કરવાથી હિંમત અને શક્તિ વધે છે.
કાલરાત્રિ, ચૈત્ર સુદ સાતમ, 15મી એપ્રિલ, સોમવાર
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય અને સપ્તમી તિથિ પર તમારે શાહી વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
મહાગૌરી, ચૈત્ર સુદ આઠમ, 16મી એપ્રિલ, મંગળવાર
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરી એ નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. દેવીનો વર્ણ ગૌર છે. નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માતા મહાગૌરી રાહુ ગ્રહને નિયંત્રિત કરે છે અને તેમના ભક્તોના જીવનમાંથી તમામ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે.
સિદ્ધિદાત્રી ચૈત્ર સુદ નોમ, 17મી એપ્રિલ, બુધવાર
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે, પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. મા સિદ્ધિદાત્રી રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જેની પૂજા શાણપણ અને જ્ઞાન લાવે છે. નવમી તિથિ પર જાંબલી રંગના વસ્ત્રો પહેરી પૂજા કરવી શુભ માનવામાં આવે છે.