ગિરનારની લીલી પરિક્રમા સૌથી પહેલા કયા દેવતાએ કરી હતી? શું છે અહીંના ચાર પડાવનું ધાર્મિક મહત્ત્વ
Importance of Lily Parikrama : આધ્યાત્મિક અને પ્રાકૃતિક ઊર્જાના કેન્દ્ર એવા ગિરનારની લીલી પરિક્રમા શરુ થઈ ગઈ છે. કારતક માસમાં દેવ ઊઠીઅગિયારસથી શરુ થઈને પૂનમ સુધી ચાલતી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આગવું ધાર્મિક મહત્ત્વ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી પરિક્રમા માટે ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે, ત્યારે ચાલો જાણીએ કે સૌથી પહેલાં ગિરનારની લીલી પરિક્રમા કોણે કરી હતી અને પરિક્રમાના 4 પડાવોનું મહત્ત્વ શું છે?
ભગવાન વિષ્ણુના આગમનની ઉજવણી
હિન્દુઓ કારતક સુદ અગિયારસની ઉજવણી દેવ ઊઠીએકાદશી તરીકે કરે છે. પુરાણો કહે છે કે, આજના પાવન દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોક છોડીને પૃથ્વી લોક પધારે છે. તેમના આગમનને વધાવવા માટે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
સૌથી પહેલાં આ દેવતાએ કરી હતી ગિરનારની લીલી પરિક્રમા
ગિરનારની લીલી પરિક્રમા યુગો-યુગોથી ચાલતી આવી હોવાની માન્યતા છે. સનાતન ધર્મની આ પરંપરા અન્ય કોઈએ નહીં પણ શ્રીવિષ્ણુના જ અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણએ શરુ કરી હતી, એવું કહેવાય છે. શ્રીકૃષ્ણે તેમના અષ્ટ સખાઓ સાથે મળીને ગિરનારની પરિક્રમા કરી હતી, જેમાં પાંડવો પણ સામેલ થયા હતા. પરિક્રમાનો ત્રીજો પડાવ છે ‘બોરદેવી’, જ્યાં બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે શ્રીકૃષ્ણે તેમનાં બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા. ત્યારથી ગિરનારની લીલી પરિક્રમાની શરુઆત થઈ હોવાનું કહેવાય છે.
આધુનિક સમયમાં પરિક્રમાની શરુઆત કોણે કરી હતી?
આધુનિક સમયમાં ગિરનારની લીલી પરિક્રમાની શરુઆત વર્ષ 1919માં થઈ હતી, જે બગડું ગામના રહેવાસી અજાબાપા દ્વારા કરાઈ હતી. જૂનાગઢથી 15 કિલોમીટર દૂર આવેલ બગડું ગામમાં અજાબાપાનું સમાધિસ્થળ જોવા મળે છે, જ્યાં એમના દ્વારા શરુ કરાયેલ પરિક્રમાની નોંધ સ્મૃતિ રૂપે રાખવામાં આવી છે. કહેવાય છે કે અજાબાપા દરરોજ સવારે બગડું ગામથી દામોદર કુંડ સુધી ચાલીને જતા અને કુંડ ખાતે વસવાટ કરતાં ફરાળી બાવાને ગાયના દૂધની છાસ આપતા. તેમની સેવાથી ફરાળી બાવા પ્રસન્ન થયા હતા અને એમણે જ અજાબાપાને ગિરનારની પરિક્રમા કરવા માટે પ્રેરિત કર્યા હતા. અજાબાપાએ પરિક્રમા કરી ત્યારથી લઈને આજ સુધી પ્રતિ વર્ષ ભક્તો ગિરનારની પરિક્રમા કરતા રહ્યા છે.
4 યુગનું પ્રતિનિધિત્વ કરતાં 4 પડાવ
ગિરનારની લીલી પરિક્રમાના 4 પડાવ 4 યુગનું પ્રતિનિધિત્વ કરતાંં હોવાની માન્યતા છે, જે નીચે મુજબ છે.
- પરિક્રમાનો પ્રથમ પડાવ ‘જીણા બાવાની મઢી’ છે, જેને સતયુગના પ્રતિનિધિ ગણવામાં આવે છે. સાધુ-મહાત્માની એક બેઠકમાં બધાં સિદ્ધપુરુષો પોતપોતાની શક્તિઓ વિશે વાત કરતા હતા ત્યારે જીણા બાવાને એમની શક્તિ વિશે પૂછવામાં આવતાં જીણા બાવાએ નાનકડી ચલમ સોંસરવા પસાર થઈને પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. તેથી તેમને જીણા બાવા એવું નામ મળ્યું હતું. ભવનાથથી જીણા બાવાની મઢીનું અંતર 12 કિલોમીટરનું છે.
- બીજો પડાવ ‘માળવેલા’ છે, જે ત્રેતાયુગનું પ્રતિનિધિત્વ કરે છે. ચઢાણમાં મુશ્કેલ એવો આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. સ્વયં ભગવાન શિવ આ સ્થળે વિચરતાં હોવાથી આ સ્થળ વિશેષપણે મહત્ત્વપૂર્ણ ગણાય છે. પહેલા પડાવથી બીજા પડાવ વચ્ચેનું અંતર 8 કિલોમીટર છે.
- દ્વાપર યુગ સાથે જોડવામાં આવે છે ત્રીજો પડાવ છે ‘બોરદેવી’. આ સ્થળ બાબતે વિશેષ માન્યતા એવી છે કે અહીં બોરડીના ઝાડમાંથી મા જગદંબા શક્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એમણે ભગવાન શ્રીકૃષ્ણને દર્શન આપ્યા હતા. તેથી બોરદેવી માતા ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પણ પૂજાય છે. આ સ્થળ માળવેલાથી 8 કિલોમીટર દૂર છે.
- પરિક્રમાનો ચોથો અને છેલ્લો પડાવ તે ‘ભવનાથ’, જેને કળયુગ સાથે જોડવામાં આવે છે. આ પડાવે શ્રીફળ વધેરીને પરિક્રમાની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ત્રીજા પડાવથી ભવનાથનું અંતર પણ 8 કિલોમીટર છે.
પરિક્રમા આ રીતે કરવાની હોય છે
પરંપરાગત રીતે જોઈએ તો 36 કિલોમીટર લાંબી પરિક્રમા પૂરી કરતાં 4 દિવસ લાગે છે. ભક્તજનો એકાદશીની મધ્યરાત્રિથી ભવનાથથી પરિક્રમા શરુ કરે છે, અને નિશ્ચિત સ્થળ સુધી જઈને ત્યાં રાત્રિ રોકાણ કરીને બીજા દિવસે વહેલી સવારે આગામી પડાવ તરફ જવા પદયાત્રા કરતા હોય છે. નિશ્ચિત સ્થળે પડાવ કરીને, રાત્રિ રોકાણ કરીને ત્યાં કુદરત સાથે તાદાત્મ્ય સાધીને પરિક્રમા કરાય, તો જ સાચા અર્થમાં ગિરનારની પરિક્રમા કરી કહેવાય. તમે ગમે એટલા તંદુરસ્ત અને તરવરિયા હો, તોય તમારે પરિક્રમા ઉતાવળે પૂરી કરી દેવાની હોતી નથી. જંગલમાં પ્રકૃતિના સાંનિધ્યમાં રહીને આધ્યાત્મિક ઐક્ય સાધવાના હેતુસર જ આ પરિક્રમા થવી જોઈએ, પણ આધુનિક જમાનામાં પરંપરા પાછલે પાયે ધકેલાઈ ગઈ છે.
આ પણ વાંચો : ગિરનારની લીલી પરિક્રમા: સિંહ-દીપડાને પકડવા પહેલીવાર 20થી વધુ પાંજરા ગોઠવાયા
પરંપરા મુજબ પરિક્રમા નહીં કરનારો વર્ગ વધી રહ્યો છે
ગિરનારની પરિક્રમા વિધિવત પૂર્ણ કરવાથી ભવભવના પુણ્યનું ભાથું બાંધી લેવાતું હોવાનું કહેવાય છે. જોકે, હવેના સમયમાં પરંપરા વિસરીને 4 દિવસને બદલે 24 કલાકમાં પરિક્રમા પૂરી કરી દેવાનું ચલણ વધી ગયું છે. પરિક્રમાર્થીઓ એક પણ પડાવ પર રાત્રિ રોકાણ કર્યા વિના ફટાફટ ચાલીને જાણે કરવા પૂરતું કરતાં હોય એમ પરિક્રમા પૂરી કરી નાંખે છે, જેથી પરિક્રમાનું મહત્ત્વ ઘટી જાય છે. આવું કરનારાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. ખરેખર તો 4 દિવસમાં 4 પડાવ પર રોકાઈને કરેલી પરંપરાગત પરિક્રમાથી તન અને મનને આધ્યાત્મિક, શારીરિક અને પ્રાકૃતિક લાભ પણ મળતા હોય છે.
હિન્દુ દેવતાઓનું ઘર છે ગિરનાર
હિમાલય કરતાંય જૂના એવા ગિરનાર પર્વત પર હિન્દુ ધર્મના 33 કોટી દેવતા અને 64 જોગણીઓનો વાસ હોવાની માન્યતા છે. ગિરનારની તળેટીમાં ગુરુ દત્તાત્રેય દ્વારા તપસ્યા કરવામાં આવી હતી, તેથી તેમને ગિરનારના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે. વિષ્ણુના અવતાર એવા ગુરુ દત્તાત્રેયનું મંદિર ગિરનાર પર્વત પર વિદ્યમાન છે.